Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઇટ્સ ટાઇમ ટુ રીબૂટ હેલ્ધી લાઇફસ્ટાઇલ

ઇટ્સ ટાઇમ ટુ રીબૂટ હેલ્ધી લાઇફસ્ટાઇલ

09 November, 2021 12:10 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

દિવાળીનો ઉત્સવ પૂરો થઈ ગયો. ફેસ્ટિવલના માહોલમાં ઘણું ન ખાવાનું ખવાઈ ગયું, ઉજાગરા અને ઓવરવર્ક કરીને શરીરમાં થાક જ થાક વર્તાઈ રહ્યો હોય તો ફરીથી રૂટીન સાઇકલમાં આવવા માટે બૉડી અને માઇન્ડને કઈ રીતે ડિટૉક્સ કરવું જોઈએ એ એક્સપર્ટ પાસેથી જાણીએ

શારીરિક રીતે સક્રિય બનો. વધારાની કૅલરીને બાળવા યોગ્ય આહાર અને ડેઇલી એક્સરસાઇઝ ઇઝ મસ્ટ

શારીરિક રીતે સક્રિય બનો. વધારાની કૅલરીને બાળવા યોગ્ય આહાર અને ડેઇલી એક્સરસાઇઝ ઇઝ મસ્ટ


દિવાળી દરમિયાન દરેક મહિલામાં ગજબનું એક્સાઇટમેન્ટ જોવા મળે છે જેમાં સતત દોડધામ પણ હોય. સાફસફાઈ, ઘરની સજાવટ, નાસ્તા, બ્યુટિપાર્લર અને મહેમાનોની સરભરાનો ધાંધલધમાલવાળો લાંબો દોર ગયા અઠવાડિયે ખતમ થઈ ગયો. હવે ટાઇમ છે રિલૅક્સેશન સાથે  તંદુરસ્ત જીવનશૈલી તરફ પાછા ફરવાનો. દિવાળીમાં ભરપેટ ફરસાણ-મિષ્ટાન ખાધા પછી શરીરને હળવુંફૂલ કરવું ખૂબ જરૂરી છે. આજે આપણે એક્સપર્ટ પાસેથી પોસ્ટ-દીપાવલિ બૉડી ઍન્ડ માઇન્ડ ડિટૉક્સિફિકેશન માટેના હેલ્ધી આઇડિયાઝ જાણીએ.

ટાઇમટેબલ સેટ કરો



લાઇફને ટ્રૅક પર લાવવાની સ્ટ્રૅટેજી વિશે સમજાવતાં કાંદિવલીનાં ન્યુટ્રિશનિસ્ટ અને વેલનેસ કોચ ગાયત્રી (જેસિકા) સોની કહે છે, ‘આ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસીજર છે જેના માટે માઇન્ડફુલ અપ્રોચ જોઈએ. ફેસ્ટિવ સીઝન શૉર્ટ બ્રેક છે એવું તમારા મગજને સમજાવશો તો જ વહેલી તકે સાઇકલને રિવાઇન્ડ કરી શકશો. સૌથી પહેલાં તમારી રૂટીન સ્લીપિંગ પૅટર્નમાં આવો. ત્યાર બાદ સ્ટ્રૉન્ગલી ફૉલો કરવાની તૈયારી સાથે ટાઇમટેબલ સેટ કરો. દિવાળી દરમિયાન વર્કઆઉટની જેમ બીજાં ઘણાંબધાં કામો પેન્ડિંગ રાખ્યાં હશે. પ્રોફેશનલ અને પર્સનલ બન્ને કમિટમેન્ટ્સનો ટાઇમટેબલમાં સમાવેશ થવો જોઈએ. તમને વ્યાયામનો અનુભવ હોય તોય ગો બૅકનો અર્થ એ નથી કે મંડી પડો. બ્રિક્સ વૉક, સ્ટ્રેચિંગ, યોગનાં સરળ આસનોથી શરૂઆત કરો. તમારી બૉડીને વૉર્મઅપ થતાં અને ફૅટ્સ બર્નિંગ ઝોનમાં પહોંચતાં ૪૫ મિનિટનો સમય લાગે છે. આટલો સમય વ્યાયામને આપવો જોઈએ.’


​િડટૉક્સ એટલે શું?

તહેવાર અને ખુશીઓ એકસાથે ચાલે છે તેથી દિવાળીની ઉજવણીમાં મીઠાઈઓ અને તળેલી વાનગીઓ ખાવાનું પ્રમાણ વધી જાય છે. ઉત્સવની પૂર્ણાહુતિ એટલે તમારી સિસ્ટમને રીબૂટ કરવાનો સમય એવી ભલામણ કરતાં ગ્લોબલ હૉસ્પિટલના ચીફ ડાયટિશિયન ઝમુરુદ પટેલ કહે છે, ‘​િડટૉક્સિફાઇંગ એટલે દિવાળીમાં ખાધેલા કૅલરીયુક્ત આહારમાંથી શરીરમાં પ્રવેશેલાં ઝેરી તત્ત્વોને બહાર ફેંકવું અને પાચનશક્તિ સુધારવી. ​િડટૉક્સિફાય કરવાની ૩ શ્રેષ્ઠ રીતો છે, હાઇડ્રેશન, એક્સરસાઇઝ અને ફ્રેશ ફ્રૂટ્સ ઍન્ડ વેજિટેબલ્સનું સેવન. દરરોજ ચાર લિટર પાણી પીવાથી ​િડટૉક્સિફાયની પ્રક્રિયા ઝડપી બને છે. ફાઇબરનું પ્રમાણ વધુ હોય એવો આહાર લેવો. ડિનર અને બ્રેકફાસ્ટ વચ્ચે ૧૨ કલાકનો ઉપવાસ અત્યંત જરૂરી છે. લંચ અથવા ડિનર બેમાંથી એક મીલમાં માત્ર ગ્રીન ફ્રૂટ્સ અને ડ્રાયફ્રૂટ્સ ખાઓ. દિવાળી પછી સળંગ એક અઠવાડિયું ડિટૉક્સિફાય કરવા પર ધ્યાન આપો. ત્યાર બાદ અઠવાડિયામાં એક વાર આ ટાઇમટેબલને અનુસરો.’


દિવાળીના નાસ્તા શુગરી અને સૉલ્ટી હોવાથી વૉટર રિન્ટેશન થઈ જાય છે. કોકોનટ વૉટર, બનાના, કાકડીઓ શરીરને હાઇડ્રેટેડ રાખે છે તેમ જ પેશાબ દ્વારા ઝેરી તત્ત્વોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. બદામ અને સીડ્સ પ્રોટીન, હેલ્ધી ફૅટ્સ અને ઍન્ટિઑક્સિડન્ટ્સના સારા સ્રોત છે. ફેસ્ટિવલ બાદ લાંબા સમય ઘરનો બનાવેલો હળવો આહાર લેવો. આખા દિવસનું મીલ એકદમ ક્લીન હોવું જોઈએ.

ડિટૉક્સિફાયની ખબર કેમ પડે?

બૉડી ​ડિટૉક્સ સ્ટાર્ટ કર્યા બાદ કેટલાક ચિહ્નો જોવા મળશે એમ જણાવતાં ઝમુરુદ પટેલ કહે છે, ‘શરીરમાંથી કચરો બહાર નીકળવાની શરૂઆત થતાં જ તમે રિલૅક્સ ફિલ કરવા લાગશો. ભૂખ ઓછી થતી જશે. ખાસ કરીને ગળ્યું ખાવાની ઇચ્છા નહીં થાય. રાત્રે ઊંઘ સારી આવશે અને સવારે ઊઠશો ત્યારે શરીરમાં ઊર્જા અનુભવશો. લાંબા ગાળાનાં સારાં પરિણામો માટે તેમ જ શરીરને અંદરથી સ્વચ્છ કરવા આ પદ્ધતિને અનુસરવું જોઈએ. દરેકની બૉડી સિસ્ટમ જુદી હોવાથી રિઝલ્ટ દેખાતાં સમય લાગે છે. 

ડિટૉક્સ એટલે ડાયટ નહીં, પરંતુ ઓવરઑલ ક્લીન થવું એમ જણાવતાં ગાયત્રી કહે છે, ‘વાસ્તવમાં ડિટૉક્સિફાઇંગની પ્રક્રિયા માઇન્ડ સેટ સાથે થાય છે. દિવાળી ટાણે આડેધડ ખાઈ લીધા પછી ઘણી મહિલાઓ મનમાં ગિલ્ટ રાખે છે. ગિલ્ટ સાથે ગો બૅક ન થાય. તહેવારમાં ખાણી-પીણીનો જલસો કરી લીધો, ઇટ્સ ઓકે. કેટલીક મહિલાઓ એવું પણ વિચારે છે કે હવે વજન વધ્યું છે, એક્સરસાઇઝ કરવાની છે તો થોડું વધારે ખાઈ લઈએ. આ રીત ખોટી છે. ફેસ્ટિવ સીઝનમાં બધું ડિસ્ટર્બ થઈ જાય ત્યારે શરીરની સાથે મનની શુદ્ધિ પણ આવશ્યક છે. પૉઝિ​િટવ માઇન્ડસેટ માટે મેડિટેશન બેસ્ટ છે. તમારું ફોકસ ઇન્ટેન્સિટી વધારવા પર રાખો. બૉડી મસાજ જેવા વિકલ્પો પણ અપનાવી શકાય.’

રિલૅક્સેશનના બ્યુટિફુલ ફન્ડા

- તહેવારમાં સુંદર દેખાવું અનિવાર્ય છે એવી જ રીતે પોસ્ટ-ફેસ્ટિવલ બ્યુટી ટ્રીટમેન્ટ જરૂરી છે. બૉડી મસાજનો કન્સેપ્ટ જ શરીરને આરામ આપવા માટેનો છે. રિલૅક્સેશન અને સ્કિન ડી-ટૅન માટે ફ્રેશ ફ્રૂટ્સ મસાજ કરાવો. કેળાં અથવા પપૈયાના પલ્પમાં અંજીર ઉમેરી મસાજ કરવાથી સ્ક્રબિંગ અને પૉલિશિંગ બન્ને થઈ જાય છે.

- આયુર્વેદમાં તેલથી મસાજ કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રદૂષણ અને હવામાન પરિવર્તનના કારણે બેજાન થઈ ગયેલી ત્વચામાં જાન લાવવા બદામ અથવા તલના તેલથી માલિશ કરવું.

- બૉડી મસાજ કરાવ્યા બાદ દસ મિનિટ આમ જ પડ્યા રહેવું. ત્યાર બાદ ગરમ પાણીમાં ટૉવેલ બોળી બૉડીને સ્ટીમ આપવું. એનાથી બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે. સમસ્ત પ્રક્રિયા એવી હોવી જોઈએ કે તમને ઊંઘ આવવા લાગે.

- આંખને આરામ આપવા ઓછામાં ઓછી પંદર મિનિટ ક્રીમ વડે હળવે હાથે મસાજ કરો. ત્યાર બાદ કૉટનને રોઝ વૉટરમાં ભીનું કરી આંખની ઉપર મૂકી રાખો.

- દિવાળી પહેલાં હેર સ્પા કરાવ્યું હોય તો હવે હેર મસાજ કરાવો. એનાથી બધો થાક ઊતરી જાય છે. મસાજ બાદ કેળાં, ઑલિવ ઑઇલ અને દહીંને મિક્સરમાં ફેરવી પૅક બનાવી વાળમાં મેંદીની જેમ લગાવો. અડધો કલાક પછી વાળ ધોઈ લો.

આ પાંચ ટિપ્સ જરૂર યાદ રાખજો

બૉડીની સિસ્ટમને ફરીથી ટ્રૅક પર લાવવા ઝેન મલ્ટિસ્પેશ્યલિટી હૉસ્પિટલનાં ડાયટિશ્યન પ્રિયા પાલને શૅર કરેલી ટિપ્સ નોટડાઉન કરી લો...

૧. શારીરિક રીતે સક્રિય બનો. વધારાની કૅલરીને બાળવા યોગ્ય આહાર અને ડેઇલી એક્સરસાઇઝ ઇઝ મસ્ટ. સ્ટ્રેસ ફ્રી થવાનો બેસ્ટ કીમિયો છે પૂરતી ઊંઘ. બૉડી અને માઇન્ડ ડિટૉક્સિફિકેશન માટે રાત્રે સમયસર સૂઈ જવું.

૨. શરીરમાં રહેલાં ઝેરી તત્ત્વોને ઝડપથી ફ્લશ આઉટ કરવા પુષ્કળ પાણી પીઓ. શારીરિક શુદ્ધિકરણ માટે વિટામિન સી અને ઍન્ટિઑક્સિડન્ટથી ભરપૂર તાજાં ફળો અને શાકભાજીમાંથી બનાવેલા પ્રવાહી પદાર્થનું પ્રમાણ વધારો.

૩. ફાઇબરયુક્ત આહાર આંતરડાંને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે તેથી સ્પ્રાઉટ્સ અને રેષાવાળી શાકભાજી વધુ ખાવાં.

૪. પાચનશક્તિ સુધારવા માટે દહીં, કેફિર, ટેમ્પેહ, કિમચી જેવો પ્રોબાયોટિક આહાર લેવો. અપચા માટે આદું પણ ઉત્તમ છે. આદું ખાવાથી પેટ ફૂલવાની સમસ્યામાંથી છુટકારો મળે છે.

૫. ડિટૉક્સ પ્રોસેસ ચાલતી હોય એ દરમિયાન પ્રોસેસ્ડ, પૅક્ડ અને જન્ક ફૂડનો સંપૂર્ણપણે ત્યાગ કરવો.

Whatsapp-channel Whatsapp-channel

09 November, 2021 12:10 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK