Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > સ્ટ્રેસમાંથી રિલૅક્સ થવા શું કરવું એ વાતનું સ્ટ્રેસ પણ જો આવતું હોય તો?

સ્ટ્રેસમાંથી રિલૅક્સ થવા શું કરવું એ વાતનું સ્ટ્રેસ પણ જો આવતું હોય તો?

09 July, 2024 11:35 AM IST | Mumbai
Laxmi Vanita

આધુનિક ભાષામાં આવી અવસ્થાને ‘સ્ટ્રેસલૅક્સ્ડ’ તરીકે ઓળખાય છે. વિશ્વમાં ૩૦થી ૫૦ ટકા લોકો સ્ટ્રેસલૅક્સ્ડ કન્ડિશનથી પીડાય છે. આ પ્રકારનું સ્ટ્રેસ ન આવે એ શું કામ જરૂરી છે એ તો જાણીએ જ સાથે સ્ટ્રેસબસ્ટરના સહજ અને સરળતમ રસ્તાઓ વિશે પણ ચર્ચા કરીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બધાને ખુશ કરવા પાર્ટી થીમ શું હોવી જોઈએ, મેનુ શું હોવું જોઈએ, ક્યાં પિકનિક કરવી, જેવા સવાલોના જવાબ સહજ અને સરળ હોવા જોઈએ પણ જો એનાથી માથું દુખે તો એ ચિંતાનો વિષય છે. આજે કઈ ફિલ્મ જોવી એ નક્કી કરવામાં ઝઘડો થઈ ગયો અને ફિલ્મ જોયા વગર જ દિવસ ગયો. સ્ટ્રેસને હળવું કરતી પ્રવૃત્તિ વિશે વિચારો એ સારી વાત છે પણ સમસ્યા એક ડગલું આગળ વધી છે. ડીસ્ટ્રેસ એટલે કે રિલૅક્સ થવાના રસ્તાઓ શોધવામાં પણ હવે સ્ટ્રેસ ફીલ થવા લાગ્યું હોવાથી નિષ્ણાતોએ આ કન્ડિશન માટે ‘સ્ટ્રેસલૅક્સ્ડ’ શબ્દ કૉઇન કર્યો છે. સ્ટ્રેસલૅક્સ્ડ એટલે રિલૅક્સેશન ઇન્ડ્યુસ્ડ ઍન્ગ્ઝાયટી. સાદી ભાષામાં હળવા થવાના રસ્તા ગોતવામાં ચિંતા થવા માંડે. આ કન્ડિશન કેમ ઊભી થાય છે અને એના નિવારણ માટે શું થઈ શકે એ જાણીએ.


દલદલના ઉદાહરણથી સમજોસાઉથ મુંબઈના ઑપેરા હાઉસ પર પ્રૅક્ટિસ કરતાં જો રૅશનલ ઇમોટિવ બિહેવિયર થેરપિસ્ટ, સાઇકો-સેક્સ્યુઅલ ડિસઑર્ડર અને ડીઍડિક્શન સ્પેશ્યલિસ્ટ અને સાઇકિયાટ્રિસ્ટ ડૉ. દર્પણ શાહ કહે છે, ‘આ મુદ્દા પર ૨૦૧૮માં ‘જર્નલ ઑફ અફેક્ટિવ ડિસઑર્ડર’માં (અફેક્ટિવ ડિસઑર્ડર એટલે મૂડને લગતા ડિસઑર્ડર) પ્રકાશિત થયું હતું કે વિશ્વભરમાં ૩૦થી ૫૦ ટકા લોકો સ્ટ્રેસલૅક્સ્ડ એટલે કે રિલૅક્સ થવાના પ્રયાસોમાં વધારે ને વધારે ચિંતાગ્રસ્ત થવાની સમસ્યાથી પીડાય છે. સામાન્ય ભાષામાં સમજાવું તો એક દલદલ છે જેમાંથી બહાર આવવાની કોશિશમાં તમે અંદર વધારે ધસતા જાઓ. વ્યક્તિને રોજબરોજના જીવનમાં જરાક-જરાક માનસિક તનાવ હોય. તેઓ તે તનાવમાં રિલૅક્સ થવાની કોશિશ કરે ત્યારે તેમનામાં વધારે ઍન્ગ્ઝાયટી પેદા થવા લાગે. વ્યક્તિ એ સ્ટ્રેસનો ઘરે બેઠાં-બેઠાં ઘરગથ્થુ ઇલાજ કર્યા કરતી હોય અને તેમની પાસે ચોક્કસ દિશા ન હોય એનાથી તે ચિંતામાં ઊંડી ફસાતી જાય. ટૂંકમાં એક એવી વિશ્યસ સાઇકલ છે જેમાં ચિંતાને દૂર કરવાના પ્રયાસમાં તમે ચિંતાને વધારે ઉત્તેજિત કરી દો છો. કહેવાનું એમ કે આ સાઇકલને તોડો એટલે ચિંતા દૂર થઈ શકે.’


શું કામ બને?

જે વસ્તુ તમને તનાવ આપી રહી છે એનાં પરિબળોનો અસ્વીકાર કરો કે એની અવગણના કરો એટલે સમસ્યા પકડમાં આવતી નથી. અહીં ડૉ. દર્પણ કહે છે, ‘તનાવના મૂળની જાણ થતાં તમે એને દૂર કરવાનાં પગલાં લેવાની શરૂઆત કરી દીધી અને એમાં તમે ઓવરથિન્કિંગ કરવા લાગ્યા, જેમાં નકારાત્મક વિચારોનું પ્રમાણ વધી જાય છે. એટલે કે એક જ વિચાર મનમાં આક્રમક રીતે પ્રહાર કરે કે મારે ડીસ્ટ્રેસ થવાનું છે, મારે મારા માટે સમય આપવાનો છે, મારાથી થઈ નથી શકતું, એવા વિચારોથી વ્યગ્રતા આવી જાય. ‘મેં પોતાને આટલો સમય આપ્યો તો પણ હું શાંત નથી થઈ શકતો કે આરામ નથી મળી રહ્યો’, ‘જો બીજા લોકો આ જ પદ્ધતિથી રિલૅક્સ થઈ શકે છે તો હું કેમ નથી થઈ શકતો’, એટલે ફરી એ વિશ્યસ સાઇકલ શરૂ થઈ જાય.’


નિવારણ શું છે?

ડીપ-સીટેડ-ડિસ્ટૉર્શન એટલે કે તમારા મનમાં કોઈ ઘટના ઊંડે સુધી દબાયેલી હોય છે. એ ધ્યાન કે મનને એકાગ્ર કરવા માટેની પ્રવૃત્તિઓ જેવી કે ભગવાનની માળા કરતા હો ત્યારે ઝબકે અને ડિસ્ટર્બ કર્યા કરે. તો આવા તનાવને ઓળખીને દૂર કરવાના ઉપાયો જણાવતાં ડૉ. દર્પણ કહે છે, ‘સ્ટ્રેસલૅક્સ્ડમાં યોગનિદ્રા, ભ્રામરી, હમિંગ મેડિટેશન, પ્રોગેસિવ મસ્ક્યુલર રિલૅક્સેશન (PGMR) મદદરૂપ થઈ શકે. આ બધા ઉપાયો બેઠાં-બેઠાં અને સૂતાં-સૂતાં પણ થઈ શકે. PGMR એટલે પગથી માથા સુધીના તનાવયુક્ત સ્નાયુઓને રિલૅક્સ કરવાની ટેક્નિક. વિવિધ પ્રકારની રિલૅક્સેશન ટેક્નિકનો ઉપયોગ કરવો. મીનિંગફુલ ઑક્યુપેશન એટલે કે જેમાં હેતુ હોય અને તમને આનંદ મળતો હોય એવાં કામ કે શોખમાં પ્રવૃત્ત થાઓ. સેલ્ફ-કમ્પેશન એટલે કે પોતાના માનસિક સ્વાસ્થ્યને પહેલાં મૂકવાની શરૂઆત કરો. અન્ય લોકો માટે પોતાને અવગણીને સહન કર્યે જાઓ એ ન ચાલે. બહુ જ સરળ પ્રવૃત્તિઓ જેમ કે તમારી મનગમતી વ્યક્તિ સાથે બગીચામાં ચાલવા જવું, જે વ્યક્તિ લોકો વિશે પૂર્વધારણા ન બાંધતી હોય તેમની સાથે વાત કરવી, મ્યુઝિક સાંભળવું કે ફિલ્મ જોવા જેવી સહજ પ્રવૃત્તિઓ પણ કરી શકાય. તેમ જ જરૂર પડે તો પ્રોફેશનલ હેલ્પ માગતાં ખચકાવું નહીં.’

રિલૅક્સેશન માટે લોકોની અવાસ્તવિક અપેક્ષાઓ પર વાત કરતાં ડૉ. દર્પણ કહે છે, ‘જો લોકો એમ માને કે મેડિટેશન રોજ કરીએ છીએ પણ કોઈ ફરક નથી પડતો તો તમે સંત-મહાત્માની જેમ મન પર કાબૂ નથી મેળવી શકવાના. મેડિટેશનથી તમે ચમત્કારની આશા રાખો એ ખોટું છે. બીજું, તમે લોકોને એમ કહેતાં સાંભળ્યા હશે કે મને તો તનાવ થાય એટલે હું કામમાં વ્યસ્ત થઈ જાઉં એટલે બધું ભૂલી જાઉં, પરંતુ એ હેતુ વગરની વ્યસ્તતા ઇચ્છનીય પરિણામ નહીં આપે. અમુક લોકો જેમના પર બહુ જ જવાબદારી હોય કે વર્કોહૉલિક હોય તો તેઓ સ્ટ્રેસથી પરિચિત હોય, પરંતુ એવું માને કે મારા માથા પર તો આ લખાયેલું જ છે તો મારે સહન કરવાનું છે. આ લોકો પણ રિલૅક્સ થવાની કોશિશ કરે તો ચિંતામાં વધારો થાય. પોતાની જાત પર ક્યારેક દયા ખાવી જોઈએ. જ્યારે તમે રિલૅક્સ થવાની કોશિશ કરો છો ત્યારે યાદ રાખવું કે કયાં કારણોસર તમે રિલૅક્સ થવાની કોશિશ કરી રહ્યા છો અને બની શકે એટલા ઓછા નિર્ણયો લેવાની કોશિશ કરવાની જેનાથી સ્ટ્રેસને અવગણી શકાય.’

કુછ સ્ટ્રેસ અચ્છે હૈં

ચિંતાના બે પ્રકાર હોય છે, પૉઝિટિવ અને નેગેટિવ. તમે ભલે આખું વર્ષ નથી વાંચ્યું પણ પરીક્ષાના એક મહિના પહેલાં તમારી ચિંતા ઑપ્ટિમમ લેવલ પર છે અને તમે વાંચી રહ્યા છો, જે તમારા પર્ફોર્મન્સ અને તમારા વિકાસમાં મહત્ત્વનું પરિબળ બને છે. બીજું ઉદાહરણ એ કે એક વાર બંજી જમ્પિંગ કર્યું તો મજા આવી, હવે બે-ચાર વખત આ જ પ્રવૃત્તિ કરી તો તમારી ક્ષમતા વધી ગઈ અને હવે તમારે નવી ઊંચાઈએથી આ પ્રવૃત્તિ કરવી છે. કહેવાનું એટલું કે દરેક ચિંતાનું પરિણામ નકારાત્મક નથી હોતું.

ધ્યાન રાખવું જરૂરી છે

અડેલ્ફી યુનિવર્સિટીના પ્રોફેસર, અમેરિકન સાઇકોલૉજિસ્ટ અને લેખક દેબોરા સેરાનીએ માનસિક તનાવ પર અઢળક સંશોધન કર્યું છે. તેમણે તનાવ અને ચિંતા સાથે જીવતા લોકોની ઇમોશનલ અને સાઇકોલૉજિકલ અસર સમજાવવા માટે ‘સ્ટ્રેસલૅક્સ્ડ’ શબ્દ આપ્યો. આ પ્રોફેસરના સંશોધનના તારણ મુજબ સ્ટ્રેસલૅક્સ્ડથી પીડાતી વ્યક્તિના રોજબરોજના કામમાં અસર પડે, તેમની પ્રોડક્ટિવિટી ઘટી શકે છે, તેમની ઊંઘમાં ખલેલ પડે છે, તેમના સંબંધોમાં પણ સમસ્યા ઊભી થઈ શકે છે અને તેઓ હંમેશાં ફ્લાઇટ અને ફાઇટ મોડ પર જ કાર્યરત હોય છે.

ડૉક્ટર સેરાની એ રિલૅક્સ થવા જતાં ઉદ્ભવતા તનાવના પ્રયોગો કર્યા અને અંતે તેમણે એવી સલાહ આપી છે કે આનાથી બચવા માટે શું કાળજી રાખી શકાય. એ મુજબ પોતાની કાળજી રાખતાં શીખો. સેલ્ફ-કૅરને જ એક એક્સરસાઇઝ બનાવીને પ્રૅક્ટિસ કરો. બીજું એ કે ‘ના’ કહેતાં શીખો. પોતાની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક જરૂરિયાત પર ધ્યાન આપો. મિત્રો અને પરિવાર સાથે વધારે વાત કરો. કોઈ પણ કામ કરતા હો તો એમાંથી બ્રેક લો. નકારાત્મક વિચારો સામે પડકાર ફેંકો. જીવનનાં સકારાત્મક પાસાંઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. સ્ટ્રેસલૅક્સ્ડમાં સૌથી જરૂરી છે તમે આઠ કલાકની ઊંઘ લો. યોગ, મેડિટેશન અને ડીપ બ્રીધિંગ તો સો ટકા રાહત આપે જ છે.

Whatsapp-channel Whatsapp-channel

09 July, 2024 11:35 AM IST | Mumbai | Laxmi Vanita

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK