° °

આજનું ઇ-પેપર
Thursday, 13 May, 2021


ક્યાંક તમારું બાળક ડિસ્ટર્બ્ડ તો નથીને?

30 April, 2021 01:49 PM IST | Mumbai | Jigisha Jain

છેલ્લા સવા વર્ષથી બાળકો ઘરમાં કેદ છે, બે-ત્રણ કલાકના ઑનલાઇન ક્લાસ અને છૂટીછવાઈ ઍક્ટિવિટી સિવાય કોઈ ઑપ્શન નથી ત્યારે તેમની માનસિક હાલત આપણે ધારીએ છીએ એના કરતાં વધુ અસર પામી છે. બાળકને કોરોનાથી બચાવવા જતાં ક્યાંક તેમના માનસિક સ્વાસ્થ્યને ઠેસ ન પહોંચે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કોરોનાકાળની જુદી જ અસર બાળકોના જીવન પર પડી છે. છેલ્લા એક-સવા વર્ષથી બાળકો તેમની સ્કૂલથી વંચિત છે. જે જગ્યાએ દિવસનો ૭-૮ કલાક જેટલો સમય તેઓ વિતાવતાં હતાં એ માત્ર હવે બે કે ત્રણ કલાક જેટલું થઈ ગયું છે. એમાં પણ હવે વેકેશનનો સમય આવી ગયો છે. ફરી સ્કૂલ ક્યારે ઊઘડે, મિત્રો કે શિક્ષકો ક્યારે મળે, જીવન ક્યારે નૉર્મલ બને એની શક્યતા પણ દેખાતી નથી. મોટેરાઓની તો વૅક્સિન પણ આવી ચૂકી, બાળકોની તો હજી એ પણ આવી નથી. મિત્રો વગરનું અને ફન વિથ એજ્યુકેશન આપતી ઑફલાઇન સ્કૂલ વગરનું જીવન બાળકો માટે કપરું તો છે જ એમાં સેકન્ડ વેવ આવી ત્યારથી તેઓ ફરી ગયા વર્ષની જેમ ઘરમાં ગોંધાઈ ગયાં છે. ચારે તરફથી આવતા સમાચારો જેમાં આપ્તજનોનાં મૃત્યુ, હૉસ્પિટલાઇઝેશન વગેરેની પણ બાળમન પર અસર કપરી થાય છે. આ પરિસ્થિતિ વિશે આજે વાત કરીએ.

ઘરમાં ઑફિસ જેવું વાતાવરણ

આ સમય બધા માટે કપરો છે, પરંતુ બાળકો માટે વિશેષ છે. કેમ કે તેમનું વિશ્વ તેમનો પરિવાર છે. આજે દરેક ઘરમાં ઑફિસ ખૂલી ગઈ છે. લોકોનાં પ્રોફેશનલ ટેન્શન ઘરમાં આવી ગયાં છે અને એની અસર બાળકો પર પડે છે એ સમજાવતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘બાળકની માનસિક હાલત ખરાબ ત્યારે વધુ થાય છે જ્યારે ઘરના લોકોના ફ્રસ્ટ્રેશન તેણે સહન કરવાં પડે છે. મમ્મી-પપ્પા કે ઘરના બીજા લોકો આર્થિક તાણને લીધે કે કામના કારણે બાળક પર ગુસ્સે થાય, ઘરમાં પણ ઑફિસ જેવું વાતાવરણ સર્જીને વારંવાર બાળકને ડિસિપ્લિનમાં રહેવાનું સૂચન થાય, જ્યારે તેને સમજવાને બદલે તેને વારંવાર સમજાવવાની જ પહેલ થાય ત્યારે તેના પર આ અસર થોડી વધુ થાય છે.’

ભણ-ભણનું પ્રેશર

ઘણાં માતા-પિતાને એવું પણ લાગે છે કે બાળકોનું આ વર્ષ સાવ વેસ્ટ થઈ ગયું. ભણતર માટે એ યોગ્ય નથી એમ માનીને તેઓ બાળકને વારંવાર ભણવા તરફ પુશ કરે છે અને તેને અહેસાસ દેવડાવે છે કે બાળકે ખૂબ બધું ગુમાવી દીધું છે. આ પરિસ્થિતિ વિશે વાત કરતાં ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘જયારે સમગ્ર પૃથ્વી આખી રોકાઈ ગઈ છે ત્યારે તમે બાળકના ભણતરને લઈને ખુદ ટેન્શન લો અને તેને આપો એ બરાબર નથી. એ વાતનો સ્વીકાર કરો કે અત્યારે સમય થોડો નાજુક છે, નૉર્મલ નથી. અત્યારે ભણતર કરતાં આપણે બાળકની હેલ્થ સંભાળવાની છે, ફક્ત ફિઝિકલી નહીં, મેન્ટલી પણ.’

સિંગલ બાળકોની મુશ્કેલી

બાળકોની મેન્ટલ કન્ડિશન બગડવા પાછળનાં મુખ્ય કારણો વિશે વાત કરતાં ડૉ. શ્યામ મિથિયા કહે છે, ‘બાળકો તેમનો ઘણોખરો સમય ગૅજેટ્સ પર વિતાવે છે; કારણકે ભણતર, ક્લાસિસ, એન્ટરટેઇનમેન્ટ બધું જ બાળકો માટે ગૅજેટ જ પ્રોવાઇડ કરી રહ્યું છે. આ ગૅજેટ્સ સાથેનો વધુ સમય તેમને વધુ ઇરિટેશન આપે છે. પર્સનલ ટચ છૂટતો જાય છે. તેમના રૂટીન મુજબની કોઈ જિંદગી તેમની પાસે નથી. મુખ્ય વાત તો એ છે કતેમના મિત્રો નથી તેમની પાસે. આજે સિંગલ બાળક જ વધુ જોવા મળે છે. ઘરમાં તેમની ઉંમરનું કોઈ હોતું નથી. દરેક વ્યક્તિને પોતાની ઉંમરનો સાથ વધુ ગમતો હોય છે.’

બાળકોની અત્યારે જે પરિસ્થિતિ છે એ ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી, કે ADHDના માળખામાં બંધ બેસતી નથી, કારણ કે મોટા ભાગનાં બાળકોની એટલી હદે ખરાબ હાલત નથી, પરંતુ આ પરિસ્થિતિને હલકામાં લેવાની પણ જરૂર નથી. એટલે હાલ પૂરતું બાળકને કોઈ તકલીફ છે એટલું સમજવું પણ પૂરતું છે. આ તકલીફને આપણે જ સમજીને સૉલ્વ કરવાની છે.

સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી પાસેથી જાણીએ ટિપ્સ

- બાળકને એની રીતે ફ્રી રહેવા દો, એની ના નથી પરંતુ એનું એક રૂટીન સેટ રાખો. સુવાનો અને ઉઠવાનો સમય નિશ્ચિત રાખો. આ સિવાય જમવાના અને સ્નેક્સના ટાઈમ પણ લગભગ સેટ રાખો. એમના ભણવાના અને રમવાના કલાકો કે ગેજેટ સાથે રહેવાના કલાકો પણ નિશ્ચિત કરી દો. એનાથી એ પોતાની રીતે સેટ રહે છે અને હંમેશા હું શું કરુ એ પ્રશ્ન આવતો નથી.

- ભલે ઘરે જ હોય પરંતુ દિવસનો એક કલાક એક્સરસાઈઝ કરાવો. ફ્લોર એક્સરસાઈઝ, યોગ, દોરડા કુદવા જેવી ઘણી એક્સરસાઈઝ છે જે ઘરે કરી શકાય. આ સિવાય મ્યુઝીક પર એરોબીક્સમાં પણ એમણે મજા આવી શકે. તમે બાળકો સાથે એક્સરસાઈઝ કરશો તો એ મોટીવેટેડ રહેશે અને કરશે પણ. આ એક્સરસાઈઝ કરવાથી એ ફક્ત ફિઝીકલી જ નહિ મેન્ટલી પણ નોર્મલ રહેશે. એનાથી બાળકને ઊંઘ પણ સારી આવશે જે ખુબ જરૂરી છે.

- ઘરમાં એક કલાક એવો હોવો જોઈએ જ્યારે બધા ભેગા બેઠા હોય. વાતો કરતા હોય. જે ઘરમાં માતા-પિતા પોતાના બાળકો સાથે બધું શેર કરતા હોય છે એ ઘરમાં બાળકોને ક્મ્યુનીકેશન શીખવવું નથી પડતું. એ પોતે પણ વગર કોઈ સંકોચે માતા-પિતાને બધું કહી શકે છે. આવું હેલ્ધી વાતાવરણ ઘરે બનાવવાની કોશિષ કરો.

- બાળકોને એના મિત્રોનો નજીક રાખવા એમને ફોન પર વાત કરવા દો. ભલે સ્ક્રીન ટાઈમ વધે પણ મિત્રોથી એને દુર ન કરો.

- અત્યારે એમની જોડે કડકાઈથી ન વર્તો. અનુશાસન શીખવવાનો આ સમય નથી. આ પેન્ડેમિક આપણને બધાને જીવનનું મહત્વ સમજાવે છે. બાળકોને ખરાબ સમયમાં પણ કઈ રીતે આનંદથી જીવી શકાય, ઓછામાં વધુનો આનંદ લઇ શકાય એ શીખવવાનો સમય છે. તમે ખુશ રહેશો તો બાળક પણ ચોક્કસ રહેશે.

5 લક્ષણો

1. જો તમારું બાળક જરૂર કરતાં વધુ તમને લાડ કરીને ચોંટ્યા કરે, વળગેલું રહેવાની કોશિશ કરે અથવા તમે  જ્યાં છો ત્યાં તે પણ સતત તમારી આસપાસ રહેવા માગતું હોય તો તેના મનમાં કોઈક ડર રછે એવું સમજવું

2. જો એ જરૂર કરતાં વધુ પડતું શાંત થઈ જાય કે સાવ એકાકી રહેવા લાગ્યું હોય કે આખો દિવસ કંઈક સતત વિચાર્યા જ કરતું હોય એમ લાગે

3. જો તમારું બાળક વગર વાતે સતત ચિડાયા કરતું હોય કે ખૂબ ગુસ્સો કે નાહકના ધમપછાડા કરતું હોય

4. જો  બાળક અંધારામાં જતાં ડરે કે રાતે લાઇટ ચાલુ રાખીને સૂએ કે પછી સતત બોલ્યા કરે કે તેને કંઈક  સારું નથી લાગતું

5. જો બાળકના મૂડમાં અચાનક ચડાવ-ઉતાર આવ્યા કરતા હોય. ઘડીકમાં ખુશ છે અને ઘડીકમાં દુખી થઈ જાય

30 April, 2021 01:49 PM IST | Mumbai | Jigisha Jain

અન્ય લેખો

હેલ્થ ટિપ્સ

ઉનાળામાં જ્યારે પાચનશક્તિ મંદ પડે ત્યારે શું કરવું?

ભૂખ પણ ઠીક-ઠાક લાગે છે. ક્યારેક એવું પણ બને કે એકદમ ભૂખ લાગે પણ ખાવાનું ખાઈ ન શકાય. ક્યા પ્રકારનો ખોરાક મને રાહત આપી શકે?   

12 May, 2021 12:13 IST | Mumbai | Yogita Goradia
હેલ્થ ટિપ્સ

શું સ્તનપાનથી બ્રેસ્ટ કૅન્સર નથી થતું?

મારાં દૂરનાં એક કાકીને તો ૩ છોકરાઓ હતા અને તેમણે ત્રણેયને સ્તનપાન કરાવ્યું હતું છતાં તેમને બ્રેસ્ટ-કૅન્સર થયું હતું. શું સ્તનપાન અને બ્રેસ્ટ-કૅન્સર વચ્ચે કોઈ સંબંધ છે?

11 May, 2021 12:10 IST | Mumbai | Dr. Meghal Sanghavi
હેલ્થ ટિપ્સ

ડાયાલિસિસ પહેલાં ટ્રાન્સપ્લાન્ટ કરાવાય?

હું સમજી નથી શકતો કે જો ડાયાલિસિસ મને ઠીક ન કરી શકતું હોય તો એ શું કામ લેવાનું? એના સિવાય કોઈ ઇલાજ છે? ટ્રાન્સપ્લાન્ટ કયા સ્ટેજ પર કરાવવું જોઈએ?   

10 May, 2021 02:14 IST | Mumbai | Dr. Bharat Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK