Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > કેવી રીતે છોડાવવું ગૅજેટ્સનું વળગણ?

કેવી રીતે છોડાવવું ગૅજેટ્સનું વળગણ?

16 July, 2021 08:44 AM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

તાજેતરમાં એક મમ્મીએ તેના બાળકની આંખ આગળ કાજળથી કાળાં કૂંડાળાં કરીને તેને ડરાવ્યું હતું કે ગૅજેટના વપરાશને કારણે તારી આવી હાલત થઈ છે. શું સ્માર્ટફોન અને ગૅજેટ્સથી બાળકને છોડાવવાના આવા નુસખા કામના છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તાજેતરમાં એક મમ્મીએ તેના બાળકની આંખ આગળ કાજળથી કાળાં કૂંડાળાં કરીને તેને ડરાવ્યું હતું કે ગૅજેટના વપરાશને કારણે તારી આવી હાલત થઈ છે. શું સ્માર્ટફોન અને ગૅજેટ્સથી બાળકને છોડાવવાના આવા નુસખા કામના છે? ચાલો જાણીએ સંતાનને ગૅજેટ્સ-ફ્રી કરવા માટેની સાચી રીતો શું છે.

હાલના સંજોગોમાં બાળક ગૅજેટ્સના વળગણથી મુક્ત થઈ શકે એવી સંભાવનાઓ ખૂબ ઓછી લાગી રહી છે ત્યારે થોડા દિવસ પહેલાં મમ્મીઓના એક જાણીતા સોશ્યલ મીડિયા ગ્રુપમાં અમુક ફોટો અપલોડ થયા હતા જેમાં એક મમ્મીએ તેની લગભગ ૭-૮ વર્ષની દીકરીના ગૅજેટના વધુ પડતા વપરાશને રોકવા માટે દીકરી સૂતી હતી ત્યારે તેની આંખની આગળ કાળાં કૂંડાળાં કરી દીધાં હતાં. દીકરી ઊઠી ત્યારે તે આ કાળાં કૂંડાળાં જોઈને ભયંકર ડરી ગઈ. તેણે મમ્મીને પોકારી અને પૂછ્યું કે આ શું થઈ ગયું? મમ્મીએ કહ્યું કે તને કીધું હતુંને કે મોબાઇલ પર ગેમ રમવાથી આંખ આગળ કાળાં કૂંડાળાં થઈ જાય; પણ તું માની નહીં, હવે જો આ કાળાં કૂંડાળાં થઈ ગયાં છે. આ જાણીને છોકરી એકદમ હેબતાઈને મમ્મીને વળગી પડી. આ સ્ટોરી જોઈને એ મમ્મીના ગ્રુપમાં બીજી મમ્મીઓને આ આઇડિયા ખૂબ સારો લાગેલો અને તેમણે નીચે કમેન્ટ કરી કે અમે પણ આ આઇડિયા અપનાવીશું. 
આ મમ્મીએ જે પણ કર્યું એમાં કંઈ નવું તો નહોતું. વર્ષોથી મમ્મીઓ પોતાના બાળકને થોડું બીવડાવીને તેમની પાસેથી કામ લેતી હોય છે. વર્ષો પહેલાં મમ્મીઓ બાળક જમતું ન હોય તો કહેતી કે ખાઈ લે જલદી, નહીંતર બાવો આવશે! બિચારા બાળકને ખબર જ નથી હોતી કે બાવો એટલે શું? પરંતુ તે મમ્મીના હાવ-ભાવ જોઈને ડરી જાય અને ઝટપટ ખાઈ લે. આવું જ મમ્મીઓ બાળકને સેફ રાખવા માટે કહેતી કે અંધારામાં ત્યાં ન જતો... બાળક પૂછે કેમ? તો કહેશે કે ત્યાં અંધારાની મા હોય છે, એ તારા જેવાં બાળકોને પકડી જાય માટે તું ત્યાં ન જઈશ. બાળકો પણ મમ્મીની આવી વાતોમાં આવી જતાં. મમ્મીનું કામ પણ પતી જતું. આંખ આગળ કૂંડાળાની ટેક્નિક પણ આ જ પ્રકારની છે. જોકે આ પ્રકારની ટેક્નિક કેટલી હદે વાજબી ગણી શકાય?
વિશ્વાસનો સવાલ 
આવો પ્રશ્ન થાણેનાં કૉન્શ્યસ પેરન્ટિંગ કોચ દીપ્તિ ગાલાને પણ થયો હતો એટલે તેમણે સોશ્યલ મીડિયા પર ઘણા પેરન્ટિંગ કોચ, પેરન્ટ્સ અને ચિંતકોને ટૅગ કરીને પોસ્ટ મૂકી કે આ પ્રકારની ટેક્નિક કેટલે અંશે વાજબી છે? તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આવું કરવાથી બાળક અને માતા-પિતા વચ્ચેનો ટ્રસ્ટ કઈ રીતે જળવાશે? આ રીતે 
બાળકને ખોટી રીતે ડરાવીને તેમની પાસેથી ક્યાં કામ સુધી લઈ શકશો? ફક્ત ૭-૮ વર્ષ સુધી. જેવું એ મોટું થશે ત્યારે સમજી જશે કે તેને ઉલ્લુ 
બનાવવામાં આવી રહ્યું છે. એને કારણે બાળકનો પેરન્ટ્સ પરનો વિશ્વાસ હલી શકે છે. એટલું જ નહીં, પછી તે ભવિષ્યમાં તમે જે બાબત તેને નહીં કરવાનું કહેશો કદાચ તે માને નહીં એવું પણ બને.
નો શૉર્ટકટ્સ પ્લીઝ!
બાળકોને ગૅજેટની લત છોડાવવા માટે આ પ્રકારના શૉર્ટકટ્સ અપનાવવા બાબતે વાત કરતાં દીપ્તિ ગાલા કહે છે, ‘મારી પાસે આવતા ઘણા પેરન્ટ્સને હું પૂછું છું કે કયા કારણથી તમારા બાળકને આ લત પડી? ત્યારે તેમને રિયલાઇઝ થાય છે કે પહેલી વાર બાળક જ્યારે જમતું નહોતું કે ક્રૅન્કી થઈ ગયું હતું કે હોટેલમાં લઈ ગયા હતા ત્યારે શાંતિથી બેસતું નહોતું ત્યારે તેની પાસે ધાર્યું કરાવવા માટે પેરન્ટ્સે જ તેના હાથમાં ગૅજેટ પકડાવી દીધું હતું. આ રીતે તેને શાંત પાડવાની કે પેરન્ટ્સ જે ઇચ્છે છે એ તેની પાસે કરાવવાની ઇચ્છા થકી જ બાળકોના હાથમાં ગૅજેટ આપવામાં આવે છે અને પછી જ્યારે તેમને એની લત પડી જાય છે ત્યારે આ જ પેરન્ટ્સ કહે છે કે બાળકો માનતાં નથી અને ગૅજેટ્સ છોડતાં નથી. જીવનમાં દરેક પ્રૉબ્લેમના ક્વિક ફિક્સ આઇડિયા લાંબા ગાળે નુકસાનકારક હોય છે એ પેરન્ટ્સે સમજવું પડશે.’
સંપૂર્ણ મુક્તિની જરૂર નથી 
આજની તારીખે ફક્ત બાળકોના જ નહીં, મોટેરાઓના જીવનમાં પણ ગૅજેટ્સે જ ઘર બનાવી લીધું છે. મમ્મી-પપ્પા જ નહીં, ઘરમાં દાદા-દાદી કે તેમને 
સાચવતી આયાઓ પણ મોબાઇલ ફોનથી ચોંટેલી રહેતી હોય છે. આ પરિસ્થિતિમાં બાળક એ જ કરે છે જે તે જુએ છે. બાળક જે તમે કરો છો એ વસ્તુઓને અપનાવે છે એ બાબત પર ભાર મૂકતાં ધી આર્ટ ઑફ પેરન્ટિંગના કોચ અમિત શાહ કહે છે, ‘શું તમે ગૅજેટ વગર જીવી શકો એમ છો? તો પછી બાળકને કઈ રીતે ગૅજેટથી સંપૂર્ણ મુક્તિ અપાવશો? એ શક્ય નથી. પહેલી વાત તો એ કે મશીનનું નિર્માણ આપણી સહૂલિયત માટે થયું છે. સોશ્યલ મીડિયા કહો કે ઇન્ટરનેટ, આજની તારીખે બાળક માટે મદદરૂપ થતું એ એવું પ્લૅટફૉર્મ છે જેમાંથી તે અઢળક શીખી શકે છે, જાણી શકે છે અને તેનો વિકાસ થઈ શકે છે. જરૂરી એ નથી કે તમે બાળકને સાવ ગૅજેટમુક્ત કરી દો, પરંતુ તેને એનો સાચો ઉપયોગ કરતાં સમજાવો, તેને નિયમબદ્ધ કરો.’કઈ રીતે શક્ય બને? 



 બાળકને શિસ્તબદ્ધ કરવું હોય કે પછી રૂટીન સેટ કરવું હોય તો એ માટે સમય અને ધીરજ જોઈશે. વ્યવસ્થિત જમવું, હેલ્ધી ખોરાક ખાવો, ગૅજેટ વગર જ જમવું, સમય પર સૂવું, સૂતા પહેલાં ગૅજેટ ન વાપરવું, આખા દિવસમાં બે કલાકથી વધુ ગૅજેટને અડવું નહીં આવા કેટકેટલા કન્સેપ્ટ છે જે આપણે બાળકના જીવનમાં ઉતારવાના હોય છે. એ રાતોરાત ઊતરતા નથી. એના માટે સમય જોઈએ છે.   આજકાલના પેરન્ટ્સ પાસે બાળક માટે ઓછો સમય છે, કારણ કે તેઓ ખુદ ખૂબ જ બિઝી છે. જોકે પરવરીશ સમય માગે છે. આ સમયને તમે એક ઇન્વેસ્ટમેન્ટ સમજો. જ્યારે બાળક નાનું હોય ત્યારે તમે ૨૪માંથી ૧૬ કલાક તમારા બાળકને જ આપો છો તો એ ઇન્વેસ્ટમેન્ટ છે. શરૂઆતનાં વર્ષોમાં તેને જમાડવા માટે તમે કલાક ધીરજ રાખીને ખવડાવો છો. તો એ તેના માટે જીવનભરની સારી આદત તમે તેનામાં રોપો છો. બાળકને ગૅજેટ લિમિટેડ સમય માટે આપો અને તેને ગૅજેટનો સદુપયોગ શીખવો. એનો ઉપયોગ ફક્ત એન્ટરટેઇનમેન્ટ માટે નહીં, જ્ઞાન માટે પણ એ લોકો કરે એ જરૂરી છે. એક વાર આદત પડી ગઈ એટલે છોડાવી નહીં શકાય એવું ધારી ન લો. એ આદત ધીમે-ધીમે છૂટશે. એના માટે સતત પ્રયાસ કરવો. પ્રયાસ છોડવો નહીં. 
 કોઈ એક વસ્તુથી દૂર કરવા માટે એની અવેજીમાં કોઈ બીજી વસ્તુ તમારે બાળકને આપવી પડશે. તેને બાળકો સાથે રમવા મોકલો. દરરોજ બે કલાક તે આઉટડોર ગેમ રમે જ એવો કોઈ નિયમ બનાવો. ઘરમાં જ રમવું હોય તો ઘણી વધી બોર્ડ-ગેમ આવે છે એ વાપરી શકાય. બુક્સ વાંચવાની સારી આદત પાડો. પુસ્તકોથી સારા મિત્રો બીજે ક્યાંય મળશે નહીં. ઘરની ઍક્ટિવિટીમાં પણ તેને જોડો. અહીં જવાબદારી દેવા કરતાં તેને ઇન્વૉલ્વ કરવાની બાબત વધુ મહત્ત્વની છે. ઘરના નાના-નાના કામમાં તે રત રહેશે, કંટાળશે નહીં અને વ્યસ્તતાને કારણે ગૅજેટ વારંવાર હાથમાં પકડશે નહીં. શરૂઆતમાં જ્યારે તમે તેને ગૅજેટ્સ છોડાવશો ત્યારે સતત તે તમારો સાથ માગશે. મારી સાથે રમો, મારી સાથે રહો જેવી તેની માગણીઓને પૂરી કરવાની કોશિશ કરજો. જો એ પૂરી થશે તો તે આપોઆપ તમારી નજીક આવશે અને ગૅજેટથી દૂર થઈ જશે. એક વાર તેનું રૂટીન સેટ થશે પછી એ તમારા સમયની વધુ પડતી માગણી નહીં કરે, પણ શરૂઆતમાં તેની સાથે રહેવું પડશે.જરૂરી એ નથી કે તમે બાળકને સાવ ગૅજેટમુક્ત કરી દો, પરંતુ તેને એનો સાચો ઉપયોગ કરતાં સમજાવો, તેને નિયમબદ્ધ કરો.
અમિત શાહ, પેરન્ટિંગ કોચ


 

 


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2021 08:44 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK