નહાતી વખતે ત્વચાને ઘસી-ઘસીને સાફ કરવાથી એ ક્લીન થાય છે એ માન્યતા ખૂબ ખોટી છે
લૂફા
વહેલી સવારે નહાઈધોઈને દિવસની શરૂઆત કરવાની હોય કે પછી રાતે સૂતા પહેલાં સુગંધિત બૉડી વૉશ સાથે શાવર લઈ આખા દિવસનો થાક ઉતારવાનો હોય, કોઈ પણ રીતે નાવણ વખતે શરીરે લૂફા ઘસ્યા ન ચાલતું હોય તો આજે આ લેખ તમારા માટે જ છે. લૂફા ઘસ્યા વગર તો ચામડી ચોખ્ખી ન જ થાય એવું પણ ઘણા લોકો માને છે. જોકે સ્કિનને સાફ કરવાની લાયમાં જો લૂફાની સ્વચ્છતાની અને ઘસતી વખતે ભાર કેટલો મૂકવાનો એની કાળજી લેવામાં ન આવે તો ફાયદો નહીં, નુકસાન થાય છે. ઇન ફૅક્ટ, તમારા ઘરમાં જે લૂફા લાવીને રાખ્યા છે જો લાંબો સમયથી બદલ્યા ન હોય તો એ પણ જોખમી નીવડી શકે છે. ત્વચા પર જોવા મળતા ડેડ સ્કિન સેલ્સ નીકળી જાય એ માટે લૂફાનો જ ઉપયોગ કરવો એ જાણે આપણી શાવર ટ્રેડિશન બની ગઈ છે. પરંતુ શું તમને ખબર છે કે આ લૂફા તમારી ત્વચાને નુકસાન પણ પહોંચાડી શકે છે? આવો જાણીએ.
ઉપયોગ કેટલી વાર કરવો જોઈએ?
ADVERTISEMENT
જો તમે લૂફાના ઉપયોગ પછી એને સારી રીતે સાફ કે સૅનિટાઇઝ નથી કરતા તો એ બૅક્ટેરિયા, ફંગસ અને ઘાતક જીવાણુઓનો અડ્ડો બની શકે છે જે તમારી ત્વચાના સ્વાસ્થ્ય માટે આગળ જતાં જોખમકારક બની શકે છે. લૂફા મુખ્ય તો ત્વચાને એક્સફોલિએટ કરવા માટેનું જરૂરી બાથ ટૂલ છે, જે મુખ્યત્વે પ્લાસ્ટિક, સિન્થેટિક કે સ્પન્જ જેવી કૃત્રિમ સામગ્રીથી બનેલું હોય છે. માર્કેટમાં કુદરતી લૂફા પણ ઉપલબ્ધ છે, જે સૂકવેલા ગલકાંમાંથી બનેલા હોય છે અને પર્યાવરણમિત્ર છે.
આ લૂફા એક રીતે શરીર પરથી મરી ગયેલી ત્વચા અને ગંદકી દૂર કરવામાં મદદરૂપ થાય છે, પરંતુ આમ જુઓ તો એની છિદ્રાળુ રચના એને બૅક્ટેરિયાના રહેવાસ માટેનો પ્રવેશમાર્ગ બનાવી દે છે. આપણામાંથી ઘણા લોકો મહિનાઓ અલબત્ત વર્ષો સુધી લૂફાનો ઉપયોગ કરતા રહે છે, જ્યારે હકીકતમાં તો હાઇજીન જાળવવા માટે એને દર ૩થી ૪ અઠવાડિયે બદલવા જોઈએ. આ માટે જથ્થાબંધ લૂફા ખરીદીને એને અમુક ચોક્કસ સમયે બદલી જ નાખવા જોઈએ. એ માટે એમાંથી વાસ આવવાની રાહ ન જોવી. અને જો તમારો લૂફા દુર્ગંધ છોડે કે એનો રંગ બદલાતો હોય કે એમાં ફંગસ દેખાય તો વિલંબ કર્યા વિના એને ફેંકી જ દેજો, ભલે એ થોડા દિવસો જ વપરાયો કેમ ન હોય.
લૂફાનો ઉપયોગ જોખમકારક કેમ છે?
લૂફા ત્વચાને એક્સફોલિએટ કરવાની ક્ષમતા સાથે એને બૅક્ટેરિયા અને કીટાણુઓનો અડ્ડો બનાવી શકે છે. બૅક્ટેરિયાની કૉલોની નરી આંખે જોઈ નથી શકાતી. આ સિવાય બાથરૂમનું વાતાવરણ એકંદરે ભીનાશવાળું હોવાથી પણ એમાં એ બૅક્ટેરિયા અને ફંગસ માટે મોકળું મેદાન આપે છે. એ ત્વચાના સ્વાસ્થ્ય માટે જોખમકારક બની શકે છે. નહાયા પછી આમેય ત્વચાનાં છિદ્રો ખૂલી જાય છે. આવા સમયે બૅક્ટેરિયા ધરાવતા લૂફાનો ઉપયોગ ત્વચાને સંક્રમિત કરી શકે છે. કુદરતી હોય કે કૃત્રિમ, બન્ને પ્રકારના લૂફા યોગ્ય રીતે સુકવાય નહીં તો એમાં મોલ્ડ ઊભું થાય છે.
લૂફાનો સુરક્ષિત ઉપયોગ કેવી રીતે?
જો તમે તમારા લૂફાને બદલવા ન માગતા હો તો એનું જોખમ ઓછો કરવા માટે અમુક પગલાં ચોક્કસ લો : નિયમિત બદલાવ : લૂફાને દર ૩-૪ અઠવાડિયાંમાં બદલવાનું ધ્યાન રાખો. કુદરતી લૂફા વધુ ઝડપથી બદલવા વધુ સારું રહેશે. શાવર બાદ એને ધોઈને સૂકવવા : દર શાવર પછી લૂફાને સારી રીતે ધોઈને સૂકવવા માટે હવામાં ટાંગો. ભીનાશવાળા શાવર એરિયામાં રાખવાથી બચો. સાપ્તાહિક સફાઈ કરો : લૂફાને પાણી અને સફેદ વિનેગરના મિશ્રણમાં થોડી મિનિટ ડુબાડી રાખો જેથી એમાં રહેલા બૅક્ટેરિયા નાશ પામે. જો લૂફામાં દુર્ગંધ આવે કે ફંગસ દેખાય તો તરત જ ફેંકી દેવો.
ઉપયોગ સંપૂર્ણ બંધ કરી દેવો જોઈએ?
લૂફા એક્સફોલિએશન માટેનું અને ઝડપી હાઇજીન મેળવવા માટેનું સગવડભર્યું સાધન છે, પરંતુ એની પોતાની હાઇજીન જાળવવવાનું મુશ્કેલ છે. રોજ એકનો એક લૂફા વાપરીએ અને મોટા ભાગે તો પરિવારના દરેક એને વાપરતા હોય છે ત્યારે લૂફા નુકસાનકારક સાબિત થઈ શકે. જો તમે સ્વચ્છતાને માટે ચિંતિત છો તો એક્સફોલિએટિંગ ગ્લવ્ઝ, સિલિકૉન સ્ક્રબર કે વૉશ ક્લોથ જેવા વિકલ્પો પર વિચારો, જે એકંદરે સાફ રાખવા માટે સરળ છે.
ડર્મેટોલૉજિસ્ટનું શું કહેવું છે?
લૂફા વાપરવો જ ન જોઈએ એવું માનતાં ડૉ. દિતિના ઉમરેટિયા ભટ્ટ કહે છે, ‘લૂફા ન વાપરવાનું કારણ એ છે કે એ ડ્રાયનેસ અને પિગમન્ટેશન વધારે છે. હું તો લોકોને ઘસીને નહાવાની જ ના પાડું છું. માઇલ્ડ સાબુ કે માઇલ્ડ બૉડી વૉશ જ કરવાનું હોય. એક વખત કોઈ સાબુ લગાડીએ અને એને પાણીથી ધોઈ નાખીએ તો ત્વચા સાફ થઈ જ જાય છે. લૂફાને લીધે કીટાણુ ભેગા થાય તો સ્કિનનું ઇન્ફેક્શન વધી શકે ખરું. એમાંય હાર્ડ લૂફા તો વાપરવા જ નહીં. એનાથી ત્વચાનું એક્સફોલિએશન વધી શકે છે. ખરેખર તો ત્વચામાં આખી જિંદગી એક્સફોલિએશન ચાલુ જ હોય છે. આ પ્રક્રિયા એની મેળે જ થાય છે. હાર્ડ લૂફા વાપરીએ તો એક્સફોલિએશન વધી શકે છે. આમ તો લૂફા કોઈએ જ ન વાપરવા જોઈએ પણ ખાસ કરીને સેન્સિટિવ સ્કિનવાળા, ઍલર્જિક લોકો અને જેમને ફંગલ ઇન્ફેક્શન હોય તેમણે તો લૂફા વાપરવા જ ન જોઈએ.’

