Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સંકોચ છોડો, ઇલાજ કરો

13 April, 2021 02:23 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

દર દસમાંથી સાત મહિલાઓને જીવનના કોઈ પણ તબક્કે યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શનની સમસ્યાનો સામનો કરવો પડે છે. ડ્યુક રિસર્ચરો આ સમસ્યાના નિવારણ માટેની વૅક્સિન માટે મથી રહ્યા છે અને આંશિક સફળતા મળી પણ છે. જોકે એની વૅક્સિન આવે ત્યાં સુધી શું કરવાનું? આવો જાણીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન (યુટીઆઇ) મહિલાઓમાં સૌથી કૉમન સમસ્યા છે. એક રિસર્ચ પ્રમાણે દર દસમાંથી સાત મહિલાને જીવનના કોઈ પણ તબક્કે યુટીઆઇની સમસ્યાનો સામનો કરવો પડે છે. નવજાત બાળકીથી લઈને વૃદ્ધ દાદી સુધીની દરેક એજમાં આ પ્રોબ્લેમ જોવા મળી મળી શકે છે. ક્ષોભ અને સંકોચના કારણે મોટા ભાગની મહિલાઓ એને નજરઅંદાજ કરે છે પરિણામે પચીસ ટકા કેસમાં રિકરિંગ યુટીઆઇ એટલે કે એક વર્ષ કરતાં ઓછા સમયમાં બીજી અથવા ત્રીજી વાર ચેપ લાગવાની સંભાવના વધી જાય છે. આ જ કારણોસર હાલમાં અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીના નિષ્ણાતો યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન કદી થાય જ નહીં એ માટેની વૅક્સિનની શોધમાં લાગ્યાં છે. આ વૅક્સિનની અસરકારકતા આંશિક રીતે સાબિત થઈ ચૂકી છે, પણ હજી માર્કેટમાં એ મુકાય એવી સંભાવનાઓ પાતળી છે.

ચેપ લાગવાનાં કારણો



સ્ત્રીઓની મૂત્રાશયની નળી ચારથી પાંચ સેન્ટિમીટર જેટલી શૉર્ટ હોય છે, જ્યારે પુરુષોમાં એની સાઇઝ પચીસ સેન્ટિમીટર જેટલી લાંબી હોય છે. ચેપ લાગવાનું મુખ્ય કારણ યુરેથ્રાની લંબાઈ છે એવી માહિતી આપતાં મીરા રોડની વૉકહાર્ટ હૉસ્પિટલના યુરોલૉજિસ્ટ અને એન્ડ્રોલૉજિસ્ટ ડૉ. શેશાંગ કામત કહે છે, ‘બહારના ચેપને અંદર પ્રવેશવાનો માર્ગ ટૂંકો હોય ત્યારે ચેપ જલદી લાગે છે. સેક્સ્યુઅલ લાઇફ સ્ટાર્ટ થયા બાદ જેમ-જેમ ઉંમર વધે ચેપ લાગવાની સંભાવના વધતી જાય છે. મેનોપૉઝ દરમિયાન ઇમ્યુનિટી ઘટતાં મૂત્રાશયની આજુબાજુનો ભાગ વીક થઈ જાય ત્યારે ઇન્ફેક્શન લાગવાના ચાન્સિસ સૌથી હાઈ હોય છે.’


યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન દરેક એજગ્રુપમાં જોવા મળે છે. બસ, એનાં કારણો જુદાં હોય છે એમ જણાવતાં ચેમ્બુરની ઝેન હૉસ્પિટલના ગાયનેકોલૉજિસ્ટ ડૉ. વીણા ઔરંગાબાદવાલા કહે છે, ‘મેન્સ્ટ્રુએશન સાઇકલ સ્ટાર્ટ થાય ત્યારથી શરીરમાં હૉર્મોનલ ઊથલપાથલ થવાથી પિરિયડની સાઇકલ સાથે વજાઇનામાં એની અસર થાય છે. આ સમસ્યામાં અનેક પરિબળો કામ કરે. પૅડ બદલવામાં વિલંબ પણ ચેપનું કારણ બની શકે. શારીરિક સંબંધ શરૂ થયા બાદ વજાઇનાને પૂરતા પ્રમાણમાં લુબ્રિકેશન ન મળે તો બહારનો ચેપ લાગે છે. ઓલ્ડ એજમાં યુટીઆઇનું મુખ્ય કારણ વજાઇના ડ્રાયનેસ છે. ડાયાબેટિક દરદીઓમાં મૂત્રાશયમાં ચેપ લાગવાની સંભાવના ઘણી વધુ હોય છે.’

લક્ષણો અને ઇલાજ


યુટીઆઇની સમસ્યા છે એની ખબર કેમ પડે? ડૉ. વીણા કહે છે, ‘યુરિન પાસ કરતી વખતે બળતરા થાય, તાવ આવતો હોય, પેશાબની સાથે બ્લડના ડ્રૉપ પડે, પેઢુમાં દુખાવો, અટકી-અટકીને પેશાબ આપવો, બાથરૂમ ગયા પછી પણ એવું લાગે કે હજી જવું છે. ફરી ગયા પછી બેથી ત્રણ ટીપાં પેશાબ થાય આ બધાં યુટીઆઇનાં સામાન્ય લક્ષણો છે. સગર્ભાવસ્થામાં પણ આવાં લક્ષણો જોવા મળે છે. જોકે એનાં કારણો જુદાં હોય છે. સગર્ભાના રૂટીન ચેકઅપમાં ડૉક્ટર આ બાબત ચકાસણી કરે છે. અન્ય મહિલાઓએ પરીક્ષણ કરાવવું જરૂરી છે. નિદાન થયા બાદ તેમને ઍન્ટિબાયોટિક અને પ્રોબાયોટિકની ટૅબ્લેટ્સ આપવી પડે છે. પ્રોબાયોટિકથી વજાઇનાનું આલ્કલાઇન અને હૉર્મોનલ સંતુલન મેઇન્ટેન રહે છે. કેટલાક કેસમાં સારું થતું નથી એનાં કારણો છે. પહેલી વાર નિદાન થયા બાદ જે ઍન્ટિબાયોટિક લખી આપવામાં આવી હોય એ જ દવા તેઓ બીજી વાર ઇન્ફેક્શન થાય ત્યારે ડૉક્ટરને પૂછ્યા વગર લઈ લે છે. આમાં મોટા ભાગે સેમ ટૅબ્લેટ્સ કામ નથી લાગતી તેથી તપાસ કરાવીને દવા લેવી જરૂરી છે. ઘણી મહિલાઓ બે-ત્રણ દિવસની દવા લીધા પછી સારું લાગે તો ગોળી લેવાનું બંધ કરી દે છે. કોર્સ અધૂરો રાખવાથી પણ સમસ્યા વકરે છે.’

આ ઇન્ફેક્શન સિમ્પલ અથવા કૉમ્પ્લીકેટેડ હોઈ શકે છે. ડૉ. કામત કહે છે, ‘ઘણી મહિલા ઍન્ટિબાયોટિક ગોળી ચાલુ કરી દે છે. થોડા દિવસ સારું લાગે પણ ફરી સમસ્યા ઊભી થાય. નિદાન ન થવાથી પીડા વધે છે. આવા કૉમ્પ્લીકેટેડ કેસમાં સ્ટોન હોઈ શકે છે. ઘણી મહિલાઓમાં જન્મથી મૂત્રમાર્ગ સાંકડો હોવાથી યુરીન પાસ કરતી વખતે જોર લગાવવું પડે છે. કેટલાક કેસમાં ડાઇવર્ટિક્યુલમ કન્ડિશન હોય છે જેમાં બ્લૅડરમાં યુરીન જામી જાય છે. આવા દરદીઓની સમસ્યા માઇનર સર્જરીથી સૉલ્વ થઈ જાય છે. યુરિન ટેસ્ટ અને સોનોગ્રાફીથી નિદાન પર આવ્યા બાદ યુટીઆઇની સમસ્યાને જડમૂળમાંથી દૂર કરી શકાય છે.’

વૅક્સિન કારગત નીવડશે?

યુટીઆઇ સારવારમાં ઍન્ટિબાયોટિક્સનો ઉપયોગ થાય છે, પરંતુ ઘણી સ્ત્રીઓ માટે આ અભિગમ માત્ર ટેમ્પરરી મદદ કરે છે. તબીબી સંશોધનકારો બે દાયકા કરતાં વધુ વર્ષોથી યુટીઆઇને અટકાવવાના વૈકલ્પિક અભિગમ તરીકે રસીઓની શોધખોળ કરી રહ્યા છે, પરંતુ અસરકારકતા વિશે સ્પષ્ટતા મળતી નહોતી. ડ્યુક યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના સંશોધકોએ  પ્રથમ વખત યુટીઆઇ ચેપવાળા ઉંદરના મૂત્રાશયમાં બૅક્ટેરિયાનો સંપૂર્ણપણે નાશ થયો હોવાનું નિરીક્ષણ કર્યું હતું. અગાઉ આ પ્રયોગોમાં નોંધપાત્ર બૅક્ટેરિયા બચી જતા હતા. સંશોધનમાં મળેલી સફળતા બાદ યુટીઆઇના દરદીઓ માટે આશાનું કિરણ દેખાયું છે. પ્રપોઝ્ડ વૅક્સિન વિશે વાત કરતાં ડૉ. વીણા કહે છે, ‘કોઈ પણ વૅક્સિન પર્ટિક્યુલર વાઇરસ અથવા બૅક્ટેરિયાનો નાશ કરવા માટે વિકસાવવામાં આવે છે. મૂત્રાશયના ચેપનાં એક કરતાં વધુ કારણો હોઈ શકે છે. આ ચેપથી ભવિષ્યમાં બ્લૅડરનું કૅન્સર થવાની શક્યતા પણ રહેલી છે. મારા મતે રિસર્ચરો સૌથી કૉમન બૅક્ટેરિયા કે જેના લીધે ભવિષ્યમાં અન્ય રોગની સંભાવના હોય એવા બૅક્ટેરિયાને નષ્ટ કરવા માટેની રસી પર કામ કરતા હોવા જોઈએ. જોકે આ વૅક્સિનથી દરેક દરદીની સમસ્યાનો અંત આવશે એવું ન માની લેવું.’

મૉડર્ન મેડિકલ સાયન્સ  યુટીઆઇની વૅક્સિન પર ઘણાં વર્ષથી કામ થઈ રહ્યું છે એ વિશે ડૉ. કામત કહે છે, ‘જેમ કોવિડ વાઇરસના હજી બેથી ત્રણ સ્ટ્રેન જાણી શકાયા છે, જ્યારે યુટીઆઇના અબજો સ્ટ્રેન છે જેમાં ઈ-કોલી કૉમન ઑર્ગેનિઝમ છે. ઈ-કોલીના પ્રોટીનમાંથી વૅક્સિન બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ સફળતાની શક્યતા પાંખી છે; કારણ કે ઈ-કોલીમાં પણ ઘણી જાતના બૅક્ટેરિયા છે. એક જ રસી અબજો પ્રકારના બૅક્ટેરિયાનો નાશ કરવા સક્ષમ નથી. બીજું એ કે વારંવાર યુટીઆઇની સમસ્યા ઉદ્ભવતી હોય એવા દરદીમાં દર વખતે જુદા સ્ટ્રેન જોવા મળી શકે છે. આ ચેપને તમે આઇસબર્ગ સાથે સરખાવી શકો. જ્યાં સુધી બરફને તોડો નહીં, અંદર શું છે ખબર ન પડે. આ રોગનો ઇલાજ તકેદારી છે. જો એ ન રાખો તો ગોળીઓ લેવી પડે અને કેટલાક કૉમ્પ્લીકેટેડ કેસમાં સર્જરી પણ કરવી પડે.’

3 પ્રિવેન્શન ટિપ્સ

1. દિવસમાં ઓછામાં ઓછું ત્રણ લિટર લિક્વિડ પેટમાં જવું જોઈએ. દહીં, છાશ, લસ્સી જેવા પ્રોબાયોટિક્સથી બેનિફિટ થાય છે. અનેક કેસમાં યુટીઆઇની સારવાર કરાવ્યા બાદ હાઇજીન નાની-નાની બાબતોનું ધ્યાન રાખવાથી ફરીથી ચેપ લાગતો નથી.

2. શરીરના આ ભાગના મસલ્સની સ્ટ્રેંગ્થ વધારવા કિગલ એક્સરસાઇઝ અને યોગ કરી શકાય. ઇમ્યુનિટી વધારવા મલ્ટિવિટામીનની ગોળીઓ લેવી.

3. મૂત્રમાર્ગ અને ઇન્ટરકોર્સ એરિયા નજીક હોવાથી હાઇજીનનું ધ્યાન રાખવું. સેક્સ્યુઅલ ઍક્ટિવિટી બાદ બાથ લેવો.

Whatsapp-channel Whatsapp-channel

13 April, 2021 02:23 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK