° °

આજનું ઇ-પેપર
Friday, 09 December, 2022


આ ઓલ્ડી ગોલ્ડી કપલની મોટર ચાલી પોમ પોમ પોમ

07 July, 2022 12:46 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

પોતાની ગાડીમાં જ દુનિયા ફરવાનું સપનું જોનારા મલાડના આ કપલમાં ડ્રાઇવિંગની જવાબદારી ૬૫ વર્ષનાં હંસા સાવલાની છે અને આઇટિનરરી રેડી કરે છે તેમના ૬૯ વર્ષના હસબન્ડ જગજીવનભાઈ.

હંસા સાવલા અને જગજીવનભાઈ અલગારી રખડપટ્ટી

હંસા સાવલા અને જગજીવનભાઈ

છેલ્લાં ત્રણ વર્ષમાં મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કેરળ, ગુજરાત અને રાજસ્થાન આટલાં રાજ્યોનાં ઓછાં જાણીતાં સ્થળોએ તેઓ લગભગ ૫૫ હજાર કિલોમીટર જેટલું અંતર પોતાની મોટરગાડીમાં કાપી ચૂક્યાં છે

રુચિતા શાહ
ruchita@mid-day.com
‘માય વાઇફ ઇઝ પ્રિપેડ લાઇફ લૉન્ગ ડ્રાઇવર ફૉર મી.’ 
ફોટોગ્રાફીના પ્રોફેશનમાંથી નિવૃત્ત થયેલા ૬૯ વર્ષના જગજીવનભાઈ બહુ પ્રાઉડલી આમ કહે છે. હકીકતમાં અત્યારે આ કપલ તામિલનાડુની ટ્રિપ પર છે અને તેઓ છેલ્લાં ચાર વર્ષથી પોતાની બધી જ ટ્રિપ બાય રોડ જાતે કરે છે અને એમાં ડ્રાઇવિંગ સીટ પર હોય છે તેમનાં ૬૫ વર્ષનાં પત્ની. અત્યારે પણ તેમણે લગભગ ૫૫ હજાર કિલોમીટરનો પ્રવાસ પાર પાડ્યો છે, જેમાંથી લગભગ પચાસ હજાર કિલોમીટરનું ડ્રાઇવિંગ તેમનાં પત્નીએ કર્યું છે. પોતાની ગાડી લઈને ફરવા જવાનો એક જુદો જ અનુભવ હોય છે એ આ ઓલ્ડી ગોલ્ડી કપલ પાસેથી જાણવા જેવું છે. મલાડમાં રહેતાં જગજીવનભાઈ અને હંસાબહેનને ફરવાનું ઘેલું અને એમાં પણ પોતાની ગાડી લઈને ફરવાનું ઘેલું કેવી રીતે લાગ્યું એની રસપ્રદ વાતો જાણીએ આજે. 
વર્ષોનો વિચાર
તામિલનાડુમાં તમને કોડાઈકેનાલ અને ઊટીની ખબર હશે પણ એરકડ અને એલગિરિનું નામ સાંભળ્યું છે? આ કપલ અત્યારે ત્યાં જ છે. છેલ્લા પંદર દિવસથી તેઓ ફરી રહ્યાં છે. બાય રોડ યાત્રા કેવી રીતે શરૂ થઈ એની વાત કરતાં જગજીવનભાઈ કહે છે, ‘હું ફોટોગ્રાફર છું. હવે જોકે પ્રોફેશનલી રિટાયર્ડ થઈ ગયો છું પરંતુ વિવિધ જગ્યાએ ફોટોગ્રાફિક પ્રોડક્ટ્સનાં એક્ઝિબિશન થતાં હોય ત્યાં અમે હાજરી આપતાં હોઈએ, કારણ કે અમુક પ્રોડક્ટ્સનું અમે પોતે 
પણ મૅન્યુફૅક્ચરિંગ કરીએ છીએ. ૨૦૧૮ની વાત છે. આવી જ રીતે બૅન્ગલોરમાં એક એક્ઝિબિશન હતું, જેમાં અમે હાજરી આપવા જવાનાં હતાં. એ સમયે મને થયું કે ચાલો, આપણે ગાડી લઈને જ જઈએ. જોકે આટલું લાંબું ડિસ્ટન્સ અમે એકલાં જાતે ડ્રાઇવ કરીને જઈએ એ વાતે મારો દીકરો સહમત નહોતો. આવવા-જવાના બે હજાર કિલોમીટર થાય, જે બહુ કહેવાય એમ કહીને તેણે એક વચ્ચેનો રસ્તો દેખાડ્યો. તેના એક મિત્રની ગાડી મુંબઈ હતી, જે ત્યાં જ મોકલવાની હતી. તેણે અમને વનવે ટ્રાવેલ કરીને જવા કહ્યું. ઍટ લીસ્ટ ડિસ્ટન્સ અડધું થઈ ગયું. અમે ઊપડી ગયાં. મારાં વાઇફ દસેક વર્ષ પહેલાં ડ્રાઇવિંગ શીખેલાં. તેણે થોડોક ટાઇમ મને ચલાવવા દો કહીને ડ્રાઇવિંગ શરૂ કર્યું. એ પહેલાં તેણે ૭૫ કિલોમીટર પણ એકધારું ચલાવ્યું નહોતું, પણ એ દિવસે તેણે એકસામટું ૭૫૦ કિલોમીટર ચલાવ્યું. એ જે ડ્રાઇવિંગ તેણે શરૂ કર્યું કે આજ સુધી હવે તે જ ચલાવે છે. તેનો ગાડી પર જે હોલ્ડ છે એ જોઈને પણ મને તાજ્જુબ થાય છે.’
ડબલ ફાયદો
જનરલી આ કપલ પોતાના કામ સાથે જ પ્રવાસને ક્લબ કરી દેતું હોય છે. જગજીવનભાઈ કહે છે, ‘નિયમિત આવાં એક્ઝિબિશિન લાગતાં હોય છે. અમારે એમાં જવાનો પ્લાન એવો હોય કે થોડાં વહેલાં જઈએ અને એક્ઝિબિશન પતાવીને પાછાં પણ થોડાંક મોડાં આવીએ. ચાર દિવસ કામ પતાવીએ અને બાકીના દસ-બાર દિવસ આજુબાજુની ઇન્ટીરિયર જગ્યાઓને એક્સપ્લોર કરીએ. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હૈદરાબાદ જેવી જગ્યાઓ આ જ રીતે અમે ફરી આવ્યાં છીએ. જ્યારે એકલાં આ રીતે ફરતાં હોઈએ ત્યારે બધી જ જરૂરિયાતની વસ્તુઓ સાથે હોય જ. રસ્તામાં ડ્રાઇવિંગ સીટ પર હંસાને જોઈને ઘણા લોકોને તાજ્જુબ પણ થાય. જોઈને ચહેરા પર સ્માઇલ પણ આવી જ જાય લોકોને. ડ્રાઇવિંગ સીટ પર સિનિયર લેડીને જોઈને ટ્રાફિક-પોલીસ પણ અમને ક્યાંય હેરાન નથી કરતા. મારા અનુભવ પરથી કહું છું કે તમે જ્યારે સેલ્ફ-ડ્રાઇવ સાથે લૉન્ગ ટ્રિપ પર જતા હો તો ગાડીમાં પંક્ચર કિટ, ઍર પ્રેશર પમ્પ, ફ્યુઝ અને બલ્બ હોવા જ જોઈએ. મહારાષ્ટ્રના ઇન્ટીરિયર વિસ્તારના રસ્તાઓ અમને સૌથી ખરાબ મળ્યા છે. એની સામે સાઉથના રસ્તાઓ બેસ્ટ છે.’
સેફ ડ્રાઇવ માટે આ કપલનો નિયમ છે કે સનરાઇઝ પહેલાં હોટેલ પરથી નીકળી જવાનું અને સનસેટ પહેલાં પહોંચી જવાનું. તેઓ રોડ ટ્રિપર્સ ગ્રુપના સભ્ય પણ બની ગયાં છે. મોટા ભાગે રસ્તામાં હોટેલ માટે તેઓ ઍડ્વાન્સ બુકિંગ નથી કરતાં હોતાં પરંતુ એ સિવાયનું ડીટેઇલ્ડ પ્લાનિંગ તેઓ કરીને જ નીકળે. જગજીવનભાઈ કહે છે, ‘એક મહિના પહેલાંથી અમે જ્યાં જવાનાં છીએ ત્યાંની ઝીણી-ઝીણી માહિતી પર રિસર્ચ કરવાનું હું શરૂ કરી દેતો હોઉં છું.’
રસ્તાની મજા
જ્યારે પણ પહાડો પર બાય રોડ નીકળો ત્યારે એમાં સર્પાકાર વળાંકો સામાન્ય બાબત છે. આકરામાં આકરા વળાંકોમાં પણ હંસાબહેન બહુ જ સ્મૂધલી ડ્રાઇવ કરી લે છે. તેઓ કહે છે, ‘એની જ તો મજા છે. એ જ અસલી ઍડ્વેન્ચર છે. આ જ ટ્રિપમાં અમે કોલિ હિલ્સ નામની જગ્યા છે જ્યાં ૨૪ કિલોમીટરના રૂટ પર લગભગ ૭૦ જેટલા વળાંકો છે ત્યાં જઈ આવ્યાં. ઘણા બાઇકર્સનું પણ આ રૂટ પર બાઇક ચલાવવાનું ડ્રીમ હોય છે. ખરેખર, અહીંનો પ્રવાસ ખૂબ જ રોમાંચક રહ્યો. ક્યારેક મૅપના આધારે ખોટો ટર્ન લઈ લેવાય, પરંતુ મારા હસબન્ડનું પેપર પ્લાનિંગ એટલું જોરદાર હોય છે કે બહુ રૅરલી આવી તકલીફો પડે.’

અમારું ડ્રીમ

આ કપલની ઇચ્છા છે કે તેઓ નૉર્થ ઈસ્ટ અને લદ્દાખ બાય રોડ જાતે ટ્રાવેલ કરીને જાય. તો સાથે જ એક ઇચ્છા એવી પણ છે કે અમેરિકાના ઈસ્ટ કોસ્ટથી વેસ્ટ કોસ્ટ તેઓ ગાડીમાં જાતે ડ્રાઇવ કરીને જાય. જગજીવનભાઈ કહે છે, ‘વર્ષો પહેલાં અમે આ સપનું જોયું છે. જો કોવિડ ન આવ્યો હોત તો કદાચ એ અત્યાર સુધીમાં પૂરું પણ થઈ ગયું હોત. ’

07 July, 2022 12:46 PM IST | Mumbai | Ruchita Shah

અન્ય લેખો

ટ્રાવેલ

ફૂડ છે આ કપલનું ટ્રાવેલ ઇન્સ્પિરેશન

આ જૈન કચ્છી કપલ દુનિયાભરમાં ફરે છે, ત્યાં ગમે તે રીતે પ્યૉર વેજિટેરિયન રેસ્ટોરાં શોધી કાઢી બને ત્યાં સુધી ત્યાંની લોકલ વાનગીઓનાં વેજિટેરિયન વર્ઝન જરૂર ટ્રાય કરે છે. જોકે ટ્રાવેલિંગ તેમને માટે કેવી-કેવી ચૅલેન્જ લાવતું હોય છે એ જાણીએ તેમની પાસેથી

01 December, 2022 04:08 IST | Mumbai | Jigisha Jain
ટ્રાવેલ

થૅન્ક યુ ડિયર એલિફન્ટ, મને ફૅમિલી ઍટિકેટ્સ શીખવવા માટે

વન્ય સૃષ્ટિના જીવો જેટલી માનવતા તો માનવોને પણ નથી આવડતી એવો અનુભવ રશિકન સાવલાનો છે. છેલ્લાં સાત વર્ષથી અનાયાસ જ વાઇલ્ડ-લાઇફ ટ્રાવેલ તરફ વળેલા આ બિલ્ડરે જંગલમાં જંગલી પશુઓ પાસેથી શીખેલી વાતો આજે‘વર્લ્ડ થૅન્ક્સ ગિવિંગ ડે’ નિમિત્તે જાણીએ

24 November, 2022 03:45 IST | Mumbai | Ruchita Shah
ટ્રાવેલ

મેઘાલયનું પાણી ન જોયું તો શું જોયું?

તેઓ માને છે કે જો નૉર્થ-ઈસ્ટ ફરવા તમે નથી ગયા તો તમે પૂર્ણ રીતે ભારતને જોયું જ નથી. તેમની આ વર્ષની એક યાદગાર ટ્રિપના વર્ણન દ્વારા આપણે પણ જાણીએ મેઘાલયની અપ્રતિમ સુંદરતા વિશે

17 November, 2022 05:39 IST | Mumbai | Jigisha Jain

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK