જે લોકોને પહેલેથી કમર, પીઠ કે ડોકની તકલીફ હોય તેમણે આ સીઝનમાં રોડ પર વધુ ટ્રાવેલ કરવાનું ટાળવું જેમ કે સ્પૉન્ડિલોસિસ, સ્પૉન્ડિલાઇટિસ કે ડિસ્ક સંબંધિત કોઈ તકલીફ હોય તો રિસ્ક વધુ ન લેવું
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ચોમાસામાં મુંબઈકરો ઘણી હાલાકી ભોગવે છે. સતત વરસાદ, રોગોની મહામારી અને એની વચ્ચે દરરોજ કામ પર જવા માટે લાંબી સફર કરતો મુંબઈકર અને એની હાલત વર્ણવવા લાયક નથી હોતો. આ શહેરમાં હાલાકી ઓછી છે કે વરસાદ અને વરસાદી રસ્તાઓ એ હાલાકીને વધારી દેતા હોય છે. રોડ પર ચાલતાં વાહનોમાં મુખ્યત્વે બે કૅટેગરી ગણીએ તો એક તો સ્કૂટર અને બીજી કાર. આ બન્નેના ચાલકો કે એમાં સફર કરનારા લોકોને ખાડાળા રસ્તાઓને કારણે અલગ-અલગ પ્રકારના પ્રૉબ્લેમ થતા હોય છે. ઘણા લોકોને આ સીઝનમાં સ્લિપ-ડિસ્કની તકલીફ શરૂ થઈ જતી હોય છે. જેટલી વાર ખાડાળા રસ્તા પરથી પસાર થઈએ ત્યારે કમરને પ્રૉબ્લેમ થાય જ છે. આ સિવાય ટ્રાફિકની સમસ્યા એક એવી સમસ્યા છે જે સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે. સ્ટ્રેસની સીધી અસર ખભા પર થાય છે. જ્યારે તમને મોડું થતું હોય અને તમે ટ્રાફિકમાં ફસાયા હો ત્યારે તમારા ખભાની પોઝિશન ચકાસજો. એ એકદમ સ્ટિફ થયેલા અને જાણે કોઈએ જબરદસ્તી બાંધી રાખ્યા હોય એવા થઈ ગયા હશે. આ સ્ટ્રેસ છે જે ખભાને અને એને કારણે ગરદનને અસર કરે છે. જે લોકો ફોર-વ્હીલરનો ઉપયોગ કરતા હશે તેમને ગરદનનો પ્રૉબ્લેમ થઈ શકે છે. આવા રસ્તાઓ પર વાહન ચલાવતા હોઈએ ત્યારે વારંવાર બ્રેક લગાડવી પડે છે. જો જોરથી બ્રેક લગાવીએ તો કારની અંદર ઉપરનું શરીર એ આગળ તરફ ઝટકા સાથે ઝૂકે છે, જેને લીધે ડોકનો દુખાવો થઈ શકે છે.
જે લોકોને પહેલેથી કમર, પીઠ કે ડોકની તકલીફ હોય તેમણે આ સીઝનમાં રોડ પર વધુ ટ્રાવેલ કરવાનું ટાળવું જેમ કે સ્પૉન્ડિલોસિસ, સ્પૉન્ડિલાઇટિસ કે ડિસ્ક સંબંધિત કોઈ તકલીફ હોય તો રિસ્ક વધુ ન લેવું. ટ્રાવેલ દરમ્યાન બને ત્યાં સુધી મેટ્રો અને લોકલ ટ્રેનનો ઉપયોગ કરવો અને લાંબા સમયનું ડ્રાઇવિંગ ટાળવું. ડ્રાઇવ કરવું જ પડે એમ હોય તો એ ખાસ ધ્યાન રાખવું કે ડ્રાઇવ કરતી વખતે તમારું પોશ્ચર ઠીક હોય. ખાડા-ટેકરાઓને જેટલા ટાળી શકાય એટલા ટાળવા. વાહનના શોક-અપ્સ ખરાબ થઈ ગયા હોય તો નવા નખાવી લેવા, જેથી ઝટકા ઓછા લાગે. લાંબા ટ્રાવેલિંગમાં રિક્ષાને બદલે બસ પસંદ કરો. બસમાં ઝટકા ઓછા લાગશે, પરંતુ એમાં પણ બ્રેક મારે ત્યારે ખાસ ધ્યાન રાખવું. બસમાં બેલ્ટ હોતો નથી અને બ્રેક જોરથી લાગે ત્યારે શરીર આખું આગળ આવી જાય છે. તમારી ઉંમર ૫૦ વર્ષથી વધુ હોય તો તમારે ઘણું વધારે ધ્યાન રાખવું જરૂરી છે. આ ઉંમરમાં હાડકાં નબળાં પડવાની શરૂઆત થઈ ગઈ હોય છે માટે રિસ્ક વધુ રહે છે.
ADVERTISEMENT
- વિભૂતિ કાણકિયા (લેખક અનુભવી ફિઝિયોથેરપિસ્ટ છે. પ્રતિભાવ અને માર્ગદર્શન માટે ઈ-મેઈલ કરી શકો છો.)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)