° °

આજનું ઇ-પેપર
Monday, 05 December, 2022


પતિએ આપેલી ચૅલેન્જ પૂરી કરવા આ યુવતી જીવ જોખમમાં મુકાય એવો ટ્રેક કરી આવી

28 April, 2022 01:17 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

બરફ જેણે કોઈ દિવસ જોયો પણ નહોતો એ બરફમાં ૭ દિવસનો ખૂબ અઘરો ગણાતો ટ્રેક ૩૪ વર્ષની પાયલ શાહે પૂરો કર્યો. રમત-રમતમાં પતિએ આપેલા પડકારને ગંભીરતાથી લેતાં તેને કેવા અવિસ્મરણીય અનુભવો થયા એની રોચક વાતો જાણીએ

પાયલ શાહ અલગારી રખડપટ્ટી

પાયલ શાહ

નાનપણથી પુસ્તકો, ભણતર, કરીઅરને જ જીવનનું લક્ષ રાખનાર ડોમ્બિવલીમાં રહેતી પાયલે પહેલી જ વારમાં કંપની સેક્રેટરી જેવી અઘરી એક્ઝામ પાસ કરી અને હાલમાં બૉમ્બે સ્ટૉક એક્સચેન્જમાં જૉબ કરે છે. પરંતુ આ ઓળખ તેની અધૂરી ગણાશે જો એમાં તેણે જીવનમાં સામે ચાલીને લીધેલા ચૅલેન્જિસ અને ઍડ્વેન્ચર્સની વાત ન કરીએ. પાયલ જ્યારે સીએસ ભણતી હતી ત્યારે એ ટ્રાવેલિંગ, ટ્રેકિંગ કે ઍડ્વેન્ચરની દુનિયાથી ઘણી દૂર હતી એ. પરંતુ પછી કંઈક એવું થયું જે ઘણું ફિલ્મી હતું. પાયલ તેના પહેલા ટ્રેક પર ગઈ અને ત્યાં તેને ફ્રેન્ડ રૂપે મલય મળ્યો. એ પહેલા ટ્રેકનો અનુભવ જ એવો હતો કે એ દિવસે પહાડો અને મલય બન્નેના પ્રેમમાં તે એકસાથે જ પડી અને તેની આ લવ સ્ટોરી એકસાથે પાંગરી. 

પહેલો ટ્રેક 
તેના જીવનનો પહેલો ટ્રેક ભીવપુરીનો હતો. એ વિશે વાત કરતાં પાયલ કહે છે, ‘મારા જીવનનો આ પહેલો ટ્રેક હતો પણ એ ખૂબ ભયંકર સાબિત થયો, કારણ કે અમે રસ્તો ભૂલી ગયા હતા. રસ્તો શોધતાં-શોધતાં સાવ અંધારું થઈ ગયું હતું. અમારા પગમાં જૂતાં નહોતાં અને મને જોરથી વાગ્યું. પગમાંથી લોહી નીકળવા લાગ્યું. હું એટલી બધી ગભરાઈ ગઈ હતી કે મારું બીપી લો થઈ ગયું. મને લાગ્યું કે હું બેભાન જ થઈ જઈશ. હું એટલી ડરી ગયેલી કે મને લાગ્યું કે હવે હું ક્યારેય ઘરે નહીં પહોંચી શકું. આ સંજોગોમાં મને મલયે ખૂબ સંભાળી. મારી કાળજી લીધી. આટલા કપરા સમયમાં જે વ્યક્તિ તમારો સાથ આપે એના પર એ વિશ્વાસ રાખવો અઘરો નથી કે એ આખી જિંદગી તમારો સાથ આપશે જ. એ દિવસ જીવનનો ઘણો ખાસ રહ્યો, કારણ કે મલય અને પહાડો બન્ને સાથે હું જોડાઈ ગઈ હતી.’ 

પાણીનો ડર 
આ પછી મલય સાથે જ પાયલે મહારાષ્ટ્રના ઘણા જુદા-જુદા ટ્રેક્સ કર્યા. નાના ઘટ, સંધાન વૅલી, કલાવતી દુર્ગ વગેરે. મુલાકાતનાં બે વર્ષ બાદ બન્ને જણ પરણી ગયાં. પાયલને પાણીથી ખૂબ ડર લાગતો. ભણેશરી પાયલ નાનપણમાં કોઈ વાર મુંબઈની બહાર અલીબાગ સુધી પણ ગઈ નહોતી, જે લગ્ન પછી એ ગઈ. અલીબાગમાં વૉટર સ્પોર્ટ્સ જેમ કે બનાના રાઇડ, સ્પીડ બોટ રાઇડ કરી ત્યારે તેનો પાણીનો ડર થોડા અંશે દૂર થયો. લગ્ન પછી સિંગાપોર, દુબઈ, મૉલદીવ્ઝ જેવી જગ્યાઓએ તે ગઈ અને જુદી-જુદી વૉટર સ્પોર્ટ્સ ટ્રાય કરી. દુબઈના ઍટ્લાન્ટિક વૉટર પાર્કની લીપ ઑફ ફેથ રાઇડ કરીને તેણે પોતાના પાણીના ડરને દૂર કરવાની વધુ એક કોશિશ કરી અને છેલ્લે મૉલદીવ્ઝમાં ખૂબ હિંમત ભેગી કરીને સ્કૂબા ડાઇવિંગ કર્યું. એ દિવસે તેણે તેના પાણીના ડર પર પૂરી રીતે વિજય મળેવી લીધો હતો. એ પછી તો લદ્દાખ અને મહારાષ્ટ્રના કોલાડમાં તે રિવર રાફ્ટિંગ પણ કરી ચૂકી. એ વિશે વાત કરતાં પાયલ કહે છે, ‘આપણા બધાની અંદર કોઈ ને કોઈ ડર તો હોય જ છે. મારા અનુભવ પરથી હું એ કહી શકું કે આ ડરનો સામનો ભલે ધીમે-ધીમે કરીએ, હિંમત ભેગી કરતા જઈએ અને ધીમે-ધીમે ખુદની અંદરથી ડરને ભગાડતા જઈએ પણ આ રીતે ખૂબ અસરકારક રીતે ડરને દૂર કરી શકાય છે.’ 

મસ્તીમાં અપાયેલી ચૅલેન્જ 
પાયલ અને મલય બન્નેને ફરવાનો શોખ એટલો છે કે મોકો મળ્યો કે બન્ને નીકળી પડે. પરંતુ એક દિવસ મલયે પાયલને ચૅલેન્જ કરી કે તું મારા વગર ક્યાંય એકલા જઈ શકે એમ નથી અને કશું પોતાના દમ પર કરી શકે એમ નથી. મલયે આવું કેમ કહ્યું એ બાબતે વાત કરતાં મલય કહે છે, ‘મારી અંદર એ વાત હતી કે દરેક છોકરીએ આત્મનિર્ભર બનતાં શીખવું જોઈએ. આજે હું છું, કાલે કદાચ નહીં હોઉં તો એ કઈ રીતે ખુદને સંભાળશે એ વિચાર અને ચિંતાને કારણે મેં તેને એવું કીધેલું.’ 

પરંતુ મલયની આ ચૅલેન્જથી પાયલનો ઈગો ખૂબ ઘવાયો. તેને લાગ્યું કે હવે તો દેખાડી જ દેવું પડશે કે હું શું કરી શકું છું. એ વિશે વાત કરતાં પાયલ કહે છે, ‘હું તો કાળઝાળ થઈ ગયેલી. બસ, મારે સાબિત કરી દેવું હતું કે હું એકલા પણ મારી જાતને સાંભળી શકું છું, એકલા ફરતાં, કપરી પરિસ્થિતિઓનો સામનો કરતાં મને આવડે છે. એટલે મેં નક્કી કર્યું કે હું ચાદર ટ્રેક જઈશ. લદ્દાખમાં આવેલો આ ટ્રેક અતિ દુર્ગમ છે. ૭ દિવસનો છે, જેમાં સંપૂર્ણ બર્ફીલા પહાડો પર ટ્રેક કરવાનો હોય છે. મેં એ પહેલાં જીવનમાં બરફ જોયો જ નહોતો અને બરફના કોઈ અનુભવ વગર મેં નક્કી કરી લીધું કે જાવું તો ત્યાં જ છે.’ 

તૈયારી જોરદાર
ચાદર ટ્રેક કોઈ પણ વ્યક્તિ વગર તૈયારીએ તો ન જઈ શકે એટલે પાયલે એ માટે કમર કસવાનું શરૂ કર્યું. યોગ અને કાર્ડિયો દ્વારા તેણે લગભગ ૫-૭ કિલો વજન ઉતાર્યું. પૂરતી માહિતી એકઠી કરી અને શારીરિક તેમ જ માનસિક રીતે પોતાના જીવનના સૌથી અઘરા ટ્રેક પર ૬ સાવ અજાણ્યા લોકો સાથે એકલપંડે ઊપડી. આ ટ્રેક્સ પર સાત દિવસ રહેવાનું હોય તો ટ્રેક માટે જરૂરી સામાન તો જોઈએ. એ બૅગ આખી એની ૭ કિલોની હતી. ત્યાં માઇનસ ટેમ્પરેચરમાં ત્રણ જોડી જાડાં ગરમ કપડાં પહેરવાં જ પડે. એ કપડાંના વજન સાથે, સાતેસાત દિવસ પાયલે પોતાની સાત કિલોની બૅગ પોતે જ ઉપાડી. કોઈ હેલ્પરને આપી નહોતી. કોઈ જીદમાં તેને આ ટ્રેક પાર નહોતો કરવો પરંતુ હવે એ એની દિલની ઇચ્છા બની ગઈ હતી કે એ આ ટ્રેકને પૂરી રીતે સર કરીને જ જંપશે.  

જબરદસ્ત અઘરો ચાદર ટ્રેક 
શરૂઆતના ચઢાણના દિવસો તો ચાદર ટ્રેકના વધુ કપરા ન રહ્યા. ચઢાણ ઘણું સ્મૂધ થયું, કારણ કે એ સમયે જ હિમવર્ષા થઈ હતી. જ્યારે પણ પહાડ પર હિમવર્ષા થાય ત્યારે એ બરફ પર ચડવું સહેલું છે એમ કહીને પોતાનો અનુભવ જણાવતાં પાયલ કહે છે, ‘પરંતુ જ્યારે બરફ પીગળે છે ત્યારે એના પર ચાલવું ભારે પડે છે, કારણ કે તમે સીધા એની સાથે વહી જાઓ અને એ પાણી તમને પણ ફ્રીઝ કરી દઈ શકે છે. એમાં એક વાર વહી ગયા પછી તમે બચી શકો નહીં, કારણ કે ભલે એ પાણી છે પરંતુ એટલી હદે ઠંડું હોય છે કે એ સહન ન થઈ શકે. અમે પાછાં આવતાં હતાં ત્યારે બરફ પીગળવાનું શરૂ થનીયું અને તોફાની પવન શરૂ થયો જે પવન મારી સાત કિલોની વજનદાર બૅગને પણ હલાવી રહ્યો હતો એટલો સ્ટ્રૉન્ગ હતો. અમે ત્યાં રોકાય શકીએ એમ નહોતાં. અમારા ગાઇડે નક્કી કર્યું કે ગમે તે થાય ચે જલદી ઊતરીએ, કારણ કે બરફ પીગળી રહ્યો હતો. એ ટ્રેકનો ચોથો દિવસ હતો. અમે કઈ રીતે નીચે ઊતર્યા છીએ એ અમે જ જાણીએ છીએ. અમે ૬ જણ હતાં અને બધાં પડી રહ્યાં હતાં. એકને સંભાળીએ ત્યાં બીજો પડે અને બીજાને ઊભો કરીએ ત્યાં ત્રીજો. હું પણ પડી. બરફમાં પડવું ખૂબ રિસ્કી છે. તમને ખૂબ ખરાબ રીતે વાગી શકે છે, કારણ કે બધે સૉફ્ટ બરફ હોય એવું નથી હોતું. હું તો માંડ બચેલી. એ દિવસે મેં બધાને યાદ કરી લીધા હતા. એવું લાગતું હતું કે આજનો દિવસ જીવનનો છેલ્લો દિવસ છે પણ ખૂબ હિંમત રાખીને ડરને ઓવરકમ કરીને અમે આગળ વધ્યા. ચાદર ટ્રેક જે દિવસે અમે પૂરો કર્યો એ દિવસે જ ટ્રેક બંધ થઈ ગયો, કારણ કે બધો બરફ પાણી બની ગયો હતો.’ 

પતિને મોકલવાની હિંમત નથી 
ફાઇનલી પાયલ જ્યારે મુંબઈ આવી ત્યારે એ આત્મવિશ્વાસથી છલકતી હતી. તેનાથી પણ વધુ તેનો પતિ મલય ખુશ હતો, કારણ કે તેણે ફેંકેલી ચૅલેન્જ તેની પત્નીએ ખૂબ સરસ રીતે પાર કરી બતાવી હતી. જ્યારે મલયે કહ્યું કે તું તો ચાદર ટ્રેક જઈ આવી, હવે મારો વારો. જોકે ત્યારે ખૂબ જ ગુસ્સામાં અને ડર સાથે પાયલે કહેલું ‘હું તને ત્યાં નહીં જવા દઉં. ચાદર ટ્રેક પાર કરવાની હિંમત છે, પણ તને એટલા જોખમમાં મોકલવાની મારામાં હિમ્મત નથી.’

28 April, 2022 01:17 PM IST | Mumbai | Jigisha Jain

અન્ય લેખો

ટ્રાવેલ

ફૂડ છે આ કપલનું ટ્રાવેલ ઇન્સ્પિરેશન

આ જૈન કચ્છી કપલ દુનિયાભરમાં ફરે છે, ત્યાં ગમે તે રીતે પ્યૉર વેજિટેરિયન રેસ્ટોરાં શોધી કાઢી બને ત્યાં સુધી ત્યાંની લોકલ વાનગીઓનાં વેજિટેરિયન વર્ઝન જરૂર ટ્રાય કરે છે. જોકે ટ્રાવેલિંગ તેમને માટે કેવી-કેવી ચૅલેન્જ લાવતું હોય છે એ જાણીએ તેમની પાસેથી

01 December, 2022 04:08 IST | Mumbai | Jigisha Jain
ટ્રાવેલ

મેઘાલયનું પાણી ન જોયું તો શું જોયું?

તેઓ માને છે કે જો નૉર્થ-ઈસ્ટ ફરવા તમે નથી ગયા તો તમે પૂર્ણ રીતે ભારતને જોયું જ નથી. તેમની આ વર્ષની એક યાદગાર ટ્રિપના વર્ણન દ્વારા આપણે પણ જાણીએ મેઘાલયની અપ્રતિમ સુંદરતા વિશે

17 November, 2022 05:39 IST | Mumbai | Jigisha Jain
ટ્રાવેલ

હિમાલયના પ્રેમમાં છે આ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ

જે મેળવવા તે અવારનવાર એના ખોળે જવા માગે છે. ત્યાંનું ખુલ્લું આકાશ અને એના અગણિત તારાઓનું તેમને ઘણું આકર્ષણ છે

10 November, 2022 04:35 IST | Mumbai | Jigisha Jain

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK