ન્યુટ્રિશન વિશ્વમાં આએદિન અવનવા ડાયટ-પ્લાન્સ ફેમસ થતા રહે છે અને એમાં નવું ઉમેરણ છે 3P ડાયટનું. આ પ્લાન શું છે અને એ કેટલો કારગત નીવડી શકે એ નિષ્ણાતો પાસેથી જાણીએ
પ્રતીકાત્મક તસવીર
વજન ઘટાડવા માટે જ ડાયટિંગ કરવાનું હોય એવું વિચારનારાઓ હંમેશાં કૅલરી-કન્ટ્રોલ પર જ ફોકસ કરે છે, જેને કારણે થોડાક સમય પછી ડાયટ પરનો કન્ટ્રોલ છૂટી જવાના ચાન્સિસ વધી જાય છે. ન્યુટ્રિશન વિશ્વમાં આએદિન અવનવા ડાયટ-પ્લાન્સ ફેમસ થતા રહે છે અને એમાં નવું ઉમેરણ છે 3P ડાયટનું. આ પ્લાન શું છે અને એ કેટલો કારગત નીવડી શકે એ નિષ્ણાતો પાસેથી જાણીએ
ઓબેસિટી, શુગર, બ્લડ-પ્રેશર, હાર્ટ-પ્રૉબ્લેમ આવા બધા ઇશ્યુ હવે માત્ર મોટી ઉંમરના લોકોમાં જ નહીં પણ યુવાનોમાં પણ જોવા મળી રહ્યા છે અને ઓબેસિટી તથા ડાયાબિટીઝનું પ્રમાણ તો નાનાં બાળકોમાં પણ વધતું જોવા મળી રહ્યું છે. આ બધા માટે આપણી લાઇફસ્ટાઇલ જવાબદાર છે એમ તમે ઘણા ડૉક્ટરને કહેતા સાંભળ્યા હશે. વજન વધે એટલે એક જ ઉપાય કે ભાઈ, ડાયટિંગ કરો; ફ્રૂટ, સૅલડ, ડ્રાયફ્રૂટ પર જીવવાનું શરૂ કરી દો. પેલી કહેવત છેને કે જ્યારે ભૂખ હોય છે ત્યારે પૈસા નથી હોતા અને જ્યારે પૈસા હોય છે ત્યારે બધું ખાવાની છૂટ નથી મળતી. જે લોકો ફૂડી છે તેમના માટે તો ડાયટ જાણે એક રાક્ષસ છે. લોકો ગમેતેટલી કસરત કરવા તૈયાર થઈ જાય પણ ડાયટ થતી નથી. વજન ઓછું કરવા અને હેલ્ધી જીવન જીવવા માટેની ઇચ્છા ભલે હોય, પણ ડાયટના નામથી જ ડરે એવા પણ ઘણા લોકો છે. ત્યાં હવે આ ડાયટને જ સ્વાદિષ્ટ અને બોરિંગ ન બનાવતી એક ડાયટ હાલમાં ખૂબ ટ્રેન્ડિંગ છે અને એ છે 3P ડાયટ. ચાલો જાણીએ આ નવી ડાયટ શું છે.
ADVERTISEMENT
3P એટલે શું?
આ ડાયટમાં તમારે શું ખાવું અને શું નહીં એની કોઈ યાદી સ્પષ્ટપણે અપાતી નથી, પણ દરેક વ્યક્તિ માટે એ ટેલરમેડ એટલે કે યુનિક રીતે ડિઝાઇન કરવી પડે છે. એના નામમાં જે 3P છે એમાં ફર્સ્ટ P પ્લાનિંગનો છે, બીજો P પ્રોટીનનો છે અને ત્રીજો P પ્રોટેક્ટિવ ફૂડનો છે.
પહેલો P પ્લાનિંગઃ આ ડાયટનો સૌથી મહત્ત્વનો પાર્ટ છે પ્લાનિંગ. આખા દિવસમાં ચોક્કસ સમયાંતરે તમારા ફૂડમાં શું લેવાનું છે એનું આયોજન. નિષ્ણાતોનું માનવું છે કે આખા દિવસ માટે તમારો ખોરાક પ્લાન કરવો, જેમાં યોગ્ય ન્યુટ્રિઅન્ટ્સ મળી રહે જેને કારણે બ્લડ-શુગરનું લેવલ મેઇન્ટેન રહે છે અને એનર્જી પણ હાઈ રહે છે. આ પ્લાનિંગ કરતી વખતે તમને ભાવતી-ન ભાવતી ચીજોને તેમ જ હેલ્ધી-અનહેલ્ધી ચીજોને કન્સિડર કરીને બૅલૅન્સ્ડ મેનુ પ્લાન કરવું જરૂરી છે. એનાથી ફાયદા પણ ઘણા છે. જેમ કે -પ્લાનિંગને કારણે ઓવરઈટિંગ પર અંકુશ આવે છે અને તમે હેલ્ધી ખાઓ છો.
આખા દિવસનો ખોરાક પ્લાન કરવાથી તમે તમને કેટલી ભૂખ છે અને કેટલું ખાવું જોઈએ એ વિશે પણ સચોટ માર્ગદર્શન મળી રહે છે.
પ્લાનિંગ હશે તો તમે બૅલૅન્સ્ડ ડાયટ લઈ શકશો; જેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, ફાઇબર અને ફૅટ્સ દર ત્રણ-ચાર કલાકે કઈ રીતે લેવું એ પણ નક્કી કરી શકો છો.
અઠવાડિયામાં ફળ, શાકભાજી, પ્રોટીન, અનાજ વગેરે બદલતાં રહેવાથી ખોરાક સ્વાદિષ્ટ બને છે અને એકનું એક ખાઈને બોરિંગ લાગતું નથી. સાથે-સાથે સ્વાસ્થ્ય પણ જળવાય છે.
આના કારણે તમે ખોરાકનું એક રૂટીન ફિક્સ કરી શકો છો, હેલ્ધી ઈટિંગ હૅબિટ્સ જળવાઈ રહે છે.
બીજો P પ્રોટીન: બૅલૅન્સ્ડ ડાયટમાં પણ સૌથી અગત્યનું ન્યુટ્રિશન છે પ્રોટીન. પ્રોટીન આપણા મસલ્સને રિપેર કરવા માટે સૌથી મહત્ત્વનું છે. આખા દિવસમાં પ્રોટીનયુક્ત ખોરાક લેવાથી મસલ્સ મેઇન્ટેન રહે છે. એક રિસર્ચ મુજબ ૩૦થી ૪૦ ગ્રામ પ્રોટીન ખોરાકમાં લેવાથી તમારા મસલ્સને સૌથી મોટી મદદ મળે છે. દરેક વ્યક્તિએ પોતાના વજન અનુસાર પ્રોટીનનો સમાવેશ રોજિંદા ફૂડમાં કરવો જોઈએ. પ્લાનિંગના ફેઝમાં તમારે એની ગણતરી કરીને ત્રણેય મીલમાં થોડું-થોડું પ્રોટીન શરીરને મળે એ રીતે ડાયટ પ્લાન કરવી.
ત્રીજો P પ્રોટેક્ટિવ ફૂડ : આજકાલના પ્રદૂષણયુક્ત વાતાવરણમાં પ્રોટેક્ટિવ ખોરાક લેવો આવશ્યક છે, જે તમારા શરીરની ઇમ્યુનિટી વધારીને હેલ્ધી અને ફિટ રાખે. એમાં ઍન્ટિઑક્સિડન્ટ, વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબરનો સમાવેશ થાય છે. તમારા રોજિંદા ખોરાકમાં શરીરને ખૂબ ઓછી માત્રામાં જોઈતાં હોય એવાં વિટામિન્સ, મિનરલ્સ પણ સમાયેલાં હોય એનું ધ્યાન રાખવું એ આ ત્રીજા ફેઝનો મંત્ર છે.
સમગ્રલક્ષી ડાયટ પ્લાન થઈ શકે છે
કેટલાક નિષ્ણાતોનો તો દાવો છે કે ડાયટિશ્યનો દ્વારા કોઈ પણ વ્યક્તિ માટે બૅલૅન્સ્ડ ડાયટ પ્લાન કરવામાં આવે ત્યારે બેસિકલી આ 3Pનો વિચાર અવશ્ય કરવામાં આવે જ છે. આ ત્રણ ચીજોનું ધ્યાન રાખીને વ્યક્તિ જાતે પણ ઍટ્રૅક્ટિવ ડાયટ-પ્લાન બનાવી શકે છે. 3P એ ડાયટના આખા કન્સેપ્ટને આવરી લેતો હેલ્ધી અને ટેસ્ટી ઑપ્શન છે એમ જણાવતાં ન્યુટ્રિશનિસ્ટ દીપ્તિ શાહ કહે છે, ‘મારી પાસે ઘણા પેશન્ટ એવા આવે છે જે કહે છે કે અમારી પાસે કસરત કરાવી લો, પણ ડાયટ નહીં કરાવતા. એ બહુ બોરિંગ હોય છે, કારણ કે જે લોકો ડાયટ કરે છે તેમને વારંવાર ખાવાની ક્રેવિંગ થતી હોય છે. ત્યારે જો એ જ ડાયટ ફૂડ તમારી સામે ઍટ્રૅક્ટિવ રીતે મૂકવામાં આવે તો કદાચ એ તમને બોરિંગ નહીં લાગે. 3P ફૂડની વાત કરીએ તો આ ડાયટ-પ્લાનમાં બધું જ આવી જાય છે. 3P એટલે પ્લાનિંગ, પ્રોટીન અને પ્રોટેક્ટિવ ફૂડ. તમે ડાયટ કરો પણ તમારી પાસે ડાયટ-પ્લાન જ ન હોય તો? તો આખો દિવસ ડાયટ ફૉલો કર્યા બાદ સાંજે જ્યારે ભૂખ લાગે અને પ્લાનિંગમાં કંઈ જ ન હોય તો તમારી સામે જે આવે એ તમે ખાઈ લો છો અને ડાયટ ફૉલો થતી નથી. એટલે ડાયટ માટે ખાસ જરૂરી પ્લાનિંગ હોય છે. આખા દિવસમાં અને આખા અઠવાડિયામાં તમારે કયા સમયે શું ખાવાનું છે એનો પ્લાન દર અઠવાડિયે બદલાય છે એટલે તમારી ડાયટ બોરિંગ પણ રહેતી નથી. પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. એ સ્કિનથી માંડીને સ્ટ્રેન્ગ્થ સુધી બધા માટે જરૂરી છે. માત્ર યુરિક ઍસિડની ફરિયાદવાળી વ્યક્તિને બાદ કરતાં પ્રોટીન બધા માટે રામબાણ છે. તેથી તમારી ડાયટમાં પ્રોટીનનો સમાવેશ જરૂરી છે અને ત્રીજો P એટલે પ્રોટેક્ટિવ ફૂડ. આજકાલના પ્રદૂષણભર્યા વાતાવરણમાં ગુણવત્તાયુક્ત ખોરાક ન ખાવાથી ઇમ્યુનિટી નબળી રહે છે. તેથી 3P ફૂડ એવો ડાયટ-પ્લાન છે જેમાં પ્રોટેક્ટિવ ફૂડ લેવાનો આગ્રહ રાખવામાં આવે છે; જેમ કે હળદર, મરી, ડ્રાયફ્રૂટ, ફ્રૂટ, શાકભાજી વગેરે. 3P ડાયટનું આખું એક પૅકેજ છે જેમાં સ્વાદ અને સ્વાસ્થ્ય બન્ને જળવાય છે.
સંતુલન અને પોષણનો સિદ્ધાંત
આ ડાયટનો હેતુ સંતુલિત અને પૌષ્ટિક આહાર છે એ વિશે ફૅમિલી ફિઝિશ્યન અને લાઇફસ્ટાઇલ ડિસઑર્ડરનાં ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ ડૉ. નયના વસાણી કહે છે, ‘આપણે જે જમાનામાં જીવી રહ્યા છીએ ત્યાં યોગ્ય અને સંતુલિત આહાર પર ભાર આપવો ખૂબ જ જરૂરી છે. આજકાલના સ્પર્ધાત્મક યુગને કારણે બદલાતી આપણી લાઇફસ્ટાઇલ માટે ખોરાક એક એવું સાધન છે જે આપણા શારીરિક સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. 3Pનો એક અર્થ પ્રોટીન, પ્રોડ્યુસ અને પોર્શન-કન્ટ્રોલ પણ થાય છે. આ શબ્દ ત્રણ મુખ્ય ઘટકોનો ઉલ્લેખ કરે છે, જે સંતુલિત આહાર જાળવવા પર ભાર આપે છે. આ ઘટકોમાં પ્રોટીન પેશીઓના નિર્માણ અને સમારકામ માટે આવશ્યક છે અને એ ઊર્જાના મહત્ત્વપૂર્ણ સ્રોત તરીકે સેવા આપે છે. પ્રોડ્યુસ એટલે ઉત્પાદન, જેમાં ફળો અને શાકભાજીનો ઉપયોગ થાય છે જે આવશ્યક વિટામિન્સ, ખનીજો, ફાઇબર અને ઍન્ટિઑક્સિડન્ટ પ્રદાન કરે છે. અને પોર્શન-કન્ટ્રોલ એટલે તંદુરસ્ત વજન જાળવવા અને અતિરિક્ત આહાર ટાળવા માટે કઈ વસ્તુ ક્યારે અને કેટલા પ્રમાણમાં ખાવી એનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. આ સિદ્ધાંતોનો હેતુ સંતુલિત અને પૌષ્ટિક આહાર પણ છે, જે એકંદરે આરોગ્ય માટે જરૂરી છે.