આપણે જેટલું ચાવીએ એટલા આપણા પેઢાને કસરત મળે છે. ખોરાકમાં રહેલાં ફાઇબર્સ પેઢાને મસાજ કરે છે
પ્રતીકાત્મક તસવીર
છેલ્લાં કેટલાંક વર્ષોમાં દોડતી-ભાગતી જિંદગી સાથે તાલ મિલાવવા માટે આપણે શૉર્ટ-કટ્સ અપનાવી રહ્યા છીએ. ઊઠીને અડધી મિનિટમાં બ્રશ પતાવવાનું, જમવું હોય તો ટ્રાવેલિંગ કરતી વખતે કઈ પણ ખાઈને પતાવવાનું, પોષણયુક્ત ખોરાકના નામે બજારમાંથી જૂસનાં પૅકેટ પી લેવાનાં, ચૉકલેટ્સ, ઠંડાં પીણાં અને ગળ્યા પદાર્થોનો અતિરેક જેવી ઘણી આદતોને કારણે આપણી ઓરલ હેલ્થ બગડી રહી છે. આપણે સ્નાયુઓ અને હાડકાને મજબૂત બનાવવાની વાત કરીએ છીએ, પણ દાંત અને પેઢાનું શું?
ઓરલ હેલ્થ માટે ફક્ત એની સફાઈ જ નહીં, પરંતુ મજબૂતી પણ એટલી જ મહત્ત્વની છે. દાંત સાફ કરવા ખૂબ જ જરૂરી છે અને એની સાથે-સાથે જરૂરી છે દાંતને સશક્ત બનાવવા. શરીરના કોઈ પણ અંગને સશક્ત બનાવવું હોય તો એક જ ફૉર્મ્યુલા છે કે એનો ઉપયોગ વ્યવસ્થિત કરવો અને ખૂબ વધારે કરવો. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ મુજબ પહેલાં આપણી પાસે પૂંછડી હતી, પરંતુ સમય રહેતાં એની જરૂર પડી નહીં એટલે ધીમે-ધીમે માણસ પૂંછડી વગરનો બન્યો. જો આ જ રીતે આપણે દાંતનો ઉપયોગ ઘટાડતા રહ્યા તો આજથી ૨૦૦ વર્ષ પછી બને કે દાંત વગરના માણસો સામે આવવા લાગે. આમ પણ વૈજ્ઞાનિકો એ સિદ્ધ કરી ચૂક્યા છે કે આદિમાનવ જે જંગલમાં શિકાર કરીને જીવતો એના દાંત અને આજના મનુષ્યના દાંતમાં ઘણો જ મોટો ફરક છે. ટૂંકમાં વિજ્ઞાન અનુસાર જે વસ્તુનો ઉપયોગ થાય છે એ જ ટકે છે. જો દાંતનો ઉપયોગ ઘટાડશું તો ચોક્કસ દાંત નબળા આવતા જશે અને એક દિવસ ગાયબ જ થઈ જશે.
ADVERTISEMENT
આપણે જેટલું ચાવીએ એટલા આપણા પેઢાને કસરત મળે છે. ખોરાકમાં રહેલાં ફાઇબર્સ પેઢાને મસાજ કરે છે. આ ફક્ત માન્યતા જ નથી, પરંતુ સાયન્સ પણ છે. ખાસ કરીને દાંત અને પેઢાને મજબૂત બનાવવા માટે કાચો ખોરાક મદદરૂપ થાય છે, કારણ કે એ વધુ ચાવવો પડે છે. દરદીના દાંત જોઈ કહી શકાય છે કે દરદી જમણી બાજુએથી જ ચાવે છે કે ડાબી બાજુએથી. એનું કારણ એ છે કે જે બાજુએથી ચાવો છો એ બાજુના દાંત ચોખ્ખા હોય છે અને બીજી બાજુના દાંત વપરાયા વગરના હોવાથી એના પર છારી બાજી જાય છે. દાંતનો ઉપયોગ એ જ એની એક્સરસાઇઝ છે, જેનો અર્થ એ નથી કે વધુ ખાઓ, પરંતુ એનો અર્થ એ છે કે સરસ ચાવીને ખાઓ. બીજું એ કે ફક્ત બ્રશ કરવું પૂરતું નથી. પહેલાંના સમયમાં લોકો પેઢાને મસાજ કરતા, એ પણ ઘણું ગુણકારી છે. પેઢાને મસાજ કરવાથી એ સ્વસ્થ રહે છે.

