Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > આ રીતે થવી જોઈએ દિવસની શરૂઆત

આ રીતે થવી જોઈએ દિવસની શરૂઆત

12 July, 2022 01:24 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

બૉલીવુડ અભિનેત્રી યામી ગૌતમનું કહેવું છે કે તે પોતાના દિવસની શરૂઆત હૂંફાળા હળદરવાળા પાણીથી કરે છ

પ્રતીકાત્મક તસવીર

હેલ્થ ઇઝ વેલ્થ

પ્રતીકાત્મક તસવીર


સેલિબ્રિટીઝની લાઇફસ્ટાઇલથી પ્રભાવિત થઈ, ઇન્ટરનેટ વિડિયો જોઈને તેમ જ વજન ઉતારવાની હોડમાં લોકો ખાલી પેટે વિવિધ પ્રકારનાં હર્બલ ડ્રિન્ક ટ્રાય કરવા લાગ્યા છે. તમને પણ ટ્રેન્ડ ફૉલો કરવાનો શોખ હોય તો પહેલાં આ વાંચી જાઓ...

સેલિબ્રિટીઝ હંમેશાં તેમના ચાહકોના રોલ મૉડલ હોય છે. હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે તેમણે સેટ કરેલા કેટલાક ગોલ્સ ફૉલોઅર્સ માટે ઇન્સ્પિરેશનનું કામ કરે છે. બૉલીવુડ સ્ટાર યામી ગૌતમે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ડિટૉક્સ વૉટરની વાત કરી છે. અભિનેત્રીનું કહેવું છે કે તેના દિવસની શરૂઆત હળદરવાળા હૂંફાળા પાણીથી થાય છે એટલું જ નહીં, હિમાચલ પ્રદેશમાં આવેલા પોતાના ફાર્મમાં ઉગાડવામાં આવેલી ફ્રેશ હળદરનો જ તે ઉપયોગ કરે છે. છેલ્લા કેટલાક સમયથી સવારમાં ઊઠતાંવેંત વિવિધ પ્રકારનાં હર્બલ ડ્રિન્ક પીવાનું ચલણ વધ્યું છે ત્યારે કયાં પીણાં પીવાથી મૅક્સિમમ હેલ્થ બેનિફિટ્સ મળી શકે છે તેમ જ દિવસની શરૂઆત કઈ રીતે કરવી જોઈએ એ નિષ્ણાત પાસેથી સમજીએ. 



પેટની સ્વચ્છતા    


નીરોગી રહેવા માટે સવારે ઊઠીને શું પીવું એની ચિંતા કરવા કરતાં ક્લીનિંગ પ્રોસેસ પર વધુ ફોકસ રાખવું જોઈએ એવી ભલામણ કરતાં ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ, આયુષ સર્ટિફાઇડ યોગ શિક્ષિકા અને વેલનેસ કોચ વર્તિકા મહેતા કહે છે, ‘આપણા ગ્રંથોમાં પેટને શરીરનું બીજું મગજ કહ્યું છે. બ્રેઇન શરીરનાં તમામ અંગોને કન્ટ્રોલ કરે છે, પરંતુ પેટ સા‍ફ ન આવે તો મગજ કામ કરતું અટકી જાય. તેથી દિવસની શરૂઆત પેટની સ્વચ્છતાથી થવી જોઈએ. પેટની સફાઈ વ્યવસ્થિત થાય એ માટે યોગનાં ત્રણ આસન સૂચવવામાં આવ્યાં છે જેમાંથી બે આસન બેડ પર સૂતાં હો ત્યારે જ કરવાનાં છે. સૌથી પહેલાં પીઠના બળે સૂઈને યષ્ટિકાસન એટલે કે સ્ટિક પોઝ કરવાનું છે. બન્ને હાથને ઉપરની તરફ અને પગને નીચેની તરફ ખેંચવાના. આમ કરવાથી પેટ પર પ્રેશર આવશે. ત્યાર બાદ પવનમુક્તાસન કરવું. બન્ને પગને વાળીને હાથના સપોર્ટથી પેટ સુધી લઈ આવો. ફરી પગ લાંબા કરો. ફરી પેટ સુધી લઈ આવો. બન્ને આસન ત્ર‍ણ વાર કરો.’
બેડ પર યોગાસન કર્યા પછી ડાબે પડખેથી શાંતિથી ઊઠો. ત્રીજા આસન મલાસન વિશે વર્તિકા કહે છે, ‘હર્બલ ડ્રિન્કનો ક્રેઝ છે તો જાણી લો કે પાણીથી શ્રેષ્ઠ કોઈ પીણું નથી. સવારમાં મલાસન પોઝમાં બેસીને ગરમ પાણી પીવું પછી ટૉઇલેટનો ઉપયોગ કરવો. વેસ્ટર્ન ટૉઇલેટમાં પેટ બરાબર સાફ નથી થતું. ટૉઇલેટની સીટ પર આગળની સાઇડ નમીને ન બેસવું. સીટ પર પાછળ તરફ ટટ્ટાર બેસવાથી પ્રૉપર પ્રેશર આવશે. આ ક્રિયાને રૂટીન બનાવવાથી અનેક પ્રકારના રોગ દૂર થાય છે. દિવસની શરૂઆત કરવાનો આ સૌથી સરળ અને અસરકારક માર્ગ છે.’ 

ચાર આંગળી જળ


તંદુરસ્ત જીવન માટે મળત્યાગ જેટલું જ મહત્ત્વ જઠરાગ્નિને પ્રદીપ્ત કરવા માટે આપવું જોઈએ એમ જણાવતાં આયુર્વેદાચાર્ય પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘ગરમ પાણી પીવા બાબત શાસ્ત્રોમાં ચાર ઉંગલી ઉષ્ણ જલ આ વિધાન લખેલું છે. શરીરના વિષાણુ દૂર કરવા સૂર્યોદય સમયે આપણી ચાર આંગળીમાં સમાય એટલી માત્રામાં ગરમ પાણી પીવાની ભલામણ કરવામાં આવી છે. એમાંય નાકથી પીવામાં આવે તો શરીરની શુદ્ધિ સાથે શ્વસન નલિકામાં ભરાયેલો કચરો સાફ થઈ જાય. જેમને નાક વાટે ન ફાવે એ મોઢેથી લઈ શકે છે. દિવસની શરૂઆત ઉષ્ણ જળથી કરવાનું કારણ શરીરનો કચરો બહાર ફેંકવા અને આખી રાતમાં મંદ પડેલા જઠરાગ્નિને પ્રદીપ્ત કરવાનું છે. જળ લીધા બાદ જઠરાગ્નિને પ્રદીપ્ત થવામાં એક પહોર એટલે કે અંદાજે દોઢ કલાક લાગે છે. ત્યાર બાદ સુપાચ્ય ખોરાક લેવો જોઈએ. પીણાંની જરૂર નથી. શાસ્ત્રોમાં ચાર આંગળીની વાત છે પણ દેખાદેખીમાં આપણે ચાર કપ અને હવે ચાર ગ્લાસ સુધી પહોંચી ગયા છીએ. પાણીનો અતિરેક અગ્નિને ઠારવાનું કામ કરશે. શાસ્ત્રોમાં એમ પણ કહ્યું છે કે તરસ લાગે ત્યારે પીવું અને ભૂખ લાગે ત્યારે ખાવું. એનું કોઈ માપ ન હોય. અત્યાર સુધી આયુર્વેદનું મહત્ત્વ બહુ ઓછા લોકો સમજતા. આયુર્વેદ એટલે કડવી દવા એવી ભ્રમણા કોરોનાકાળમાં દૂર થઈ ગઈ છે. હવે દરેક જનરેશનના લોકો ભારતની પરંપરાગત તબીબી ચિકિત્સા પર ભરોસો કરવા લાગ્યા છે ત્યારે નરણા કોઠે પીવાતાં ટ્રેન્ડી ડ્રિન્ક વાસ્તવમાં અસરકારક છે કે નહીં એ સમજવું આવશ્યક છે. આજકાલ જે પ્રકારનાં પીણાં ચલણમાં છે એ ખાસ કામનાં નથી. ગ્રંથોમાં મનાઈ ફરમાવવામાં આવી છે. નીરોગી જીવન માટે આહાર વિજ્ઞાનના નિયમ પ્રમાણે જઠારગ્નિનું બળાબળ જોયા પછી ઋતુ અનુસાર પ્રવાહી લેવાથી ફાયદો થાય છે.’

તીર અથવા તુક્કો

ઘણાને પ્રશ્ન થશે કે હળદરનો ઉલ્લેખ આયુર્વેદમાં છે તો લેવામાં શું વાંધો છે? એની કોઈ આડસઅર થઈ શકે છે? આ સંદર્ભે ખુલાસો કરતાં વર્તિકા કહે છે, ‘દરેકની પ્રકૃતિને માફક આવે એવું પીણું માત્ર પાણી જ છે. સામાન્ય રીતે વેઇટલૉસના પર્પઝથી લોકો ન્યુ કન્સેપ્ટને ફૉલો કરતા હોય છે. હમણાં ઍપલ સાઇડર અને લેમન વિથ હની ટ્રેન્ડિંગ છે. ગરમ પાણીમાં મધ અને લીંબુ નાખીને પીવાથી વજન ફટાફટ ઊતરી જશે એવું બહેનપણીએ કહ્યું એટલે શરૂ કરી દેવાનું? વાસ્તવમાં મધને ઠંડા પાણીમાં લેવાથી ફાયદો થાય છે. યામી ગૌતમની ગ્લોઇંગ સ્કિન અને પાતળા શરીરનું રહસ્ય હળદર છે એવું ધારીને ટ્રાય કરવામાં કોઈ લૉજિક દેખાતું નથી. તેને હળદર માફક આવતી હશે. તમારા શરીરમાં હળદરની અસર દેખાય એ જરૂરી નથી. આવા પ્રયોગો લાગ્યું તો તીર નહીં તો તુક્કોવાળી વાત છે. કોઈકને માફક આવી જાય એવું બની શકે છે. નીરોગી વ્યક્તિ ઇચ્છે તો થોડા દિવસ ટ્રાય કરી શકે પણ કોઈ રોગની દવા લેતા હોય તેમણે આંધળું અનુકરણ બિલકુલ ન કરવું.’

વજન ઘટવાનું ગણિત

વજન ઘટાડવા માટે જાતજાતના પ્રયોગો કરવાનું ચલણ હમણાંથી ખૂબ વધી ગયું છે. મધનું, લીંબુનું, હળદરનું પાણી, તાંબામાં ભરી રાખેલું પાણી બધાને ફાયદાકારક નીવડે એ જરૂરી નથી એમ જણાવતાં પ્રબોધભાઈ કહે છે, ‘હળદરમાં ઍન્ટિસેપ્ટિક, ઍન્ટિએજિંગ, ઍન્ટિઍલર્જિક જેવા અઢળક ગુણો છે. વિષાણુ અને કૃમિને દૂર કરવાની એમાં તાકાત છે, પરંતુ બધા માટે નથી. કફ પ્રકૃતિવાળી વ્યક્તિ હળદરનું પાણી પીએ તો ચોક્કસ ફાયદો થાય, જ્યારે પિત્ત પ્રકૃતિ ધરાવતી વ્યક્તિ માટે નુકસાનકારક છે. ગરમ પાણીમાં મધ નાખીને પીવાનો ટ્રેન્ડ ખાસ્સો પ્રચલિત થયો છે. મધને ગરમ કરો એટલે એ વિષ દ્રવ્ય બની જાય. તમારી પ્રકૃતિને અનુકૂળ ન હોય એવા પ્રયોગો કરવાથી વજન ઘટે છે, કારણ કે એનાથી તમારા શરીરની મેટાબોલિઝમ સિસ્ટમ બગડી જાય છે. મંદાગ્નિ થાય એટલે ખોરાક ન લઈ શકો. ખોરાક ન લો એટલે વજન આપોઆપ ઊતરી જાય. આ ગણિત દોડતા માણસનો પગ ભાંગી નાખવા જેવું છે. ગ્રંથોમાં પાચનતંત્રને સુધારવાની વાત કહી છે, જ્યારે આપણે નિતનવા પ્રયોગો કરીને એને બગાડવાનું કામ કરીએ છીએ. પાચનક્રિયાને બગાડીને કોઈ પ્રયોગો ન કરાય. વજન ઉતારવા વ્યાયામ પણ શરીરની ક્ષમતા મુજબ જ કરાય.’

Whatsapp-channel Whatsapp-channel

12 July, 2022 01:24 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK