ચાલો, જાણીએ બટાટા ખાવાની ઓછી હાનિકારક અને હેલ્ધી રીત કઈ
પ્રતીકાત્મક તસવીર
વધુપડતી કૅલરી અને ઝટપટ પચી જવાની તાસીર ધરાવતા, મોટા ભાગે જન્ક ફૂડમાં ભરપૂર વપરાતા બટાટા સેહત માટે હાનિકારક છે એનું કારણ આપણી બટાટા વાપરવાની પદ્ધતિ છે. આયુર્વેદ કહે છે કે બટાટાનો રસ વધુ હેલ્ધી છે. એ વાતનું સમર્થન ઇન્ટરનૅશનલી ફેમસ ન્યુટ્રિશનિસ્ટ અને લાઇફ કોચ લ્યુક કુટીન્હોએ પણ કર્યું છે. ચાલો, જાણીએ બટાટા ખાવાની ઓછી હાનિકારક અને હેલ્ધી રીત કઈ.
હેલ્થ કૉન્શિયસ લોકો બટાટાનું નામ સાંભળીને નાકનું ટીચકું ચડાવે અને જન્ક ફૂડ ઈટર્સને બટાટાનું નામ પડતાં જ ચહેરો ખીલી જાય. બટાટા ખાવા અનહેલ્ધી છે એવી જનરલ માન્યતા છે. જોકે સાવ એવું નથી. આપણે બટાટાને ખોટી રીતે રાંધીએ છીએ જે બટાટાના ગુણ બહાર લાવવાને બદલે અવગુણકારી બનાવી દે છે. બટાટાની ચિપ્સ, તળેલી પૅટી, ફ્રાઇસની પૉપ્યુલરિટી વધી છે ત્યારથી બટાટા ઝેરી બની ગયા છે. બાકી અમુક શાકની સાથે બટાટાનું ઉમેરણ પાચનને સુધારવાનું જ કામ કરે છે. બટાટાનો રસ પણ દવા તરીકે દાઝવા પર, ઇન્ફ્લમેશન, સ્કિન ડિસીઝ પર અસરકારક રહ્યો છે. અલબત્ત, છેલ્લાં એક-બે વર્ષથી પશ્ચિમના દેશોમાં પણ હવે પટૅટો જૂસને હેલ્થ ડ્રિન્ક તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
વિરોધાભાસી રિસર્ચ
અમેરિકાની યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયા અને કૅનેડાના રિસર્ચરોએ કાઢેલું તારણ બટાટાપ્રેમીઓને ગમી જાય એવું છે. નિષ્ણાતોએ બટાટાનો અર્ક વાપરવામાં આવે તો એ વજન ઘટાડી શકે છે એવું કહ્યું છે. બટાટાના રસમાં વિટામિન C, વિટામિન B કૉમ્પ્લેક્સ, પોટૅશિયમ, મૅગ્નેશિયમ, મૅન્ગેનીઝ, કૉપર, આયર્ન, કૅલ્શિયમ, ફોસ્ફરસ, સલ્ફર અને થોડીક માત્રામાં પ્રોટીન છે; જેને કારણે વિવિધ સમસ્યાઓમાં એની પૉઝિટિવ અસર થાય છે.
સમજીને વાપરો
બટાટાનો અર્ક ભલે વજન ઘટાડનારો છે, પણ એ વાંચીને બટાટા ખાવા પર તૂટી પડાય એવું નથી. બટાટા ઓછા જ ખાવા જોઈએ એ વાત સાથે સહમત થતાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘પટૅટો એનર્જી પૂરી પાડવાનું કામ કરે છે એટલે સદંતર ખાવાનું બંધ કરી દેવાની જરૂર નથી અને રિસર્ચની વાતો સાંભળીને બેફામ ખાવાનું શરૂ કરી દેવાનીયે જરૂર નથી. આપણે વડાં, સમોસાં, ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાઇસ જેવી ચીજોમાં એ વાપરીએ છીએ એ હાનિકારક છે. રેસાંવાળાં શાકભાજી સાથે થોડી માત્રામાં એ જરૂર લઈ શકાય. પાલક, મેથી, ગાજર, કોબીજ, ટીંડોળા, રિંગણ જેવાં શાકમાં દસથી પંદર ટકા જેટલા બટાટાનું ઉમેરણ થાય એ સારું જ છે. સ્ટાર્ચથી ભરપૂર બટાટા ફાઇબરયુક્ત વેજિટેબલ્સ સાથે ખાવાથી પચવાની ગતિ સુધરે છે. આપણે દિવસમાં બન્ને ટંક મસાલેદાર બટાટા ખાઈએ તો નુકસાન પાકું જ છે. બાકી થોડીક માત્રામાં બટાટા પણ જરૂરી છે. બીજું, બટાટાને મેંદા સાથે લેવામાં આવે, બાફીને સાવ ઓવર કુક કરીને લેવામાં આવે કે તળીને લેવામાં આવે તો એમાંનાં પોષક તત્ત્વો નાશ પામે છે.’
આયુર્વેદની દૃષ્ટિએ રસ કેમ ઉત્તમ?
આમ તો આયુર્વેદમાં પણ બટાટાને ખાસ ગુણકારી નથી કહેવાયા પણ એનો રસ અનેક ઔષધોમાં વપરાય છે એમ જણાવતાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. રવિ કોઠારી કહે છે, ‘એકથી બે ચમચી કાચા બટાટાનો રસ અનેક માંદગીઓમાં ઉગારનારો બની શકે છે. એક કાચો બટાટો ક્રશ કરીને દબાવીને એમાંથી રસ કાઢીને પીવાથી ઍસિડિટીમાં ફાયદો થાય છે. રક્તપિત્તના દરદીઓમાં કાચા બટાટાનો રસ ખૂબ ફાયદાકારક છે. ખાટા ઓડકાર, ગૅસ, અલ્સરેટિવ કોલાઇટિસની તકલીફ લાંબા ગાળે રહેતી હોય તો એમાં પણ કાચા બટાટાનો રસ ઔષધ બની શકે છે. રેતીમાં શેકેલા કે આગ પર ભૂંજેલા બટાટા પર તેજ મસાલો ભભરાવ્યા વિના ખાવાથી અલ્સરેટિવ કોલાઇટિસમાં પણ ફાયદો થાય છે. અલબત્ત, બટાટા કેવા વાપરવા એનું ધ્યાન રાખવું જોઈએ ’
બટાટાના જૂસથી શું ફાયદો થાય?
આર્થ્રાઇટિસ : ઘૂંટણ, કોણી, ગળું, ખભા કે પીઠમાં આર્થ્રાઇટિસને કારણે પીડા થતી હોય તો બટાટાનો જૂસ
ઍન્ટિ-ઇન્ફ્લમૅટરી અસર કરશે. શિયાળામાં જ્યારે સાંધામાં ખૂબ જ જકડાહટ, સોજો આવી જાય ત્યારે બટાટાનો રસ આપવાથી ક્રૉનિક ઇન્ફ્લમેશન ઘટ્યું હોવાનું નોંધાયું હતું.
યુરિક ઍસિડ : ગાઉટની સમસ્યાને કારણે પુરુષોમાં અચાનક જૉઇન્ટ્સમાં પીડા થાય છે અને એનું કારણ યુરિક ઍસિડનો ભરાવો છે. લોહીમાં યુરિક ઍસિડનું પ્રમાણ વધે અથવા તો સાંધામાં યુરિક ઍસિડ જમા થાય એ બન્ને કેસમાં બટાટાનો જૂસ ફાયદાકારક છે. કાચા બટાટાનો રસ યુરિક ઍસિડને બ્રેકડાઉન કરીને બૉડીમાંથી ફ્લશ આઉટ કરવામાં મદદરૂપ થાય છે. યુરિક ઍસિડના દરદીઓ સવારે કે સાંજે એક ગ્લાસ કાચા બટાટાનો તાજો રસ પીએ તો વારંવાર આવતા પીડાના અટૅકમાં રાહત મળે છે.
બ્લડ-સર્ક્યુલેશન : લોહીથી આખા શરીરમાં ઑક્સિજન પહોંચે છે, જે જીવન માટે વાઇટલ ફોર્સ જેવું છે. બટાટાના રસમાં ખૂબ સારી માત્રામાં વિટામિન B એટલે કે નાયસિન રહેલું છે જે લોહીમાં ઑક્સિજનેશનની પ્રક્રિયા બૂસ્ટ કરે છે અને એટલે શરીરમાં બધે જ ઑક્સિજનનું ભ્રમણ સુધરે છે.
ઍસિડિક બૅલૅન્સ : મોટા ભાગના રોગો શરીરમાં ઍસિડિક વાતાવરણ વધુ હોય ત્યારે જન્મે છે. આપણા શરીરમાં કુદરતી રીતે જ pH બૅલૅન્સ જાળવવાનું મેકૅનિઝમ હોય જ છે, પરંતુ ખરાબ લાઇફસ્ટાઇલને કારણે એમાં બગાડ થાય છે. એને કારણે આપણને બહારથી શરીરને આલ્કલાઇન બનાવતાં તત્ત્વો ઉમેરવાની જરૂર પડે છે. બટાટાનો રસ એમાં અસરકારક છે. એનાથી સ્ટમકનો વધારાનો ઍસિડ ન્યુટ્રલાઇઝ થઈ જાય છે. શરીરને આલ્કલાઇન રાખવા માટે થોડોક બટાટાનો જૂસ સવારે અથવા તો રાતે સૂતાં પહેલાં લઈ શકાય છે.
ખંજવાળ અને ખરજવું : હૉટ ક્લાઇમેટમાં રહેતા લોકોમાં એક્ઝિમાનાં ચકામાં વારંવાર ઊપસી આવે છે. એવા સમયે સ્ટેરૉઇડનું ક્રીમ પણ પૂરતી અસર નથી કરતું. એવામાં બટાટાનો રસ એક્ઝિમાના અસરગ્રસ્ત ભાગ પર દિવસમાં બેથી ત્રણ વાર લગાવવાથી ખૂબ રાહત મળે છે. સતત દસથી પંદર દિવસ આ પ્રયોગ કરવો જરૂરી છે.
ગૅસ્ટ્રાઇટિસ અને કૉલેસ્ટરોલ : જો ઍસિડિટી, ઊબકા, અપચો, ગૅસ જેવી સમસ્યા રહ્યા જ કરતી હોય તો જમતાં પહેલાં એકથી બે ચમચા કાચા બટાટાનો રસ પીવાથી ડાઇજેસ્ટિવ હેલ્થ સુધરે છે. કાચા બટાટાનો રસ ફાઇબરમાં પણ રિચ હોય છે. એને કારણે સિસ્ટમમાંથી ખરાબ કૉલેસ્ટરોલને ક્લીન-અપ કરવામાં મદદ કરે છે.
ત્વચા અને વાળ માટે : આ ઉપયોગ તો કદાચ વર્ષોથી લોકો જાણે છે. બટાટાનો જૂસ ત્વચા પરનું ટૅનિંગ દૂર કરે છે અને વાળને લીસા અને ચમકદાર બનાવે છે. મૉડર્ન ન્યુટ્રિશન સાયન્સ તો એટલે સુધી કહે છે કે બટાટાનો રસ સ્કૅલ્પને એક્ઝિમા, ડૅન્ડ્રફ અને ફંગલ ઇન્ફેક્શનથી બચાવે છે અને કોલાજન બૂસ્ટ કરે છે, જેને કારણે વાળ સ્ટ્રૉન્ગ બને છે. આંખની ફરતેનાં કાળાં કૂંડાળાં અને સન ટૅન દૂર કરવા માટે કાચા બટાટાનો રસ લગાવવાનો પ્રયોગ તો કદાચ દરેક સૌંદર્યપ્રેમીએ કર્યો જ હશે.
કેવા બટાટા ન વાપરવા?
અમુક સાઇડથી બટાટા ગ્રીન થઈ રહી ગયા હોય એ ન વાપરવા. એમાં સોલેનાઇન, ચેકોનાઇન અને આર્સેનિક જેવાં ઝેરી દ્રવ્યો હોય છે.
પોચા પડી ગયેલા, ઉપરની ત્વચા પર કાળાશ કે લીલાશ હોય એ બટાટામાં સડો થવાનું શરૂ થઈ ગયું હોય છે.
ખૂબ જ કડક પથરા જેવા થઈ ગયા હોય એવા બટાટા પણ ન વાપરવા.
બટાટા પર ફણગા ફૂટી નીકળ્યા હોય એવા બટાટા પણ સત્ત્વ ગુમાવી ચૂકેલા હોય છે.