ઠંડીમાં રોજ નહીં નહાઓ તો લાંબું જીવશો એવો દાવો સોશ્યલ મીડિયા પર એક ફિઝિયોથેરપિસ્ટ-કમ-ન્યુટ્રિશનિસ્ટે કર્યો છે એટલું જ નહીં, ઠંડીમાં ઓછું ફ્રીક્વન્ટલી નહાશો તો આવરદામાં ૩૪ ટકા વધારો થઈ શકે છે એવું પણ કહેવાય છે.
પ્રતીકાત્મક તસવીર
ઠંડીમાં રોજ નહીં નહાઓ તો લાંબું જીવશો એવો દાવો સોશ્યલ મીડિયા પર એક ફિઝિયોથેરપિસ્ટ-કમ-ન્યુટ્રિશનિસ્ટે કર્યો છે એટલું જ નહીં, ઠંડીમાં ઓછું ફ્રીક્વન્ટલી નહાશો તો આવરદામાં ૩૪ ટકા વધારો થઈ શકે છે એવું પણ કહેવાય છે. જોકે આ વાતમાં કોઈ દમ નથી એવું નિષ્ણાતોનું માનવું છે
શિયાળામાં રોજ નાહવાને બદલે ક્યારેક એ સ્કિપ કરવામાં આવે તો સ્વાસ્થ્યને ફાયદો થાય છે અને ઉંમર પણ વધે છે એવો અજીબોગરીબ દાવો સોશ્યલ મીડિયા પર ન્યુટ્રિશનલિસ્ટે કર્યો છે. તેમનું કહેવું છે કે ઠંડીની સીઝનમાં ન નાહવાથી ઉંમરને ૩૪ ટકા જેટલી વધારી શકાય છે. આ દાવાનું વૈજ્ઞાનિક કારણ જણાવતાં એ પણ જણાવ્યું છે કે ઠંડા વાતાવરણમાં શરીરના તાપમાનને જાળવી રાખવા માટે ઇમ્યુન સિસ્ટમે બહુ મહેનત કરવી પડે છે. દરરોજ નાહવાથી ત્વચાનું નૅચરલ ઑઇલ દૂર થાય છે અને એને લીધે ડ્રાયનેસ અને ઇન્ફ્લેમેશનની શરૂઆત થાય છે. એક દિવસ છોડીને એક દિવસ નાહવું આ મોસમમાં ફાયદાકારક છે. આવા દાવા થઈ રહ્યા છે જે કડકડતી ઠંડીમાં અનુસરવાનું મન થઈ જાય. જોકે નિષ્ણાતની વાત સાંભળીને તમે રોજ નાહવાનું અવૉઇડ ન કરવું જોઈએ એ માટે સહમત થઈ જશો.
ADVERTISEMENT
બીમારીઓ થવાનું જોખમ વધે
આ દાવા પર પ્રતિક્રયા આપતાં અનુભવી ડર્મેટોલૉજિસ્ટ ડૉ. મૃણાલ શાહ મોદી કહે છે, ‘સૌથી પહેલી વાત તો એ કે નાહવાનો ઉંમર વધવા સાથે કોઈ સંબંધ નથી. શરીરને જે રીતે પોષણ મળશે અને જે પ્રમાણેની લાઇફસ્ટાઇલ હશે એટલું જીવી શકાશે. ઠંડીમાં ન નાહવાથી ઉંમર વધે એવો દાવો પાયાવિહોણો તો છે જ પણ એની સાથે હાસ્યાસ્પદ પણ છે. જો આ દાવાને થોડા સમય માટે માનવામાં પણ આવે તો સૌથી પહેલાં તો હાઇજીન જ નહીં જળવાય. તાજેતરમાં એક કેસ આવ્યો હતો કે પતિ સ્નાન નહોતો કરતો એટલે પત્નીએ છૂટાછેડા આપી દીધા હતા. આ સમાચાર પરથી જ અંદાજ લગાવી શકાય કે નાહવું હાઇજીનની દૃષ્ટિએ જ નહીં, પણ લાઇફસ્ટાઇલનો સૌથી મહત્ત્વનો ભાગ છે. જો હાઇજીન મેઇન્ટેન ન થાય તો ઘણી બીમારી થવાનું જોખમ રહે છે. કડકડતી ઠંડી હોય ત્યાં એક દિવસ છોડીને એક દિવસ નાહવાનો કન્સેપ્ટ લાગુ પડે, કારણ કે ત્યાં ઓછા તાપમાનમાં વધુ ગરમ પાણીથી નાહવામાં આવે તો સ્કિન ડ્રાય થઈ શકે છે, પણ મુંબઈમાં એટલી ઠંડી નથી હોતી એથી કોઈની વાત ન માનીને દરરોજ સ્નાન કરવું અને હાઇજીન જાળવવું જરૂરી છે.’
શા માટે નાહવું જરૂરી?
ભારતમાં સ્નાન એ ડેઇલી રૂટીનનો પાર્ટ છે ત્યારે સ્નાનનું મહત્ત્વ સમજાવતાં ડૉ. મૃણાલ કહે છે, ‘અહીં પ્રદૂષણ વધારે છે અને એ ત્વચા અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આ ઉપરાંત મુંબઈમાં લોકલ ટ્રેનનું ટ્રાવેલિંગ અઘરું છે. ઘરથી ઑફિસ સુધીના ટ્રાવેલિંગમાં દુનિયાભરનું સ્વેટિંગ થઈ જાય. આવામાં જો એવામાં ન નાહીએ તો ઇન્ફેક્શન થવાના ચાન્સ વધી જાય છે. ડાયાબિટીઝ હોય એવા લોકો જો ૨૪ને બદલે ૪૮ કલાકમાં સ્નાન કરે તેમને અલ્સર કે ફંગસ થવાના ચાન્સ વધી જાય. અત્યારે તો કોરોના જેવા નવા HMPV વાઇરસનું જોર વધ્યું છે તો આવામાં સ્નાન ન કરવામાં આવે તો સ્થિતિ વકરી શકે છે. ઇન્ટિમેટ એરિયાના હાઇજીનનું ડેઇલી ધ્યાન ન રાખવામાં આવે તો શરીર રોગનું ઘર બની શકે. ન નાહવાથી શરીરમાંથી દુર્ગંધ આવે છે જે પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને પ્રભાવિત કરે છે એથી દરરોજ ફરજિયાત નાહવું જરૂરી છે.’

