Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



બાય-બાય બ્લૅકબેરી, વિલ મિસ યુ....

08 January, 2022 08:38 AM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

એક સમયે દુનિયાનો પહેલો સ્માર્ટ બિઝનેસ ફોન ગણાતો બ્લૅકબેરી ફોન જે ઑપરેટિંગ સિસ્ટમ પર ચાલતો હતો એ ગયા અઠવાડિયે બંધ થઈ ગઈ. આજથી પંદર વર્ષ પહેલાં બ્લૅકબેરીની બોલબાલા જબરી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એક સમયે દુનિયાનો પહેલો સ્માર્ટ બિઝનેસ ફોન ગણાતો બ્લૅકબેરી ફોન જે ઑપરેટિંગ સિસ્ટમ પર ચાલતો હતો એ ગયા અઠવાડિયે બંધ થઈ ગઈ. આજથી પંદર વર્ષ પહેલાં બ્લૅકબેરીની બોલબાલા જબરી હતી. કમ્યુનિકેશન ટેક્નૉલૉજીમાં ક્રાન્તિની શરૂઆત લાવનાર આ ફોનના બંધ થવાથી જાણે ટેક્નૉલૉજીનો એક યુગ સમાપ્ત થયો હોય એવું એના ફૅન્સને લાગે છે

ચાર તારીખે બ્લૅકબેરી ફોન્સને એમના ચાહકોએ બાય-બાય કહેવાનો સમય આવ્યો હતો, કારણ કે બ્લૅકબેરીએ પોતાની ઑપરેટિંગ સિસ્ટમ બ્લૅકબેરી ૭.૧ને પાછી ખેંચી લીધી. એટલે કે આ સિસ્ટમ પર ચાલતા એક પણ બ્લૅકબેરી ફોન હવે પછીથી કામ નહીં કરે. આને કારણે સેલ્યુલર અને વાઇ-ફાઇ કનેક્ટિવિટી સર્વિસ ફોનમાં બંધ થઈ જશે. યુઝર ફોનકૉલ, સેલ્યુલર ડેટા, sms અને ઇમર્જન્સી કૉલ સર્વિસનો ઉપયોગ શક્ય નહીં બને. જોકે જે બ્લૅકબેરી ફોનમાં ઍન્ડ્રૉઇડ સિસ્ટમ છે એ ચાલુ રહેશે. જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે એ સિદ્ધાંત મુજબ એક સમયે ઝળહળતા સૂરજ જેવા બ્લૅકબેરી ફોન્સ આજે નથી રહ્યા. એની શોકસભા તો ભલે ન મનાવીએ પરંતુ એક ચાહક તરીકે એને યાદ તો ચોક્કસ કરી જ શકાય. 
પેજરથી શરૂઆત 
૧૯ જાન્યુઆરી, ૧૯૯૯માં બ્લૅકબેરીએ પોતાની પહેલી ડિવાઇસ બનાવી હતી જે હતી બ્લૅકબેરી ૮૫૦. આ ડિવાઇસ એક પેજર હતું જેમાં મેસેજની આપ-લે શક્ય હતી. આ પેજરના ડિવાઇસ પછી બ્લૅકબેરીએ એમાં જ થોડા ફેરફારો સાથે પાંચ જુદા-જુદા મૉડલના પેજર બનાવ્યા જેમાં દરેક મૉડલમાં ટેક્નૉલૉજીને તેઓ બહેતર બનાવતા ગયા. જ્યારે ૨૦૦૨માં એમનો પહેલો મોબાઇલ ફોન બહાર પડ્યો બ્લૅકબેરી ૫૮૧૦, જે એક જાવા બેઇઝ્ડ ડિવાઇસ હતી. અંધેરીમાં રહેતા ટેક્નૉલૉજીના જાણકાર અને સૉફ્ટવેર  એન્જિનિયર દિગંત દોશી કહે છે, ‘બ્લૅકબેરીનું ફોકસ કમ્યુનિકેશન હતું. જ્યારે એમણે પેજર્સ બનાવ્યા એ પછી કમ્યુનિકેશનને વધુ બહેતર બનાવવા માટેના એમના પ્રયત્નોમાંથી આપણને મળ્યા આઇકૉનિક ફોન હૅન્ડસેટ, જેમાં સૌથી આકર્ષક કહી શકાય એવો ભાગ હતો એનું QWERTY (જેને ક્વર્ટી કે ક્યુવર્ટી કહેવાય છે) કીબોર્ડ. લોકોને લાગે છે કે લૅપટૉપમાં જે કીબોર્ડ છે એ જ કીબોર્ડ એમણે ફોનમાં લીધું પણ હકીકત એ છે કે બ્લૅકબેરી પેજર બનાવતી હતી, જેમાં આ પ્રકારનું જ કીબોર્ડ હતું. હું માનું છું કે એને કારણે જ એ સેમ કીબોર્ડ એમણે ફોનમાં લીધું હતું, કારણ કે એમના ફોન એ પેજરનું એક્સટેન્શન હતું. બીજું એ કે એમનામાં એ સમજ હતી કે ડિવાઇસ બદલશે પરંતુ યુઝર માટે દરેક જગ્યાએ સરખાં કીબોર્ડ એમને સરળતા આપશે. આખરે ટેક્નૉલૉજી જીવનને સરળ બનાવવા માટે છે નહીં કે કૉમ્પ્લીકેટેડ.’
BBM મેસેન્જરનો ક્રેઝ હતો...
ઑગસ્ટ, ૨૦૦૫માં બ્લૅકબેરીએ પોતાની બ્લૅકબેરી મેસેન્જર એટલે કે BBM સર્વિસ ચાલુ કરી હતી, જેના દ્વારા મેસેજની આપલે અત્યંત સરળ બની હતી. આજની તારીખે જે વૉટ્સઍપ છે એ જ પ્રકારનું બીબીએમ મેસેન્જર હતું જેના દ્વારા બ્લૅકબેરી ફોનના ગ્રાહકો એકબીજા સાથે સરળતાથી મેસેજની આપ-લે કરી શકતા. આ સર્વિસની પૉપ્યુલૅરિટી ઘણી હતી. આ સર્વિસ વૉટ્સઍપ જેવી ખરી પરંતુ એ દરેક ફોનમાં વાપરી શકાતી નહોતી. એ ફક્ત બ્લૅકબેરી ફોન્સમાં વાપરી શકાતી. જે કદાચ કંપનીમાં સેલ્સ વધારવાનો જ ફન્ડા હશે, કારણ કે એક સમયે લોકો બ્લૅકબેરી ફક્ત BBM સર્વિસ માટે જ ખરીદતા થયા હતા કેમ કે એ સમયની sms સર્વિસ કરતાં BBM ઍડ્વાન્સ્ડ સર્વિસ હતી. જે બિઝનેસ કરતા અને પ્રોફેશનલ લોકોને એકબીજા સાથે સરળતાથી જોડતી. 
બિઝનેસ માટે બેસ્ટ ફોન 
ખારમાં રહેતા અને કેમિકલનો બિઝનેસ કરતા ચકોરભાઈ શાહે ૧૦ વર્ષના ગાળામાં ત્રણ જુદા-જુદા બ્લૅકબેરી ફોન વાપર્યા છે. એ વિશે વાત કરતાં ચકોરભાઈ કહે છે, ‘૨૦૦૮ આસપાસની વાત કરું તો તમે જો બિઝનેસ કરતા હો તો તમારી પાસે બ્લૅકબેરી હોવો જ જોઈએ એમ માણસો માનતા. મને એના ફોન ખૂબ ગમતા. બ્લૅકબેરી હાથમાં હોય તો એનો વટ જુદો જ પડતો. એ સમયે બિઝનેસના જેટલા પણ મેસેજિસ છે એ માટે અમે BBM જ વાપરતા. મારા સર્કલમાં મેં ઘણા લોકોને આ ફોન રેકમન્ડ કરીને ખરીદાવ્યો છે. એ સમયે ઘણી કંપનીઝ પણ એવી હતી કે જે પોતાના એમ્પ્લૉઈને બ્લૅકબેરી ગિફ્ટ આપતી જેથી ઇન્ટરનલ કમ્યુનિકેશન માટે સરળતા પડે. હું સ્પેશ્યલી એટલે બ્લૅકબેરી વાપરતો, કારણ કે એમાં મેઇલ્સ કરવા સરળ પડતા. એ પહેલો ફોન હતો જેમાંથી ઈ-મેઇલ સેન્ડ થઈ શકતા હતા. ઈ-મેઇલ કરવા માટે લૅપટૉપ કે કમ્પ્યુટર ખોલવાની જરૂર નહીં, ડાયરેક્ટ મોબાઇલ પરથી મેઇલ એ સમયે બ્લૅકબેરીને કારણે શરૂ થયા, જે મારા માટે મોટી સુવિધા હતી.’
યાદ 
બ્લૅકબેરી પર્લ ફ્લિપ, બ્લૅકબેરી ટૉર્ચ, બ્લૅકબેરી કર્વ અને બ્લૅકબેરી બોલ્ડ એમ બ્લૅકબેરીના એક નહીં, ચાર-ચાર મૉડલના ફોન વાપરી ચૂકેલા સિને-મા સ્ટુડિયોઝના પ્રોડ્યુસર પ્રિયંક જૈન કહે છે, ‘મને બ્લૅકબેરી એટલો ગમતો કે થોડા-થોડા સમયે આવતા એના નવા ફોન બધા મેં વાપર્યા. એમાં પણ બ્લૅક, સિલ્વર અને વાઇટ ત્રણેય રંગ પણ વાપર્યા. એ સમયે પ્રોફેશનલ દુનિયામાં મારું પહેલું પગલું હતું જે મેં બ્લૅકબેરી સાથે માંડ્યું હતું. મને હંમેશાં બેસ્ટ વસ્તુઓનો મોહ રહ્યો છે એટલે પણ કદાચ બ્લૅકબેરી મેં ખૂબ વાપર્યા. એની સાથે કેટલીક યાદો પણ જોડાયેલી છે. ૨૦૧૨ની વાત છે. એ સમયે હું મારી પહેલી નોકરીમાં જ જોડાયો હતો અને નવો-નવો બ્લૅકબેરી લીધો હતો. એટલે એનાં બધાં ફીચર્સ મને ખબર નહોતી. વૉટ્સઍપની જેમ  બ્લૅકબેરી મેસેન્જરમાંથી પણ બ્રૉડકાસ્ટ મેસેજ જતા. મારા એક સિનિયરે મારી સાથે પ્રૅન્ક કર્યું અને મારો બ્લૅકબેરી લઈને એમણે બધાને એમાંથી મેસેજ બ્રૉડકાસ્ટ કર્યો કે ‘call me.’ બધા સહજપણે ગભરાઈ ગયા હતા અને મને એક પછી એક કૉલ આવવાના શરૂ થઈ ગયા. બધા મને કહે કે ભાઈ, તેં મેસેજ કર્યો હતો. મને શરૂઆતના કેટલાક કૉલમાં લાગ્યું કે જે મને ફોન કરે છે એ જ મારી સાથે પ્રૅન્ક કરે છે. વધુપડતા કૉલ્સ આવવા લાગ્યા પછી મેં ચેક પણ કર્યું કે મેં તો મેસેજ કર્યા નથી તો આ શું થયું? ત્યારે ખબર પડી કે આ પ્રકારની બ્રૉડકાસ્ટિંગ મેસેજ સર્વિસ છે જેનો ઉપયોગ મારા પર થયો છે.’



કમ્યુનિકેશન ડિવાઇસ, નહીં કે એન્ટરટેઇનમેન્ટ ડિવાઇસ 


ખુદને બ્લૅકબેરી ફોન્સ કેમ ખૂબ ગમે છે એ વિશે વાત કરતાં દિગંત દોશી કહે છે, ‘આજકાલના ફોન કરતાં મને બ્લૅકબેરી વધુ ગમે છે એનું કારણ એ છે કે એ ફોનનો પર્પઝ કમ્યુનિકેશન હતો. એકબીજા સાથે આપણે કઈ રીતે જોડાઈ શકીએ, મેસેજ, કૉલ, ઈ-મેઇલની આપલે સરળતાથી થઈ શકે એ માટેનું એ સાધન હતું. જ્યારે સ્માર્ટફોનનું ફોકસ કમ્યુનિકેશન નહીં, એન્ટરટેઇનમેન્ટ છે. આજની તારીખે જે સ્માર્ટફોન આપણે વાપરીએ છીએ એમાં આપણે બધું જ ભરી દીધું છે. ટીવી, સિનેમા, ટેપ કે સી.ડી. પ્લેયર, રેડિયો આવા જુદા-જુદા ડિવાઇસનું આપણને કંઈ કામ જ નથી રહ્યું. બધું આપણે મોબાઇલ ફોનમાં જ કરી લઈએ છીએ. એટલું ઓછું હોય તો આજકાલ ફોન લોકો સોશ્યલ મીડિયા માટે જ વાપરતા થઈ ગયા છે. મને હંમેશા મલ્ટિપર્પઝ મશીન ગમે નહીં, એક જ મશીન બધું જ કામ કરતું હોય એમાં મજા નથી. દરેક મશીનનું પોતાનું સ્પેસિફિક કામ હોય એવાં મશીન મને ગમે. એટલે જ બ્લૅકબેરી બેસ્ટ હતો.’


Whatsapp-channel Whatsapp-channel

08 January, 2022 08:38 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK