શરીર અને મન બન્નેનું સિન્ક્રોનાઇઝેશન સારું હોય ત્યારે જ સ્વાસ્થ્ય સારું હોય એમ માની શકાય
ફ્લૅમિન્ગો પૉઝ
એ સમય જણાવશે કે તમારું ફિટનેસ લેવલ શું છે. આદર્શ રીતે એક પગ પર તમે ૩૦ સેકન્ડ ઓછામાં ઓછા અને ૧ મિનિટ પૂરેપૂરા ઊભા રહો તો કહી શકાય કે તમે એકદમ ફિટ છો. આ ટેસ્ટ તમારી મસ્ક્યુલો-સ્કેલેટલ સિસ્ટમ સારી છે કે નહીં એ ચકાસે છે. જીવવા માટે અત્યંત જરૂરી એવું ન્યુરો-મસ્ક્યુલર કો-ઑર્ડિનેશન એટલે કે સાદી ભાષામાં તમારું બૅલૅન્સ કેવું છે એ જણાવે છે. બાળકોથી લઈને વડીલો સુધી આ ટેસ્ટ કોઈ પણ કરી શકે છે. બસ, પડી ન જાઓ એનું ખાસ ધ્યાન રાખજો
મુંબઈકરો માટે ફ્લૅમિન્ગો તેમનું પોતીકું પક્ષી ગણાય. એ પોતીકા પક્ષીની જેમ તમને ઊભા રહેતાં આવડે છે? આમ તો ફ્લૅમિન્ગો બે પગે જ ઊભાં હોય, પણ તમે એમને ઘણીબધી વાર એક જટાળા સાધુની જેમ એક પગે ઊભા રહીને તપ કરતાં જોયાં જ હશે. એ ફ્લૅમિન્ગોનો ક્લાસિક પોઝ છે. તેઓ આ રીતે કેમ ઊભાં રહે છે એ તો મને ખબર નથી, પરંતુ જો તમારે તમારું ફિટનેસ લેવલ જાણવું હોય તો ચોક્કસ એક પગે ઊભા રહીને જોવું જોઈએ કે તમે કેટલી સેકન્ડ એક પગ પર આખા શરીરનું બૅલૅન્સ કરી શકો એમ છો. જો તમે એ જાણી લો તો અંદાજ આવી શકે કે તમે કેટલા ફિટ છો. આ ટેસ્ટ આજકાલ ખાસી ટ્રેન્ડિંગ થઈ રહી છે, જેનું નામ છે ફ્લૅમિન્ગો બૅલૅન્સ ટેસ્ટ.
ADVERTISEMENT
ટેસ્ટની જરૂર
આમાં કરવાનું શું હોય છે? પહેલાં એકદમ સીધા ઊભા રહો. બન્ને પગમાંથી એક પગને ઘૂંટણેથી વાળીને પાછળની તરફ લઈ જાઓ અને એને એ જ તરફના હાથથી પકડી રાખો. અહીં બીજા પગના જોરે બૅલૅન્સ સાધવાનું છે. એ એક પગ પર વગર કોઈ ટેકે કેટલું ઊભા રહી શકો છો એ જોવાનું છે. સ્ટોપ વૉચ સાથે રાખવી અથવા તો કોઈ વ્યક્તિને ચોક્કસ સેકન્ડ ગણવા માટે કહેવું. આ ટેસ્ટ બન્ને પગે કરવી જોઈએ, જેમાં સહજ રીતે એક પગની તાકાત બીજા પગની તાકાત કરતાં ઓછી-વધુ હોવાની પણ આશરે તમે કેટલી સેકન્ડ ઊભા રહો છો એ મુજબ સમજાશે કે તમે ફિટ છો કે નહીં. જેટલી સેકન્ડ તમે વધારે વાર એક પગ પર ઊભા રહી શકો એટલા તમે ફિટ એમ ગણી શકાય. મહત્ત્વનું એ છે કે આ ટેસ્ટ કરતી વખતે તમે દીવાલ પાસે ઊભા રહો. જો બૅલૅન્સ ખોરવાય તો દીવાલ પકડી લેવી જેથી પડી ન જવાય. આ બાબતનું ખાસ ધ્યાન રાખો.
પહેલેથી જાણીતી ટેસ્ટ
શું આ ટેસ્ટ કોઈ નવી ટેસ્ટ છે? આ પ્રશ્નનો જવાબ આપતાં રિલાયન્સ ફાઉન્ડેશન ઍથ્લેટિક્સના સ્પોર્ટ્સ ફિઝિયોથેરપિસ્ટ ડૉ. નીલેશ મકવાણા કહે છે, ‘એક પગ પર ઊભા રહેવાની બૅલૅન્સ ટેસ્ટ વર્ષોથી છે. એને ફ્લૅમિન્ગો નામ પછીથી મળ્યું. પરંતુ સામાન્ય રીતે અમે કોઈ પણ વ્યક્તિનું ફિટનેસ લેવલ ચેક કરીએ પછી એ બાળક હોય કે વડીલ, બધા માટે આ ટેસ્ટ ઉપયોગી છે. આમ તો ઉંમર પ્રમાણે અડધી મિનિટથી લઈને બે મિનિટ સુધી એક પગ પર લોકો ઊભા રહી શકે, કારણ કે દરેકની ક્ષમતા જુદી હોય છે. એ ક્ષમતા ફક્ત ઉંમર પર જ નહીં, તેમના વજન અને તેમની ફિટનેસ પર પણ અવલંબે છે. પરંતુ મિનિમમ કહીએ કે ઍવરેજ, કોઈ પણ વ્યક્તિ ૩૦ સેકન્ડ તો ઊભી રહે એ જરૂરી છે. જો ૩૦ સેકન્ડથી ઓછો સમય હોય તો સમજવું કે ફિટનેસ પર કામ કરવું જરૂરી છે. આદર્શ રીતે આ ટેસ્ટ ૧ મિનિટ સુધી પર્ફોર્મ કરવી જોઈએ.’
શું સૂચવે છે?
જેવું યોગ કહે છે એમ જીવનમાં બૅલૅન્સ અતિ મહત્ત્વનું છે. શરીર અને મન બન્નેનું સિન્ક્રોનાઇઝેશન સારું હોય ત્યારે જ સ્વાસ્થ્ય સારું હોય એમ માની શકાય. આ ટેસ્ટ સૂચવે છે કે શરીરમાં બૅલૅન્સ છે કે નથી. પણ એની ફિઝિયોલૉજી સમજાવતાં ડૉ. નીલેશ મકવાણા કહે છે, ‘એ જ વ્યક્તિ એક પગ પર ઊભી રહી શકે જેના સ્નાયુઓ મજબૂત હોય, જેમના સાંધા વ્યવસ્થિત કામ કરી શકવાની ક્ષમતા ધરાવતા હોય, જેનું ન્યુરોમસ્ક્યુલર કો-ઑર્ડિનેશન એકદમ સ્ટ્રૉન્ગ હોય. એટલે કે શરીરમાં રહેલી નર્વસ સિસ્ટમ થકી મગજ દરેક ભાગને સાચવીને આ કાર્ય કરવા સક્ષમ હોય, જેને લીધે બૉડી પર કન્ટ્રોલ ખૂબ સારો હોય. જે લોકો એ નથી કરી શકતા એનો અર્થ જ એ કે તેમના શરીરમાં એક કે એકથી વધુ સિસ્ટમમાં તકલીફ છે. એ વ્યક્તિ જેની મસ્ક્યુલો-સ્કેલેટલ સિસ્ટમ સારી છે, કો-ઑર્ડિનેશન સારું છે, મગજથી એક જગ્યાએ ફોકસ સારું કરી શકે એમ છે અને બૉડી પર કન્ટ્રોલ કરી શકે એમ છે એ સ્વસ્થ છે.
રિસર્ચ
બૅલૅન્સ ટેસ્ટ પર આમ તો ઘણાં રિસર્ચ થયાં છે. મેયો ક્લિનિક દ્વારા થયેલું એક રિસર્ચ જણાવે છે કે આ ટેસ્ટ વ્યક્તિની એજિંગ પ્રોસેસ સ્ટડી કરવા માટે ઘણી કારગર છે. દરેકના શરીરનો ઘસારો જુદો-જુદો હોઈ કોઈ ૬૦ વર્ષની વ્યક્તિ મૅરથૉન દોડતી હોય તો કોઈ ૬૦ વર્ષની વ્યક્તિ ૧ કિલોમીટર પણ માંડ ચાલી શકતી હોય. આ ફેરને ઉંમર અને ફિટનેસનો ફરક કહેવાય, જે જાણવા માટે બૅલૅન્સ ટેસ્ટ અતિ ઉપયોગી છે. નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં છપાયેલા એક રિસર્ચ અનુસાર બૅલૅન્સ ટેસ્ટ પરથી જાણી શકાય કે વ્યક્તિ કેટલું લાંબું જીવવાની છે. એને સમજાવતાં ડૉ. નીલેશ મકવાણા કહે છે, ‘એ જ વ્યક્તિ લાંબું જીવી શકે જેની મસ્ક્યુલો-સ્કેલેટલ સિસ્ટમ જેમાં સ્નાયુ, હાડકાં અને સાંધા બધું જ આવી જાય એ સ્ટ્રૉન્ગ હોય કારણ કે અંતે આપણે હાડમાંસના બનેલા છીએ અને લાંબા જીવન માટે મગજનું વ્યવસ્થિત કામ કરવું જરૂરી છે. જેને મગજનો કોઈ રોગ હોય કે મગજ ધીમે-ધીમે નબળું પડતું જતું હોય તે આ બૅલૅન્સ ટેસ્ટ પાસ કરી શકતા નથી, કારણ કે ન્યુરોમસ્ક્યુલર કો-ઑર્ડિનેશન તેમનામાં ઓછું હોય છે. શરીરને બૅલૅન્સમાં રાખવાનું કામ મગજનું છે, જે નબળું પડી રહ્યું છે એ આ ટેસ્ટ દ્વારા સમજાય છે.’
શું કરવું?
જો તમે આ ટેસ્ટમાં ફેલ થાઓ કે ખૂબ ઓછા સમય માટે જો તમે એક પગ પર ઊભા રહી શકો છો તો શું કરવું? પહેલાં તો કોઈ ઑર્થોપેડિક ડૉક્ટર પાસે જઈને તમે ચેકઅપ કરાવો કે તમારું શરીર કઈ રીતે નબળું પડી રહ્યું છે. બીજું એ કે મગજ કઈ રીતે નબળું પડી રહ્યું છે એ જોવું પણ જરૂરી છે. આમ એક વખત ડૉક્ટરને બતાવવું જરૂરી છે. બાકી ફિટનેસ વધારવા માટે શું કરવું? તો એનો સરળ જવાબ છે નિયમિત એક્સરસાઇઝ કરવાનું ચાલુ કરો. એનાથી રિઝલ્ટ મળશે.
બૅલૅન્સ ટેસ્ટ ઘણા પ્રકારની હોય છે
રોમ્બર્ગ ટેસ્ટ : સીધા સાવધાનની પોઝિશનમાં ઊભા રહો. બન્ને હાથ આગળ હવામાં સીધા રાખો જેથી શરીર સાથે એ ૯૦ ડિગ્રીનો ખૂણો બનાવે. હવે ૩૦ સેકન્ડ માટે ખૂલેલી આંખે સીધું જુઓ અને ફરી ૩૦ સેકન્ડ માટે આંખ બંધ કરો. આ ટેસ્ટ ખાસ ઉંમરલાયક વડીલો માટે વાપરવામાં આવે છે. આજકાલ જમીન પર લોકો બેસી શકતા નથી. જે બેસી શકે છે તે ઊઠી શકતા નથી. જમીન પર બેસીને વગર ટેકે જો તમે જાતે ઊઠી શકો તો તમે ફિટ છો. બૅલૅન્સ અને ફિટનેસ માટે આ પ્રકારની ટેસ્ટ ખાસ કરીને ૩૦-૫૦ વર્ષના લોકો માટે ખૂબ જરૂરી છે. એક બૅલૅન્સ ટેસ્ટ છે જેને ચૅર-સ્ટૅન્ડ કહે છે. એમાં ૩૦ સેકન્ડની અંદર ખુરશી પર કેટલી વાર તમે બેસીને ઊઠી શકો છો એ જોવામાં આવે છે. આ ટેસ્ટ નીચે ન બેસી શકનારા મેદસ્વી લોકો માટે છે. એનું એક વેરિએશન એવું છે કે ખુરશી પર બેસો અને તરત ઊઠીને ચાલવા લાગો, ફરી બેસો, ફરી ઊઠો અને ચાલવા લાગો. આવું સરળતાથી થાય છે કે એ કરતાં-કરતાં બૅલૅન્સ હલી જાય છે એ જોવું.
બૅલૅન્સ વધારવા શું કરવું?
કોઈ પણ વ્યક્તિના શરીરમાં બૅલૅન્સ વધારવા માટે શું કરવું એ સમજાવતાં ધ યોગ ઇન્સ્ટિટ્યૂટ, અંધેરીના યોગાચાર્ય ધ્રુવ સંઘવી કહે છે, ‘તમે દરરોજ ઓછામાં ઓછી ૩૦ સેકન્ડ માટે પગનાં આંગળાંઓ પર ઊભા રહીને ચાલો જેમાં પગની એડી હવામાં હશે. પછી ફરી ૩૦ સેકન્ડ માટે પગની એડી પર ઊભા રહીને ચાલો જેમાં આંગળાં અધ્ધર હવામાં રહેશે. પછી ૩૦ સેકન્ડ માટે પગની બહારની બાજુએ સંપૂર્ણ ભાર આપી અંદરની બાજુ હવામાં કરીને ચાલો અને એનાથી વિપરીત ૩૦ સેકન્ડ માટે અંદરની બાજુ પર ભાર આપીને બહારની બાજુ હવામાં રાખીને ચાલો. દેખાવમાં અત્યંત સરળ આ એક્સરસાઇઝ બૅલૅન્સ માટે ખૂબ ઉપયોગી છે.’ આ સિવાય મહત્ત્વની વાત કરતા તેઓ કહે છે, ‘કોઈ પણ વ્યક્તિનું બૅલૅન્સ ત્યારે ખોરવાય જ્યારે તેની કોર સ્ટ્રેન્ગ્થ નબળી હોય. એને સ્ટ્રૉન્ગ કરવા માટે અમુક ખાસ આસનો છે. જેમ કે વશિષ્ઠ આસન, ચતુરંગ આસન, નૌકાસન, ઉત્કટ આસન, તાડાસન, એકપદાસન, વૃક્ષાસન જેની નિયમિત પ્રૅક્ટિસ ઘણાં સારાં રિઝલ્ટ આપે છે.’

