વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના કહેવા મુજબ જ્યારે બાળક જન્મ સમયે ૨.૫ કિલોથી ઓછું વજન ધરાવતું હોય તો તેને અન્ડરવેઇટ બાળક કહી શકાય
પ્રતીકાત્મક તસવીર
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના કહેવા મુજબ જ્યારે બાળક જન્મ સમયે ૨.૫ કિલોથી ઓછું વજન ધરાવતું હોય તો તેને અન્ડરવેઇટ બાળક કહી શકાય. જો બાળકનું વજન ઓછું હોય તો તેને ઘણી તકલીફ અને કૉમ્પ્લીકેશન આવી શકે. સામાન્ય રીતે આવાં બાળકોની ઇમ્યુનિટી એટલી ઓછી હોય છે કે સામાન્ય ડાયેરિયા પણ થાય એ પણ તેમના માટે જોખમી બની જાય છે. વજન ઓછું હોવાને કારણે તેમનામાં શુગર ઉપર-નીચે થયા કરે છે જેને લીધે ડાયાબિટીઝ આવી શકે છે. આવાં બાળકોનો જો ઇલાજ ન થયો તો જીવનભર માટે શારીરિક અને માનસિક વિકાસ અટકી શકે છે. આવાં બાળકોનો વિકાસ રૂંધાય છે અને તેઓ સ્લો બેબીઝ ગણાય છે. તેમનાં અંગોના વિકાસમાં પણ પ્રૉબ્લેમ આવે છે. ક્યારેક તે વધુ પડતું ડેવલપ થઈ જાય છે. તેના સ્નાયુઓ નબળા હોય છે. તેને હૉર્મોનલ તકલીફો હોય છે. આંખમાં જોવાની તકલીફ પણ આવી શકે છે.
સૌથી પહેલાં તો એ સમજવું પડશે કે જો મહિલા હેલ્ધી હશે તો જ બાળક હેલ્ધી રહેશે. પ્રેગ્નન્સીમાં જો ખોરાકના માધ્યમથી પોષણ ન મળે તો સપ્લિમેન્ટ આપીને પોષણ પૂરું કરવું. આપણી સ્ત્રીઓ અત્યંત સ્ટ્રેસફુલ લાઇફ જીવે છે. પછી એ માનસિક ત્રાસ હોય કે સામાજિક કે પછી અમુક સ્ત્રીઓ માટે આર્થિક પરંતુ આ સ્ટ્રેસ બાળકની આ પરિસ્થિતિ માટે જવાબદાર હોય છે. પછી એ પુત્રપ્રાપ્તિનો સ્ટ્રેસ હોય કે પતિના દારૂને લીધે આવતો સ્ટ્રેસ હોય, જૉબ ચાલુ રાખવાનો સ્ટ્રેસ હોય કે સાસુના કજિયાનો. દરેક બાબતો પ્રેગ્નન્સી દરમ્યાન બાળકની હેલ્થ પર અસર કરે છે. જો બાળક ૧-૨ કિલો ઓછું વજન ધરાવતું હોય તો આરામથી બ્રેસ્ટફીડિંગ દ્વારા તેનું વજન લેવલમાં લાવી શકાય છે. જો માતાનું દૂધ એને બરાબર આપવામાં આવે તો ૬ મહિના સુધી અને એના પછી પણ પોષણયુક્ત ખોરાક મળે તો ચોક્કસ તેનામાં મોટા ફેરફાર આવી શકે છે. વેઇટ ગેઇન સ્ટિમ્યુલેટર નામે દવા આવે છે જે મદદરૂપ થઈ શકે. અમુક પ્રકારનાં પ્રોટીન-સપ્લિમેન્ટ પણ આવે છે જે ઇન્જેક્શન દ્વારા બાળકને આપી શકાય. આ બધી સહુલિયત બાળકને નીઓનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં મળે છે. એક વખત બાળકનું વજન નૉર્મલ આવી જાય પછી તેનો વિકાસ પણ નૉર્મલ જ થાય છે. અને આગળ જતાં કોઈ તકલીફ નથી આવતી. જન્મ પછી તેને યોગ્ય પોષણ, પરિવારનો સાથ અને સાચો જરૂરી ઇલાજ મળવો જરૂરી છે. -ડૉ. ઝીનલ ઉનડકટ

