° °

આજનું ઇ-પેપર
Monday, 08 August, 2022


આખો દિવસ માત્ર ઘૂમિંગ, ઘૂમિંગ ઍન્ડ ઘૂમિંગ

30 June, 2022 01:53 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

ફરવાનો એટલો શોખ છે બોરીવલીમાં રહેતી દર્શના છેડા-મારુને કે વાત ન પૂછો. તેના માટે ફરવું એટલે હૅપીનેસ ઇન્ડેક્સ ઉપર લઈ જવો. હવે તો દર મહિને તે ઊપડી જાય છે. નસીબજોગે તેને લાઇફ-પાર્ટનર પણ એવો મળ્યો જે તેના ફરવાના શોખને આગળ વધારે.

દર્શના છેડા-મારુ અલગારી રખડપટ્ટી

દર્શના છેડા-મારુ

ભારતનાં વીસ કરતાં વધારે રાજ્યો, એવરેસ્ટ બેઝ કૅમ્પ, મહારાષ્ટ્રના મોટા ભાગના કિલ્લાઓમાં ફરી આવેલા આ કપલ પાસેથી મિનિમમ કૉસ્ટમાં મૅક્સિમમ કેવી રીતે ફરવું એના ફન્ડા શીખવા જેવા છે

‘ફરવું એ તમારી ઇચ્છા નહીં પણ તમારી જરૂરિયાત છે. યસ, રોટી, કપડાં અને મકાનની જેમ ટ્રાવેલિંગ પણ તમારી બેઝિક નીડ છે અને એના માટે તમારે વર્ષમાં બે-ત્રણ વાર તો સમય કાઢવો જ જોઈએ.’

બોરીવલીની ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ દર્શના છેડા-મારુ આવું દૃઢપણે માને છે. ઇન ફૅક્ટ ફરવાના તેના આ પૅશનમાં જ તેણે તેના લાઇફ-પાર્ટનર તરીકે અંકિત મારુથી બહેતર કોઈ હોઈ જ ન શકે એ વાત એવરેસ્ટના બેઝ કૅમ્પના પોતાના પ્રવાસ દરમ્યાન રિયલાઇઝ કરી હતી. દર્શના અને અંકિત અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા, ગોવા, લદ્દાખ, જમ્મુ ઍન્ડ કાશ્મીર, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ જેવાં લગભગ વીસથી વધુ ભારતનાં રાજ્યો તે એક્સપ્લોર કરી ચૂક્યાં છે. ટ્રાવેલર તરીકે એક જુદી જ દૃષ્ટિથી દુનિયાને જોઈ રહેલાં દર્શના અને અંકિત સાથે વાત કરીએ.

નાનપણથી શોખ
દર્શના જ્યારે નાઇન્થ સ્ટૅન્ડર્ડમાં હતી ત્યારે સ્કૂલ પિકનિકથી તેણે હાઇકિંગ શરૂ કરી દીધેલું. તે કહે છે, ‘એ સમયે હાઇકિંગ શરૂ કરેલું જે આજ સુધી કરું છું. હવે તો મારા હસબન્ડ પણ મારી સાથે જોડાયા છે અને અમે બન્ને મળીને ભારતના એક-એક સ્થળને ખૂંદી રહ્યા છીએ. તમને ખબર છે કે આખા મહારાષ્ટ્રમાં લગભગ ૩૫૦ જેટલા કિલ્લાઓ છે જેમાંથી મોટા ભાગના તો મુંબઈ, પુણે, નાશિક અને થાણે એરિયામાં જ છે. કિલ્લાઓ પર ટ્રેકિંગની સાથે નૅચરલ બ્યુટી એક્સપ્લોર કરવી પણ મને ગમે છે. સહ્યાદ્રિની જેમ હિમાલયનું પણ મને ગજબ આકર્ષણ હતું એટલે ત્યાંના પણ ખૂબ ટ્રેક કર્યા છે. છેલ્લે તો એવરેસ્ટના બેઝ કૅમ્પનું ડ્રીમ મેં મારી સગાઈ પછી મારા હસબન્ડ સાથે પૂરું કર્યું. એમાં અમે લેવલ-થ્રી બેઝ સુધી ગયાં હતાં. અતિશય ઠંડી, હાઈ ઍલ્ટિટ્યુડ વચ્ચે બગડતી તબિયત વચ્ચે પણ હું બેઝ કૅમ્પની સફર માત્ર મારા હસબન્ડને કારણે પૂરી કરી શકી એવું કહું તો અતિશયોક્તિ નહીં ગણાય. એ સમયે તે મારા ફિયાન્સ હતા. જોકે જે રીતે તેમણે બધું પ્લાનિંગ કરેલું, આખા પ્રવાસમાં જે રીતે તે મને મોટિવેટ કરતા હતા ત્યારે જ મનમાં મેં નક્કી કરી લીધેલું કે આનાથી બેસ્ટ હસબન્ડ હોઈ જ ન શકે. તેર દિવસનો એવરેસ્ટ બેઝ કૅમ્પનો ટ્રેક લાઇફ-ચેન્જિંગ હતો મારા માટે.’

બાર વર્ષથી નિયમિત ટ્રાવેલ કરતું આ કપલ હવે તો દર મહિને એકાદ-બે વાર બેચાર દિવસની રજા લઈને ઊપડી પડે છે. 

કુદરતનો ખજાનો
૨૦૨૦ના અંતમાં બાઇક પર મુંબઈથી કચ્છ પંદર દિવસની ૧૪,૫૦૦ કિલોમીટરની યાત્રા કરી આવેલા આ કપલનો છેલ્લો પ્રવાસ નૉર્થ ઈસ્ટનો હતો. ત્યાંના પોતાના અનુભવો શૅર કરતાં દર્શના કહે છે, ‘મારી દૃષ્ટિએ ભારતની સૌથી શ્રેષ્ઠ જગ્યા કોઈ હોય તો એ છે અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ. કુદરતનો ખજાનો છે જાણે અહીં. તમે માનશો નહીં પણ આખા ભારતમાં આટલું ફર્યા છીએ અને દરેક વખતે એક જુદો જ અનુભવ અમને થતો હોય છે. જોકે અરુણાચલ પ્રદેશમાં હતા ત્યારે અમારો હૅપીનેસ ઇન્ડેક્સ સર્વાધિક હતો. ત્યાંથી પાછા આવવાનું મન જ નહોતું થતું. બીજો મારો નિયમ છે કે જે સ્ટેટમાં હોઉં ત્યાં જઈને ત્યાંનો પરંપરાગત પોષાક તો પહેરવાનો જ. જો મુંબઈમાં જ મળી જાય તો અહીંથી લઈ જવાનો અને ત્યાં પ્રવાસ દરમ્યાન બે-ચાર પહેરવાનો અથવા તો ત્યાંના લોકલ પાસે પણ રિક્વેસ્ટ કરીને લઈને પહેરવાનો. ટ્રેડિશનલ પોષાક અને વેજિટેરિયન ટ્રેડિશનલ ફૂડ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ એ અમારા ટ્રાવેલની હાઇલાઇટ હોય છે.’

પૈસા બચાવો
ટ્રાવેલ તમારી ડ્યુટી છે અને એટલે જ વધુમાં વધુ ફરી શકાય એટલે અમે બચત ટ્રાવેલ વધુ પ્રિફર કરીએ છીએ એમ જણાવીને કેટલીક ટિપ્સ આપતાં દર્શના કહે છે, ‘ભારત જેવું શ્રેષ્ઠ અને ભારતમાં થાય એવું સસ્તું ટ્રાવેલ દુનિયામાં શક્ય જ નથી. લોકોને કલ્પના ન હોય એટલા પૈસામાં અમે ફરી આવીએ છીએ. જ્યાં જાઓ ત્યાં બુકિંગ વિના જ જવાનું અને ત્યાં જે લાસ્ટ મોમેન્ટ બજેટ-ફ્રેન્ડ્લી હોટેલ મળે એ લેવાની. મોટા ભાગે ૧૦૦૦ રૂપિયાથી નીચેના રેટવાળી હોટેલ બધે જ મળી જતી હોય છે. બીજું, જ્યારે પણ ફરવાનું નક્કી કરો ત્યારે જગ્યા, રૂટ, લોકો અને અપેક્ષિત ખર્ચની શક્ય હોય એટલી સારી આઇટિનરરી બનાવી દેવી. દરેક અનપ્લાન્ડ ચૅલેન્જ માટે પણ માનસિક રીતે તૈયાર રહેવું. મારા હસબન્ડ મને હંમેશાં કહે કે દરેક વસ્તુ કોઈ કારણથી થતી હોય છે. જો સારું થાય તો એન્જૉય કરો અને જો ખરાબ થાય તો એમાંથી શીખીને એને એન્જૉય કરો. ઉતાવળા ટ્રાવેલરોથી અમે દૂર જ રહીએ છીએ. એટલે જ અમે સોલો અને બૅકપૅક ટ્રિપ્સ વધુ પ્રિફર કરીએ છીએ. કોઈ જગ્યાએ થપ્પો મારવા નથી જવાનું પણ એ સ્થળને, ત્યાંના લોકોને, ત્યાંની હવાને, ત્યાંના પ્રત્યેક કણને માણવા જવાનું છે એ વાત સતત જાતને યાદ અપાવતા રહો.’ 

30 June, 2022 01:53 PM IST | Mumbai | Ruchita Shah

અન્ય લેખો

ટ્રાવેલ

ચાલો ફરવાઃ ‘વૅલી ઑફ ફ્લાવર્સ’નો સોલો ટ્રેક કરવો હોય તો આમ કરો પ્લાનિંગ - ભાગ 6

ટ્રેકર ધર્મિષ્ઠા પટેલે વૅલી ઑફ ફ્લાવર્સના ટ્રેકનો અનુભવ બાદ આજે છઠ્ઠી કડીમાં તેમણે વિગતો આપી છે કે વૅલી ઑફ ફ્લાવર્સ ટ્રેક કરવો હોય તો કઇ સિઝનમાં કરવો, કેટલા ખર્ચાની તૈયારી રાખવી, કઈ ચીજો સાથે રાખવી, તમે જોઇ શકશો ટ્રેકિંગ શૂઝના અદ્ભૂત વીડિયોઝ પણ

05 August, 2022 11:52 IST | Mumbai | Dharmishtha Patel
ટ્રાવેલ

ચાલો ફરવાઃ કેદારકંઠા જવું છે? તો આ રીતે કરી શકશો પ્લાનિંગ, બિગિનર્સ માટે બેસ્ટ

ટ્રેકર ધર્મિષ્ઠા પટેલે કેદારકંઠા ટ્રેકનો અનુભવ વહેંચ્યો અને આ શૃંખલાની છેલ્લી કડીમાં આજે તેમણે વિગતો આપી છે કે કેદારકંઠા ટ્રેક કરવો હોય તો કઇ સિઝનમાં કરવો, કેટલા ખર્ચાની તૈયારી રાખવી અને બીજી કઇ રીતે સજ્જ રહેવું

05 August, 2022 11:44 IST | Mumbai | Dharmishtha Patel
ટ્રાવેલ

આ થાણેનિવાસી લદાખી તરીકે ઓળખાય છે

લેહ-લદાખ ટૂરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે પરંતુ થાણેમાં રહેતા પ્રણવ દેઢિયા માટે એનો પ્રેમ છે. લગાતાર લગભગ ૪-૫ વર્ષ તેમણે લેહ-લદાખમાં દર વર્ષે ૬થી ૯ મહિના વિતાવ્યા છે. લદાખમાં વસનાર લગભગ દરેક વ્યક્તિ સાથે તેમને ઘરોબો છે એમ કહીએ તોય ચાલે.

04 August, 2022 12:58 IST | Mumbai | Jigisha Jain

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK