Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > કળિયુગના શ્રવણકુમારે પપ્પાને કરાવી બાઇક યાત્રા

કળિયુગના શ્રવણકુમારે પપ્પાને કરાવી બાઇક યાત્રા

06 October, 2022 02:04 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

ટ્રિપ દરમિયાન હનલે ક્ષેત્રમાં આકાર લઈ રહેલી દેશની પ્રથમ નાઇટ સ્કાય સૅન્ક્ચ્યુઅરીની મુલાકાત લઈ આવેલી પિતા-પુત્રની આ જોડીએ ખેડેલી સાહસિક યાત્રાની રોમાંચક કહાણી અહીં પ્રસ્તુત છે

કળિયુગના શ્રવણકુમારે પપ્પાને કરાવી બાઇક યાત્રા

અલગારી રખડપટ્ટી

કળિયુગના શ્રવણકુમારે પપ્પાને કરાવી બાઇક યાત્રા


૬૧ વર્ષના પપ્પા પોતાની યુવાનીના દિવસોને ફરીથી જીવંત કરી શકે એ માટે વાલકેશ્વરના ભાવિન નાગડાએ તેમને બાઇકની પાછળની સીટ પર બેસાડી મુંબઈથી લદાખ સુધીનો હજારો કિલોમીટરનો પ્રવાસ કરાવ્યો. ટ્રિપ દરમિયાન હનલે ક્ષેત્રમાં આકાર લઈ રહેલી દેશની પ્રથમ નાઇટ સ્કાય સૅન્ક્ચ્યુઅરીની મુલાકાત લઈ આવેલી પિતા-પુત્રની આ જોડીએ ખેડેલી સાહસિક યાત્રાની રોમાંચક કહાણી અહીં પ્રસ્તુત છે

મોટરસાઇકલ પર લેહ-લદાખનો પ્રવાસ કરનારા ટ્રાવેલરો વિશે આપણે ઘણી વાર સાંભળ્યું છે. ઍડ્વેન્ચરસ ટ્રાવેલિંગના શોખીન યંગ બાઇકર્સમાં આ રૂટ પૉપ્યુલર છે, પરંતુ બ્લડ-પ્રેશરની સમસ્યા ધરાવતા સિનિયર સિટિઝનને પાછળની સીટ પર બેસાડી અહીંના રસ્તા પર બાઇક ચલાવવામાં ઘણું જોખમ છે અને ભાગ્યે જ કોઈ બાઇકર્સ આવું સાહસ કરે. વાલકેશ્વરના ૩૪ વર્ષના આર્કિટેક્ટર ભાવિન નાગડાએ ૬૧ વર્ષના પપ્પા વિજયભાઈને મુંબઈથી લદાખ સુધીનો બાઇક-પ્રવાસ કરાવી આ પરાક્રમ કરી બતાવ્યું છે. તેમના સાહસની ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સે પણ નોંધ લીધી છે. જોકે પિતા-પુત્રની જોડીએ ટ્રિપ પ્લાન કરતાં પહેલાં ઘણી પૂર્વતૈયારી કરી હતી. તેમની તૈયારીઓ અને અનુભવોની રોમાંચક કહાણી અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. 



બાઇક ખરીદી


૧૯૬૨માં ભારત-ચીન યુદ્ધ દરમિયાન દેશમાં શું સ્થિતિ હતી, યુવાનીના દિવસોમાં ઇન્દોર, પાણીપત અને દિલ્હીમાં કઈ જગ્યાએ રહેતા હતા, એ જમાનામાં ખંડાલાથી મુંબઈ આવતી ટ્રકને કેટલા કલાક લાગતા, સાઉથના રસ્તા કેવા છે, બાઇક પર હરવાફરવાની કેવી મજા આવતી વગેરે જાતજાતની વાતો પપ્પાના મોઢે બાળપણથી સાંભળતો આવ્યો છું. કામકાજના કારણે તેમની અનેક જગ્યાએ ટ્રાન્સફર થયા કરતી. યંગ એજમાં પપ્પા બાઇક ચલાવતા હતા અને મને પણ તેમણે જ શીખવાડી છે. મારામાં બાઇકરાઇડિંગનું પૅશન તેમના કારણે ડેવલપ થયું. તેમને જૂની યાદો તાજી કરવી ગમે છે એવી સમજણ વિકસી ત્યારથી મનોમન નક્કી કર્યું હતું કે પપ્પા પોતાની યુવાનીના દિવસોને ફરીથી જીવી શકે એવો પ્રવાસ કરાવવો છે. જોકે પ્લાનને એક્ઝિક્યુટ કરવામાં લગભગ એક દાયકો લાગ્યો એવી જાણકારી આપતાં ભાવિન કહે છે, ‘મુંબઈ ટુ લદાખની ટ્રિપ કરવાનો વિચાર ૨૦૧૨માં આવ્યો હતો પણ મારી પાસે જે બાઇક હતી એમાં સાત હજાર કિલોમીટર જેટલો લાંબા અંતરનો પ્રવાસ શક્ય નહોતો. બાઇક ટ્રિપ એટલે માત્ર પેટ્રોલનો ખર્ચ એવું નથી હોતું. પ્લાનને એક્ઝિક્યુટ કરવા સૌથી પહેલાં મોટી સાઇઝની કમ્ફર્ટેબલ બાઇક જોઈએ. રોડ કન્ડિશનમાં ફિટ થઈ શકે, કમ્ફર્ટ, સેફ્ટી, કિચન ઇક્વિપમેન્ટ્સ અને લગેજ માટે સ્પેસ એમ બધું મળી રહે એવી બાઇકની ​કૉસ્ટ હાઈ હોવાથી પ્લાન ધીમી ગતિએ આગળ વધ્યો. ૨૦૧૮માં Benelli TRK 502x ખરીદી. ત્યાર બાદ એક-એક કરીને ગિઅર, શૂઝ, હેલ્મેટ, જૅકેટ્સ, કમ્યુનિકેશન ડિવાઇ​સ, ચાર્જિંગ પૉઇન્ટ સહિતની લૉન્ગ રૂટ ટ્રાવેલિંગ માટે આવશ્યક ઍક્સેસરીઝ વસાવતો ગયો. છ વર્ષ આમ જ નીકળી ગયાં. આ ગાળામાં મારા કેટલાક ફ્રેન્ડ્સ બાઇક લઈને લદાખ જતા હતા પણ મારી એક જ જીદ હતી કે જઈશ તો પપ્પાને લઈને અન્યથા નથી જવું; કારણ કે તેમણે જીવનમાં સંઘર્ષ કર્યો છે, પ્રવાસો કરવાની તક નથી મળી. એમાંય નૉર્થ ઇન્ડિયા તો ફર્યા જ નથી.’


તાલીમ લીધી

ટ્રિપ દરમિયાન પપ્પાને જરાસરખી તકલીફ ન થાય તેમ જ અમારો પ્રવાસ હેમખેમ પાર ઊતરે એ માટે બાકાયદા તાલીમ લીધી હતી એવી માહિતી શૅર કરતાં ભાવિન કહે છે, ‘નૉર્મલ લાઇફમાં મુંબઈના રસ્તાઓ પર બાઇક ચલાવવી અને લદાખની ટ્રિપ કરવામાં ઘણો ફરક છે. સૌથી પહેલાં તો Benelli TRK 502x ચલાવતાં આવડવું જોઈએ. પહેલાં ક્યારેય વજનમાં હેવી મૉડલને ચલાવવાનો અનુભવ નહોતો તેથી શોરૂમમાંથી બહાર કાઢી એવી જ સ્લિપ થઈ ગઈ. એ વખતે પૅનિક થઈ ગયો કે ટ્રિપ કેમ થશે? મારું ડિસિઝન ગલત તો નથીને એવું ટેન્શન થઈ ગયું. પૂછપરછ બાદ ખબર પડી કે લોનાવલાના રિમોટ એરિયામાં ખરાબ રસ્તાઓ પર આવી બાઇક ચલાવવાની તાલીમ આપવામાં આવે છે. કોઈ રિસ્ક નહોતું લેવું એટલે છ મહિના સુધી દર વીક-એન્ડમાં લોનાવલા જઈને ટેક્નિકલ ટ્રેઇનિંગ લીધી. કેવી રીતે બ્રેક મારવાની, કઈ રીતે ઓવરટેક કરીને આગળ વધવાનું, ગિઅર ક્યારે ચેન્જ કરવાનાં વગેરે શીખવા દિવસમાં આઠ કલાક બાઇક ચલાવવાની હોય. મુંબઈથી લોનાવલા જઈએ એમાં હાઇવે પર ચલાવવાનો અનુભવ પણ મળે. કૉન્ફિડન્સ બિલ્ટ થયો પછી ટ્રિપનો દિવસ ફાઇનલ થયો.’

મેમરેબલ જર્ની

ટોટલ ૨૩ દિવસની ટ્રિપ પ્લાન કરી હતી એવું જણાવતા તેઓ કહે છે, ‘પપ્પાની સલામતી અને કમ્ફર્ટ ફર્સ્ટ પ્રાયોરિટી હતી તેથી આ ટ્રિપ થોડી લૅવિશ કહી શકાય અને એટલે જ લાંબી રાહ જોવી પડી. રાતના રોકાવા માટે સારી હોટેલ અને સ્વાદિષ્ટ જમવાનું ક્યાં મળશે એ શોધી કાઢ્યું. બાય રોડ લદાખનો પ્રવાસ કરી આવેલા લોકો સાથે વાતચીત કરી. સ્નોફૉલ ક્યારે થાય, વરસાદ ક્યારે પડે, એ વખતે શું કરવાનું એવી તમામ જાણકારી મેળવ્યા બાદ ટ્રિપનો દિવસ નક્કી કર્યો. અમારી સામે બે રૂટ હતા, સેન્ટ્રલ મધ્ય પ્રદેશથી દિલ્હી થઈને આગળ વધવાનું અને બીજો વિકલ્પ હતો વેસ્ટર્ન હાઇવે અમદાવાદ-ઉદયપુરથી દિલ્હી-ચંડીગઢ થઈને આગળ વધવું. અમદાવાદ રોડ સેફ લાગતાં એ પસંદ કર્યો. મુંબઈથી વડોદરા સુધીનો પ્રવાસ સ્મૂધલી થઈ ગયો. આ ફર્સ્ટ સ્ટે હતો. ત્યાર બાદ ઉદયપુર હૉલ્ટ લીધો. હિમાચલ પ્રદેશનાં કેટલાંક સ્થળો એક્સપ્લોર કરવા મનાલીમાં રાત રોકાયા હતા. સવારે નવ વાગ્યે બ્રેકફાસ્ટ કરીને હોટેલમાંથી ચેકઆઉટ કરી લેતા અને સાંજ સુધી બીજા ડેસ્ટિનેશન પર પહોંચી જતા. પપ્પાને લઈને રાતના અંધારામાં બાઇક નહીં ચલાવવાનો નિર્ણય પહેલેથી લીધો હતો. જુદાં-જુદાં સ્થળોની બ્યુટીને એન્જૉય કરતાં-કરતાં સાત દિવસે લદાખ પહોંચ્યા.’

૧૯૬૨માં ભારત-ચીન યુદ્ધ થયું હતું એ જગ્યાઓ પાસેથી પસાર થયા. વર્ષોથી ઘરમાં જે વાતો થતી હતી એને રિયલ લાઇફમાં જીવી આવ્યા. હાડ થિજાવી નાખે એવી ઠંડી અને ખરાબ રસ્તાના કારણે એક વાર ગિવઅપ કરવાનો વિચાર આવ્યો હતો. પછી પપ્પાએ કહ્યું કે અહીં સુધી આવ્યા છીએ તો હવે ફરીને જઈશું. કેટલીક જગ્યાએ બાઇક ચલાવવામાં તકલીફ થઈ હતી. રિટર્નમાં થકાવટ હતી. એમાં હન્ડે વિસ્તાર છોડ્યા પછી બાઇકના ટાયરમાં કટ થઈ ગયો. આ બાઇકનું ટાયર નજીકમાં નજીક દિલ્હીમાં મળે, જે ૧૫૦૦ કિલોમીટર દૂર હતું. કટ થયા પછી કેટલા કિલોમીટર ચલાવી શકાય એની ટ્રેઇનિંગ કામ લાગી. ખૂબ જ સંભાળીને બાઇક ચલાવી દિલ્હી પહોંચ્યા. ઇન્દોર સાથે પપ્પાને ખાસ લગાવ હોવાથી રિટર્નમાં અહીં બે દિવસ વિતાવ્યા. ઓવરઑલ એક્સ્પીરિયન્સ ખૂબ સારો રહ્યો. બ્લડ-પ્રેશરની દવા નિયમિતપણે લેતા હતા તેથી હાઈ ઍલ્ટિટ્યુડમાં પપ્પાને કોઈ પ્રૉબ્લેમ નહોતો આવ્યો. આટલી ઠંડીમાં ટેન્ટ-કૅમ્પિંગનો આનંદ પણ ઉઠાવ્યો. પ્રવાસમાં કદમ સાથે કદમ મિલાવી તેઓ જે રીતે ચાલતા હતા એ જોઈને લોકોને આશ્ચર્ય થતું. આવી ટ્રિપમાં સામાન્ય રીતે પિતા-પુત્રની જોડી જોવા નથી મળતી તેથી ઘણા લોકો મને શ્રવણકુમાર કહીને બોલાવતા. અમારી આ ટૂરને રેકૉર્ડ બુકમાં સ્થાન મળ્યું છે અને આ વર્ષના અંતે ગોવામાં આયોજિત ઇન્ડિયા બાઇક વીક ૨૦૨૨માં લદાખ ટેન્ટ સેક્શનમાં પોતાના એક્સ્પીરિયન્સ શૅર કરવા માટે મને આમંત્રણ આપવામાં આવ્યું છે.’

નાઇટ સ્કાય સૅન્ક્ચ્યુઅરી

ઍસ્ટ્રો-ટૂરિઝમને પ્રમોટ કરવા લદાખમાં તૈયાર થઈ રહેલી દેશની પહેલી નાઇટ સ્કાય સૅન્ક્ચ્યુઅરી ટૂરિસ્ટોમાં પૉપ્યુલર થાય એ પહેલાં અમે એેની મુલાકાત લઈ આવ્યા એવું ઉત્સાહ સાથે જણાવતા ભાવિન કહે છે, ‘ટૂરિસ્ટો ખાસ જતા નથી એવા લદાખના રિમોટ એરિયા એક્સપ્લોર કરવાનો અનુભવ રોમાંચક રહ્યો. બાઇક પંક્ચર થઈ જાય તો સો કિલોમીટર સુધી કંઈ ન મળે એવી જગ્યા જોઈ આવ્યા. અહીં હેન્લે ક્ષેત્રમાં જાયન્ટ ટેલિસ્કોપ મૂકવામાં આવ્યું છે. મજાની વાત એ કે ટેલિસ્કોપને બૅન્ગલોરથી ઑપરેટ કરવામાં આવે છે. હાલમાં જ મોદીજીએ હેન્લેને ડાર્ક સ્કાય રિઝર્વ જાહેર કર્યું છે, જ્યારે આ સ્થળ જોવાનું અમારું દસ વર્ષ જૂનું ડ્રીમ હતું. જીવનમાં પહેલી વાર આકાશમાં આટલા બધા ઝગમગતા તારાઓ અને વિશાળ ટેલિસ્કોપ જોયાં. અહીં સુધી પહોંચવાનો રસ્તો ઘણો ડિફિકલ્ટ હતો, પરંતુ તારાઓની દુનિયા જોઈને બધી થકાન દૂર થઈ ગઈ.’

જીવન સફળ થયું

દીકરાએ કરાવેલી યાત્રા સંદર્ભે વાત કરતાં વિજયભાઈ કહે છે, ‘એક જમાનામાં ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરી હોવાથી બાઇક અને હેવી વેહિકલ્સની જાણકારી છે. એ સમયે બાઇકિંગનો ઘણો શોખ હતો પણ આવાં સાહસો નથી કર્યાં. પુત્રમાં મારું પ્રતિબિંબ જોતો અને તેને બાઇક પર રોડ ટ્રિપ માટે પ્રોત્સાહિત કરતો. જોકે આટલા લાંબા અંતરના પ્રવાસ પર મને લઈ જશે એની કલ્પના નહોતી કરી. અમે જ્યાં જતા લોકો ઍપ્રીશિયેટ કરતા. અન્ય બાઇકર્સ મારી સાથે ફોટો પડાવતા ત્યારે સેલિબ્રિટી હોઉં એવું ફીલ થતું. ઇન્દોરમાં મારા જૂના મિત્રો સાથે મેળાપ થયો, જૂની ઑફિસની મુલાકાત લીધી અને અહીંની ફેમસ છપ્પન સ્ટ્રીટમાં ખાણીપીણીનો જલસો યાદગાર હતો. જ્યાં જઈએ ત્યાં બધા ભાવિનને કળિયુગનો શ્રવણકુમાર કહેતા ત્યારે અ​તિ આનંદ થતો.’

અઢી લાખ કિલોમીટર

મુંબઈ-વડોદરા-ઉદયપુર-ચંડીગઢ-મનાલી-રુમત્સે-લેહ-હુન્ડેર-પેંગોન્ગ-હેન્લે-કારગિલ-ઉધમપુર-અમ્રિતસર-ઝાંસી-ઇન્દોર-મુંબઈ. પપ્પાને લઈને આ રૂટ પર ૨૩ દિવસનો પ્રવાસ ખેડનારા ભાવિને પોતાની લાઇફમાં અંદાજે અઢી લાખ કિલોમીટર બાઇક ચલાવી છે. 

Whatsapp-channel Whatsapp-channel

06 October, 2022 02:04 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK