છેલ્લાં ૧૫ વર્ષમાં થયેલા અભ્યાસ કહે છે કે પંચકર્મ થેરપી અને બ્રેઇનની ક્ષમતા વધારતી આયુર્વેદિક દવાઓ અને અન્ય ઉપચાર પદ્ધતિના સહિયારા ઇલાજ સાથે જો સેરિબ્રલ પૉલ્ઝીનાં બાળકોની ટ્રીટમેન્ટ થાય તો તેમની ક્વૉલિટી આૅફ લાઇફમાં નિશ્ચિતપણે સુધારો થાય છે.
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- ઇન્ટિગ્રેટિવ અપ્રોચ સાથે ઇલાજ કરતું ભારતનું પહેલવહેલું ‘પ્રયાસ’ નામનું સેન્ટર
- ‘પ્રયાસ’ સેન્ટર તાજેતરમાં ગોવામાં શરૂ થયું છે
- નિષ્ણાતો પાસેથી જાણીએ કે કઈ રીતે પરંપરાગત પદ્ધતિ આ સમસ્યાથી પીડાતાં બાળકો માટે વરદાન બનશે
ભારતમાં જન્મતાં ૧૦૦૦ બાળકોમાંથી બે બાળકો સેરિબ્રલ પૉલ્ઝીનો શિકાર બનતાં હોય છે. તાજા જન્મેલા બાળકના મગજના અસામાન્ય વિકાસને કારણે અથવા વિકાસશીલ મગજને થયેલા નુકસાનને કારણે બાળકને હલનચલનમાં તકલીફ થવી, મસલ્સ અપૂરતા ડેવલપ થવા, પૉશ્ચર જાળવવામાં અને સંતુલન રાખવામાં જોખમ ઊભું થવું, સ્નાયુઓમાં જડતા આવવી, કો-ઑર્ડિનેશનમાં તકલીફ પડવી, હલનચલન અનિયંત્રિત બનવું, બોલવામાં તકલીફ પડવી, સામાન્ય મોટર મૂવમેન્ટમાં તકલીફ ઊભી થવી જેમ કે હાથમાં પેન પકડવી, ચમચી વડે ખાવું, કપડાનાં બટન ખોલવાં, બ્રશ કરવું વગેરે રૂટીન કામ કરવામાં તકલીફ પડે જેવાં લક્ષણો સેરિબ્રલ પૉલ્ઝીના વિવિધ પ્રકારોમાં જોવા મળે છે. કેટલાક કેસમાં બૌદ્ધિક અક્ષમતા, લર્નિંગ ડિસેબિલિટીઝ અને વાઈ એટલે કે સીઝર અટૅક પણ આવતા હોય છે. ચિંતાજનક બાબત એ છે કે દુનિયાભરમાં આ પ્રકારના કેસનું પ્રમાણ વધી રહ્યું છે અને એટલે જ સેરિબ્રલ પૉલ્ઝી એટલે કે CP તરીકે ઓળખાતી તકલીફ વિશે જાગૃતિ આવે, આ સમસ્યાથી પરેશાન થઈ રહેલા લોકો પ્રત્યે લોકોનો નજરિયો બદલાય એ આશયથી દર વર્ષે ૬ ઑક્ટોબરને એટલે કે આજના દિવસને ‘વર્લ્ડ સેરિબ્રલ પૉલ્ઝી ડે’ તરીકે ઊજવવામાં આવે છે.
નવો અપ્રોચ
ADVERTISEMENT
સામાન્ય રીતે મૉડર્ન મેડિકલ સાયન્સની પૉપ્યુલર ટ્રીટમેન્ટનો આ બીમારીનાં લક્ષણોમાં ઉપયોગ થાય છે, પરંતુ છેલ્લાં પંદરેક વર્ષમાં થયેલાં સર્વેક્ષણોમાં સાબિત થયું છે કે આયુર્વેદનું પંચકર્મ અને બ્રેઇનની ક્ષમતા વધારતી કેટલીક આયુર્વેદિક દવાઓ સેરિબ્રલ પૉલ્ઝીનાં લક્ષણોને હળવાં કરવા માટે ખૂબ અકસીર સાબિત થયાં છે. એને અનુલક્ષીને આપણા દેશમાં દુનિયાનું પહેલું અનોખું ‘પ્રયાસ’ નામનું સેન્ટર ગોવાની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદમાં શરૂ થયું છે જ્યાં ન્યુરોલૉજિકલ અને ડેવલપમેન્ટલ પડકારો સાથે જન્મતાં બાળકોને ઇન્ટિગ્રેટેડ અપ્રોચ એટલે કે પરિણામલક્ષી દરેક ઉપચારપદ્ધતિના સહયોગથી સારવાર અપાય છે. આ સેન્ટરને લીડ કરતા કૌમારભ્રીત્ય વિભાગના વડા, રિસર્ચર અને અસોસિએટ પ્રોફેસર ડૉ. સુમિત ગોયલ અને પીડિયાટ્રિક આયુર્વેદમાં ભરપૂર કામ કરનારા અને સેરિબ્રલ પૉલ્ઝી પર રિસર્ચ કરનારા ડૉ. રાહુલ ઘુસે સાથે આયુર્વેદ અને સેરિબ્રલ પૉલ્ઝી વિષયને વધુ ઊંડાણપૂર્વક સમજીએ.
વધી રહ્યું છે પ્રમાણ?
છેલ્લા થોડાક અરસાના સ્ટૅટેસ્ટિક્સનો અભ્યાસ કરશો તો સમજાશે કે CPના કેસ વધી રહ્યા છે. ડૉ. સુમિત કહે છે, ‘બદલાઈ રહેલી લાઇફસ્ટાઇલ એ વધી રહેલા સેરિબ્રલ પૉલ્ઝીના પ્રમાણમાં મહત્ત્વનું કારણ છે. લેટ પ્રેગ્નન્સી, મૅટરનિટી ઓબેસિટી, ખરાબ ડાયટ, પાચનને લગતા રોગો ઉપરાંત કેટલાંક ટેક્નિકલ કારણોમાં પ્રેગ્નન્સી દરમ્યાનનાં કૉમ્પ્લિકેશન્સ જેમ કે ઇન્ફેક્શન, બાળકનું જન્મ વખતે ખૂબ ઓછું વજન હોવું, બેથી વધુ બાળકનું ગર્ભમાં હોવું વગેરે સંજોગોમાં સેરિબ્રલ પૉલ્ઝીની સંભાવના વધી જાય છે. જોકે એમાં પૉઝિટિવ સાઇડ એ છે કે આ બીમારી પ્રોગ્રેસિવ નથી. એક વાર જે ડૅમેજ થઈ ગયું એ થઈ ગયું. એટલે ડૅમેજ થવાને કારણે શરીરમાં જે લક્ષણો દેખાય એને મૅનેજ કરી લો તો એક બહેતર જીવન જીવી શકાય છે.’

ડૉ. સુમિત ગોયલ
ઉલ્લેખ છે, પણ જુદી રીતે
આયુર્વેદના વિવિધ ગ્રંથોમાં જુદી-જુદી બીમારીઓનાં લક્ષણો છે. આયુર્વેદમાં ડાયરેક્ટ્લી સેરિબ્રલ પૉલ્ઝીનો ઉલ્લેખ નથી, પરંતુ એને લગતાં લક્ષણોનું વર્ણન આવે છે. આ સંદર્ભે ડૉ. રાહુલ કહે છે, ‘આયુર્વેદ વાત, પિત્ત અને કફની વાત કરે છે. બ્રેઇનની અવિકસિત અવસ્થા અને સેરિબ્રલ પૉલ્ઝીને લગતાં લક્ષણોનો ઉલ્લેખ સુશ્રુતસંહિતા અને ચરકસંહિતામાં છે. આયુર્વેદની દૃષ્ટિએ આ વાતજન્ય રોગ છે. એનાં લક્ષણોમાં અડધું શરીર કામ ન કરે અથવા બોલવામાં તકલીફ પડવી, હલનચલનમાં તકલીફ પડવી, અમુક અવયવો કામ ન કરવા, બુદ્ધિનો વિકાસ ન થવો જેવાં લક્ષણોનો ઉલ્લેખ છે. વાતદોષને લગતી બીમારી હોવાથી એની ટ્રીટમેન્ટમાં અભ્યંગ એટલે કે આખા શરીરને મેડિકેટેડ તેલથી વિશિષ્ટ મસાજ કરવામાં આવે છે. એ વાતદોષને બૅલૅન્સ કરે છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના તેલનો ઉપયોગ કરીને બસ્તી કરવામાં આવે છે. એ પણ મસલ્સની ટાઇટનેસ ઘટાડીને નર્વસ સિસ્ટમને બૅલૅન્સ કરે છે. મસલ્સ રિલૅક્સેશન માટે સ્ટીમ થેરપી એટલે કે સ્વેદન કરાય છે. એ પછી શષ્ટિકા શાલી પિંડ સ્વેદા નામની એક થેરપી અપાય છે જે પંચકર્મનો જ હિસ્સો છે. એમાં દૂધમાં ઉકાળેલા ચોખાની પોટલી બનાવીને દવાઓના ઉપયોગ સાથે બાળકને શેક અપાય છે. એ શરીરને બળ પ્રદાન કરે છે. શિરોધારા અને નસ્ય ચિકિત્સાનો પણ બહુ જ શ્રેષ્ઠ રીતે ઉપયોગ થાય છે. નસ્ય પણ ન્યુરોલૉજિકલ પ્રૉબ્લેમમાં ઉપયોગી છે. ચરકસંહિતામાં કહેવાયું છે કે ‘નસ્ય હી શિરસ્વ દ્વારં’ એટલે કે મગજનું દ્વાર નાક છે. નાકમાં કેટલાંક મેડિકેટેડ ઑઇલનાં ડ્રૉપ્સથી નસ્ય ચિકિત્સા થકી પણ ખૂબ સારું પરિણામ મળ્યું છે. એવી જ રીતે ન્યુરોલૉજિકલ હેલ્થને વધારનારી અશ્વગંધા, બ્રાહ્મી, શંખપુષ્પી જેવી દવાઓ અપાય છે. વાતદોષ સંતુલિત થાય એવો આહાર-વિહાર પણ બાળકના પ્રિસ્ક્રિપ્શનમાં હોય છે. છેલ્લાં ૧૨ વર્ષના અનુભવો પરથી કહું છું કે અમને આ પ્રકારના ઇન્ટિગ્રેટેડ અપ્રોચથી અદ્ભુત પરિણામો મળ્યાં છે. એ રિસર્ચ પેપરના આધારે અને સેરિબ્રલ પૉલ્ઝીની ટ્રીટમેન્ટ કરતી અન્ય પદ્ધતિઓની પરિણામલક્ષી ટ્રીટમેન્ટને ઉમેરીને કૉમન ટ્રીટમેન્ટ પ્રોટોકૉલ પણ બનાવ્યો છે.’

ડૉ. રાહુલ ઘુસે
સહિયારો ઇલાજ
આયુર્વેદ સાથે બીજી કઈ પદ્ધતિઓ જોડવી મહત્ત્વની છે એ વિશે ડૉ. સુમિત કહે છે, ‘આયુર્વેદની પંચકર્મ થેરપી સાથે ફિઝિયોથેરપી જરૂરી છે. એમાં પણ જો બાળકને સીઝર અટૅક આવતા હોય તો તેણે મૉડર્ન મેડિસિનની દવાઓ પણ ચાલુ રાખવી જરૂરી છે. બીજું, સ્પીચ થેરપી અને ઑક્યુપેશનલ થેરપીને પણ જોડવી જોઈએ. અમે જ્યારે પ્રયાસમાં ઇલાજ કરીએ છીએ ત્યારે ધ્યેય હોય છે કે બાળકની લાઇફ બહેતર બને, તે સેલ્ફ-રિલાયન્ટ બને અને એમાં આ કમ્બાઇન અપ્રોચથી ખૂબ મદદ મળી રહી છે. ઘણા એવા કેસ છે જેમાં પહેલાં બાળક હાથની મુઠ્ઠી નહોતું ખોલી શકતું, પણ સારવાર પછી પરિણામ દેખાયું હોય. બેસી ન શકતું બાળક બેસતું થયું હોય, પોતાના કામ જાતે કરતું થયું હોય, મસલ્સની ટાઇટનેસ ઘટી હોય, અન્ડરસ્ટૅન્ડિંગ લેવલ વધ્યું હોય, જાતે ખાતું થઈ ગયું હોય. આવાં ઘણાં પરિણામો દેખાયાં છે.’


