° °

આજનું ઇ-પેપર
Monday, 05 December, 2022


દુર્ગમ સૌંદર્યની સુગમ સફર

10 April, 2022 03:21 PM IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

પર્યટન વિકસાવવું હશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવું જ પડશે એ વાત ઉત્તર-પૂર્વીય ભારતનાં રાજ્યોને છેલ્લા એક દાયકામાં બરાબર સમજાઈ ગઈ છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર

પર્યટન વિકસાવવું હશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવું જ પડશે એ વાત ઉત્તર-પૂર્વીય ભારતનાં રાજ્યોને છેલ્લા એક દાયકામાં બરાબર સમજાઈ ગઈ છે. એને પગલે ઉત્તરાખંડ, હિમાચલ, શ્રીનગર લેહ-લદાખના સૌંદર્યસભર પ્રદેશના રેલ, રોડ અને હવાઈ સફરને સુવિધાજનક અને રોમાંચક બનાવવાના અઢળક પ્રયત્ન થયા છે, જેણે કેટલાંક દુર્ગમ સ્થળોના ટૂરિઝમની સિકલ જ બદલી નાખી છે

હનીમૂન ટૂર હોય કે ધાર્મિક યાત્રા, યોગ સાધનાની ઇચ્છા હોય કે શાસ્ત્રોક્ત જ્ઞાનની, હિમવર્ષાની મજા લેવી હોય કે લેક, ગુફાઓ અને રંગબેરંગી ફૂલોથી આચ્છાદિત મેદાનોની. ઉત્તર-પૂર્વ ભારત પાસે શું નથી? યોગ સાધનાથી લઈને વિજ્ઞાન સુધીની દરેક ચીજો ભારતની ધરોહર રહી છે અને આ દરેક બાબતમાં ભારતનો ઉત્તર-પૂર્વીય હિસ્સો આજે પણ જાણે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હોય એમ હિમાલય સમ અડીખમ છે. ઉત્તરાંચલની જ વાત કરો તો એ રાજ્યનું તો બીજું નામ જ દેવભૂમિ છે, પરંતુ ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા અને વર્ષોથી ચાલતા રાજકારણને લીધે આ વિસ્તારોનો વિકાસ જેટલો થવો જોઈએ એટલો થયો નથી, પરિણામ એ આવ્યું કે ભારતનાં સ્વર્ગ સમાં સ્થળોને આપણે ભારતીયો જ જિંદગીમાં માણવાલાયક સ્થળો તરીકે ગણવાની જગ્યાએ વિકટ પ્રવાસ તરીકે ગણતા થઈ ગયેલા. 

આપણે આજ સુધી ઉત્તર ભારતને માત્ર એક પર્યટન ડેસ્ટિનેશન્સ તરીકે જ જોતા આવ્યા છીએ, પરંતુ ભારતનો આ એવો હિસ્સો છે જ્યાં ખૂબસૂરતી સાથે આપણી સંસ્કૃતિ, ધરોહર, ધર્મ અને ધાર્મિક સ્થળો પણ સચવાયેલાં છે. આપણામાંના કેટલાય લોકો હશે જેમની ઉત્તર ભારતનાં ધાર્મિક સ્થળોએ જીવનમાં એક વાર જવાની ઇચ્છા હશે. આ ઇચ્છાને જ્યારે વાસ્તવિકતામાં પરિવર્તિત કરીએ ત્યારે ઉત્તરના એ ભૂભાગને પૂર્ણ રીતે જાણીને અને ભૌગોલિક રીતે જાણીને નીકળીએ તો ફરવાની મજા બમણી થઈ જાય એવું નથી લાગતું તમને? આ વેકેશનમાં જો ઉત્તર ભારતમાં ફરવાની ઇચ્છા હોય તો ઉત્તર-પૂર્વીય ભારતની સિકલ હવે કેવી બદલાઈ ચૂકી છે અને હજીય બદલાઈ રહી છે એ જાણીએ.

ઉત્તર-પૂર્વ ભારતનાં કેટલાંક સ્થળો સાચે જ ‘દુર્ગમ’ શબ્દને સાકાર કરનારાં છે. ઘણા વિસ્તારો તો એવા છે જ્યાં જવા માટે તમારે ઘરેથી આખરી વિદાય લઈ રહ્યા હોય એ રીતે જ ‘આવજો’ કહીને નીકળવું પડે, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. ઉત્તર-પૂર્વ બદલાઈ રહ્યું છે. આપણે ઉપર જણાવ્યાં એ મોટા ભાગનાં સ્થળો જે રાજ્યોમાં આવેલાં છે એ રાજ્યોના અર્થતંત્રમાં ટૂરિઝમ એક ખૂબ મહત્ત્વનો આવકનો સ્રોત છે. એક સર્વે અનુસાર આમાંનાં કેટલાંક રાજ્યોમાં તો લગભગ ૩૭ ટકા ઘરોનું ગુજરાન ટૂરિઝમ પર જ ચાલે છે. એ સિવાય ટૂરિઝમ સાથે પરોક્ષ રીતે સંકળાયેલા ઉદ્યોગ-ધંધા પાછા અલગ. તો ધારી લો કે અમુક રાજ્યોની તો ૫૦ ટકા જેટલી વસ્તી ટૂરિઝમ પર જ નભતી હશે.

દેવભૂમિ ઉત્તરાખંડ 
ઉત્તરાખંડનું નામ પડે એટલે તરત દિમાગમાં શ્રદ્ધાયાત્રા ચારધામનું ચિત્રસર્જન થઈ જાય ખરુંને? પરંતુ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા સિવાય પણ જોવા જેવી અનેક આહ્‍‍લાદક જગ્યા છે. કુમાઉ રીજનથી લઈને હિમાલયની તળેટીની પહાડીઓમાં પંતનગર, દેહરાદૂન જેવાં અનેક સ્થળો છે, પરંતુ પહાડના દુર્ગમ રસ્તા આપણને ઉત્તરાખંડને ભીતરથી પિછાણતાં રોકે છે. વાત સાચી કે નહીં? હવે જે રાજ્યનું અર્થતંત્ર મહદંશે પ્રવાસીઓ પર જ નિર્ભર હોય એ જ રાજ્યમાં જો તમે રખડપટ્ટી ન કરી શકો તો કેમ ચાલે? સ્વાભાવિક છે કે આ સ્થળોને જેટલાં બને એટલાં વધુ સુવિધાજનક અને આવકારદાયક બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે. 

તો આ વખતે વેકેશનમાં જો તમે ઉત્તરાખંડ તરફ જવાનો વિચાર કરતા હો તો શક્ય છે કે કેટલાંક નવાં ડેવલપમેન્ટ તમને જોવા મળે. જેમ કે પંતનગર ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ. એક સમય હતો જ્યારે કુમાઉ રીજનમાં ફરવું દુષ્કર હતું. અહીંનાં કેટલાંય અંતરિયાળ ગામો રસ્તા કે વીજળી દ્વારા પણ જોડાયેલાં નહોતાં. એવા કુમાઉના ઉધમપુર ડિસ્ટ્રિક્ટમાં આવેલા પંતનગરમાં એક ડોમેસ્ટિક ઍરપોર્ટ છે, જે ઉત્તરાખંડના કુમાઉ રીજનને ટ્રાન્સપોર્ટેશનની દૃષ્ટિએ ભારત સાથે જોડે છે. હલ્દવાની અને રુદ્રપ્રયાગની વચ્ચોવચ આવેલું આ ઍરપોર્ટ ૨૦૦૮ સુધી નાનાં ઍરક્રાફ્ટ ઉતારી શકતું એક નાનું ઍરપોર્ટ હતું. હવે કુમાઉ રીજનમાં પ્રવાસે જતા મોટા ભાગના પ્રવાસીઓ તેમની સફર રુદ્રપ્રયાગથી આરંભ કરતા હોય છે, પરંતુ વિમાન દ્વારા અહીં સુધી પહોંચવું શક્ય નહોતું. ૨૦૦૮ બાદ પંતનગર ઍરપોર્ટના રનવેને ૪૫૦૦ ફુટ વધુ લાંબો કરવામાં આવ્યો, જેને કારણે ઍરપોર્ટની કૅપેસિટી કોઈ મોટા ટર્બો બોઇંગને પણ ઉતારી શકે એટલી થઈ ગઈ ગઈ, પણ હજીય આ ઍરપોર્ટ ડોમેસ્ટિક ઍરપોર્ટ બનીને રહી ગયું હતું. કોઈ ઇન્ટરનૅશનલ ફ્લાઇટ અહીં ઑપરેશનલ નહોતી, પરંતુ ૨૦૨૦ની ૩૧ જુલાઈએ પંતનગર ઍરપોર્ટને ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ બનાવવાની તજવીજ શરૂ થઈ અને લગભગ ૧૧૦૦ એકર જેટલી જમીન હસ્તગત કરવામાં આવી. બે ફેઝમાં પૂર્ણ થનારો આ પ્રોજેક્ટ ઉત્તરાખંડના કુમાઉ રીજનને આખા વિશ્વ સાથે જોડી દેશે. હવે તમારા કોઈ મિત્રએ અમેરિકાથી કુમાઉ ફરવા આવવું હોય તો ફોન કરીને સીધું જ કહી દેવાનું, ‘તો ચાલો, આપણે હવે પંતનગર ઍરપોર્ટ પર મળીશું!’

ઉત્તરાખંડ, હિમાચલ અને શ્રીનગર કે લેહ-લદાખ માટે ઘણા લાંબા સમય સુધી આપણે એવું સમજતા રહ્યા કે મોટા-મોટા પહાડ અને બરફાચ્છાદિત દુર્ગમ વિસ્તારમાં સુવિધા ઊભી કરવાનું વિચારવામાં આવે તો પણ એ શક્ય કઈ રીતે બની શકે? પરંતુ હવે એવું રહ્યું નથી. એમાં વળી આ તો દેવભૂમિ. આસ્તિકો માટે જાણે સ્વર્ગ. ચારધામ હાઇવે આપણે ભૂતકાળમાં સાંભળેલી એ દરેક વાતોને સાચા અર્થમાં ભૂતકાળ બનાવી રહી છે. ‘ચારધામ યાત્રા ખૂબ વિકટ યાત્રા છે. એમાંય કેદારનાથ તો અતિવિકટ!’ આવી વાતો આપણે અનેક વાર લોકમોઢે સાંભળી છે, કારણ કે ઉત્તરાખંડમાં અત્યાર સુધી ચારધામ સુધી પહોંચવાનો રસ્તો ટૂ લેન સ્ટેટ હાઇવે હતો, પરંતુ હવે આ માર્ગ ‘ચારધામ હાઇવે’ના નામથી ફોર લેન નૅશનલ હાઇવેમાં પરિવર્તિત થઈ રહ્યો છે. ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદરીનાથને જોડતો આ હાઇવે લગભગ ૭૧૯ કિલોમીટર લાંબો હશે. વાત અહીં જ પૂરી નથી થઈ જતી. આ હાઇવેને જ જોડતો ૧૮૧ કિલોમીટરનો એક બીજો હાઇવે પણ બની રહ્યો છે, જે ઉત્તરાખંડનાં મોટાં શહેરોને આ હાઇવે સાથે કનેક્ટ કરશે. હૃષીકેશથી શરૂ થતો આ હાઇવે લગભગ ૧૨,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે. પહાડી વિસ્તાર હોવાથી સેફ્ટી અને સિક્યૉરિટીનું પણ ધ્યાન રાખવું જ પડે! આથી જ આ હાઇવે પર હેલિપૅડ અને હેલિકૉપ્ટર ઇમર્જન્સી રિસ્પૉન્સ સર્વિસ જેવી સુવિધાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 

તમે કહેશો કે અમે તો બાય રોડ નહીં, ટ્રેનમાં ટ્રાવેલ કરનારા છીએ. તો લો આ રેલવે પણ આવી ગઈ. એનું નામ પણ પાછું ‘ચારધામ રેલવે’ જ, બોલો! રસ્તાઓની સાથે રેલવે પણ હવે આપણને ચારધામ સુધી લઈ જશે. દેવભૂમિ પર હાલમાં એક ટ્વિન રેલવેલાઇન પ્રોજેક્ટ અન્ડર કન્સ્ટ્રક્શન છે જે ઉત્તરાખંડના આ ચારેય ધામોને એકબીજા સાથે જોડશે. ૩૨૭ કિલોમીટરનો આખો કૉરિડોર લગભગ ૪૩,૨૯૨ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. કોંકણ રેલવેની ખૂબસૂરતી જોઈને આપણે હરખાતા રહીએ છીએ, ખરુંને? તો લો હવે પહાડોને ચીરતી પસાર થતી છૂક છૂક ગાડીમાં બેસીને પણ હરખાઈ લઈશું. પહાડી વિસ્તાર, આજુબાજુ બરફની ચાદર અને વચ્ચેથી પસાર થતી ટ્રેન. આહાહાહા... કેવો અદ્ભુત નજારો હશે એ... પહાડો છે તો સ્વાભાવિક છે હાઇવે અને રેલવે બન્નેમાં અનેક ટનલ્સ અને બ્રિજ પણ હશે જ. તમે નહીં માનો પણ આ પ્રોજેક્ટ બારામુલ્લા અને કોંકણ રેલવે બાદ રેલવે ઑથોરિટી માટે ત્રીજો સૌથી ચૅલેન્જિંગ પ્રોજેક્ટ છે, એટલું જ નહીં, આ રેલવે પ્રોજેક્ટને કારણે ભારત ઇન્ડો-ચાઇના બૉર્ડર સુધી પણ ગમે ત્યારે કોઈ પણ સાધન-સરંજામ ખૂબ સરળતાથી પહોંચાડી શકશે.

રેલવે પરથી ફરી એક વાર ઉત્તરાખંડના રસ્તાઓ પર લટાર મારીએ તો દિલ્હી-દૂન એક્સપ્રેસવે તરફ જવું પડે. ભારતની કૅપિટલ દિલ્હી અને ઉત્તરાખંડની કૅપિટલ દેહરાદૂનને જોડતો આ એક એવો એક્સપ્રેસ હાઇવે છે જે ૨૧૦ કિલોમીટર લાંબો હશે. તમને થશે કે એમાં વળી શું? પણ સાંભળો, આ પ્રોજેક્ટમાં વાઇલ્ડ લાઇફને પ્રોટેક્ટ કરવા માટે ૧૨ કિલોમીટર લાંબો એક એલિવેટેડ એક્સપ્રેસવે બનાવવામાં આવી રહ્યો છે. ભારતમાં કોઈ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન કૉરિડોર હોય એવો આ પહેલો હાઇવે પ્રોજેક્ટ છે. આ સિક્સ લેન હાઇવે દિલ્હી અને દેહરાદૂન જેવાં બે મોટાં શહેરો જે હમણાં એકબીજાથી ૨૩૫ કિલોમીટર દૂર છે એ ૨૧૦ કિલોમીટરનું અંતર કરી આપશે. તમતમારે ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાડી દોડાવો તો અઢી-ત્રણ કલાકમાં દિલ્હીથી

દેહરાદૂન!
પેલું ૨૦૧૩નું વર્ષ યાદ છેને? જ્યારે મહાદેવની ભૂમિ કેદારનાથમાં જબરદસ્ત વરસાદ અને રેલ આવી હતી? પહાડો પરથી જમીન ધસી પડી અને જબરદસ્ત મોટી હોનારત સર્જાઈ હતી! હા, એ સમય પછી આપણે પાઠ ભણ્યા અને કેદારનાથ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિશે વિચાર્યું. આજે હવે કેદારનાથમાં આવતાં ૧૦૦ વર્ષ દરમ્યાન આવી કોઈ પણ હોનારત આવી પડે તો પણ અડીખમ ટકી રહે એવી તૈયારી થઈ રહી છે. આ માસ્ટર પ્રોજેક્ટ દ્વારા મંદિર અને એની આસપાસના વિસ્તારોની ઊંચાઈ વધારાઈ રહી છે અને સાથે જ આજુબાજુ મજબૂત દીવાલો દ્વારા પ્રાંગણ જેવું બનાવીને એને સુરક્ષિત કરાઈ રહ્યું છે. બજારો અને હાટને કારણે ભીડ ન થાય, યાત્રાળુઓનો જમાવડો ન થાય એ બધી જ બાબતોને ધ્યાનમાં લઈને મંદિરની આસપાસ ચોમેર એક મોટું પ્રાંગણ બની જશે. આ પ્રોજેક્ટે જ બદરીનાથ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પણ વિચાર આપ્યો અને કેદારનાથ બાદ હવે બદરીનાથ પણ રીડેવલપ થવા જઈ રહ્યું છે.

વેકેશન ટૂ ઉત્તરાખંડ વિચારતા હો તો બીજા અનેક નિર્માણાધીન પ્રોજેક્ટ્સ વિશે પણ જાણવાનું ભૂલતા નહીં, જેમ કે દેહરાદૂન હવે એક સ્માર્ટસિટીનો દરજ્જો મેળવવા જઈ રહ્યું છે. તેહરી ન્યુસિટીની તો ખબર છેને તમને. પહાડો પર મોટાં પગથિયાં બન્યાં હોય એ રીતે ખેતરો અને ઘરો. તેહરીની ઉપરથી જો તમે એક પૅનોરૅમિક વ્યુ લો તો સમજાય કે કેટલું અનોખું આ પહાડી શહેર છે. આ સિવાય વૉટર ઍડ્વેન્ચર સ્પોર્ટ્સ જે આ પહેલાં ઉત્તરાખંડમાં આ રીતે ક્યારેય ડેવલપ કરવામાં નથી આવ્યું અને ટ્યુલિપ ગાર્ડન ઓહ માય માય... ‘દેખા એક ખ્વાબ તો એ સિલસિલે હુએ...’ ગીત યાદ છેને? બસ, બચ્ચનસાહેબ અને રેખાજીની જેમ તમે પણ હવે ટ્યુલિપનાં ફૂલો સાથે ફોટો પડાવીને સ્ટેટસમાં રાખી શકો હોંકે! અને ચમોલીમાં તપોવન વિષ્ણુગઢ હાઇડ્રોપાવર પ્લાન્ટ ઉત્તરાખંડને વીજળીથી ઝળહળતું કરી શકશે.

હિમાચલ પ્રદેશ 
હિમાચલને આપણે કેટલું જાણીએ છીએ? શિમલા, કુલુ, મનાલી, ધરમશાલા, બસ? હિમાચલ એથી ક્યાંય વિશેષ છે કે ખૂબસૂરત છે, પરંતુ દરેક સ્થળે આપણે પહોંચી નથી શકતા, ખરુંને? કારણ કે દુર્ગમ હિમાચ્છાદિત પહાડીઓ છે, પરંતુ એક એવું રાજ્ય છે જ્યાંનું અર્થતંત્ર લગભગ ટૂરિઝમ પર જ નભતું હોય એવા રાજ્યને તેનો પ્રવાસી જોવાલાયક સ્થળોએ પણ પહોંચી નહીં શકે એ પોસાય? નહીં જ પોસાય. કહેવાય છે કે એક વીક-એન્ડમાં અહીં લગભગ ૧૦,૦૦૦ ટૂરિસ્ટ વેહિકલ્સ આવે છે એને કારણે ટ્રાફિક અને પાર્કિંગની એક ખૂબ મોટી મુશ્કેલી ઊભી થાય છે, કારણ કે અહીંના રસ્તા સાંકડા અને ઘુમાવદાર છે. તો પછી? આ પરિસ્થિતિનો ઇલાજ શું? હિમાચલ સરકારે એક સુંદરમજાનો વિકલ્પ આ મુશ્કેલીને મહાત આપવા માટે વિચાર્યો, એક ઇલેક્ટ્રિક માર્ગ શરૂ કરવાનો. કહેવાય છે કે આ ઇલેક્ટ્રિક માર્ગનું સર્જન વિશ્વનું સૌથી જટિલ અને સૌથી મુશ્કેલ બાંધકામ છે. અને એ ઇલેક્ટ્રિક માર્ગ એટલે રોપવે. ધરમશાલા, શિમલા અને મનાલીમાં હવે એક એવો રોપવે બનવાનો છે જે તમને આ શહેરોનો પ્રવાસ તો કરાવશે જ, સાથે તમે એની આજુબાજુનાં રમણીય દૃશ્યોને પણ આંખમાં ભરી લઈ શકશો. ધરમશાલામાં ૩૦ કિલોમીટર લાંબો ૩૧ સ્ટેશનવાળો રોપવે, તો શિમલામાં ૨૬ કિલોમીટર લાંબો ૨૩ સ્ટેશનવાળો રોપવે. રોપવેમાં બેસો અને જમીનથી ઉપર રહીને ફરતા રહો. હિમાચલના હિમપહાડોને નવી નજરે નિહાળવાનો નવો માર્ગ.              

તમે ક્યારેય મનાલીથી લેહ જવાનો વિચાર કર્યો છે? ખોટો સવાલ, એ તો દરેકે ક્યારેક ને ક્યારેક તો પ્લાન બનાવ્યો જ હોયને, પરંતુ હમણાં સુધી તમારે બરફ અને રસ્તા બંધ હશે કે ચાલુ એ વિચારવું પડતું હતું, ખરુંને? પણ હવે નહીં! રોહતાંગ ટનલ એ શક્ય કરી આપે છે. હિમાચલ પ્રદેશની એક અનોખી સિદ્ધિ. વિશ્વની સૌથી લાંબી ટનલ એવી આ રોહતાંગ ટનલ જેને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પરથી અટલ ટનલ નામ આપવામાં આવ્યું છે. ૧૦,૦૦૦ ફુટથીય વધારે ઊંચાઈ પર બનેલી આ ટનલ વિશ્વની સૌથી લાંબી ટનલ તો છે જ, સાથે જ સૌથી વિકટ જગ્યાએ બનાવવામાં આવેલી ટનલ પણ છે. રોહતાંગ ભારતનો એક એવો હિસ્સો છે જ્યાં વર્ષના ૬ મહિના બરફ હોય છે. એને કારણે રસ્તા બંધ થઈ જાય છે અને ભારતથી જાણે રોહતાંગનું કનેક્શન આ ૬ મહિના માટે તૂટી જાય છે, પરંતુ હવે ના માત્ર આ મુશ્કેલીમાંથી છુટકારો મળશે, ટૂરિઝમ પણ વધશે અને ટૂરિસ્ટ પણ. આ ટનલને કારણે લેહ અને મનાલી વચ્ચેનું અંતર ૪૬ કિલોમીટર જેટલું ઘટી તો જશે જ, સાથે જ હિમવર્ષાના સમયમાં પણ આ માર્ગ ચાલુ રહેશે. ઉનાળામાં રોજની લગભગ ચારથી પાંચ હજાર ગાડીઓ લેહ-મનાલીના રસ્તે થઈને પસાર થતી હોય છે. આ ટનલને કારણે હવે આખું વર્ષ લેહ-મનાલી હાઇવે ચાલુ રહેશે. ભારતને આ માર્ગને કારણે સ્ટ્રેટજિકલી પણ ખૂબ મોટો ફાયદો છે, કારણ કે આ વિસ્તાર ભારતની બૉર્ડર નજીકનો વિસ્તાર છે.

અને બિલાસપુર મનાલી-લેહ રેલવેલાઇન બાપ રે બાપ, કેવો જબરદસ્ત પ્રોજેક્ટ. ચીન દ્વારા હડપી લેવામાં આવેલા તિબેટમાં જ્યારે ચીને રેલવેલાઇન બનાવી હતી ત્યારે સમગ્ર વિશ્વ માટે એ એક ઉદાહરણરૂપ બની હતી, કારણ કે આટલી ઊંચાઈએ રેલવેલાઇન બનાવી રેલવેવ્યવહાર શરૂ કરવો એ આમ પણ મોટી ચુનૌતી છે, પરંતુ હવે ભારત એથીય વધુ ઊંચાઈએ રેલવેલાઇન બનાવી રહ્યું છે. બિલાસપુર મનાલી-લેહ રેલવેલાઇન ૫૩૬૦ મીટરની ઊંચાઈએ બની રહેલી રેલવે છે. ૮૩,૦૦૦ કરોડના ખર્ચે વિશ્વનાં સાતેય કૉન્ટિનેન્ટ્સમાં સૌથી વધુ ઊંચાઈએ બની રહેલી આ રેલવેલાઇન પર ૩૦ સ્ટેશન્સ અને ૨૪૬ કિલોમીટર જેટલી ટનલ્સ હશે, જેમાં સૌથી લાંબી ટનલ ૨૭ કિલોમીટર લાંબી છે. આ બધું શું ખાવાના ખેલ છે? ઊભા રહો, હજી તો આ રેલવેલાઇનની સિદ્ધિઓ ગણાવવાની બાકી છે. કુલ ૧૨૩ મોટા અને ૩૯૬ નાના બ્રિજ, એટલું જ નહીં, આ રેલવેલાઇન પર ભારત ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવશે. એવામાં ટ્રાવેલિંગનો ટાઇમ ઘણો ઘટી જશે. તો બચેલા સમયમાં કરવું શું? સિમ્પલ, સ્વદેશદર્શન કરી આવોને યાર. 

સ્વદેશ દર્શન? એ વળી શું છે? જો તમે હિમાચલ પ્રદેશનું ભ્રમણ કરવાની ઇચ્છા ધરાવતા હો તો સમજી લો કે આ પ્રોજેક્ટ તમારા માટે જ બની રહ્યો છે. પ્રદેશ સરકારનો આ સ્વદેશ દર્શન પ્રોજેક્ટ હિમાચલ પ્રદેશનાં મુખ્ય સ્થળોને જોડશે અને તમને આખા હિમાચલની સફરે લઈ જશે. એમાં કિરી ઘાટમાં એક કન્વેન્શનલ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે, જ્યાં વિશ્વનો સૌથી મોટો ક્રાફ્ટ ઍન્ડ ટૂરિઝમ મેળો બનાવવામાં આવશે. સમજી લોને એક આખું માર્કેટ ઊભું કરવામાં આવશે, જ્યાંથી તમે હિમાચલમાં જ બનેલી અનેક વસ્તુઓ ખરીદી શકશો.
આ સિવાય મનાલીમાં એક હેલિપૅડ બની રહ્યું છે. ‘હાથ કા કાંગરા’, મતલબ કે એક ટ્રી ક્લાઇમ્બિંગ દીવાલ બનાવવામાં આવી રહી છે, જ્યાં હવે માત્ર નાના છોકરાઓ જ નહીં, પણ મોટેરાઓ પણ દીવાલ ક્લાઇમ્બ કરવાનું ઍડ્વેન્ચર માણી શકશે.

જમ્મુ ઍન્ડ કાશ્મીર 
જમ્મુ ઍન્ડ કાશ્મીરની સિકલ-ઓ-સૂરત બદલાઈ રહી છે. જ્યારે બંધનો હટે ત્યારે ખાલી પડેલી એ જગ્યાઓનું સ્થાન ડેવલપમેન્ટ લઈ લેતું હોય છે. કાશ્મીર માટે પણ કંઈક આવું જ થયું છે. જો તમે શ્રીનગર તરફ ફરવા જવાનું વિચારતા હો તો ૧૦ વર્ષ પહેલાં જોયેલા કે સાંભળેલા કાશ્મીરમાં અને હાલના બદલાઈ રહેલા કાશ્મીરમાં ઘણો ફરક છે એ જાણી લેજો. પૉલિટિક્સ કે માણસોની દૃષ્ટિએ નહીં, અમે સ્ટેટ ડેવલપમેન્ટની વાત કરી રહ્યા છીએ.

ઉજ્જ મલ્ટિ પર્પઝ પ્રોજેક્ટનું નામ તમે સાંભળ્યું છે? જમ્મુ-કાશ્મીરના કઠુઆ ડિસ્ટ્રિક્ટમાંથી વહેતી નદી ઉજ્જ પર આ પ્રોજેક્ટ બની રહ્યો છે. ઉજ્જ નદી રાવી નદીની જ એક સહાયક નદી છે. ઉજ્જના પાણીનો હવે માત્ર સંગ્રહ નહીં થાય, પરંતુ ઇરિગેશન દ્વારા એમાંથી વીજળીનું ઉત્પાદન પણ થશે. ૭૮૧ ક્યુબિક લિટર પાણીનો સંગ્રહ કરી શકવાની ક્ષમતા ધરાવતા આ બાંધને કારણે એની આસપાસના વિસ્તારોમાં પાણીની છૂટ તો થશે જ સાથે એક મહત્ત્વની બાબતનો સાચો અર્થ આ પ્રોજેક્ટ દ્વારા સાર્થક થશે. 
તમને ખબર છે ઇન્ડ્સ ટ્રીટી? આ ટ્રીટી અનુસાર ભારતમાંથી જેટલી પણ નદીઓ પસાર થાય છે એ નદીઓનો ઉપયોગ ભારત પોતાની રીતે ચાહે એ પ્રમાણે કરી શકે છે, પરંતુ સતલજ, રાવી અને બિયાસ જેવી નદીઓ જે ભારતમાંથી વહેતી હોવા છતાં આજ સુધી એનો મહત્તમ લાભ લઈ શકાયો નહોતો એની હવે આ પ્રોજેક્ટ દ્વારા શરૂઆત થઈ છે એમ કહી શકાય. આજ સુધી ઉત્તર ભારતની કેટલાય એકર જમીન જે ઉપજાઉ તો છે, પણ પાણીની ઉપલબ્ધિના અભાવે ઉપયોગમાં નહોતી લેવાતી. એ તમામ વિસ્તારોમાં હવે પાણી પહોંચાડી ખેતીનો લાભ લઈ શકાશે. 
અચ્છા, બનિહાલ કાઝીગંધ રોડ ટનલનો ખ્યાલ છે? ૫૮૭૦ ફુટની ઊંચાઈએ બની રહેલી આ એક એવી ટનલ છે જે બનિહાલ અને કાઝીગંધને જોડશે. તમને ખબર છે આ ટનલ બનવાની શરૂઆત ક્યારે થઈ હતી? ૨૦૧૧માં. જી હા, છેક ૨૦૧૧થી બની રહેલી આ ડ્યુઅલ ટ્યુબ ટનલ હવે છેક હમણાં એનું કાર્ય પૂર્ણ કરી કાર્યરત થશે. હવે એમ નહીં પૂછતા કે ૨૦૧૧થી છેક આટલો સમય કેમ લાગ્યો! 

જમ્મુ-બારામુલ્લાં રેલવેલાઇન કઈ રીતે ભુલાઈ? ૩૫૬ કિલોમીટર લાંબી આ રેલવેલાઇન જેના પર હમણાં કામ ચાલી રહ્યું છે અને જેમાં બનિહાલથી બારામુલ્લા અને જમ્મુથી કટરા સુધીની લાઇન તો શરૂ પણ થઈ ચૂકી છે. તમને ખબર છે કે આ રેલવેલાઇનમાં ચિનાબ નદી પર એક રેલવેબ્રિજ બની રહ્યો છે જે વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ હશે. મતલબ કે વિશ્વનું સૌથી ઊંચું સ્ટૅન્ડિંગ સ્ટૅચ્યુ આપણે બનાવ્યું, વિશ્વનું સૌથી ઊંચું સીટિંગ સ્ટૅચ્યુ પણ આપણે બનાવ્યું અને હવે વિશ્વમાં સૌથી ઊંચાઈએ રેલવેબ્રિજ પણ ભારતમાં બનશે, અને જેલમ તાવી ફ્લડ રિકવરી પ્રોજેક્ટ! એ તો પોતાનામાં જ એક માઇલસ્ટોન પ્રોજેક્ટ છે. ૨૦૧૪માં આ વિસ્તારમાં જેલમ અને રાવી નદીમાં ખૂબ મોટી રેલ આવી હતી જેને કારણે અનેક લોકોનાં ઘરોને અને ઘણીય ઇમારતોને નુકસાન થયું હતું. સરકારે આ ઘટનાને એક નૅશનલ પ્રોજેક્ટ તરીકે લીધી અને પૂરમાં નાશ પામેલી એ દરેક ઇમારતો અને સંસ્કૃતિને રીસ્ટોર કરવાનો નિર્ધાર કર્યો. આ પ્રોજેક્ટને નામ આપવામાં આવ્યું ‘જેલમ તાવી ફ્લડ રિકવરી પ્રોજેક્ટ.’ આ પ્રોજેક્ટ અંતર્ગત હવે એવી પણ તૈયારીઓ અને બાંધકામની સાથે પૉલિસીઓ હાથ ધરાઈ છે જેને કારણે ફરી આવી કોઈ આપદા આવે તો એનાથી અહીંના વિસ્તારોને બચાવીને ઉગારી શકાય અને સૌથી આધુનિક પ્રોજેક્ટ જમ્મુ-શ્રીનગર મેટ્રો. આ પ્રોજેક્ટ જોકે હજી શરૂ નથી થયો, પરંતુ આ પ્રોજેક્ટ ભારતની આ વિસ્તાર પ્રત્યે સભાનતા દેખાડે છે. શક્ય છે કદાચ પાંચ-દસ વર્ષ પછી આપણે કાશ્મીર ફરવા જવાના હોય અને કોઈ પૂછે કે જમ્મુથી કઈ રીતે જવાનો પ્લાન છે તો કહીએ કે જમ્મુથી શ્રીનગર અમે મેટ્રોમાં જઈશું!

ભારતની સિકલ-ઓ-સૂરત બદલાઈ રહી છે અને સાથે જ એના પહાડી વિસ્તારો પણ એનું નવું અને આધુનિક સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. ચારધામ યાત્રા હવે દુર્ગમ નહીં રહે. ઘરમાં બેઠેલા વડીલોને હવે ઘૂંટણના કે કમરના દર્દને લીધે ઘરમાં બેસી રહેવું નહીં પડે. વેકેશન હવે વધુ માનવાલાયક બની રહ્યું છે એવું નથી લાગતું? પરંતુ જોજો, આ બધી સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાચા અર્થમાં આપણી સુવિધા માટે ઊભાં કરાઈ રહ્યાં છે. ત્યાં જઈને દૂષણ અને પ્રદૂષણ ફેલાવવા માટે નહીં. ઉત્તર ભારત એક કુદરતનો રમણીય ખોળો છે એ ધ્યાનમાં રાખીને આપણે સફર કરવાની છે અને મજા માણવાની છે. ત્યાં જઈને પહાડો અને હિમાચ્છાદિત કંદરાઓને પણ ગંદાં કરીને પ્રદૂષણ ફેલાવીને બગાડી મૂકવાનાં નથી. બાકી એન્જૉય ધિસ લવલી હૉલિડેઝ!

ભણતર! એક એવો આશીર્વાદ છે જે માણસને માનવી બનાવે છે. ભણતર નથી તો ‘છતી આંખે અંધારું વિશ્વ’ જેવું છે એમ કહીએ તો ચાલે. અને એમાંય જો લોકસ્વાસ્થ્યની સેવાનું કામ શીખવા મળે તો? જમ્મુ ઍન્ડ કાશ્મીરને ઇતિહાસમાં પહેલી વાર પોતાની AIIMS મળવા જઈ રહી છે અને એ પણ એવા વિસ્તારમાં જ્યાં આઝાદી પછી આટલાં વર્ષો વીતી જવા છતાં એક સારી હૉસ્પિટલ કદાચ નહીં હોય. જમ્મુ-કાશ્મીરના વિજયપુરમાં ૫૦ એમબીબીએસ વિદ્યાર્થીઓ સાથે આ AIIMS ઑપરેશનલ થઈ ચૂકી છે. આ તો એક થઈ, હજી અવંતીપુરામાં બીજી પણ એક AIIMS બની રહી છે, જેની સાથે જમ્મુ-કાશ્મીરને બે-બે AIIMS મળશે. 

43292
ઉત્તરાખંડના આ ચારેય ધામોને એકબીજા સાથે જોડતા ૩૨૭ કિલોમીટરનો કૉરિડોર આટલા કરોડ રૂપિયાના ખર્ચે બને છે.

10 April, 2022 03:21 PM IST | Mumbai | Aashutosh Desai

અન્ય લેખો

ટ્રાવેલ

હિમાલયના પ્રેમમાં છે આ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ

જે મેળવવા તે અવારનવાર એના ખોળે જવા માગે છે. ત્યાંનું ખુલ્લું આકાશ અને એના અગણિત તારાઓનું તેમને ઘણું આકર્ષણ છે

10 November, 2022 04:35 IST | Mumbai | Jigisha Jain
ટ્રાવેલ

કાશ્મીરની કાયાપલટ શરૂ થઈ ગઈ છે, ખરેખર?

આતંકના માહોલથી જીવ બચાવવા પોતાનું વતન છોડીને ભાગેલા પંડિતો અત્યારે સતત સાંભળવા મળતા હિન્દુઓના ટાર્ગેટ-કિલિંગને કઈ રીતે જુએ છે? આ માહોલમાં પણ તેઓ કયા આધારે કહે છે કે આવનારો સમય ઉજ્જવળ છે?

30 October, 2022 02:49 IST | Mumbai | Ruchita Shah
ટ્રાવેલ

દિવાળીમાં તો દર્શનયાત્રા જ

આજે આપણે એવા પરિવારોને મળીએ જેમણે વર્ષોથી બેસતા વર્ષે પ્રભુનાં દર્શન કરી નવી શરૂઆત કરવાનો નિયમ જાળવી રાખ્યો છે

24 October, 2022 12:01 IST | Mumbai | Varsha Chitaliya

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK