Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > અલકા યા​​​​જ્ઞિકને જેમ અચાનક સંભળાવાનું બંધ થઈ ગયું એવું કોઈને પણ થઈ શકે છે

અલકા યા​​​​જ્ઞિકને જેમ અચાનક સંભળાવાનું બંધ થઈ ગયું એવું કોઈને પણ થઈ શકે છે

20 June, 2024 07:40 AM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

સેન્સરીન્યુરલ હીઅરિંગ લૉસ - આ સમસ્યા કોઈ પણ ઉંમરે અને કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે અને એ કોઈ જ આગોતરાં લક્ષણો બતાવ્યા વિના જ આવી જતી હોય છે

સેન્સરીન્યુરલ હીઅરિંગ લૉસના દરદીઓને ઘણી વાર અવાજ સંભળાય છે, પણ એ સ્પષ્ટ નથી હોતો અને પડઘા પડીને ગુંજતો હોય એવો ભાસ થાય છે (પ્રતીકાત્મક તસવીર)

સેન્સરીન્યુરલ હીઅરિંગ લૉસના દરદીઓને ઘણી વાર અવાજ સંભળાય છે, પણ એ સ્પષ્ટ નથી હોતો અને પડઘા પડીને ગુંજતો હોય એવો ભાસ થાય છે (પ્રતીકાત્મક તસવીર)


જાણીતાં સિંગર અલકા યાિજ્ઞકને અચાનક વાઇરલ અટૅકને કારણે સેન્સરીન્યુરલ હીઅરિંગ લૉસ થઈ ગયો એ સમાચારને હળવાશથી લેવા જેવા નથી. આ સમસ્યા કોઈ પણ ઉંમરે અને કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે અને એ કોઈ જ આગોતરાં લક્ષણો બતાવ્યા વિના જ આવી જતી હોય છે એટલે જો એકાએક સંભળાવાનું બંધ થઈ જાય તો રાહ જોવાને બદલે તરત ડૉક્ટર પાસે દોડવું જરૂરી છે, નહીંતર શ્રવણશક્તિ ગુમાવવી પડે એવા પૂરા ચાન્સ છે


એવું તો કંઈ થોડું હોય કે હમણાં આરામથી વાતો કરતા હતા અને એકાએક કાનમાં સન્નાટો છવાઈ જાય અને કંઈ સંભળાય જ નહીં?હા, એવું સંભવ છે. બૉલીવુડનાં જાણીતાં પ્લેબૅક સિંગર અલકા યાિજ્ઞકને થયેલા સેન્સરીન્યુરલ હીઅરિંગ લૉસમાં આવું સંભવ છે અને હા, આ રૅર ઘટના નથી. કાનના નિષ્ણાતોનું કહેવું છે કે વીકમાં એકાદ દરદી અચાનક સંભળાવાનું બંધ થવાની તકલીફ સાથે આવતો જ હોય છે અને એ તકલીફ કોને અને ક્યારે થશે એ કોઈ કહી શકે એમ નથી. જસલોક હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટરના હૉસ્પિટલના કાન-નાક અને ગળાના નિષ્ણાત ડૉ. બ્રજેન્દ્ર બસેર કહે છે, ‘જેમ લોકોને હાર્ટ-અટૅક આવે છે કે બ્રેઇન-સ્ટ્રોક આવે છે એના જેવી જ સિચુએશન શ્રવણશક્તિ પર પણ ઊભી થઈ શકે છે. એમાં અચાનક જ હીઅરિંગ લૉસ થાય છે એટલે એને વાઇરલ અટૅક કહેવામાં આવે છે. જોકે સમજવાની વાત એ છે કે એકાએક હીઅરિંગ લૉસ થવાનું કોઈ એક જ કારણ હોય એ જરૂરી નથી. કાનની રચના સમજીએ તો કાનના ત્રણ ભાગ છે : આઉટર ઇયર, મિડલ ઇયર અને ઇનર ઇયર. સડન હીઅરિંગ લૉસનાં ચાર કારણો હોવાનું મનાય છે. મિડલ અને ઇનર ઇયરમાં કાનની સાંભળવાની સંવેદનાને મગજ સુધી પહોંચાડતી નર્વ કે એની આસપાસમાં રક્તવાહિનીઓમાં ઇન્ફ્લમેશનને કારણે નર્વ સંપૂર્ણપણે કે આંશિક રીતે બ્લૉક થઈ જાય ત્યારે અચાનક સંભળાવાનું બંધ થઈ જાય છે. બીજું કારણ છે વાઇરલ ઇન્ફેક્શન. આ એક થિયરી છે. એ હજી પ્રૂવ નથી થઈ. અચાનક શ્રવણશક્તિ ઠપ પડી જતી હોવાથી એને અટૅક જેવી સ્થિતિની જેમ ત્વરાથી ટ્રીટ કરવી જરૂરી છે. ત્રીજી એક સ્થિતિ એવી હોય છે જેમાં ડીપ ડાઇવિંગ કે ઍરક્રાફ્ટમાં સફર દરમ્યાન કાનના પ્રેશરમાં બદલાવ આવે છે ત્યારે કાનની અંદરના ભાગમાં આવેલાં બે નાનાં ઓપનિંગ ધરાવતાં મૅમ્બ્રેઇન્સ ફાટી જાય તો પણ સંભળાવાનું બંધ થઈ જાય છે. ચોથું કારણ અમે માનીએ છીએ કે કોઈ પણ અકળ કારણોસર આવું થઈ શકે છે.’


કોને થઈ શકે?

સડન હીઅરિંગ લૉસ કોને થઈ શકે? એનો કોઈ ચોક્કસ જવાબ નથી એમ જણાવતાં મીરા રોડની વૉકહાર્ટ હૉસ્પિટલનાં ઑટોરાઇનોલૅરિન્ગોલૉજિસ્ટ અને હેડ ઍન્ડ નેક કૅન્સરનાં સર્જ્યન ડૉ. શીતલ રાડિયા કહે છે, ‘કાનમાં ઇનર ઇયરમાં આવેલા લૅબરન્થિ અને કોક્લિઆ આ બે અવયવોની મદદથી સાંભળવામાં મદદ થતી હોય છે. કોઈ પણ વાઇરસ કાનની બ્લડ-સ્ટ્રીમથી એ અવયવોમાં પહોંચે તો એ સાંભળવા માટે બ્રેઇન સુધી સંવેદના લઈ જતી નર્વને કાં તો કમજોર કરે છે, કાં ડૅમેજ કરે છે. બીજું, હીઅરિંગ માટે ઇનર ઇયરમાં હેર-સેલ્સ પણ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એમાં પણ ડૅમેજ થયું હોય તો શ્રવણશક્તિ જોખમાય છે. અલકા યાિજ્ઞકના કેસની વાત કરીએ તો બની શકે કે લાઉડ સાઉન્ડના ક્રોનિક એક્સપોઝરને કારણે હેર-સેલ્સ ઓછા થતા ગયા હોય કે ડૅમેજ થઈ ગયા હોવાથી શ્રવણક્ષમતા ઑલરેડી કૉમ્પ્રોમાઇઝ્ડ હોય.’


રિકવરીની સંભાવના કેટલી?

આ સવાલનો જવાબ આપવો અઘરો છે એમ જણાવતાં ડૉ. બ્રજેન્દ્ર બસેર કહે છે, ‘જો ઍક્યુટ હીઅરિંગ લૉસ હોય એટલે કે અચાનક જ સંભળાવાનું બંધ થઈ ગયું હોય તો તરત જ કેટલીક સારવાર છે જે સમય બગાડ્યા વિના શરૂ કરી દેવામાં આવે તો પરિણામ મળી શકે છે, પણ જો ધીમે-ધીમે કાનના આંતરિક અવયવોમાં ડૅમેજ થવાને કારણે કે પછી ડાયાબિટીઝને કારણે સંભળાવાનું ઘટી રહ્યું હોય એવી ક્રોનિક કન્ડિશન્સમાં ફરીથી શ્રવણશક્તિ પહેલાં જેવી કરવાનું લગભગ અસંભવ છે. ઍક્યુટ પરિસ્થિતિમાં પણ તમે કેટલી ઝડપથી સારવાર શરૂ કરી દો છો એના પર એની અસરકારકતાનો મદાર
રહે છે.’

સારવારમાં શું?

સેન્સરીન્યુરલ વાઇરલ અટૅક હોય કે પછી અચાનક નર્વ ડૅમેજને કારણે સંભળાવાનું બંધ થઈ ગયું હોય, એની સારવારમાં ઘણા અસરકારક વિકલ્પો ઉપલબ્ધ છે એની વાત કરતાં ડૉ. શીતલ રાડિયા કહે છે, ‘જે નર્વ કમજોર થઈ ગઈ છે કે ડૅમેજ થયેલી છે એને તરત ઑક્સિજન મળે તો એ ફરીથી રિવાઇવ થઈ શકે છે અને એ માટે હાઇપરબેરિક ઑક્સિજન ટ્રીટમેન્ટ અપાય છે. એમાં ઇનર ઇયરમાં ઑક્સિજનનું કૉન્સન્ટ્રેશન વધારીને નર્વને મજબૂત કરવાની કોશિશ થાય છે. જોકે આ ખૂબ જ હાઇલી ટેક્નિકલ ટ્રીટમેન્ટ છે અને એ માટેનાં સેન્ટર્સ પણ બહુ ઓછાં હોય છે. બીજું, વાઇરલ અટૅક કે લાઉડ સાઉન્ડને કારણે અચાનક શ્રવણશક્તિ જતી રહી હોય તો એ માટે સ્ટેરૉઇડ થેરપી આપી શકાય છે. જે દરદીઓને ઓરલ કે ઇન્ટ્રાવિનસ સ્ટેરૉઇડનાં ઇન્જેક્શન્સ ન આપી શકાય એમ હોય તેમને કાનની પાછળથી પડદામાંથી ઇન્જેક્શન્સ આપવામાં આવે છે. બીજી એક ટ્રીટમેન્ટ પ્લેટલેટ રિચ પ્લાઝમા (PRP)ના ઇન્જેક્શનની છે જે સ્ટેરૉઇડ કરતાં પણ વધુ ઇફેક્ટિવ મનાય છે. એમાં દરદીના જ લોહીમાંથી પ્લેટલેટ રિચ પ્લાઝમા અલગ તારવીને એને કાનમાં ચોક્કસ જગ્યાએ ઇન્જેક્ટ કરવામાં આવે છે જેનાથી ડૅમેજ ઘટવાની પ્રક્રિયા ઝડપી બની શકે છે.’

અસરકારકતા કેટલી?

સારવારના વિકલ્પો ઘણા છે, પરંતુ એને દરેક દરદીનું શરીર કઈ રીતે રીઍક્ટ કરશે એ કહેવું મુશ્કેલ છે એમ જણાવતાં ડૉ. બ્રજેન્દ્ર બસેર કહે છે, ‘જેમહાર્ટ-અટૅકના દરદીને જેટલી ઝડપી સારવાર મળે તો હૃદય ફરીથી ઠીકઠાક કામ કરતું થાય એવી જ રીતે કાનના અટૅકનું છે. ડૅમેજ થયેલી નર્વને બને એટલી ઝડપથી રિવાઇવ કરવાની સારવાર મસ્ટ છે. કયાં કારણોસર હીઅરિંગ લૉસ થયું છે એ સમજીને શક્ય તમામ સંભાવનાઓ મુજબ સારવાર નક્કી થાય છે. જોકે એની રિકવરી માટે ત્રણથી ચાર વીક રાહ જોવી પડે છે. દર થોડા દિવસે હીઅરિંગ ટેસ્ટ દ્વારા સારવારને કેવો રિસ્પૉન્સ મળે છે એ પણ તપાસતા રહેવું પડે. આ માટે સૌથી સચોટ ટેસ્ટ છે બ્રેઇનસ્ટેમ ઇવોક્ડ રિસ્પૉન્સ ઑડિયોમેટ્રી (BERA) ટેસ્ટ. ૭૦થી ૮૦ ટકા કેસમાં પાર્શિયલી હીઅરિંગ પાછું આવી જાય છે. જો કુશળતાપૂર્વક અને ઝડપથી સારવાર થઈ હોય તો પહેલાં જેવી જ નૉર્મલ શ્રવણક્ષમતા પણ પાછી આવી શકે છે. જોકે વીસ ટકા કેસ એવા હોય છે જેમાં કાં તો સમયસર સારવાર ન મળવાને કારણે અથવા તો સારવાર મળવા છતાં પણ શ્રવણશક્તિ પાછી ન આવે એવું બની શકે છે.’

છેલ્લો ઉપાય શું?

જ્યારે શ્રવણશક્તિ પાછી લાવવાની તમામ સારવાર ફેલ જાય ત્યારે હજી એક આશાનું કિરણ છે. આમ તો એ ટેક્નૉલૉજી જૂની છે, પણ એ હવે ઍડલ્ટ્સમાં પણ વપરાઈ રહી છે એમ જણાવતાં ડૉ. બ્રજેન્દ્ર બસેર કહે છે, ‘જન્મજાત હીઅરિંગ ક્ષમતા વિનાનાં બાળકો માટે જે કૉક્લિઅર ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે એને હવે સેન્સરીન્યુરલ હીઅરિંગ લૉસના દરદીઓ પર પણ વાપરી શકાય છે. આ બાબતે હજી જોઈએ એવી જાગૃતિ નથી, પરંતુ આ દરદીઓમાં પણ એક કાનમાં કૉક્લિઅર ઇમ્પ્લાન્ટથી ઘણાં સારાં રિઝલ્ટ મળ્યાં છે. ભારતમાં એ થાય છે, પણ એ સર્જરી ઘણી મોંઘી છે.’

Whatsapp-channel Whatsapp-channel

20 June, 2024 07:40 AM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK