° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


વરસાદમાં ખાસ બચજો સ્કિન-ઇન્ફેક્શનથી

26 July, 2012 06:05 PM IST |

વરસાદમાં ખાસ બચજો સ્કિન-ઇન્ફેક્શનથી

વરસાદમાં ખાસ બચજો સ્કિન-ઇન્ફેક્શનથી

vidya-balan-rainઅર્પણા ચોટલિયા

વરસાદમાં પલળવું એ એક મજા છે, પરંતુ વરસાદનું પાણી પોતાની સાથે સ્કિન માટે ઘણાં ઇન્ફેક્શન લઈને આવે છે. ભીના અને ભેજવાળા વાતાવરણને લીધે ચોમાસા દરમ્યાન નખમાં, બે આંગળીઓની વચ્ચેના ભાગમાં તેમ જ સતત ઢંકાયેલા રહેતા ભાગોમાં ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધી જાય છે. વરસાદનું પાણી, પ્રદૂષણ અને સાથે વધી રહેલા બૅક્ટેરિયાને લીધે ચામડી પર લાલ ચાંઠાં પડવાં, ચામડી ફૂગી જવી વગેરે તકલીફ થઈ શકે છે. જોકે વરસાદમાં ચામડી પર થતી આ તકલીફના પ્રકારો અનેક છે. જાણીએ આ પ્રકારો અને એની સારવાર વિશે.

વાતાવરણ અને વરસાદ

વરસાદમાં ચામડીના ઇન્ફેક્શનનું પ્રમાણ વધવાના કારણ વિશે સમજાવતાં બોરીવલીમાં પ્રૅક્ટિસ કરતા સ્કિન-સ્પેશ્યલિસ્ટ ડૉ. કેતન શાહ કહે છે, ‘મુંબઈમાં ભેજવાળું વાતાવરણ હોય છે અને વરસાદ પડે ત્યારે ભેજનું પ્રમાણ ૫૦થી ૮૫ ટકા સુધી વધી જાય છે. ભેજ વધવાથી પસીનો થાય છે જેને લીધે ફંગલ ઇન્ફેક્શન થાય છે. પસીના કે પાણીને લીધે ભીનું થયેલું શરીર જો કોરું કરવામાં ન આવે તો ઇન્ફેક્શન થઈ શકે છે. લોકોને વરસાદમાં પલળવાનો શોખ તો હોય છે, પરંતુ પછી શરીરને કોરું કરવામાં આળસ કરવામાં આવે કે ભીનાં કપડાં પહેરી રાખવામાં આવે તો ફંગલ ઇન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે.’

ઍલર્જી કે ઇન્ફેક્શન

વરસાદના પાણીથી ઍલર્જી અને ઇન્ફેક્શન થઈ શકે છે, પણ બન્ને વચ્ચે ખૂબ તફાવત છે. આ વિશે માહિતી આપતાં ડૉ. કેતન શાહ કહે છે, ‘વરસાદના પાણીમાં ધૂળ અને માટી ભળે અને એ ચામડીને લાગે તો એનાથી ઍલર્જી થાય છે. વરસાદના પાણીમાં ભીના થયા બાદ જો શરીરના કોઈ ભાગને કોરું કરવામાં ન આવે તો ત્યાં ફંગલ ઇન્ફેક્શન થાય છે.’

ત્વચાના આ બન્ને રોગો દેખાવમાં સરખા હોય છે એટલે ઍલર્જી થઈ છે કે ઇન્ફેક્શન એ ઓળખવું આસાન નથી. બન્નેના ઉપચારો પણ જુદા છે એટલે ક્રીમ લગાવીને ઘરે જ કોઈ ઉપચાર કરવા કરતાં સ્કિન-એક્સપર્ટની સલાહ લઈ સૌથી પહેલાં ઍલર્જી છે કે ફંગલ ઇન્ફેક્શન એનું નિદાન કરાવવું જોઈએ અને ત્યાર બાદ જ એનો ઉપચાર કરાવવો.

સ્કિન-ઇન્ફેક્શન માટે બજારમાં મળતી ક્રીમો લગાવી સલાહભર્યું નથી એક જણાવીને ડૉ. કેતન શાહ કહે છે, ‘મોટા ભાગની ક્રીમોમાં સ્ટેરૉઇડ હોય છે જે લગાવો ત્યાં સુધી તકલીફમાં રાહત આપે છે, પરંતુ જેવો એનો વપરાશ બંધ કરો એ તકલીફ બમણી થશે. એટલે ફંગલ ઇન્ફેક્શન કે ઍલર્જીનો ક્યારેય જાતે ઉપચાર ન કરવો.’

સ્કિન ઍલર્જીમાં શું?

ઇન્ફેક્શન કેટલાય પ્રકારનાં હોઈ શકે, જ્યારે ઍલર્જીનો કોઈ પ્રકાર નથી હોતો. આ વિશે સમજણ આપતાં ડૉ. કેતન શાહ કહે છે ‘ઍલર્જીનો કોઈ પ્રકાર નથી. જો માટીનું ઇન્ફેક્શન હોય અને વરસાદના પાણી વાટે એ શરીરના સંપર્કમાં આવે તો સ્કિન-ઍલર્જી થઈ શકે. ઍલર્જીમાં શરીર પર લાલ ચાંઠાં પડે તેમ જ ઉઝરડા પડે, પરંતુ એનો કોઈ પ્રકાર નથી; જ્યારે ફંગલ ઇન્ફેક્શન ઘણાં પ્રકારનાં હોય છે.

 ફંગલ ઇન્ફેક્શનના પ્રકારો

ટીનિયા : ટીનિયા એટલે રિંગવૉર્મ જેમાં ચામડી પર ગોળાકારમાં લાલ ચાંઠાં પડે છે અને મટે નહીં ત્યાં સુધી સતત ખંજવાળ આવ્યા કરે છે.

કરોળિયા : આમાં ચામડી પર લાલ, સફેદ કે લાઇટ બ્રાઉન ચાંઠાં પડે છે; પરંતુ જો પસીનો થાય તો જ ખંજવાળ આવે છે.

પાયોડર્મા : ચામડી પર ખંજવાળવાથી કે શ્વાસ વાટે બૅક્ટેરિયા શરીરમાં પ્રવેશે તો શરીર પર પસવાળાં ગૂમડાં થાય છે. એમાં ખૂબ દુખાવો થાય છે તેમ જ ક્યારેક તાવ પણ આવે છે.

કેન્ડિડાયાસિસ : આંગળીઓની વચ્ચે તેમ જ શરીરના કોઈ પણ ભાગમાં થતું ફંગલ ઇન્ફેક્શન છે જેમાં ચામડી સફેદ કે લાલ થાય છે ને ઊખડી જાય છે.

ઍથ્લીટ ફૂટ : આમાં પગનાં આંગળાંઓની વચ્ચે લાલ તેમ જ સફેદ ચાંઠાં પડે છે જેમાં દુખાવો પણ થઈ શકે છે.

ફંગલ ઇન્ફેક્શન અને ઍલર્જીથી બચવાના ઉપાય

શરીર ભીનું ન રાખવું. ખાસ કરીને સાથળ, કોણીની અંદરનો ભાગ, ગરદન, સ્ત્રીઓની બ્રેસ્ટની નીચેનો ભાગ વગેરે શરીરના ભાગો કોરા હોવા જોઈએ.

વરસાદમાંથી પલળીને કે પાણીનાં ખાબોચિયાંમાંથી ચાલીને ઘરે કે ઑફિસ પહોંચો ત્યારે તરત જ પગ ધોવા અને કોરા કરવા. આંગળીઓની વચ્ચેનો ભાગ પણ લૂછવો તેમ જ શૂઝ ભીનાં થયાં હોય તો આખો દિવસ એ પહેરી ન રાખવાં.

જો કપડાં ભીનાં હોય તો એ પહેરીને બેસી ન રહેવું જોઈએ. વરસાદની સીઝનમાં કપડાં ઝડપથી સુકાતાં નથી એટલે ભીનાં કપડાંને અને ખાસ કરીને અન્ડરગાર્મેન્ટ્સને થોડાં-થોડાં ભીનાં હોય તોય પહેરી ન રાખવાં, કારણ કે એનાથી રૅશિઝ થશે જે ઇન્ફેક્શનનો જ પ્રકાર છે. સિન્થેટિક કાપડ પણ જો ભીનું થાય તો એનાથી ઍલર્જી થઈ શકે છે.

વરસાદમાંથી પલળીને ઘરે આવ્યા બાદ હૂંફાળા ગરમ પાણીથી નહાવું અને ત્યાર બાદ સૂકાં કપડાં પહેરવાં.

ઍલર્જી થઈ છે કે ઇન્ફેક્શન એની સ્કિન-સ્પેશ્યલિસ્ટ પાસે નિદાન કરાવ્યા પહેલાં ઘરે જાતે જ કોઈ ઉપચારો કરવા નહીં તેમ જ બજારમાં મળતી કોઈ પણ ક્રીમ ડૉક્ટરની સલાહ વગર લગાવવી નહીં.

વરસાદને લીધે થતું ઇન્ફેક્શન અને ઍલર્જી એ સ્કિનની બહારના લેયર પર હોય છે એટલે એને શરીરના અંદરની સિસ્ટમ સાથે કોઈ લેવા-દેવા નથી. ફંગલ ઇન્ફેક્શન થાય ત્યારે ખોરાકમાં કોઈ પરેજી પાળવાની જરૂર હોતી નથી.

26 July, 2012 06:05 PM IST |

અન્ય લેખો

હેલ્થ ટિપ્સ

પગની પાનીનો દુખાવો દૂર કરવા શું કરવું?

પાની પાસેની હાડકી વધી રહી હોય એવું લાગે છે. એ ભાગ લાલ અને ગરમ થઈ ગયો હોય છે.

27 July, 2021 07:05 IST | Mumbai | Dr. Tushar Agrawal
હેલ્થ ટિપ્સ

રવિન્દ્ર જાડેજાએ દિલીપ જોશીની ઓન-સેટ સ્ટોરીને ટ્વિટ કરી

તેઓ દોસ્તની તુલના પ્રિસ્ટિન કેરના કેર વાલા યાર (એક દોસ્ત જે ચિંતા કરે છે) સાથે કરે છે. દિલીપ જોશી કહે છે કે જ્યારે તમે પ્રિસ્ટિન કેરમાં સર્જરી કરાવો છો ત્યારે એક કેર કનાર એટલે કે પર્સનલ કેર કરનાર વ્યક્તિ દર્દીઓને સોંપવામાં આવે છે

27 July, 2021 06:18 IST | Gurugram | Partnered Content
હેલ્થ ટિપ્સ

ફિસ્ટ્યુલાની તકલીફમાં સર્જરી કરાવવી જરૂરી?

ફિસ્ટ્યુલાની તકલીફ જ એવી છે જેમાં ઘણી બધી કૉમ્પ્લેક્સિટી જોડાયેલી હોય છે. સૌપ્રથમ તમે જરૂરી બ્લડ ટેસ્ટ, કોલનોસ્કોપી અને પેરેનિયમનું એમઆરઆઇ કરાવો

26 July, 2021 12:01 IST | Mumbai | Dr. Chetan Bhatt

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK