Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > રોજ તમારો ચહેરો અરીસામાં જુઓ કે ન જુઓ, પગ જરૂર જોજો

રોજ તમારો ચહેરો અરીસામાં જુઓ કે ન જુઓ, પગ જરૂર જોજો

10 August, 2022 04:11 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યસ, આ નિયમ વડીલો માટે ચોમાસામાં બહુ જરૂરી છે. ડાયાબિટીઝ તો હવે દરેક ઉંમરના લોકોમાં વકરતો જોવા મળે છે ત્યારે અને ચોમાસામાં ભીના થવાનું હોય ત્યારે પેરિફેરલ નર્વ્સમાં ઘટતી સંવેદનાને કારણે એનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે.

રોજ તમારો ચહેરો અરીસામાં જુઓ કે ન જુઓ, પગ જરૂર જોજો

હેલ્થ ઇઝ વેલ્થ

રોજ તમારો ચહેરો અરીસામાં જુઓ કે ન જુઓ, પગ જરૂર જોજો


ઘરની બહાર નીકળો એટલે સૌથી વધુ ગંદકી પગની સ્કિન પર લાગે. આ સીઝનમાં તમે હવા પણ અંદર ન જાય એવાં ચુસ્ત અને બંધ શૂઝ પહેરશો તોય મુશ્કેલી થશે અને જો આંગળા અને એડીઓ ખુલ્લાં રહે એવાં સૅન્ડલ જેવું પહેરશો તોય સાવધાની જરૂરી છે. ખુલ્લા ચપ્પલને કારણે સૌથી વધુ ગંદકી, કીચડના સંપર્કમાં આવે છે અને બંધ શૂઝને કારણે ભેજ વધવાથી ફંગલ ઇન્ફેક્શનની સંભાવના વધે. જોકે માત્ર વાત ચોખ્ખાઈની નથી. યંગસ્ટર્સને પોતાના પગની સુંદરતા માટે બહુ સભાન હોય છે એટલે આ સીઝનમાં પેડિક્યૉર કરાવવા ઉપડી જાય છે, પણ વડીલો પગ પ્રત્યે બહુ બેકાળજી સેવે છે. પગ માત્ર બ્યુટી માટે જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ બહુ મોટું ઇન્ડિકેશન આપી શકે છે. શરીરમાં અનેક પ્રકારની એવી તકલીફો છે જેનાં લક્ષણો તમને સૌથી પહેલાં પગમાં આવેલા ફેરફારથી સમજાય છે. પગની ત્વચા કાળી પડવા લાગે, સવારે ઊઠો ત્યારે પગમાં સોજા ભરાયા હોય, પિંડીની રક્તવાહિનીઓ ગ્રીન કે કાળી પડીને ફુલી જાય, તળિયે કશુંક વાગે તો પણ ખબર ન પડે... જેવાં લક્ષણો હોય તો એ શરીરમાં વાઇટલ અવયવોની ખરાબી સૂચવે છે. 

શુગરથી પગમાં તકલીફ કેમ? 



ઘણાને એ નથી સમજાતું કે શુગરને અને પગના ઇન્ફેક્શનને શું લેવા-દેવા હશે. જરાક સાદી ભાષામાં સમજીએ. તમારી પાસે બે સરખી સાઇઝની નળીઓ છે. એકમાંથી પાણી પસાર કરો અને બીજામાંથી મધને પસાર કરો. કઈ નળીમાંથી પ્રવાહી અવરોધ વિના પસાર થશે? પાણી કે મધ? સ્વાભાવિકપણે પાણી જ. મધને બદલે તમે શુગરવાળું પાણી લેશો તો પણ આ જ થશે. શુગરને કારણે પાણીની ઘનતા વધે છે એવી જ રીતે લોહીમાં પણ શુગર ભળે એટલે લોહી જાડું થાય. લોહી ગાઢું થવાને કારણે પગથી પાછું હૃદય તરફ જવાની લોહીની ગતિમાં પણ ફરક આવે. ગતિ ઘટે એટલે ઑક્સિજનેટેડ લોહી શરીરના છેવાડાના અંગોને પહોંચવાનું પ્રમાણ ઘટે. ઑક્સિજનના અભાવે તેમ જ લોહીની ધીમી ગતિને કારણે જ્યાં-ત્યાં લોહી ગંઠાઈ જાય. અપૂરતા ઑક્સિજનને કારણે ત્યાંની નર્વ્સનું સંવેદનાવહન પણ ધીમું પડે અને એને કારણે પગમાં સંવેદના ઘટવા લાગે. નાની ચીજ વાગી જાય કે કાપો પડી જાય તોય તમને એનો અંદાજ ન આવે. આ વિષચક્ર છે. સામાન્ય સ્વસ્થતા ધરાવતી વ્યક્તિને જે ઘા રુઝાતાં ત્રણ દિવસ થાય એવો જ ઘા ડાયાબિટીઝના દરદીને રુઝાતાં ડબલ કે ત્રણ ગણો સમય લાગે એટલું જ નહીં, 
એના રુઝાવા માટે વિશેષ કાળજી પણ લેવી પડે. ઘણા દરદીઓને નવા શૂઝનો ડંખ થયો હોય તો એની પણ સંવેદના નથી થતી. આ શૂઝનો ડંખ પાકી જાય અને એ સડો હાડકાંમાં ઊતરે ત્યારે ખબર પડે અને એ વખતે ગૅન્ગ્રીન થઈને ઘણું મોડું થઈ ગયું હોય એવા કિસ્સાઓ પણ અનેક બને છે. આમ તો મધુપ્રમેહના દરદીઓએ બારેમાસ પગની કાળજી રાખવી જાઈએ, પણ ચોમાસામાં વિશેષ કાળજીની જરૂર પડે છે. 


પગમાં ડંખ વાગે, કાપો પડે, નખ અને ત્વચા વચ્ચેનાં ક્યુટિકલ્સમાં પાક થાય એ પછી એની સારવાર કરવાને બદલે એવું થાય જ નહીં એ માટે કાળજી લેવી અનિવાર્ય છે. 

પગની કાળજી 


બને ત્યાં સુધી કૅન્વસ કે સ્પોર્ટ્‍સ શૂઝ આ સીઝનમાં ન પહેરવાં. ફિલપ-ફલૉપ કે ચંપલ પણ ન પહેરવાં. જેમાં હવાની અવરજવર થાય એવાં ખાસ ચોમાસા માટેનાં બંધ શૂઝ પહેરવાં. એ શૂઝ કડક પ્લાસ્ટિકનાં નહીં, પણ નરમ મટીરિયલનાં હોય એ જરૂરી છે. 
 બહાર જતાં પહેલાં બને તો પગમાં ચોખ્ખું કોપરેલ તેલ લગાવી લો. એમ કરવાથી બહારનો કચરો ડાયરેક્ટ ત્વચામાંથી અંદર જતો અટકશે. 
 પગમાં કપાસી જેવું થયું હોય તો એ દુખે ત્યાં સુધી રાહ જાવાની જરૂર નથી. નિષ્ણાતની સલાહ લઈને એનો ઝડપથી નિકાલ કરવો આવશ્યક છે. 
 ઘણી વાર પગની આંગળીઓના ક્યુટિકલ્સ વચ્ચે કાદવ-કીચડ ભરાઈ રહે છે અને લાંબો સમય પાણીમાં રહેવાને કારણે એ ભાગમાં પાક થાય છે. ન્યુરોપથીને કારણે શરૂઆતમાં દરદીને પાકને કારણે લબકારા મારવાની સંવેદના નથી અનુભવાતી. 
 રોજ સવારે એક વાર પગનું બરાબર ઇન્સ્પેક્શન કરો. રોજ બહારથી ઘરે આવ્યા પછી સ્વચ્છ પાણીમાં પગ ધોઈને કોરા કરો. દર અઠવાડિયે એક વાર સહેજ હૂંફાળા પાણીમાં માઇલ્ડ શૅમ્પૂ નાખીને એમાં પાંચથી દસ મિનિટ પગ બોળી રાખો. બરાબર ધોયા પછી મૉઇડ્ઢરાઇઝર લગાવીને અને મોજાં પહેરીને સૂઈ જાઓ. 

ઔષધ પ્રયોગો શું થઈ શકે?

ડાયાબિટીઝ હોય ત્યારે શુગર અને બ્લડપ્રેશર બન્ને કન્ટ્રોલમાં રાખવું. દવા અને કસરત કરવી. સૂતી વખતે પગની નીચે બે તકિયા મૂકીને બ્લડ સર્ક્યુલેશનમાં સુધારવું. ડાયાબેટિક ફૂટ ન થાય એ માટે લોહી પાતળું રહે એ જરૂરી છે. એ માટે ફ્રેશ લીલી અને આંબા હળદર ખાવી. સૂકી હળદરથી જોઈએ એટલો ફાયદો નથી થતો. એ ઉપરાંત ગળો, હરડે અને અરડૂસીનું ચૂર્ણ પણ ચોક્કસ માત્રામાં લેવાથી શુગરને કારણે વધતા લિપિડમાં ફાયદો થાય છે. અર્જુનની છાલ અને પુનર્નવા બહુ જ અસરકારક છે. પુનર્નવાનું નામ જ સૂચવે છે કે એ નવજીવન આપે છે. મતલબ કે એ કોષોને રીજનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. અલબત્ત, આ ઔષધદ્રવ્યોનું પ્રમાણમાપ અનુભવી વૈદ્યને કન્સલ્ટ કરીને જ લેવું.

Whatsapp-channel Whatsapp-channel

10 August, 2022 04:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK