કૅન્સરનો રોગ એક નથી, વ્યક્તિએ-વ્યક્તિએ એ રોગ જુદો છે. આપણા જ કોષો શરીરમાં અનિયંત્રિત માત્રામાં વધવા લાગે અને એક ગાંઠ બનાવે એ કૅન્સર.
પ્રતીકાત્મક તસવીર
આ વિચાર સાથે છેલ્લાં કેટલાંક વર્ષોથી કૅન્સરના ઇલાજમાં ઘણું પરિવર્તન આવ્યું છે. પ્રિસિઝન કૅર એટલે કે જે જગ્યાએ કૅન્સર થયું છે ફક્ત એનો જ ઇલાજ અને પર્સનલાઇઝ્ડ કૅર એટલે કે વ્યક્તિગત રીતે ઇલાજમાં આવતા બદલાવ પર ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેને કારણે ઍડ્વાન્સ સ્ટેજમાં પણ કૅન્સરની સાથે એક સારી જિંદગી શક્ય બનતી જાય છે એટલું જ નહીં, એના ઇલાજને કારણે વેઠવી પડતી સાઇડ ઇફેક્ટ્સથી પણ બચી શકાય છે
ફોર્થ સ્ટેજ લંગ કૅન્સર. આ નિદાન સાંભળીને દીપકભાઈને ચક્કર આવી ગયેલાં કારણકે ફેફસાંનું કૅન્સર જો ચોથા સ્ટેજ સુધી પહોંચી ગયું હોય તો વ્યક્તિ વધુમાં વધુ ૬ મહિના જીવી શકે. પરંતુ આ ન્યુઝ મળ્યાને આજે ૭ વર્ષ થઈ ગયાં છે, દીપકભાઈ હજી પણ એક મૉડરેટ કહી શકાય એવી જિંદગી જીવી રહ્યા છે. તે ૭ વર્ષથી ફક્ત ટૅબ્લેટ ખાઈને જીવી રહ્યા છે. નથી તેમની સર્જરી થઈ કે નથી કીમોથેરપી આપવી પડી કે નથી રેડિયેશન લેવું પડ્યું.
ADVERTISEMENT
લીલાબહેનને બ્રેસ્ટ-કૅન્સરનું નિદાન આવ્યું. શરૂઆતી સ્ટેજ હતું એટલે સર્જરી તો થઈ ગઈ. પણ કૅન્સર ફરી પાછું ન આવે એ માટે કીમોથેરપી આવશે એમ માનીને તેઓ ખૂબ ગભરાઈ રહ્યાં હતાં. ડૉક્ટટરે તેમને કહ્યું કે આપણે ઑન્કોટાઇપ DX નામની ટેસ્ટ કરાવીને જોઈએ. એ ટેસ્ટ મુજબ લીલાબહેનનું કૅન્સર ફરી પાછું આવવાની શક્યતા નહોતી એટલે તેમને કીમોથેરપી આપવી જ ન પડી. આમ એક ટેસ્ટને કારણે આખી પીડાદાયી પ્રોસેસમાંથી તેમને પસાર જ ન થવું પડ્યું જે આજથી થોડાં વર્ષો પહેલાં સુધી કૅન્સરના દરેક દરદીએ થવું જ પડી રહ્યું હતું.
કૅન્સરનું નિદાન આવ્યું એટલે દરદીને પહેલાં મૃત્યુ દેખાય છે. પછી તે ડૉક્ટરને પૂછે કે કયા સ્ટેજ પર છે અને આનો ઇલાજ શું ત્યારે તેને સીધી કીમોથેરપી દેખાય છે. તેના મનમાં પહેલી વાત એ આવે છે કે હું કીમોથેરપી નહીં કરાવું. કીમોથેરપીથી લોકો ખાસ્સા ગભરાતા હોય છે. એક સમય હતો જ્યારે કૅન્સરના ઇલાજમાં ત્રણ વસ્તુ મુખ્ય હતી. સર્જરી, કીમોથેરપી અને રેડિયેશન. કોઈ પણ પ્રકારનું કૅન્સર થાય ત્યારે વ્યક્તિ આમાંથી પસાર થશે એવું માનવામાં આવતું. જો કૅન્સર ખૂબ ફેલાઈ ગયું હોય તો સર્જરી શક્ય નથી એટલે પહેલાં કીમોથેરપી અને રેડિયેશનથી એને કાબૂમાં લઈને પછી સર્જરી કરવામાં આવતી અને જો કૅન્સર શરૂઆતી સ્ટેજમાં જ હોય તો પહેલાં સર્જરી. એ પછી જરૂરી લાગે તો રેડિયેશન આપવામાં આવતું અને અમુક દરદીઓમાં ફરીથી કૅન્સર પાછું ન આવે એ માટે કીમોથેરપી આપવી પડતી. ઇલાજના આ માપદંડો છેલ્લાં કેટલાંક વર્ષોમાં સાવ બદલાઈ ગયા છે. એનું કારણ છે કૅન્સરના ઇલાજમાં આવેલો બદલાવ, જેમાં બે પરિબળો મુખ્ય છે - પ્રિસિઝન ઑન્કોલૉજી અને પર્સનલાઇઝ્ડ ટ્રીટમેન્ટ.
આંકડા શું કહે છે?
કૅન્સર આજે ઘરે-ઘરે પહોંચી રહ્યું છે. પાંચમાંથી એક વ્યક્તિ કૅન્સરનો ભોગ બની રહી છે. એને જ કારણે મૃત્યુનાં પ્રખર કારણોમાં આજે પણ કૅન્સર ઘણું આગળ છે. ૨૦૨૨માં ૯ લાખ ૭૦ હજાર લોકો દુનિયામાં કૅન્સરને કારણે મૃત્યુ પામ્યા હતા. છતાં જલદી થતાં નિદાન, નવી-નવી દવાઓ અને ઇલાજનાં બદલતાં સ્વરૂપો, વ્યક્તિગત ઇલાજને કારણે કૅન્સર સર્વાઇવર્સ વધતા જાય છે. આમ જોઈએ તો કૅન્સર જેમ દિવસે-દિવસે ફેલાતો જઈ રહ્યો છે એમ-એમ કૅન્સરના ઇલાજમાં પણ દિવસે-દિવસે પ્રગતિ થઈ રહી છે. આજથી ૨૦ વર્ષ પહેલાં આપણે કૅન્સર વિશે જે જાણતા હતા અને માનતા હતા એમાં જાણકારી ઘણી વધી છે.
વધુ સારો ઇલાજ
કૅન્સરનો રોગ એક નથી, વ્યક્તિએ-વ્યક્તિએ એ રોગ જુદો છે. આપણા જ કોષો શરીરમાં અનિયંત્રિત માત્રામાં વધવા લાગે અને એક ગાંઠ બનાવે એ કૅન્સર. પરંતુ જેમ શરીર અલગ છે, એમ અનિયંત્રિત રીતે વધતા કોષો પણ અલગ છે અને એ વધવા પાછળનાં કારણો પણ. એ વિશે વાત કરતા ઘાટકોપરની ઝાઇનોવા શેલ્બી હૉસ્પિટલના કૅન્સર-નિષ્ણાત ડૉ. દીપ વોરા કહે છે, ‘કૅન્સરનો ઇલાજ શરૂ થયો ત્યારે એક જ વસ્તુ મહત્ત્વની હતી, એ છે સર્જરી. ટ્યુમર થાય એટલે એને શરીરમાંથી કાઢી નાખો. ફરી થાય એટલે એ પણ કાઢી નાખો, પરંતુ સમય જતાં સમજાયું કે આ તકલીફ શરીરના એક ભાગની નથી. આખા શરીરમાં એક એવો બદલાવ આવે છે જેનો ઇલાજ કરવાની જરૂર છે. એટલે કીમોથેરપી શરૂ થઈ. પણ કીમોથેરપીની તકલીફ એ હતી કે એ ફક્ત કૅન્સરના કોષોને જ નહીં, શરીરના હેલ્ધી કોષોને પણ અસર કરતી હતી, જેને લીધે એની સાઇડ ઇફેક્ટ્સ પણ ઘણી હતી. એટલે આજની તારીખે પ્રિસિઝન ઑન્કોલૉજીનો ઉપયોગ થાય છે. જે જગ્યાએ તકલીફ છે એના મૂળમાં શું છે? આ તકલીફ પાછળ આપણા DNAમાં કોઈ બદલાવ આવ્યો છે એ ઘટના છે. તો એવી દવા જોઈશે જે આ બદલાવ પર કામ કરે. આમ કૅન્સરનો ઇલાજ દિવસે ને દિવસે વધુ ને વધુ ઍડ્વાન્સ થતો જાય છે. આ માનવજાતની એક રોગ સાથેની લડાઈ છે જેમાં રોગને જેટલો વધુ સારી રીતે સમજી શકાશે એનું નિદાન, એનો ઉપાય અને એમાંથી નિજાત સારી રીતે મેળવી શકાશે.
પ્રિસિઝન ઑન્કોલૉજી એટલે શું?
કૅન્સર જ્યારે સ્પીડમાં વધે છે કે એના કોષો મ્યુટેડ થઈ જાય છે ત્યારે એ જાણવું જરૂરી બને છે કે આ કૅન્સરની જડ શું છે. એ સમજાવતાં દાદરના BND ઑન્કો સેન્ટર અને જસલોક હૉસ્પિટલના કૅન્સર-નિષ્ણાત ડૉ. જેહાન ધાભર કહે છે, ‘કેટલાક ખાસ જિનેટિક અને મૉલેક્યુલર ડ્રાઇવર્સ હોય છે જેને જાણવા જરૂરી છે. એના પર ફોકસ કરીને કૅન્સરના મૂળને જાણવું અને એના પર કામ કરવું એ જ છે પ્રિસિઝન ઑન્કોલૉજી. જો આ ડ્રાઇવર્સની ખબર પડી જાય તો ડૉક્ટર ટાર્ગેટેડ થેરપી વાપરી શકે છે. અમુક ખાસ પ્રકારની દવાઓ આ ખાસ પ્રકારના મ્યુટેશન માટે બની છે જે એના મેકૅનિઝમને ડિસ્ટર્બ કરીને એને આગળ વધતું અટકાવે છે. આ દવાઓ એવી છે જે કૅન્સર સેલ પર એકદમ કારગર નીવડે છે અને હેલ્ધી સેલને ખૂબ જ ઓછું નુકસાન પહોંચાડે છે. ઘણી વાર એવું થાય છે કે આપણે જડ સુધી પહોંચીએ પણ એના ઇલાજ માટે હજી સુધી કોઈ દવા બની જ નથી એવું પણ બને. છતાં આજની તારીખે લગભગ ૩૦ ટકા જેટલાં કૅન્સર એવાં છે જેની જડ સુધી પહોંચીને એના પર કઈ દવા કામ કરશે એ આપણી પાસે છે, જેના વડે આપણે દરદીને બની શકે એટલી ક્વૉલિટી લાઇફ આપી શકીએ છીએ અને તેનું જીવન બચાવી પણ શકીએ છીએ. આ વાત ઍડ્વાન્સ કૅન્સરની થઈ રહી છે. એટલે કે જે કૅન્સર ત્રીજા કે ચોથા સ્ટેજમાં પહોંચી ગયું છે એની, જેમાં લોકોને લાગે છે કે હવે મૃત્યુ નિશ્ચિત્ત છે. પણ એવું નથી, દરેક ઍડ્વાન્સ કૅન્સરમાં ૨-૪ મહિનામાં મૃત્યુ થશે જ. આ એક મોટો બદલાવ છે જે ઘણો આશાસ્પદ છે.’
મોંઘો ઇલાજ
કોઈ પણ કૅન્સરનો નવો ઇલાજ આવે એ પહેલાં કરતાં વધુ સારો જ હોવાનો છે પરંતુ એ ઘણો મોંઘો પણ હોય છે જેથી દરેક વ્યક્તિ સુધી એ પહોંચી નથી શકતો. એ વિશે વાત કરતાં ડૉ. જેહાન ધાભર કહે છે, ‘કોઈ પણ નવી દવા સાથે પેટન્ટનો ઇશ્યુ હોય છે. અમુક વર્ષો સુધી જે કંપનીએ એ દવા બનાવી છે એના સિવાય કોઈ બીજી વ્યક્તિ એ દવા બનાવી શકતી નથી, જેને કારણે દવાઓ ખૂબ મોંઘી હોય છે. જેવી એની પેટન્ટ પતી જાય એટલે એ દવાઓ બધે બનવા લાગે છે. એક સમયે લાખો રૂપિયાની કીમોથેરપી આજે એકદમ સસ્તી બની ગઈ છે કારણ કે એ ભારતમાં જ બનવા લાગી છે. આમ નવા ઇલાજ માટે એ રીતે ખુશ થઈ શકાય કે ભલે આજે અમુક જ લોકોને આ ઇલાજનો લાભ મળશે પણ અમુક વર્ષો પછી આ દવાઓ બધાને મળી શકશે. મહત્ત્વનું એ છે કે સતત એના પર રિસર્ચ થાય અને સારામાં સારી દવાઓ બનતી રહે. આજની તારીખે દરેક ઑન્કોલૉજિસ્ટ પ્રિસિઝન ઑન્કોલૉજી જ પ્રૅક્ટિસ કરે છે અને એ જ કરવી જોઈએ, કારણ કે એ દરદીના હિતમાં છે.’
એવો ઇલાજ જેમાં ઓરલ મેડિસિન જ પૂરતી છે
કૅન્સર હવે એક ક્રૉનિક રોગની કૅટેગરીમાં આવતો જાય છે. એ વિશે વાત કરતાં ડૉ. જેહાન ધાભર કહે છે, ‘ડાયાબિટીઝ કે બ્લડપ્રેશર જેવા રોગોને ક્રૉનિક ડિસીઝ કહેવાય છે કારણ કે આ રોગો લાંબા ગાળાના રોગ છે. એ ધીમે-ધીમે શરીરમાં અસર કરે છે અને એને આપણે કન્ટ્રોલમાં રાખવા માટે દરરોજ દવાઓ લઈએ છીએ. આમ ઍડ્વાન્સ ઇલાજ સાથે કૅન્સરનું પણ એવું જ થતું જાય છે જેમાં સર્જરી, કીમોથેરપી કે રેડિયેશનના ઑપ્શન બધા માટે નથી. એક ખાસ પ્રકારના કૅન્સરમાં ફક્ત ઓરલ મેડિસિન આપવામાં આવે છે જે નિયમિત રીતે ખાવાથી કૅન્સર કાબૂમાં રહે છે અને ઘણા કેસમાં નાબૂદ પણ થઈ શકે છે.’

