° °

આજનું ઇ-પેપર
Thursday, 13 May, 2021


નોકરી માટે આજની મહિલાઓ બીજા શહેરમાં શિફ્ટ થતાં શું કામ અચકાતી નથી?

25 December, 2018 01:10 PM IST | | લેડીઝ સ્પેશિયલ - ભાવિની લોડાયા

નોકરી માટે આજની મહિલાઓ બીજા શહેરમાં શિફ્ટ થતાં શું કામ અચકાતી નથી?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

નૅશનલ સૅમ્પલ સર્વે અંતર્ગત ‘મોબિલિટી ઇન ઇન્ડિયા, રીસન્ટ ટ્રેન્ડ્સ ઍન્ડ ઇશ્યુ કન્સર્નિંગ ડેટાબેઝ’ અંતગર્ત ડૉ. અમિતાભ કુન્દુએ આપેલા એક રિપોર્ટ મુજબ આર્થિક કારણોસર મહિલાઓનું પોતાના ઘરથી દૂર બીજા શહેરમાં રહેવાનું પ્રમાણ વધ્યું છે. મહિલાઓ પોતાની જૉબને લઈને જે માઇગ્રેશન કરે છે એનાથી દેશના અર્થતંત્રને ૨૭ ટકા જેટલો આર્થિક ફાયદો પણ થઈ રહ્યો છે એવું પણ આ સર્વે રિપોર્ટમાં સ્પષ્ટ થાય છે. ઘરની ચાર દીવાલો કે પોતાના શહેરમાં પરિવાર સાથે સિક્યૉર માહોલમાં જ રહેવાની મહિલાઓ માટેની પ્રચલિત માન્યતાનો છેદ ઊડી રહ્યો છે. જોકે નવાઈ લાગે એવી બાબત એ છે કે એક તરફ એમ કહેવાય છે કે મહિલાઓ ભારતમાં અસુરક્ષિત છે ત્યારે શું કામ એકલા રહેવા જવાનું વિચારી શકે છે? નોકરીધંધા અને વ્યવસાય માટે પહેલાં તો ફક્ત પુરુષો જ એક સ્થળેથી બીજા સ્થળે માઇગ્રેટ કરતા હતા, પરંતુ મહિલાઓ પણ હવે જૉબ ઑપોચ્યુર્‍નિટી માટે મુંબઈની બહાર જતી થઈ હોય ત્યારે સ્ત્રીઓ પોતાની સુરક્ષા માટે શું કરે છે? બહાર જવું તેમને કેમ જરૂરી લાગે છે? જેવા ઘણા પ્રfનોના જવાબ મેળવવા માટે ‘મિડ-ડે’એ જ્યારે મહિલાઓ સાથે વાત કરી તો એ વિશે મહિલાઓએ આપેલા સવાલના જવાબ જાણીએ.


પરિવારનો સાથ હોય તો સફળતાનો આનંદ અનેરો હોય : ડૉ. જ્યોતિ શાહ, કર્ણાટક


પરિવારનો સાથ હોય તો બીજા શહેરમાં જઈને કામ કરવાની ખુશી અનેરી હોય છે એમ જણાવતાં મીરા રોડનાં વતની અને કર્ણાટકના ધારવાડમાં મેડિકલ કૉલેજમાં લેક્ચરર તરીકે કામ કરતાં ડૉ. જ્યોતિ શાહ કહે છે, ‘કોઈ પણ કામ શરૂ કરો ત્યારે સૌથી મહત્વની ભૂમિકા પરિવારની હોય છે. એકતા હોય અને એકબીજાને સંભાળી લેવાની જવાબદારી લેવા તૈયાર હો તો સફર સહેલી થઈ જાય.’

તમારા બીજા શહેરમાં જઈને કામ કરવાના નિર્ણયથી ઘરપરિવારની, બાળકોની જવાબદારી, પરિવાર કઈ રીતે મેઇન્ટેન થાય છે? એનો જવાબ આપતાં ડૉ. જ્યોતિ શાહ કહે છે, ‘મારા પતિ પણ વિદેશમાં એક મલ્ટિનૅશનલ કંપનીમાં એન્જિનિયર છે અને બે બાળકો છે. બન્ને વચ્ચે ઉંમરમાં ૧૨ વર્ષના ફરકના કારણે મોટો દીકરો ઘણુંખરું નાના દીકરાની જવાબદારીઓ સંભાળે છે અને મારાં મમ્મી અને ભાભી પણ એ જ બિલ્ડિંગમાં રહે છે એટલે તેઓ પણ તેમની દેખરેખ કરે છે એટલે કોઈ તકલીફ નથી પડતી. રજાઓ પડે અથવા મારાં બાળકોને મારી જરૂર હોય તો હું વહેલામાં વહેલી તકે પહોંચી જાઉં અને તેમની સાથે સમય પસાર કરું. હું અને મારા પતિ બાળકો સાથે ફોનથી તો ચોવીસ કલાક સંપર્કમાં છીએ અને તેમની સાથે અમારા કામની, અનુભવની, તેમના ભણતરની અને ફ્રેન્ડ્સ વિશે બધી વાતો ખુલ્લા મને શૅર કરીએ છીએ જેનાથી બાળકો સાથે અમારું બૉન્ડિંગ ખૂબ ફ્રેન્ડ્લી રહે છે. આજે એ લોકો પણ અમારા કામના મહત્વને સમજે છે. ઉત્સાહભેર અમને આગળ વધવા માટે પ્રેરિત કરે છે.’

સુરક્ષિતતા વિશેની વાત કરતાં ડૉ. જ્યોતિ કહે છે, ‘જો સાવધાનીપૂવર્‍ક રહેવામાં આવે તો ભય નથી રહેતો. કારણ વગર કોઈ સાથે વાત કરવી નહીં. આપણે કોની સાથે નવા સંબંધ બાંધવા અને કેટલો વિશ્વાસ કરવો એ આપણા પર નિર્ભર કરે છે એ પછી જાણીતું શહેર હોય કે અજાણ્યું. બીજું, અભિપ્રાયોના આધારે આપણે જો ખરેખર સપનાં સાકાર કરવાં છે તો જોયેલાં સપનાંને પૂરાં કરવા બીજા શહેરમાં માઇગ્રેટ થવામાં વાંધો નથી; પણ જ્યાં વસવાનાં છો ત્યાંની તમામ જાણકારી, શહેરના કાયદાઓ અને ઇમર્જન્સી સુવિધાઓ વિશે માહિતી હોવી ખૂબ જરૂરી છે. સપનાં પૂરાં કરવાં એ આપણો હક છે તો એ જોયેલાં સપનાંને સાકાર કરવા માર્ગ પર ચાલતી વેળાએ  સાવચેતી એ આપણી ફરજિયાત ફરજ છે. અને હા, પરિવાર પ્રેરકબળ છે. એકબીજાને સાથ આપીએ તો સફળતાનું શિખર સહેલું છે. પરિવારની પ્રીત એ જ આપણી તાકાત છે. એટલે સાથસહકાર અને સાવચેતીથી ઉડાન ભરો અને મેળવો મનગમતી મંજિલ.

ફ્લર્ટ કરનારા પુરુષો તો બધે જ મળે, પણ આપણે અલર્ટ હોઈએ તો વાંધો ન આવે : સેજલ લોડાયા, પુણે

જૉબ માટે બૅન્ગલોર, પુણે, ચેન્નઈ, દિલ્હી જેવાં શહેર અદ્યતન સગવડો અને વિકાસ ધરાવે છે. પુણેમાં છેલ્લાં પાંચ વર્ષથી ત્વ્ કંપનીમાં કામ કરતી મૂળ મુબંઈની સેજલ લોડાયા કહે છે, ‘મુંબઈમાં પણ સારી તકો છે, પરંતુ ભણવા માટે બીજા શહેરમાં જઈએ ત્યારે ઘણી વાર સારી જૉબ મળી જાય તો ત્યાં જ રહેવાનું નક્કી કરી લઈએ એ હવે સહજ છે.’

સુરક્ષિતતાને લઈને કોઈ તકલીફો આડે ન આવે? એનો જવાબ આપતાં સેજલ કહે છે, ‘જે શહેરમાં જવાનાં હોઈએ એ શહેર વિશે બધી જાણકારી લઈને જાઓ તો શું વાંધો આવે? જેમ કે ટ્રાન્સપોર્ટેશન બરાબર છે કે નહીં, એ શહેર કેટલું વિકસિત છે, એ તમામ બાબત જાણવી જરૂરી છે. હવે તો ઓલા અને ઉબર જેવી ટૅક્સીઓની સુવિધાઓ પણ વધી છે, જેને કારણે આપણે આપણી ફૅમિલીને સ્માર્ટફોન ટેક્નૉલૉજી દ્વારા લોકેશન મોકલાવી શકીએ છીએ. એટલે સુરક્ષિતતાનો કોઈ ભય નથી રહેતો.’

પુરુષો તરફથી કોઈ હેરાનગતિ ખરી?ના જવાબમાં સેજલ કહે છે, ‘ફ્લર્ટ તો દરેક જગ્યાએ થાય, પણ હવે કાયદાઓ એટલા કડક થયા છે કે કંપનીઓમાં જો કોઈ પુરુષ કલીગ હૅરૅસ કરે તો તરત જ તેને જૉબમાંથી ટર્મિનેટ કરવામાં આવે છે. સારી તક માટે બીજા શહેરમાં જવામાં મને કોઈ વાંધો નથી.’

શહેર નહીં, દેશ પણ છોડી દેવામાં કોઈ પ્રૉબ્લેમ નથી : ડૉ. મૌસમ મારુ, અમેરિકા


અમેરિકાની સેન્ટ લ્યુઇસ યુનિવર્સિટીમાં છેલ્લાં ત્રણ વર્ષથી લૅબ અસોસિએટ તરીકે કામ કરતાં ડૉ. મૌસમ મારુ અત્યારે સાતમા આસમાન પર છે. તેમનું વિદેશમાં કામ કરવાનું સપનું પૂરું થયું છે અને નવા દેશમાં તદ્દન એકલાં હોવા છતાં પૂરા આત્મવિશ્વાસ સાથે તેઓ કામ કરી રહ્યાં છે. તમે અહીં મુંબઈમાં પણ તમારી પ્રૅક્ટિસ કરી શકો છો તો વિદેશમાં પરિવારથી દૂર એકલાં જવાનું શા માટે પસંદ કર્યું? એવા સવાલના જવાબમાં ડૉ. મૌસમ કહે છે, ‘ડૉક્ટરની ડિગ્રી મળ્યા પછી મેં જનરલ પ્રૅક્ટિસ શરૂ કરી, પણ બીજા દેશમાં વસવાના સપનાને પૂરા કરવાના પ્રયત્નો પણ ચાલુ રાખ્યા હતા અને મને સેન્ટ લ્યુઇસ યુનિવર્સિટીમાં લૅબ અસોસિએટની પોસ્ટ મળી. મનને ગમ્યું એ મળ્યું એટલે બિસ્તરા-પોટલાં લઈને તરત જ ત્યાં નીકળી પડી’.

 

તમને ત્યાં એકલું લાગશે એવું ન લાગ્યું? આ પ્રશ્નનો પ્રૅક્ટિકલ જવાબ આપતાં ડૉ. મૌસમ કહે છે, ‘શરૂઆતમાં થોડું અઘરું લાગ્યું, પરંતુ પછી જૉબની જવાબદારીઓમાં વ્યસ્ત રહેવાથી બધું વ્યવસ્થિત થઈ ગયું. મન ભરીને જીવવાનું અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેવાનું એવું મારું માનવું છે એટલે સહકાર્યકરો અને ભારતથી ત્યાં જઈ વસેલા બીજા લોકો સાથે હળીમળીને આનંદથી સમય નીકળે છે. ઘરની યાદ આવે એ સ્વાભાવિક છે, પણ જો આપણા પગલાથી આપણા સ્વજનો ખુશ હોય તો ખરેખર સંતોષનો અહેસાસ થાય. પાંખ હોય તો પંખીએ ઊડવું જ જોઈએ, પણ ક્યાં અને કેટલા અંતરે એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.’

25 December, 2018 01:10 PM IST | | લેડીઝ સ્પેશિયલ - ભાવિની લોડાયા

અન્ય લેખો

ટ્રાવેલ

બારમામાં ભણતા આ ટીનેજરે ખોળી કાઢ્યો આપણે કદી ન જોયાં હોય એવાં પંખીઓનો પટારો

અંધેરી (ઈસ્ટ)માં રહેતા કરણ સોલંકીએ લૉકડાઉન દરમ્યાન સહાર વિલેજમાં ઍરપોર્ટ પાર્કિંગ એરિયા પાસેનાં વૃક્ષો સાથે રોજના એક-બે કલાક ગાળ્યા અને ખોળી કાઢ્યાં મજાનાં પંખીઓ. તેનું કહેવું છે કે જો આંખો ખુલ્લી રાખો તો મુંબઈમાં પણ બાયોડાઇવર્સિટી જોવા મળી જશે

23 April, 2021 01:39 IST | Mumbai | Sejal Patel
ટ્રાવેલ

જ્યારે સાહસભરી સફરમાં જીવનસાથી મળી જાય

હિમાલયન ટ્રેકિંગ, સ્કૂબા ડાઇવિંગ, સેઇલિંગ, બોટ પુલિંગ, સાઇક્લિંગના શોખને કારણે પંક્તિ ભટ્ટ ભારતભરમાં પ્રવાસો કરતી રહે છે, આકાશને આંબવું ને મરજીવાની જેમ દરિયામાં ડૂબકીઓ લગાવવાની મનેચ્છા ધરાવતી આ છોકરીને આવી જ એક મુસાફરી દરમિયાન મનનો માણીગર મળી ગયો

15 April, 2021 12:44 IST | Mumbai | Varsha Chitaliya
ટ્રાવેલ

વૉટરફૉલ કે લિએ કુછ ભી

નૉર્થ-ઈસ્ટ ઇન્ડિયાની બ્યુટીને જોવાની ચાહમાં ૨૮ વર્ષના રાજ વોરાએ કોઈ પણ બુકિંગ વગર મુંબઈથી પચાસ કલાકની જર્ની કરી નાખી. હવે સોલો ટ્રાવેલિંગનો રોમાંચક અનુભવ લીધા બાદ રખડપટ્ટીનો એવો ચસકો લાગ્યો છે કે મન થાય ત્યારે ડુંગરા ખૂંદવા નીકળી પડે છે

08 April, 2021 12:33 IST | Mumbai | Varsha Chitaliya

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK