° °

આજનું ઇ-પેપર
Saturday, 21 May, 2022


આન્ધ્ર પ્રદેશમાં કાશ્મીરની મજા માણવી હોય તો લાંબાસિંગી પહોંચી જજો!

22 March, 2020 05:18 PM IST | Mumbai Desk
Darshini Vashi

આન્ધ્ર પ્રદેશમાં કાશ્મીરની મજા માણવી હોય તો લાંબાસિંગી પહોંચી જજો!

એક વૅલી કેટલી સુંદર હોઈ શકે છે તે અરાકું વૅલીને જોઈને ખબર પડી જશે. આ વૅલીની અંદર માત્ર સરસ મજાનાં ફૂલ અને ફળોની જ ખેતી નથી થતી, પરંતુ કૉફીનું પ્લાન્ટેશન પણ કરવામાં આવે છે.

એક વૅલી કેટલી સુંદર હોઈ શકે છે તે અરાકું વૅલીને જોઈને ખબર પડી જશે. આ વૅલીની અંદર માત્ર સરસ મજાનાં ફૂલ અને ફળોની જ ખેતી નથી થતી, પરંતુ કૉફીનું પ્લાન્ટેશન પણ કરવામાં આવે છે.

દક્ષિણ ભારતમાં ફરવા માટે સમૃદ્ધ દ્રવિડિયન ઇતિહાસ, સુંદર અને વિશાળ સમુદ્રકિનારો, ચટાકેદાર વાનગીઓ, નૃત્યો અને લીલીછમ હરિયાળી-એમ બધું જ છે, પરંતુ કમી હતી તો માત્ર બરફની...પરંતુ તેની કમી પણ આંધ્ર પ્રદેશમાં આવેલું લાંબાસિંગી પૂરી કરી દેશે. અદ્ભુત વૅલી અને એકદમ ઠંડું વાતાવરણ ધરાવતું લાંબાસિંગી દક્ષિણનું એકમાત્ર એવું સ્થળ છે જ્યાં બરફવર્ષા નોંધાઈ છે, પરંતુ હજી આ ગામ વિશે વધુ લોકોને ખબર નથી એટલે અહીં ટૂરિસ્ટોની ગિર્દી પણ ઘણી ઓછી છે.

સમુદ્રની સપાટીથી ૧૦૦૦ મીટરની ઊંચાઈ પર આવેલું લાંબાસિંગી વિશાખાપટ્ટનમના ચિંતાપલ્લી ટાઉનમાં આવેલું હિલ સ્ટેશન છે. જ્યાં શિયાળામાં બરફનો વરસાદ નોંધાય છે. થોડાં વર્ષ અગાઉ અહીં બરફનો ભારે વરસાદ પડ્યો હતો ત્યારબાદ આ જગ્યા ફૅમસ બની ગઈ હતી. ચારે તરફ પહાડો, જંગલો અને સુંદર વૅલીઓથી ઘેરાયેલા લાંબાસિંગી માટે એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ઠંડીની મોસમમાં બહાર સૂવે તો સવાર સુધીમાં થીજી જાય છે. ખેર, આપણે થીજી તો નથી જવું, પરંતુ સામાન્ય રીતે ગરમ પ્રદેશમાં ગણતરી લેવાતાં આંધ્ર પ્રદેશમાં બરફવર્ષા કેવી હશે તે જાણવાની સહેજ ઈચ્છા થઈ જાય છે. એવું નથી કે અહીં માત્ર બરફવર્ષા જ જોવા મળશે, પરંતુ અહીં આસપાસ અનેક મનમોહક સ્થળો આવેલાં છે જેને જોવાની મજા પડશે. અહીં મોટાભાગના લોકો આદિવાસી સમુદાયના છે જેઓ અહીં આવેલા કાળાં મરી અને કૉફીના બાગમાં કામ કરે છે. આટલું બધું સાંભળ્યા બાદ અહીં આવવાનું ચોક્કસ મન થઈ જ ગયું હશે-તો ચાલો ફરી લઈએ લાંબાસિંગી અને જોઈએ કે આ ગામમાં અને એની આસપાસમાં ક્યાં-ક્યાં ફરવા જવું મસ્ટ છે.
કોઠાપલ્લી ઝરણું
લાંબાસિંગીથી ૨૭ કિલોમીટરના અંતરે કોઠાપલ્લી ઝરણું આવેલું છે. આવા ખૂબસૂરત વાતાવરણ વચ્ચે આવેલું ઝરણું પણ કેટલું સુંદર હોઈ શકે છે તેની જાણ અહીં આવીને થઈ જશે. અલગ અલગ આકાર અને કદના પહાડો પરથી ઝરતું ઝરણું એક પિકનિક પૉઇન્ટ પણ છે. અહીં આસપાસમાં રહેતા લોકો તેમ જ ટૂરિસ્ટોને અહીં આવવું ખૂબ ગમે છે. અહીં હજી ટૂરિસ્ટોનો ધસારો ઓછો હોવાને લીધે આ ઝરણાંનું પાણી ચોખ્ખું અને પારદર્શક જળવાઈ રહ્યું છે.
સુસન ગાર્ડન
લાંબાસિંગી જતી વખતે રસ્તામાં સુસન ગાર્ડન આવશે. જ્યાં બ્લૅક અને યલો સુસન ફ્લાવર ગાર્ડન જોવા મળશે. આ ગાર્ડન બધા માટે ઑપન હોય છે એટલે વિઝિટર્સ ગમે તે સમયે અહીં આવી શકે છે અને ગાર્ડનને એન્જૉય કરી શકે છે. અહીં ઊગેલા સુંદર અને રંગીન ફૂલો મનને પ્રફુલ્લિત કરી દેશે તેમ જ રિલેક્સ ફિલ કરાવશે. આ ગાર્ડનનો જો હજી સુંદર નજારો માણવો હોય તો સૂર્યાસ્ત થવાની રાહ જુઓ. સૂર્યાસ્ત થવાના સમયે બદલાતાં આકાશી રંગોની સાથે ગાર્ડનના રંગો પણ બદલાઈ જાય છે.
અરકું વૅલી
અરકું વૅલીને કલરફુલ વૅલી પણ કહી શકો છો, કેમ કે અહીં વિવિધ જાતનાં ફૂલોનાં ગાર્ડન, ફળો ઉપરાંત વૉટરફોલ, કૉફી ફિલ્ડ, ગ્રીનરી બધું જ છે એટલે આ ગાર્ડનમાં પ્રવેશતાવેંત એવું લાગશે કે જાણે વૅલીની અંદર કોઈ અનેક રંગો કરી ગયું છે. એક તરફ આવી રંગીન વૅલી અને તેની સાથે અહીંનું એટલું જ રંગીન અને મોહક વાતાવરણ અરકું વૅલીની સુંદરતાને બમણી બનાવે છે. અહીં આવો તો કૉફીના બાગમાં લટાર અવશ્ય મારજો. કૉફીની મીઠી અને કડક સુગંધ તમને ફ્રેશ કરી દેશે તેમ જ ખેડૂતો કેવી રીતે કૉફીના બીને છૂટા પાડે છે તે પણ જોવાનું ગમશે. જો તમે શિયાળા દરમ્યાન અહીં જશો તો મજા અનેકગણી વધી જશે તે તો પાકું.
થાજંગી જળાશય
લાંબાસિંગીથી માત્ર છ કિલોમીટરના અંતરે થાજંગી તળાવ આવેલું છે. જ્યારે તમે લાંબાસિંગીથી વિશાખાપટ્ટનમ પરત ફરી રહ્યા હો ત્યારે આ સ્થળે આવજો. આ જગ્યા એટલી સુંદર છે કે અહીંથી ખસવાનું મન જ નહીં થાય. હરિયાળીથી ભરપૂર ખૂબસૂરત વૅલી, નાના રસ્તા અને નવા નવા આકાર પાડીને આગળ વહેતી નદી, વૅલીની સાથે રમતાં વાદળો કંઈક નવું જોયું હોવાનો આભાસ કરાવશે. ફોટોગ્રાફી માટે આ એક બેસ્ટ જગ્યા છે. અહીંના અલૌકિક સૌંદર્યને સુંદર રીતે કેદ કરવા હોય તો કોઈ સારો કૅમેરો સાથે લઈ જવો. ફોટો પાડવાની મજા આવી જશે. આ સ્થળ વિશે જેમ જેમ જાણકારી વધતી જાય છે તેમ તેમ અહીં ટૂરિસ્ટોનો ધસારો પણ વધતો જાય છે. જેને ધ્યાનમાં રાખીને હવે આંધ્ર પ્રદેશ સરકાર અહીં હોટેલ અને રિસોર્ટ શરૂ કરવા પર પણ વિચાર કરી રહ્યા છે.
કૅમ્પિગ અને ઍડવેન્ચર માટે બેસ્ટ
મસ્ત-મસ્ત વાતા ઠંડા પવન અને કુદરતી સૌંદર્યથી છલકાતા વાતાવરણની વચ્ચે બૉનફાયર કરી ફ્રેન્ડ્સ લોકોની સાથે કૅમ્પમાં રહેવાનો આનંદ કંઈક અલગ જ હોય છે. અહીં તમને કૅમ્પિગ કરવાની મજા આવશે. કોઈ પણ પ્રકારના ડિસ્ટર્બન્સ વગર અહીં કૅમ્પિગનો આનંદ માણી શકાશે, પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી કે અહીં સ્થાનિકમાં તમને કૅમ્પિગની કોઈ વસ્તુ મળશે નહીં, એટલે તમારે અગાઉથી તેની વ્યવસ્થા કરી લેવી. કૅમ્પિગની જેમ અહીં બીજી ઍડવેન્ચર ઍક્ટિવિટીસ કરવાની પણ મજા આવશે જેમ કે ટ્રેકિંગ, માઉન્ટેન બાઇકિંગ, હાઇકિંગ વગેરે વગેરે. ભોમિયા બનીને ફૉગથી ઘેરાયેલા વાંકાચૂકા રસ્તા પર ચાલતાં ચાલતાં અહીંના વાતાવરણને ભરપૂર એન્જૉય કરી શકાશે.
ઉપાડા બીચ
લાંબાસિંગી જઈને ઠંડી હવા અને બરફ તેમ જ લીલોતરી જોઈને અને એન્જૉય કરીને કંટાળી ગયા હોવ તો ઉપાડા બીચ પર ફરી આવજો. જોકે ઉપાડા બીચનું અંતર લાંબાસિંગીથી થોડું લાંબું છે એટલે કે ૧૨૦ કિલોમીટરનું છે પરંતુ અહીં આવીને તમારો આટલા કિલોમીટરનો થાક ઊતરી જશે તે નક્કી. બીચના કિનારે પથરાયેલા નાના ખડકો જેવા પથ્થર અને તેને અથડાતાં શાંત દરિયાનાં મોજાં અહીંના નિરવ માહોલને જાણે ડિસ્ટર્બ કરી રહ્યા હોય એવી અનુભૂતિ થયા વગર રહેતી નથી. આ ખડકો પર બેસીને પાણીમાં થોડીવાર પગ મૂકીને બેસી રહેશો તો પણ નિરાંત અનુભવશો.

ક્યારે અને કેવી રીતે જવું?
લાંબાસિંગી ફરવા જવા માટે આમ તો બારે મહિના મસ્ત છે, કેમ કે આ સ્થળ ઊંચાઈ પર આવેલું હોવાથી અહીં વાદળો રોજ સંતાકૂકડી રમે છે, પરંતુ ચોમાસા અને શિયાળા દરમ્યાન અહીંનો નજારો કંઈક ખાસ અલગ લાગે છે.
નવેમ્બરથી જાન્યુઆરી દરમ્યાન અહીં આવતા લોકોને બરફવર્ષા જોવા મળશે. ટૂરિસ્ટ પ્લેસ તરીકે હજી આ સ્થળ અન્ય હિલ સ્ટેશનની જેમ એટલું વિકસિત થયું ન હોવાને લીધે અહીં હાઈ ઍન્ડ હોટેલ્સ તેમ જ ખાણીપીણીની એટલી વ્યવસ્થા નથી જેને ધ્યાનમાં રાખવું. અહીં સુધી પહોંચવા માટે વિશાખાપટ્ટનમ સૌથી નજીકનું સ્થળ છે. જ્યાં ઍરપોર્ટ પણ આવેલું છે. અહીંથી લાંબાસિંગીનું અંતર ૧૦૭ કિલોમીટર છે જે પ્રાઇવેટ અથવા સરકારી વાહન થકી કાપી શકાય છે. ટ્રેનમાં જો આવવું હોય તો ચિંતાપલ્લી અહીંનું સૌથી નજીકનું સ્ટેશન છે જે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું છે.

જાણી-અજાણી વાતો...
લાંબાસિંગીમાં મોટાભાગના સમય દરમ્યાન એટલું બધું ફૉગ હોય છે કે સવારે દસ વાગ્યા સુધી જમીન પર સૂરજનું કિરણ પણ પડી શકતું નથી.
દક્ષિણ ભારતનું આ કદાચ પહેલું સ્થળ હશે જ્યાં ઘણી વખત શિયાળામાં તાપમાન શૂન્ય ડિગ્રી કરતાં પણ ઘટી જાય છે.
લાંબાસિંગીમાં કોઈ મોટી હોટેલ કે મોટલ નથી, પરંતુ અહીંના સ્થાનિક લોકો હોમ સ્ટૅ ઑફર કરે છે.
લાંબાસિંગીમાં કોઈ પેટીએમ નથી એટલે પોતાની સાથે પૂરતાં પ્રમાણમાં કૅશ રાખવી.
અહીં ઠંડીમાં જો કોઈને આખી રાત બહાર રાખવામાં આવે તો તે ફ્રોઝ થઈ જાય છે. એક વખત ગામમાં ઘૂસી આવેલા ચોરને સજા આપવા માટે ગામના લોકોએ તેને બહાર ઝાડની સાથે બાંધી દીધો હતો, સવારે લોકોએ ઊઠીને જોયું તો તે માણસ ફ્રોઝનમૅન બની ગયો હતો. બસ ત્યારથી આ જગ્યા ‘કોરું બયલુ’ તરીકે પણ ઓળખાય છે જેનો અર્થ જામી જવું પણ થાય છે.

22 March, 2020 05:18 PM IST | Mumbai Desk | Darshini Vashi

અન્ય લેખો

ટ્રાવેલ

ભારતમાં સંસ્કૃતિનો જે સમૃદ્ધ પટારો છે એ કોઈ સમૃદ્ધ દેશોમાં પણ નથી

એવું માનવું છે બ્રિટન અને ભારતના ખૂણેખૂણાને એક્સપ્લોર કરનારા મુંબઈ મેટ્રોમાં કાર્યરત ઍરોસ્પેસ એન્જિનિયર જય શેઠનું

12 May, 2022 01:52 IST | Mumbai | Jigisha Jain
ટ્રાવેલ

સાસણ ગીરના રેલવે-સ્ટેશનના વેઇટિંગ રૂમમાં તાળું મારીને તમને પૂરી દેવામાં આવે તો?

આવું બન્યું હતું જુહુમાં રહેતાં ઉષ્મા વોરા સાથે અને એ રાત તેમણે કલ્પી ન શકાય એ સ્તર પર જંગલી પશુઓના અવાજો, ડર અને રોમાંચ સાથે ગુજારી હતી.

05 May, 2022 01:36 IST | Mumbai | Ruchita Shah
ટ્રાવેલ

પતિએ આપેલી ચૅલેન્જ પૂરી કરવા આ યુવતી જીવ જોખમમાં મુકાય એવો ટ્રેક કરી આવી

બરફ જેણે કોઈ દિવસ જોયો પણ નહોતો એ બરફમાં ૭ દિવસનો ખૂબ અઘરો ગણાતો ટ્રેક ૩૪ વર્ષની પાયલ શાહે પૂરો કર્યો. રમત-રમતમાં પતિએ આપેલા પડકારને ગંભીરતાથી લેતાં તેને કેવા અવિસ્મરણીય અનુભવો થયા એની રોચક વાતો જાણીએ

28 April, 2022 01:17 IST | Mumbai | Jigisha Jain

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK