Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > રોમાંચનું સંપૂર્ણ પૅકેજ એટલે રોડ-ટ્રિપ

રોમાંચનું સંપૂર્ણ પૅકેજ એટલે રોડ-ટ્રિપ

18 August, 2022 03:48 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

આવું માનતાં ઘાટકોપરનાં હેમંત અને દર્શિકા દૌલત આજે દિલ ખોલીને વાત કરે છે તેમની રોમાંચક રોડ-ટ્રિપની અને સફર દરમ્યાન થયેલા જુદા-જુદા અનુભવોની

રોડ-ટ્રિપ

અલગારી રખડપટ્ટી

રોડ-ટ્રિપ


‘મઝા મંઝિલ કા નહીં, સફર કા હોતા હૈ’ આ વાક્ય રોડ-ટ્રિપ માટે પર્ફેક્ટ સૂટેબલ છે. પાર્ટનર સાથે કાર લઈને નીકળો પછી ડેસ્ટિનેશન પર પહોંચવાની જરાય ઉતાવળ નથી હોતી. ઓછા ખર્ચે ઍડ્વેન્ચર ટ્રિપ માટે પણ આ બેસ્ટ ઑપ્શન મનાય છે. પ્રવાસના શોખીન ઘાટકોપરનાં હેમંત અને દર્શિકા દૌલત ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરવા તેમ જ સફરને રોમાંચક બનાવવા અવારનવાર કાર લઈને નીકળી પડે છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી એક્સપ્લોર કરી આવેલું આ કપલ આજે વાત કરે છે તેમના ટ્રાવેલ રૂટીન અને સફર દરમ્યાન થયેલા અનુભવોની. 

ચસકો લાગ્યો 



ટ્રાવેલિંગ પૅશન કઈ રીતે બન્યું એની વાત કરતાં હેમંત કહે છે, ‘નાનપણમાં ફુઆ ગાંધીધામથી અને મામા કોઇમ્બતુરથી કાર લઈને મુંબઈ અમારા ઘરે આવતા એ જોઈને પ્રભાવિત થઈ જતો. તેઓ ફરવા લઈ જાય ત્યારે મને હંમેશાં આગળની સીટ પર બેસવાનું હોય. બારીની બહારનો અને સામેના કાચમાંથી દેખાતો નજારો ઍટ્રૅક્ટ કરતો. સાથે-સાથે ગાડી કઈ રીતે ચલાવે છે એ પણ ઑબ્ઝર્વ કરતો. ટ્રિપ દરમ્યાન ક્યારેક તેઓ સ્ટિયરિંગ પર હાથ અજમાવવા દેતા.  ત્યારથી રોડ-ટ્રિપનાં બીજ રોપાયાં. મારી પાસે પોતાની કાર હશે ત્યારે ખૂબ ફરીશ એવું મનોમન નક્કી કરી રાખ્યું હતું. કાર લેવાનો અને એમાં જ ફરવાનો ચસકો લાગ્યો. બાય રોડ ટ્રાવેલ કરવા મળે એ માટે યંગ એજમાં રેન્ટલ કારનો બિઝનેસ કર્યો. કામ એવું જ કરવું હતું જેમાં ફરફર કરવા મળે. દર્શિકાને પણ પ્રવાસનો શોખ એથી જોડી જામી ગઈ. જોકે અમારાં અરેન્જ્ડ મૅરેજ છે એટલે તેના શોખની પછીથી ખબર પડી.’


રોડ-ટ્રિપ તમારા પ્રવાસને ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. સફર દરમ્યાન રસ્તામાં આવતાં નાનાં- નાનાં ગામડાંઓ, ખેતરો, જંગલ, પહાડ અને મજેદાર લોકલ ફૂડનું મને પણ હંમેશાંથ ઍટ્રૅક્શન હતું, એવી વાત કરતાં દર્શિકા કહે છે, ‘રોડ-ટ્રિપનાં ઘણાં ઍડ્વાન્ટેજ છે. સૌપ્રથમ તો તમને ઇચ્છા થાય ત્યાં રોકાઈ શકો છો. ટૂરમાં જઈએ તો સાઇટ સીન જ કવર કરવા મળે અને સમયસર બસ અથવા અન્ય વાહનમાં ગોઠવાઈ જવું પડે, જ્યારે અહીં સમય અને સ્થળની પાબંદી નડતી નથી. રોડ-ટ્રિપ તમને આઉટ ઑફ બૉક્સ વિચારવા પ્રેરિત કરે છે. ખુલ્લા રસ્તા, ઠંડો પવન અને હરિયાળી જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય. રોડ-ટ્રિપ્સમાં અગાઉથી વિશેષ આયોજન કરવાની પણ જરૂર રહેતી નથી, એ પ્લસ પૉઇન્ટ છે. પંદરેક વર્ષથી અમે સતત પ્રવાસમાં રહીએ છીએ. ગોવા, કર્ણાટક, બૅન્ગલોર, અમ્રિતસર, કેરલા, રાજસ્થાન, ગુજરાત વગેરે રાજ્યો ફરી આવ્યાં છીએ. ભારતના દરિયાકિનારાથી લઈને રણપ્રદેશ તેમ જ પહાડોના વિસ્તારમાં આવેલાં રાજ્યો એક્સપ્લોર કર્યાં છે.’

પ્રવાસ અને અનુભવ


પ્રવાસ દરમ્યાન સ્મારકો, સંગ્રહાલયો, રણપ્રદેશ, સમુદ્રકિનારા, ઝરણાંઓ અને મંદિરો જોવાનાં. રોડ-ટ્રિપમાં સ્થાનિક લોકો સાથે વાતચીત કરવાની અને પરંપરાગત ભોજનની લિજ્જત માણવાની સૌથી વધુ મજા આવે, એમ જણાવતાં હેમંત કહે છે, ‘દેશનાં વિવિધ સાંસ્કૃતિક સ્થળોની મુસાફરી કરવી, ભાતભાતના લોકોને મળવું, સંબંધો વિકસાવવા અને આ સૃષ્ટિનાં પાંચ તત્ત્વોની નજીક રહેવું એ રોડ-ટ્રિપની વિશિષ્ટતા છે. જુદી-જુદી ભાષા બોલતા લોકોને મળવાથી આપણા જ્ઞાનમાં વધારો થાય છે. અમને બન્નેને મંદિરોનો ઇતિહાસ અને પૌરાણિક કથાઓ જાણવામાં ખૂબ જ રસ છે. અષ્ટવિનાયક અને અનેક જ્યોતિર્લિંગનાં દર્શન કરી આવ્યાં છીએ. છેક રામેશ્વરમ્ સુધી બાય રોડ પ્રવાસ કર્યો છે. મધ્ય પ્રદેશમાં મહાકાલેશ્વર અને ગુજરાતમાં સોમનાથ પણ ગયાં છીએ. મહારાષ્ટ્રનાં મંદિરોમાં વારંવાર જઈએ છીએ. અનુભવો તો ઘણા થયા છે. એક વાર મોરગાવ ગણપતિ મંદિર જઈ રહ્યાં હતાં. બપોરનો સમય હતો અને કકડીને ખૂબ ભૂખ લાગી હતી. રસ્તામાં કોઈ ઢાબા કે રેસ્ટોરાં દેખાયાં નહીં, ત્યાં દર્શિકાને ખેતરની મધ્યમાં એક નાની ઝૂંપડી દેખાઈ. કાર રોકીને જમવાની વ્યવસ્થા થશે એવી પૂછપરછ કરી. એ લોકોએ રસોઈ બનાવી આપી. સાવ સાદું ભોજન હતું, પરંતુ સ્વાદ અને પૌષ્ટિકતાથી ભરપૂર. જમ્યા પછી સંતોષનો જે ઓડકાર આવ્યો એ માટે શબ્દો નથી. આ અનુભવ પછી પરંપરાગત થાળી જ જમીએ છીએ. થોડા સમય પહેલાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી ગયાં હતાં. એ પહેલાં અમારી વેડિંગ-ઍનિવર્સરી વખતે અમ્રિતસર સુધીની રોડ-ટ્રિપ કરી હતી.’

વાસ્તવિકતાનો સામનો

રોડ-ટ્રિપ આપણને વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓનો સામનો કરવાનું પણ શીખવે છે. તેઓ કહે છે, ‘અમે રોડ-ટ્રિપ સ્ટાર્ટ કરી ત્યારે આવા સરસ રસ્તા નહોતા. સામાન્ય રીતે દિવસે જ મુસાફરી કરીએ અને સાંજ પડ્યે જ્યાં મુકામ મળે ત્યાં રાત રોકાઈ જઈએ. એ વખતે ૩૫થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ આવતી હતી એથી ઘણી વાર વધુ સ્થળો એક્સપ્લોર કરવાની લાલચે રાતે મોડે સુધી પણ કાર ડ્રાઇવ કરી લેતાં. એક ઘટનાએ અમને આમ ન કરવાની ફરજ પાડી. રાતના સમયે ભોપાલથી ઉજ્જૈન જઈ રહ્યાં હતાં. રસ્તો ખરેખર ડરામણો અને એકદમ અંધકારમય હતો. સડક પર વાહનોની સંખ્યા ઓછી અને એકલદોકલ માણસ જ જોવા મળે. અમે ભયભીત થઈ ગયાં. એ ક્ષણથી રાતની મુસાફરી ન કરવાનું નક્કી કર્યું. હવે જોકે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બહુ મોટો ફરક આવી ગયો છે. હાઇવે સારા થઈ જતાં વાહનની ઝડપ ડબલ થઈ ગઈ છે. સામાન્ય રીતે એક દિવસમાં ૩૦૦ કિલોમીટર કાર ડ્રાઇવ કરીએ. રોડ-ટ્રિપ આપણને જવાબદાર વ્યક્તિ બનવાનું શીખવે છે. પ્રવાસ દરમ્યાન ક્યારેક હોટેલ ન મળવાની સમસ્યા નડે તો ક્યારેક ભાષા ન આવડવાને કારણે સામેવાળી વ્યક્તિને સમજાવી ન શકાય એવું બને, પરંતુ હવે સુરક્ષા સાથે સંકળાયેલી કોઈ સમસ્યા નડતી નથી. ભારતના દરેક ખૂણામાં એવું કંઈક ખાસ છે જે તમને ખુશ કરી દે છે. મુસાફરી દરમ્યાન જે પણ સાધન-સંસાધન મળે એનો વ્યવસ્થિત ઉપયોગ કરતાં આવડે તો એકંદરે તમારી રોડ-ટ્રિપ સગવડભરી અને સુંદર હોય છે. અમે બન્ને પોતપોતાનાં કામકાજમાં વ્યસ્ત રહેતાં હોવાથી રોડ-ટ્રિપ અમારી માટે મી ટાઇમ છે. પ્રવાસનો શોખ હોય એવા લોકો માટે રોડ-ટ્રિપ કમ્પ્લીટ પૅકેજ કહેવાય.’

રોડ-ટ્રિપ તમને આઉટ ઑફ બૉક્સ વિચારવા પ્રેરે છે અને એમાં અગાઉથી વિશેષ આયોજન કરવાની પણ જરૂર રહેતી નથી એ પ્લસ પૉઇન્ટ છે

પૅશન બન્યું બ્રેડ-બટર

વિદેશ ફરવાનો શોખ તો ઘણા લોકોને હોય છે, પરંતુ સૌથી પહેલાં મનમાં સવાલ એ જ આવે કે ખર્ચ કેટલો થશે? વારંવાર જવાનું શક્ય છે? હેમંત અને દર્શિકાએ વિદેશપ્રવાસના પૅશનને ફુલફીલ કરવા સરસમજાનો રસ્તો શોધી કાઢ્યો. આ સંદર્ભે જાણકારી આપતાં હેમંત કહે છે, ‘ટ્રાવેલિંગ અમારું પૅશન છે અને બ્રેડ-બટર પણ એ જ છે. રોડ-ટ્રિપ કરતાં-કરતાં ઇન્ટરનૅશનલ ડેસ્ટિનેશન એક્સપ્લોર કરવાની ઇચ્છા જાગતાં ફૉરેન ટૂર લઈ જનારી કંપનીઓ પાસેથી ટૂર મૅનેજર તરીકેની બાકાયદા ટ્રેઇનિંગ લીધી. કેટલીક પરીક્ષાઓ પણ આપી. જે-તે દેશનાં જોવાલાયક સ્થળો, ત્યાંની ખાણીપીણી, ટ્રાન્સપોર્ટ વગેરે ઘણુંબધું રિસર્ચ કરી માહિતી એકઠી કરી. ફૉરેનમાં લોકલ સિટી ગાઇડ હાયર કરવા ફરજિયાત હોવાથી ગેસ્ટની સાથે તમને પણ એક્સપ્લોર કરવાનો પૂરતો સમય મળે છે. આ રીતે બન્નેએ સિંગાપોર, ઑસ્ટ્રેલિયા, દુબઈ, જપાન, ચીન, મલેશિયા, ન્યુ ઝીલૅન્ડ, જર્મની, સાઉથ આફ્રિકા વગેરે લગભગ ૫૦ દેશનો પ્રવાસ કરી લીધો છે. જોકે પ્રોફેશનલ કમિટમેન્ટ્સ સાથે સંકળાયેલી ટૂર હોય એથી ફૉરેનમાં સેપરેટ એક્સપ્લોર કરવું પડે. એક વાર બૅન્ક-બૅલૅન્સ બની જાય પછી સાથે પણ ફરીશું.’

Whatsapp-channel Whatsapp-channel

18 August, 2022 03:48 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK