° °

આજનું ઇ-પેપર
Thursday, 29 September, 2022


ફાધર ફિટ, તો ચાઇલ્ડ ફિટ

19 September, 2022 12:09 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

નીરોગી સંતાનપ્રાપ્તિ માટે પુરુષોએ શું કરવું જોઈએ એ વિષય પર નિષ્ણાતો સાથે ચર્ચા કરીએ

ફાધર ફિટ, તો ચાઇલ્ડ ફિટ હેલ્થ ઇઝ વેલ્થ

ફાધર ફિટ, તો ચાઇલ્ડ ફિટ

અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે તંદુરસ્ત સંતાન માટે મમ્મીનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. નવો અભ્યાસ કહે છે કે મધરની જ નહીં, ટુ બી ફાધરની ફિટનેસ પણ એટલી જ મહત્ત્વની છે. ગર્ભધારણ સમયે જો પિતા મેદસ્વી હોય તો એ બાળકને ડાયાબિટીઝ અને ઓબેસિટી તરફ દોરી જાય છે. નીરોગી સંતાનપ્રાપ્તિ માટે પુરુષોએ શું કરવું જોઈએ એ વિષય પર નિષ્ણાતો સાથે ચર્ચા કરીએ

વર્ષા ચિતલિયા 
varsha.chitaliya@mid-day.com

ગર્ભ ધારણ કરવો એ કોઈ પણ યુગલ માટે જીવનની સૌથી સુંદર ઘડી હોય છે. બાળકનો તંદુરસ્ત વિકાસ માતાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો હોવાનું આપણે માનીએ છીએ એથી બેબી પ્લાન કરવાની સાથે જ ટુ બી મધરની હેલ્થને ફોકસમાં રાખવામાં આવે છે. હવે વિજ્ઞાને શોધી કાઢ્યું છે કે હેલ્ધી બેબી માટે ટુ બી ફાધરની હેલ્થ પણ મધર જેટલી જ મહત્ત્વની છે. પપ્પાની ફિટનેસ આવનારા બાળકના શારીરિક સ્વાસ્થ્યને ખૂબ અસર કરી શકે છે. જે પુરુષ નિયમિત વ્યાયામ કરે છે તેનું બાળક તંદુરસ્ત જન્મે છે અને ગર્ભધારણ સમયે જો પિતા મેદસ્વી હોય તો એ બાળકને ડાયાબિટીઝ કે ઓબિસિટી અથવા બન્ને રોગ તરફ દોરી જાય છે. નીરોગી સંતાનપ્રાપ્તિ માટે પુરુષોએ શું કરવું જોઈએ એ વિષય પર નિષ્ણાતો સાથે ચર્ચા કરીએ. 

પહેલું કામ

આજે પુરુષોની લાઇફસ્ટાઇલ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે દર પાંચમાંથી ત્રણ પુરુષે શુક્રાણુની ગુણવત્તા સુધારવાની જરૂર છે. રેગ્યુલર એક્સરસાઇઝથી સ્પર્મની ક્વૉલિટી અને ક્વૉન્ટિટી સુધરે છે એવી સલાહ નિષ્ણાતો વારંવાર આપતા રહે છે. નોવા આઇવીએફ ફર્ટિલિટીનાં ડૉ. સ્નેહા સાઠે કહે છે, ‘ગર્ભ ધારણ કરવા માટે, ગર્ભને ઉછેરવા માટે અને જન્મ બાદ બાળકની કાળજી રાખવા માટે માતાનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ એ આપણે સૌ જાણીએ અને સમજીએ છીએ. પ્રી-પ્રેગ્નન્સી એવો રાઇટ ટાઇમ છે જે માતા અને પિતા બન્નેને પોતાનું સ્વાસ્થ્ય સુધારવાની તક આપે છે. બેબી પ્લાન કરો છો તો લાઇફસ્ટાઇલ ચેન્જ કરો. લાઇફસ્ટાઇલ ચેન્જિંગમાં એક્સરસાઇઝ કરવાથી સો ટકા લાભ થાય છે, પરંતુ એનાથી શુક્રાણુની ગુણવત્તા સુધરે એ જરૂરી નથી. સંતાનપ્રાપ્તિની ઇચ્છા ધરાવતા પુરુષે સૌથી પહેલાં આલ્કોહૉલ, સ્મોકિંગ જેવી ખરાબ આદતોને છોડવી અત્યંત જરૂરી છે. ધૂમ્રપાન કરનારા પુરુષો વ્યાયામ કરતા હોય તોય તેમના સ્પર્મની ક્વૉલિટી નબળી હોવાની સંભાવના છે. ટુ બી ફાધરની ફિટનેસ માટેની પહેલી શરત છે વ્યસનમુક્ત રહો.’

બીજું કામ

બીજી શરત છે પ્રૉપર ડાયટ. પ્રોસેસ્ડ ફૂડનો સંપૂર્ણપણે ત્યાગ કરવાથી સ્પર્મની ગુણવત્તામાં બહુ મોટો ફરક પડે છે એવી વાત કરતાં તેઓ કહે છે, ‘પપ્પા બનવાની તૈયારી કરતા પુરુષોએ ખાણીપીણીની આદતો પણ બદલવી જોઈએ. ખાસ કરીને વજન વધુ હોય એવા પુરુષોએ ડાયટને સર્વાધિક પ્રાથમિકતા આપવી. વજનની સીધી અસર તમારી ફર્ટિલિટી પર પડે છે. હેલ્ધી ફૂડથી વેઇટ ઘટાડી શકાય અથવા નિયંત્રણમાં રાખી શકાય છે. વ્યસન છોડ્યા બાદ અને આરોગ્યવર્ધક આહાર લેવાનું શરૂ કર્યા બાદ સંતાનને જન્મ આપવાનો નિર્ણય લેશો તો એની અસર ચાઇલ્ડની હેલ્થ પર ચોક્કસ દેખાશે. આ શરત માતાને પણ એટલી જ લાગુ પડે છે, કારણ કે આજકાલ અનેક મહિલાઓ સ્મોકિંગ કરે છે અને વર્કિંગ અવર્સમાં જે મળે એ ખાઈ લેતી હોય છે.’

આનુવંશિક સમસ્યાઓ

વૈજ્ઞાનિક અભ્યાસ અનુસાર અમુક પ્રકારના રોગ વારસાગત હોય છે એવી જ રીતે પુરુષની ફળદ્રુપતામાં પણ આનુવંશિકતા મોટો ભાગ ભજવે છે. સંતાનના સ્વાસ્થ્ય પર માતા-પિતા બન્નેના ડીએનએનો સરખો પ્રભાવ પડે. આ સંદર્ભે વાત કરતાં ડૉ. સ્નેહા કહે છે, ‘આનુવંશિક સમસ્યાઓ જુદો વિષય છે. હસબન્ડ અથવા વાઇફ બેમાંથી કોઈને પણ સમસ્યા હોય તો આધુનિક તબીબી વિજ્ઞાનની મદદથી સંતાનમાં એ ન આવે એવા પ્રયાસ કરી શકીએ. થૅલેસેમિયા જેવા રોગમાં ખાસ સારવાર થવી જોઈએ. પિતાને રોગ હોય તો બાળકમાં આવે એવાં સ્પષ્ટ તારણો સામે નથી આવ્યાં. જોકે, પહેલેથી હેલ્થ ઇશ્યુ સામે ઝઝૂમી રહ્યાં હોય એવા પુરુષોએ બેબી પ્લાન કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. બ્લડશુગરને નિયંત્રિત કરવું આવશ્યક છે. હાઇ બ્લડપ્રેશરથી પુરુષોની ફર્ટિલિટી પર કે આવનારા સંતાન પર અસર થતી નથી, પરંતુ કાળજી રાખો તો સારું જ છે. ડિપ્રેશન અને ઍન્ગ્ઝાઇટી પણ વર્તમાન સમયનો કૉમન રોગ છે. મેડિકેશન પર હોય એવા પુરુષોની ફળદ્રુપતા ઘટી હોય એવા કેટલાક કેસ સામે આવ્યા હોવાથી નિર્ણય લેતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી.’

લાઇફસ્ટાઇલ અને સ્વાસ્થ્ય સારું હોય એવાં દંપતીએ સંતાનપ્રાપ્તિનો નિર્ણય લીધા બાદ એક વર્ષ રાહ જોવી જોઈએ. એ પછી પણ પરિણામ ન દેખાય તો ડૉક્ટર પાસે જવું એવી ભલામણ કરતાં તેઓ કહે છે, ‘ઘણી વાર એવું બને કે પુરુષ બધી રીતે ફિટ હોય, પરંતુ વાઇફને કન્સિવ કરવામાં મુશ્કેલી નડે. આવા કેસમાં સ્પર્મ ટેસ્ટ કરવા ભાર મૂકવામાં આવે છે. શુક્રાણુની ગુણવત્તા અને સંખ્યાની તબીબી તપાસ કર્યા વિના ખબર પડતી નથી. સ્પર્મ કાઉન્ટમાં ફરકથી પ્રેગ્નન્સીના ચાન્સિસ ઓછા થઈ જાય, સંતાનના સ્વાસ્થ્ય પર અસર ન પડે.’

પ્રી-પ્રેગ્નન્સી એવો રાઇટ ટાઇમ છે, જે માતા અને પિતા બન્નેને પોતાનું સ્વાસ્થ્ય સુધારવાની તક આપે છે. સંતાનપ્રાપ્તિની ઇચ્છા ધરાવતા પુરષે આલ્કોહૉલ, સ્મોકિંગ જેવી ખરાબ આદતો છોડવી જરૂરી છે. પ્રોસેસ્ડ ફૂડનો ત્યાગ કરવાથી સ્પર્મની ગુણવત્તામાં ફરક પડે છે એથી પપ્પા બનવાની તૈયારી કરતા પુરુષોએ ખાણીપીણીની આદતો પણ બદલવી જોઈએ. : ડૉ. સ્નેહા સાઠે

ન્યુટ્રિશનિસ્ટ શું કહે છે?

શિલ્પા મિત્તલ

ઓબીસ, બ્લડપ્રેશર, ડાયાબેટિક, ડિપ્રેશન જેવા રોગોમાં આવનારા સંતાન પર અસર થઈ શકે છે એવાં અનેક રિસર્ચ સામે આવ્યાં છે. પિતા બનવાની તૈયારી કરતા પુરુષોના સ્વાસ્થ્ય અંગે નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે એ વિશે શિલ્પસન્યુટ્રિલાઇફનાં ડાયટ અને લાઇફસ્ટાઇલ કન્સલ્ટન્ટ શિલ્પા મિત્તલ કહે છે. ‘સંતાનના જીન્સમાં હાફ કૉન્ટ્રિબ્યુશન પિતાનું હોય છે તેથી શુક્રાણુની ક્વૉલિટી મહત્ત્વપૂર્ણ છે. પપ્પાની લાઇફસ્ટાઇલ અનહેલ્ધી હોય કે ઓબીસ હોય તો એ પોતાના સંતાનમાં એવા જ જીન્સ ટ્રાન્સફર કરશે એવી મારી સાદી સમજણ છે. અમુક કેસમાં આ સિલસિલો પેઢી દર પેઢી ચાલે છે. આ સાઇકલને બ્રેક કરવાની જવાબદારી માતા-પિતા બન્નેની છે, જેથી આવનારા સંતાનને બીમારીથી બચાવી શકાય. ગૅસ અને ઍસિડિટી જેવી સમસ્યાના પેશન્ટને ઘણી વાર એમ કહેતાં સાંભળીએ છીએ કે મારા પપ્પા અને દાદાજીને આવી તકલીફ હતી. કહેવાનો અર્થ તમે જેમાંથી પસાર થયા છો એમાંથી સંતાનને ન થવું પડે એ માટે બેબી પ્લાન કરતાં પહેલાં સ્વાસ્થ્ય સંબંધિત તકેદારી રાખવી.’

સ્વસ્થ જીવન માટે એક્સરસાઇઝ કરવી અને પૌષ્ટિક આહાર લેવો એમ જણાવતાં તેઓ કહે છે, ‘મોટા ભાગના પુરુષોની જીવનશૈલી પ્રકૃતિના નિયમોથી સદંતર વિરુદ્ધ છે. રાતના સૂવાના સમયે તેઓ જમવા બેસે છે. પરિણામે તેમની કાર્યશીલતા ઘટી જાય છે. મેંદામાંથી બનાવેલી ખાદ્ય સામગ્રી પણ હાનિકારક છે. શુક્રાણુની ગુણવત્તા સુધારવા ફિટનેસ ઍક્ટિવિટીની સાથે સમયસર જમવું જરૂરી છે. જમવામાં લીલાં શાકભાજી અને ફણગાવેલા કઠોળનું પ્રમાણ વધારવું. એનાથી સંતાનને ફાયદો તો થશે જ, તમારું પોતાનું વજન નિયંત્રણમાં રહેશે અને લાંબા ગાળે લાઇફસ્ટાઇલ રોગોને કાબૂમાં રાખવામાં સહાય કરશે. સ્વાસ્થ્યવર્ધક આહાર ઉપરાંત વિટામિન ડી, વિટામિન બી૧૨, ઓમેગા થ્રી વગેરેની માત્રા ચકાસવા તબીબી રિપોર્ટ કઢાવવા જોઈએ. પપ્પાના શરીરમાં કોઈ પણ પ્રકારની ઊણપ આવનારા સંતાનમાં ટ્રાન્સફર થાય એવી સંભાવના નકારી ન શકાય. જેમ મધર માટે ફોલિક એસિડ સપ્લિમેન્ટસ સ્ટાર્ટ કરી દેવામાં આવે છે એવી જ રીતે પપ્પાને પણ આપી શકાય. તેઓ ઓમેગા થ્રી અને વિટામિન ડીની ટૅબ્લેટ પણ લઈ શકે છે.’

19 September, 2022 12:09 PM IST | Mumbai | Varsha Chitaliya

અન્ય લેખો

હેલ્થ ટિપ્સ

યુરિન ઇન્ફેક્શન વારંવાર કેમ થાય છે?

યુરિન ઇન્ફેક્શનની તકલીફ આવી હોય, એ પણ વારંવાર થતું હોય તો આ તકલીફને નજરઅંદાજ ન કરી શકાય

28 September, 2022 05:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હેલ્થ ટિપ્સ

ડિપ્રેશનમાં સારું હોય તો દવા બંધ કરી શકાય?

જો એ દવા ગમે ત્યારે બંધ કરી દે તો એ જે સારું લાગે છે એ બંધ થઈ જશે અને ફરીથી દરદી ડિપ્રેશનમાં સરી પડે એમ બને

27 September, 2022 04:47 IST | Mumbai | Dr. Kersi Chavda
હેલ્થ ટિપ્સ

ઍન્કિલોઝિંગ સ્પૉન્ડિલોસિસમાં મારી એક્સરસાઇઝના કલાકો હું ઘટાડી શકું કે નહીં?

તમે એક્સરસાઇઝ ઓછી કરશો તો બધું અકળાઈ જ જશે, એમ માનવાની જરૂર નથી

26 September, 2022 04:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK