Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > એક્સરસાઇઝ અને ડાયટથી ૩૫ દિવસમાં ૧૯ કિલો વજન ઘટાડેલું

એક્સરસાઇઝ અને ડાયટથી ૩૫ દિવસમાં ૧૯ કિલો વજન ઘટાડેલું

26 July, 2021 11:45 AM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

૧૧૦ કિલોના થઈ ગયેલા જુગનૂ શાહના મિશન વેઇટલૉસમાં આ પહેલી જીત હતી. ખાવાના શોખીન અને અસ્તવ્યસ્ત જીવનશૈલીના આદિ એવા ૩૬ વર્ષના આ યુવાનના જીવનમાં શિસ્ત અને સ્વાસ્થ્યની ક્રાન્તિ કેવી રીતે સરજાઈ એની પ્રેરણાદાયક દાસ્તાન જાણીએ

 બધું જ કામ જાતે કરે છે એટલે વીસ-વીસ કિલોની ગૂણી ઉપાડીને ડિલિવરી કરવા તેમણે જવું પડે. ત્રણેક વર્ષ પહેલાં અને આજે તેમની એનર્જીમાં અકલ્પનીય ફરક પડ્યો છે.

બધું જ કામ જાતે કરે છે એટલે વીસ-વીસ કિલોની ગૂણી ઉપાડીને ડિલિવરી કરવા તેમણે જવું પડે. ત્રણેક વર્ષ પહેલાં અને આજે તેમની એનર્જીમાં અકલ્પનીય ફરક પડ્યો છે.


ઉંમર હશે લગભગ ૩૪ વર્ષ અને વજન થઈ ગયેલું ૧૧૦ કિલોને પાર. જ્યાં સુધી મેડિકલ રિપોર્ટમાં ખતરાની ઘંટડી નહોતી વાગી ત્યાં સુધી જુગનૂ શાહને આ વજન સામે પણ કોઈ વાંધો નહોતો. પરંતુ એક ફુલ બૉડી ચેકઅપમાં ખબર પડી કે ડાયાબિટીઝ બૉર્ડર પર છે. કૉલેસ્ટરોલ અને યુરિક ઍસિડનું પ્રમાણ ડબલ કરતાંય વધારે છે. પગમાં દુખાવો થતો. ચાલતાં-ચાલતાં હાંફ ચડી જતી. વધી રહેલા વજન તરફ લાલ આંખ કરવી જરૂરી છે એ વાત હવે તેને સમજાઈ ગઈ હતી. ઘાટકોપરમાં રહેતા જુગનૂ શાહની વાત કરી રહ્યા છીએ આપણે. અત્યારે જુગનૂની ઉંમર ૩૬ વર્ષ છે અને વજન રહે છે લગભગ ૮૫ કિલોની આસપાસ. અને હવે હેલ્થ છે એકદમ અપ ટુ ડેટ. કબૂતરના ચણ, કાગડા માટેના ગાંઠિયા જેવી વસ્તુઓના છેલ્લાં બાવીસ વર્ષોથી તેઓ સપ્લાયર છે. બધું જ કામ જાતે કરે છે એટલે વીસ-વીસ કિલોની ગૂણી ઉપાડીને ડિલિવરી કરવા તેમણે જવું પડે. ત્રણેક વર્ષ પહેલાં અને આજે તેમની એનર્જીમાં અકલ્પનીય ફરક પડ્યો છે.

ડરથી થઈ હતી શરૂઆત



‘વજન વધારે છે એ ખબર હતી પરંતુ વધેલા વજને અંદર ખરાબી કરવાની શરૂ કરી દીધી છે એની ખબર પડતાં ખરેખર હું ગભરાઈ ગયો હતો,’ વાતની શરૂઆત કરીને જુગનૂભાઈ આગળ કહે છે, ‘યંગ એજમાં મોટી બીમારી આવી જાય અને મને કંઈક થઈ જાય તો પરિવારનું શું થાય એ વાતનો ડર મને લાગ્યો. નાનાં બાળકોનો વિચાર આવતાં જ નિશ્ચય કરી લીધો કે બસ, હવે અહીં અટકવું છે. દવાઓ પર નિર્ભર રહેવાનો સમય આવી જાય એ પહેલાં જાતને સંભાળી લેવી છે. એમાં મને અમારા જ સમાજનાં એક આયુર્વેદિક ડૉક્ટર અને સમાજ માટે પણ ખૂબ કામ કરી રહેલાં ડૉ. બીના સ્વામીનો સપોર્ટ મળ્યો. મેં તેમની ઍડ્વાઇઝ લીધી તો તેમણે મને માત્ર ડાયટ પ્લાન બનાવી આપ્યો એટલું જ નહીં, મારા ઘરે પણ વાત તેમણે કરી કે કઈ રીતે તેઓ મને આમાં સપોર્ટ કરી શકે. ૨૦૧૭માં રિપોર્ટ્સ ખરાબ આવ્યા પછી મેં મારી રીતે ધીમે-ધીમે કામ શરૂ કર્યું હતું પણ ૨૦૧૮માં રિલિજિયસલી હું વજનની પાછળ પડી ગયો. એમાં લગભગ એક મહિનામાં જ ઓગણીસ કિલો વજન ઘટી ગયું હતું. એ મારા માટે ખૂબ મોટિવેટિંગ બાબત હતી.’


તો શું કર્યું પછી?

ડાયટ અને એક્સરસાઇઝ સિવાય કંઈ જ નહીં. જુગનૂ કહે છે, ‘સવારે નાસ્તો, બપોરે જમવાનું અને સાંજે ડિનર. બસ, આટલાં મીલ લેવાનાં. ભોજનમાંથી ભાત, પાંઉ-બ્રેડ, ઘી, સાકર અને તળેલી આઇટમો બંધ કરી દીધી. લગભગ પાંત્રીસ કિલો વજન ઘટ્યું ત્યાં સુધી આ જ ડાયટને ફૉલો કરી. ખાવાનો હું જબરદસ્ત શોખીન છું. હું જમીને પેટ ભરીને ઊભો થયો હોઉં તો પણ બે-ત્રણ વડાપાંઉ ઉપરથી ખાઈ શકતો. મને બહારની બધી જ ચટપટી આઇટમો ભાવતી અને કોઈ કન્ટ્રોલ વિના ખાતો. બીજું, મારું કામ ફરવાનું હતું એટલે આવું બધુ ખાવાના અવસર પણ ઘણા મળતા. એ સમયે આખા દિવસમાં હું અડધો કિલોમીટર પણ નહોતો ચાલતો. જોકે વજન ઘટાડવાનું નક્કી કર્યું ત્યારે રોજના બેથી અઢી કલાક કસરત અને વૉકિંગ માટે ફાળવ્યા. ખોટું નહીં બોલું, શરૂઆતમાં ખૂબ તકલીફ પડી. રાજાવાડી ગાર્ડનમાં હું વૉક માટે જતો. પાંચ મિનિટ ચાલતો અને હાંફી જતો. ગિવ અપ કરવાના પણ ઘણા વિચારો આવતા પણ પછી બાળકોના ચહેરા દેખાતા અને પાછો હિંમત સાથે મચી પડતો. ધીમે-ધીમે સ્ટૅમિના વધવા માંડ્યો. એક સમય એવો આવ્યો કે ટોટલ પંચાવન મિનિટ લાગલગાટ હું દોડતો અને એ પછી યોગ, પ્રાણાયામ અને અન્ય એક્સરસાઇઝ કરતો એક કલાક. પહેલાં હું શિંગ ખૂબ ખાતો અને શેરડીનો રસ ખૂબ પીતો. એના પર પણ કન્ટ્રોલ મૂકી દીધો.’


પરિણામ એ મોટિવેશન

જો તમે પૂરેપૂરી નિષ્ઠા સાથે પ્રયાસો કરો તો પરિણામ મળે જ છે. જુગનૂ પોતાનો અનુભવ શૅર કરતાં કહે છે, ‘પરિણામ એ તમારા માટે સૌથી મોટું મોટિવેશન છે. બને કે તમને અંદરખાને ક્રેવિંગ્સ જાગે પરંતુ સંયમિત રહેવું જરૂરી છે. એક વાર છૂટ લીધી તો બીજી, ત્રીજી અને ચોથી વાર એ છૂટ ઉમેરાશે અને એમાં તમે પણ પોતાને રોકી નહીં શકો. મને પણ મન થતું પરંતુ જેમ-જેમ પરિશ્રમનું પરિણામ દેખાવા માંડ્યું એમ-એમ એની વૅલ્યુ પણ સમજાવા લાગી. હું પહેલા માળે એક ગૂણી લઈને ચડવું હોય તો પાંચ વખત હાંફીને ઊભો રહી જતો એને બદલે હવે ચાર માળ એકશ્વાસે ચડી જાઉં છું. થાક ઘટ્યો, એનર્જી વધી, ફ્રેશનેસ વધી અને લાઇફને જોવાનો મારો દૃ‌ષ્ટિકોણ બદલાયો. માત્ર મારો દેખાવ જ નહીં પણ દુનિયાને જોવાનો મારો દૃષ્ટિકોણ પણ બદલાયો. પહેલા જ મહિના પછી મારાં ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ, યુરિક ઍસિડ લાઇન પર આવી ગયાં. હું માનું છું કે જો મેં એ સમયે ઢીલ કરી હોત તો કદાચ જીવનભર દવાઓના આશરે જીવવાનો વારો આવ્યો હોત. અત્યારે હું રોજ માત્ર એક આયુર્વેદની દવા લઉં છું, એ પણ ગિલોય. એનાં પણ સારાં પરિણામ મળ્યાં છે મને. ૨૦૧૫માં મને ડેન્ગી થયો, ૨૦૧૬માં પણ થયો અને ૨૦૧૭માં ચિકનગુનિયા થયો. એ પછી મિત્રની સલાહથી ગિલોય ખાવાનું ચાલુ કર્યું. એ દિવસ અને આજનો દિવસ, મને એક પણ દિવસ તાવ સુધ્ધાં આવ્યો નથી. કોરોનામાં હું રોજ બહાર જતો હતો, કારણ કે મારું કામ જ એવું હતું. બસ, આ ગિલોય અને બાફ એ બે બાબત સિવાય ત્રીજો કોઈ નુસખો મેં નહોતો અજમાવ્યો, પરંતુ વાઇરલ ઇન્ફેક્શનની બાબતમાં હું સુરક્ષિત રહ્યો હતો.’

બીજા લૉકડાઉનમાં

એક પૉઇન્ટ પર જુગનૂનું વજન ૭૫ કિલોની આસપાસ પહોંચી ગયું હતું જે તેની હાઇટને અનુરૂપ હતું પરંતુ એ પછી થોડીક વીકનેસ આવવા માંડી હતી. તે કહે છે, ‘ઘી ટોટલી બંધ કર્યું એની પણ અસર દેખાવાની શરૂ થઈ હતી. એટલે આયુર્વેદિક ડૉક્ટરના કહેવાથી જ રોજની એક ચમચી ઘી શરૂ કર્યું હતું. ફરી એક વાર ઘરે રહેવાનું બન્યું અને કસરતો માટે બહાર જઈ શકાય એવી સ્થિતિ નહોતી એટલે વજન પર થોડીક અસર થઈ. અત્યારે હોવું જોઈએ એના કરતાં ત્રણથી ચાર કિલો વજન વધારે છે, જે ઘટાડવું સરળ છે પરંતુ સૌથી મહત્ત્વની વાત મને જો કોઈ લાગતી હોય તો એ છે મારી એનર્જી. મારું એનર્જી લેવલ, સ્ટ્રેંગ્થ અને સ્ટૅમિના પર્ફેક્ટ છે. હું એસીનો ઉપયોગ અવૉઇડ કરું છું. નૅચરલ ક્લાઇમેટમાં રહેવાની આદત પણ મારા શરીરને સારી રીતે ટ્રેઇન કરે છે. સમય પર સૂવાનું, સમય પર જાગવાનું, સમય પર ખાવાનું અને નિયમિત જીવન જીવવાનું મહત્ત્વ કેટલું છે અને એની કેવી જાદુઈ અસર થાય છે એ મારાથી બહેતર તમને કોઈ નહીં કહી શકે.’

Whatsapp-channel Whatsapp-channel

26 July, 2021 11:45 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK