Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > આ થાણેનિવાસી લદાખી તરીકે ઓળખાય છે

આ થાણેનિવાસી લદાખી તરીકે ઓળખાય છે

04 August, 2022 12:58 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

લેહ-લદાખ ટૂરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે પરંતુ થાણેમાં રહેતા પ્રણવ દેઢિયા માટે એનો પ્રેમ છે. લગાતાર લગભગ ૪-૫ વર્ષ તેમણે લેહ-લદાખમાં દર વર્ષે ૬થી ૯ મહિના વિતાવ્યા છે. લદાખમાં વસનાર લગભગ દરેક વ્યક્તિ સાથે તેમને ઘરોબો છે એમ કહીએ તોય ચાલે.

પ્રણવ દેઢિયા અલગારી રખડપટ્ટી

પ્રણવ દેઢિયા


દેખાવમાં પણ થોડા તિબેટન જેવા લાગતા પ્રણવને તેમના મિત્રો લદાખી તરીકે જ ઓળખે છે

‘તમે રહેતા ક્યાંક હો, કોઈ જગ્યાએ મોટા થયા હો, જીવનના અઢળક વર્ષો ત્યાં વિતાવ્યાં હોય એ પછી કોઈ રૅન્ડમ ટ્રાવેલિંગમાં તમે ક્યાંક જાઓ અને એ જગ્યાએ પહોંચતાંની સાથે જ તમને એ એહસાસ થાય કે હું જ્યાં રહું છું એ નહીં, પરંતુ હું અત્યારે જ્યાં આવ્યો છું એ જગ્યા મારી છે. આ એ જ જગ્યા છે જ્યાં હું ફરી-ફરીને આવવા માગું છું, કારણ કે આ જગ્યા જોડેનું મારું કનેક્શન ખૂબ ઊંડું છે.’



આવું જ કંઈક ૩૦ વર્ષના થાણેમાં રહેતા પ્રણવ દેઢિયા સાથે થયું છે જે આમ તો વર્ષોથી થાણેમાં રહ્યા છે પરંતુ તેમના મનમાં લેહ-લદાખ વસે છે. ૧૭ વર્ષની ઉંમરે પહેલી વાર તે થાણેથી બહાર નીકળ્યો ટ્રિપ માટે જેમાં તેની પહેલી ટ્રીપ જ લેહ-લદાખની હતી. અને એ પછી આ જગ્યાએ તેના જીવનમાં ઘર કરી લીધું. એટલું કે તે લગભગ દર વર્ષે ૬થી લઈને ૯ મહિના લેહ-લદાખમાં પસાર કરવા લાગ્યો, જેનો સીધો મતલબ એ થયો કે લેહ-લદાખને તેણે પોતાનું બીજું ઘર બનાવી લીધું. પ્રણવ નાનપણથી ઝીણી આંખો ધરાવે છે એટલે કે તેનો દેખાવ પણ લદાખના લોકો જેવો જ છે. મુંબઈમાં તેને બધા લદાખી કહીને જ બોલાવે છે.


પહેલો પ્રેમ 
પોતાની પહેલી લદાખની ટૂર વિશે વાત કરતાં પ્રણવ કહે છે, ‘હું ફક્ત ૧૭ વર્ષનો હતો. દસમું ધોરણ પૂરું કરીને પહેલી વાર મુંબઈની બહાર નીકળ્યો હતો પરંતુ લેહ અને લદાખની મારી એ પહેલી વિઝિટે મને એના પ્રેમમાં પાડી દીધો. લવ ઍટ ફર્સ્ટ સાઇટ જેવો જ કિસ્સો સમજો. મને ખરેખર એ ધરતી પર પહોંચતાં એની સાથેનું એક કનેક્શન ફીલ થયું. એ પહાડો, એનો બરફ, ત્યાંનું પાણી કે ત્યાંની હવા બધું જ મને પોતીકું લાગ્યું. અને એ દિવસે જ મને ખબર હતી કે હું તો અહીં ફરી-ફરીને આવીશ જ.’

ખૂબ નાની ઉંમરથી ફરવાનું શરૂ 
પ્રણવને નાની ઉંમરથી જ એટલે કે લગભગ ૧૪ વર્ષની ઉંમરથી જ ફરવાનો ચસકો લાગ્યો પરંતુ પેરન્ટ્સ પર આટલા ફરવાના ખર્ચા નાખવા યોગ્ય નથી એ સમજણ તેનામાં નાનપણથી હતી. એની વાત કરતાં પ્રણવ કહે છે, ‘મને એક તક મળી. એક ટૂર કંપનીમાં મને એક એસ્કોર્ટ તરીકે કામ મળતું હતું. આમ તો હું ખૂબ જ નાનો એટલે પગાર જેવું કંઈ ખાસ નહીં, પણ મને આનંદ એ વાતનો હતો કે આ લોકો ફ્રીમાં આપણને બધે ફેરવે. એ બદલ મારે પ્રવાસીઓનું ધ્યાન રાખવાનું, તેમનાં નાનાં-મોટાં કામ કરવાનાં એવું બધું. ફ્રીમાં ફરવા મળશે એ લાલચે મેં આ કામ લઈ લીધું. પણ મજાની વાત એ છે કે મને એમાં ખૂબ મજા પડી. લોકોનું ધ્યાન રાખવાનું, તેમને ફેરવવાના અને ખુદ પણ ફરવાનું. આનાથી સારું શું હોઈ શકે? આમ કામ કરતાં-કરતાં જ હું ફર્યો અને ફરતાં-ફરતાં જ કામ કર્યું.’ 


મહિનાઓ લદાખમાં 
પ્રણવે ઘણી ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ ટૂર્સ કરી. અઢળક ફર્યા પછી પણ તેનો પહેલો પ્રેમ જ તેનો આખરી પ્રેમ બની રહ્યો. લદાખ પ્રત્યેના પ્રેમ વિશે વધુ વાત કરતાં પ્રણવ કહે છે, ‘મને 
મુંબઈ ગમે છે. એવું નથી કે નથી ગમતું, પરંતુ અહીંની ગરમી મને ગમતી નથી. એટલે હું દર માર્ચથી લગભગ ડિસેમ્બર સુધી તમને મુંબઈમાં મળું જ નહીં. મેં લગભગ ૪-૫ વર્ષ આ આખો સમયગાળો લેહ-લદાખમાં જ પસાર કર્યો છે. હું ત્યાં ઓછામાં ઓછો ૬ મહિના અને વધુમાં વધુ ૯ મહિના જેવું રોકાયો છું.’

લોકલ લદાખી
ત્યાંની લોકલ પબ્લિકથી લઈને ટૂરવાળા, ટૅક્સીવાળા, હોટેલવાળા બધા જ પ્રણવને ખૂબ સારી રીતે ઓળખે છે. તેમની સાથે પ્રણવનો ઘરોબો છે. પ્રણવ જ્યાં પણ રોકાય એ લોકો તેની પાસે પૈસા લેવાની ના પાડે એટલે પ્રણવ પોતે નક્કી કરેલા પૈસા તેમને આપીને આવે. આજે પણ જો એ જાય તો ચાલુ રસ્તે લોકો ગાડી રોકીને તેને ત્યાં મળવા રોકાઈ જાય છે. આવું બૉન્ડિંગ તેણે ત્યાં આટલા મહિનાઓ રહીને સ્થાનિકો સાથે બાંધ્યું છે. બે વર્ષ કોરોનાને કારણે પ્રણવ લદાખ ન જઈ શક્યો એનું તેને એટલું દુખ હતું કે તેના બર્થ-ડે પર એની પત્નીએ તેને સ્પેશ્યલ ગિફ્ટ રૂપે લદાખની ટૂર આપી. પોતાના બર્થ-ડે પર તે એકલો ઘરનાને અહીં જ મૂકીને લેહ-લદાખ ફરી આવ્યો, કારણ કે તેની પત્નીને તેના અને લેહના કનેક્શનની અનુભૂતિ છે. જ્યારે પ્રણવને પૂછ્યું કે આટલાં વર્ષથી તું લેહ-લદાખ જાય છે તો કંટાળ્યો નથી? ત્યારે તેણે જવાબ આપતાં કહ્યું, ‘હું તો આ  દુનિયા છોડીને લેહ-લદાખ જઈને વસવા તૈયાર છું. એ એવી ભૂમિ છે કે દરેક વખતે એ મને જુદી જ લાગી છે અને એણે જુદા જ અનુભવો મને કરાવ્યા છે.’

આ ટિપ્સ ધ્યાનમાં રાખજો 
લેહ-લદાખ ફરવા જવું હોય તો એના માટેની ખાસ ટિપ્સ લઈએ પ્રણવ પાસેથી.

ઘણા લોકો કહે છે કે લેહ-લદાખની હવા ખૂબ જ પાતળી હોવાથી ઘણા લોકોને શ્વાસની તકલીફ થઈ શકે છે અને એટલે તેઓ પોતાના ડૉક્ટર્સ પાસેથી દવા લઈને જાય છે અને ત્યાં દવા પર જીવે છે. હકીકતમાં એ ફક્ત લોકોનો માનસિક ડર હોય છે. મનમાં જો પૉઝિટિવિટી હોય તો એ પાતળી હવા તમારામાં એટલી એનર્જી ભરે છે કે તમે જો ફક્ત ૩-૪ કલાક જ સૂતા હો તો પણ બાકીના કલાકો ભરપૂર ઍક્ટિવ રહી શકો છો. જો તમને ડર લાગતો હોય તો દવા પાસે રાખો પરંતુ એક વખત દવા વગર ખુલ્લા મને ત્યાં રહીને જુઓ.

જયારે તમે ત્યાં જાઓ તો ઓછામાં ઓછો એક દિવસ લેહ શહેરથી ૪૦-૪૫ કિલોમીટર દૂર નાનાં-નાનાં ગામ આવેલાં છે ત્યાંના લોકલ્સના હોમ સ્ટેમાં રહેવાનો લહાવો ચૂકતા નહીં. આ તિબેટન લોકો છે જેના હાથનું થુકપા એટલે કે તિબેટન નૂડલ સૂપ ચોક્કસ ખાજો.  

લેહ-લદાખની ટ્રિપને નૉર્મલ વેકેશનની જેમ ગણીને તમે ત્યાં ફરવા નહીં આવતા. આ જગ્યા ઘણી જુદી છે અને એની ગરિમા પણ. લોકો બહાર ફરવા જાય એટલે સ્મોકિંગ અને આલ્કોહૉલ ખાસ લેતા હોય છે. એમને એમ છે કે ઠંડીમાં આલ્કોહૉલ અંદરથી ગરમી આપવા મદદરૂપ થશે. પણ જો તમે સ્મોકિંગ કે આલ્કોહૉલ લીધા તો તમે ચોક્કસ માંદા પડી જશો એની ગૅરન્ટી છે. અહીં લોકલ્સ ટેવાયેલા છે આ વાતાવરણથી એટલે એ પી શકે. ટૂરિસ્ટ તરીકે તમારે એના વગર જ રહેવું.

અહીં બીજા વેકેશનની જેમ ફોટો પડાવવા માટે તમે સારાં કપડાં કે ટૂંકાં કપડાં પહેરી નહીં જ શકો. ઉપરથી નીચે સુધી ઢંકાયેલા રહેવું અત્યંત જરૂરી છે. આ જગ્યા શો-ઑફ માટેની નથી. અહીં કુદરતના કાયદાને માન આપવું જરૂરી છે. ઘણા બાઇકર્સ પ્રૉપર ગાર્ડ પહેર્યા વગર અહીં બાઇક ચલાવીને પોતાને મહાન સાબિત કરવામાં લાગેલા હોય છે. આવું ન જ કરવું. નહીંતર જીવનભરનો અફસોસ લઈને તમે લેહ-લદાખથી પાછા ફરશો એ ધ્યાન રાખો.

લેહ-લદાખ પહેલી વાર જતા હો તો ૮ રાતનો પ્રોગ્રામ બસ થઈ જશે. બાકી તો ૮ જન્મો પણ ઓછા પડે, કારણ કે દરેક વખતે તમને કંઈ ને કંઈ નવો જ અનુભવ કરાવે છે આ જગ્યા.

લદાખમાં શું મિસ ન કરવું? 
ચાદર ટ્રેક અને ખાર ડુંગ લા જેવા અઘરા ટ્રેક્સ માટે લોકો સ્પેશ્યલ લદાખ જતા હોય છે. આ સિવાય બીજા ઘણા નાના-નાના ટ્રેક્સ પણ છે ત્યાં. આ બધામાં પ્રણવ મુજબ લદાખમાં પેન્ગોંગ તળાવ છે જેની પાસે લોકો સ્ટે લેતા નથી, કારણ કે ત્યાં ખૂબ ઠંડી હોય છે. જો તમે થોડીક ઠંડી સહન કરવાની તાકાત ધરાવતા હો તો પેન્ગોંગ રોકાવું જ જોઈએ, કારણ કે આ જગ્યાનો સનરાઇઝ અને સનસેટ બિલકુલ ચૂકવા જેવા નથી. આ સિવાય ભારતમાં એવી ઘણી ઓછી જગ્યાઓ છે જ્યાંથી તારાઓથી ભરેલું આખું આકાશ જોવા મળે. પેન્ગોંગ તળાવ અને હેનલે નામની બન્ને જગ્યાઓએ તમે તારાનું દર્શન કરી શકો છો. એ માટે ખાસ ત્યાં રાત્રે રોકાવું જરૂરી છે પણ આ અનુભવ તમારા માટે આહ્લાદક બની રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

04 August, 2022 12:58 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK