ફિટ અને સ્ટ્રૉન્ગ રહેવા માગતી મહિલાઓને કિકબૉક્સિંગથી ઘણા હેલ્થ-બેનિફિટ્સ મળી શકે છે
શરીરમાં મજબૂત સ્નાયુઓ હોવા જરૂરી છે. જે સ્ત્રીઓ વર્કઆઉટ નથી કરતી તે તેમના રોજિંદા જીવનમાં કોઈ વજનવાળી વસ્તુ ઉઠાવવી હોય તો પણ બીજા પર નિર્ભર રહેતી હોય છે
બ્રેસ્ટ-કૅન્સરની ટ્રીટમેન્ટ વચ્ચે અભિનેત્રી હિના ખાનનો કિકબૉક્સિંગ કરતો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આમ તો કીમોથેરપી ચાલતી હોય એ દરમિયાન આવી ઇન્ટેન્સ એક્સરસાઇઝ કરવાની ડૉક્ટરો મનાઈ ફરમાવે છે. જોકે ફિટ અને સ્ટ્રૉન્ગ રહેવા માગતી મહિલાઓને કિકબૉક્સિંગથી ઘણા હેલ્થ-બેનિફિટ્સ મળી શકે છે. એવી ધારણા છે કે એનાથી સ્ત્રીઓના શરીરનો દેખાવ પૌરુષી લાગે છે, પણ એ ભ્રમણા આજે દૂર કરીએ.
બ્રેસ્ટ-કૅન્સરની સર્જરીના એક અઠવાડિયામાં જ હિના ખાનનો કિકબૉક્સિંગનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વિડિયો જોયા બાદ લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે અને તેની હિંમતને દાદ આપી રહ્યા છે, કારણ કે કૅન્સર પેશન્ટ માટે આવી હાઈ ઇન્ટેન્સિટીની એક્સરસાઇઝ કરવી પડકારરૂપ કામ છે. એટલે ઑન્કોલૉજિસ્ટ ટ્રીટમેન્ટ ચાલુ હોય ત્યારે એ કરવાની સલાહ આપતા નથી, પણ જે મહિલાઓ હેલ્ધી અને અંદરથી સ્ટ્રૉન્ગ રહેવા ઇચ્છતી હોય તેઓ કિકબૉક્સિંગ પર હાથ અજમાવી શકે છે. એવા સમયે આપણે પણ જાણી લઈએ કે કિકબૉક્સિંગ એટલે શું? એનાથી શરીરને કયા હેલ્થ બેનિફિટ્સ થાય? સાથે જ એ પણ જાણી લઈએ કે કિકબૉક્સિંગથી મહિલાઓનું શરીર મસ્ક્યુલિન (પૌરુષી) બની જાય એ વાતમાં કેટલું તથ્ય છે.
ADVERTISEMENT
કિકબૉક્સિંગ એટલે શું?
કિક એટલે પગથી પ્રહાર કરવો અને બૉક્સિંગ એટલે મુક્કાબાજી. સરળ ભાષામાં કહીએ તો કિકિંગ ઍન્ડ પન્ચિંગ મળીને કિકબૉક્સિંગ બન્યું છે. આ બંનેની ટેક્નિક્સને મેળવીને કિકબૉક્સિંગ માર્શલ આર્ટ બન્યું છે. આ એક સારી ફુલ-બૉડી એક્સરસાઇઝ છે. આ વિશે વધુ માહિતી આપતાં કિકબૉક્સિંગ ઇન્સ્ટ્રક્ટર પ્રસાદ ખરતમલ કહે છે, ‘કિકબૉક્સિંગ ફક્ત પ્રોફેશનલ ફાઇટર્સ માટે છે એવું નથી; જેમને એન્ડ્યૉરન્સ, સ્ટ્રેન્ગ્થ, ફ્લેક્સિબિલિટી, સ્યૅમિના વધારવાં હોય અને ફિઝિકલી ફિટ રહેવું હોય એ લોકો પણ કિકબૉક્સિંગનો સહારો લેતા હોય છે. ફિટનેસ માટેનું કિકબૉક્સિંગ હોય એમાં આપણે હવામાં, પન્ચિંગ પૅડ્સ પર અથવા તો પન્ચિંગ બૅગ પર કિક અને પંચ મારવાનાં હોય. કિકબૉક્સિંગ એક ઇન્ટેન્સ વર્કઆઉટ છે, જે તમારા શરીર માટે પડકારરૂપ છે. પણ એને કારણે તમારું શરીર વધુ સ્ટ્રૉન્ગ (મજબૂત) અને પાવરફુલ (બળવાન) બને છે.’
ફાયદા
આમ તો કોઈ પણ એક્સરસાઇઝ કરો એનાથી સ્વાસ્થ્યને લાભ થાય જ છે. એવી જ રીતે કિકબૉક્સિંગથી પણ ઘણા હેલ્થ બેનિફિટ્સ થાય છે એમ જણાવતાં પ્રસાદ ખરતમલ કહે છે, ‘કિકબૉક્સિંગ આપણું કાર્ડિયોવૅસ્ક્યુલર એન્ડ્યૉરન્સ વધારે છે. આપણે જ્યારે આવી હાઈ ઇન્ટેન્સિટી ફિઝિકલ ઍક્ટિવિટી કરીએ તો એ ધીરે-ધીરે હાર્ટ (હૃદય)ના મસલ્સને મજબૂત બનાવવાનું કામ કરે છે, જે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘટાડે છે. એ સિવાય આપણે આવી હેવી એક્સરસાઇઝ કરીએ ત્યારે ફેફસાંઓ સહિત આખા શરીરમાં લોહીનું સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે, પરિણામે બધા જ અવયવો સરખી રીતે એનું કામ કરી શકે છે. એ સિવાય કિકબૉક્સિંગ કરતી વખતે સાથળ, પિંડી, ખભા, બાવડાંના મસલ્સ તેમ જ ઍબ્ડોમિનલ અને બૅક મસલ્સ એન્ગેજ થતા હોય છે. આનો ફાયદો એ થાય કે શરીરના આ બધા જ મસલ્સ સ્ટ્રૉન્ગ બને અને એને આકાર આપવાનું કામ કરે છે. કિકબૉક્સિંગમાં આપણા આખા શરીરને વર્ક કરવું પડતું હોવાથી એ એક ફૅટ બર્નર (ચરબીને બાળવાનું કામ) તરીકે કામ કરે છે, પરિણામે એ વેઇટલૉસમાં પણ મદદ કરે છે. કિકબૉક્સિંગ આપણા માટે એક સ્ટ્રેસ-રિલીવર તરીકે પણ કામ કરે છે. આપણે કિકબૉક્સિંગ કરીએ ત્યારે ઘણીબધી પેન્ટ-અપ એનર્જી (અંદર દબાયેલી ઊર્જા) રિલીઝ થાય છે, જે વધુ રિલૅક્સ્ડ ફીલ કરાવે છે. આપણા શરીરની વપરાયા વગરની આ એનર્જીને બહાર કાઢવામાં ન આવે તો એ આપણા મૂડ અને બિહેવિયરને અફેક્ટ કરે છે. આ ઉપરાંત પન્ચિંગ અને કિકિંગમાં આપણા હાથ-આંખો તેમ જ પગ-આંખોનું કો-ઑર્ડિનેશન અને બૅલૅન્સ જરૂરી હોય છે જે શરીરના ઓવરઑલ કો-ઑર્ડિનેશન અને બૅલૅન્સિંગ સ્કિલને સારી બનાવવાનું કામ કરે છે. કિકબૉક્સિંગ આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે તો સારું જ છે, પણ એ સિવાય એ સેલ્ફ-ડિફેન્સમાં પણ કામ આવે છે.’
મસ્ક્યુલિન લુક આવે?
ઘણા લોકોમાં એવી ધારણા હોય છે કે યુવતીઓ માટે કિકબૉક્સિંગ જેવી એક્સરસાઇઝ વધુ પડતી ઇન્ટેન્સ હોય છે, જે તેમની બૉડીને મસ્ક્યુલિન બનાવી શકે છે. આ વિશે વાત કરતાં પ્રસાદ ખરતમલ કહે છે, ‘કિકબૉક્સિંગ કરવાથી તમારું શરીર મજબૂત થાય છે અને સ્નાયુઓ સુડોળ બને છે, પણ એનો અર્થ એવો જરાય નથી કે સ્ત્રીઓને મસ્ક્યુલિન લુક આપે છે. આપણા શરીરમાં મજબૂત સ્નાયુઓ હોવા જરૂરી છે. જે સ્ત્રીઓ વર્કઆઉટ નથી કરતી તે તેમના રોજિંદા જીવનમાં કોઈ વજનવાળી વસ્તુ ઉઠાવવી હોય તો પણ બીજા પર નિર્ભર રહેતી હોય છે કારણ કે તેમનું શરીર મજબૂત નથી. એવું નથી કે કિકબૉક્સિંગ કરવાથી તમારા મોટા ડોલેશોલે બની જશે, કારણ કે એ બનાવવા માટે તો તમારે હેવી વેઇટલિફ્ટિંગ અને એ પ્રમાણેની પ્રોટીનથી ભરપૂર ડાયટ ખાવી પડે. મસ્ક્યુલિન લુક પાછળ ઘણાબધા ફૅક્ટર્સ કામ કરતા હોય છે જેમ કે જિનેટિક્સ, બૉડી કમ્પોઝિશન, ન્યુટ્રિશન, તમે કયા પ્રકારની ટ્રેઇનિંગ લઈ રહ્યા છો એ બધું. તેમ છતાં કોઈ યુવતીને એમ લાગતું હોય કે તેની બૉડી વધુ મસ્ક્યુલર બની રહી છે તો તેણે તેના ટ્રેઇનિંગ રૂટીનમાં પોતાની જરૂરિયાતના હિસાબે ફેરફાર કરવો જોઈએ. ઊલટાનું કિકબૉક્સિંગ તો મહિલાઓએ ખાસ શીખવું જોઈએ, કારણ કે એ તેમને સેલ્ફ-ડિફેન્સમાં કામ લાગશે એટલું જ નહીં, એનાથી બૉડી પણ ફ્લેક્સિબલ થાય; જે બાળકને જન્મ આપતી વખતે મહિલાઓને મદદરૂપ બને છે.’
શરૂઆત કઈ રીતે કરવી?
કિકબૉક્સિંગની શરૂઆત કરવી હોય તો એ કઈ રીતે કરી શકાય એ વિશે માહિતી આપતાં પ્રસાદ ખરતમલ કહે છે, ‘ઘણા માર્શલ આર્ટ્સ સ્ટુડિયો અને જિમમાં કિકબૉક્સિંગની વિવિધ લેવલ પર ટ્રેઇનિંગ આપવામાં આવે છે. એટલે કિકબૉક્સિંગ શરૂ કરતાં પહેલાં તમારો ગોલ નક્કી હોવો જોઈએ. તમને ખબર હોવી જોઈએ કે તમે ફૅટ લૉસ (વજન ઘટાડવા) માટે, ફિટ રહેવા માટે કે પછી કૉમ્બૅટ સ્પૉટ ટ્રેઇનિંગ માટે કિકબૉક્સિંગ શીખી રહ્યા છો. ઘણા લોકો પોતાની રીતે કિકબૉક્સિંગ કરે છે, પણ એક ટ્રેઇનર પાસેથી એની પ્રૉપર ટેક્નિક્સ શીખવી ઍડ્વાઇઝેબલ છે. આપણે પ્રૉપર વૉર્મઅપ કર્યા વગર મસલ્સને ઍક્ટિવેટ નહીં કરીએ અને સીધું કિકબૉક્સિંગ સ્ટાર્ટ કરી દઈશું તો ઇન્જરી થવાનું જોખમ છે. શરૂઆત તમારે ઈઝી લેવલથી કરવી જોઈએ અને એ પછી મૉડરેટ અને હાઈ ઇન્ટેન્સિટી લેવલ પર જવું જોઈએ. તમે અઠવાડિયામાં ત્રણ વાર એકથી દોઢ કલાક માટે કિકબૉક્સિંગ કરી શકો છો.’
કૅન્સર પેશન્ટ માટે કેટલું ઍડ્વાઇઝેબલ?
હાઈ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ કરવી કૅન્સર પેશન્ટ માટે કેટલું સલાહભર્યું છે એનો જવાબ આપતાં સર H. N. રિલાયન્સ ફાઉન્ડેશનના ઑન્કોલૉજિસ્ટ ડૉ. મિશિલ પારીખ કહે છે, ‘તમારી કોઈ કૅન્સરની કે બીજી કોઈ સર્જરી થઈ હોય ત્યારે એક અઠવાડિયાની અંદર શરીરને વધુપડતું જોર લગાવવું પડે એવી હાઈ ઇન્ટેન્સિટીની એક્સરસાઇઝ કરવાની સલાહ કોઈ ડૉક્ટર ન આપે. આનું કારણ એ છે તમારા ઘાવ કે ટાંકા સરખી રીતે રુઝાયા ન હોય અને એમાં તમે આવી એક્સરસાઇઝ કરો તો એને કારણે હીલિંગને બદલે વધુ નુકસાન થઈ શકે છે. કીમોથેરપી ચાલતી હોય ત્યારે એક્સરસાઇઝ ન કરી શકાય એવું નથી. જનરલી એક સાઇકલ ૨૧થી ૨૮ દિવસની હોય, જે વ્યક્તિને કયા ટાઇપનું કૅન્સર છે અને ટ્રીટમેન્ટ પ્લાન પર ડિપેન્ડ કરે છે. એક સાઇકલમાં વચ્ચે અમુક દિવસ તમને ઊલ્ટી જેવું, માથામાં દુખાવો કે ખૂબ જ નબળાઈ લાગે. એ પછી તમને સારું ફીલ થવા લાગે. તો એવા સમયે તમે તમારી ક્ષમતા મુજબ એક્સરસાઇઝ કરો એમાં કોઈ વાંધો નથી. તમે ઇચ્છો તો યોગ કે હળવી કસરતો કરી શકો. દરેક વ્યક્તિની ક્ષમતા અલગ-અલગ હોય છે. જો તમને એમ લાગતું હોય કે બૉડી પર વધુપડતું સ્ટ્રેસ આપ્યા વગર આ પ્રકારની એક્સરસાઇઝ હું કમ્ફર્ટેબલી કરી શકું છું તો તમે એ કરી શકો. હિના ખાન માટે કિકબૉક્સિંગ તેની કૅપેસિટીની વસ્તુ હોઈ શકે. તેને જોઈને બધા જ પેશન્ટ આટલી હાઈ ઇન્ટેન્સિટીનું વર્કઆઉટ શરૂ કરી દે એ પણ યોગ્ય નથી. દરેક વ્યક્તિને પોતાની ક્ષમતા ખબર છે અને એ મુજબની કસરત તે કરે તો એમાં કોઈ વાંધો નથી. તમે કૅન્સર પેશન્ટ છો ફક્ત એ કારણથી તમારે એક્સરસાઇઝ ન કરવી જોઈએ એવું જરાય નથી, ફક્ત સર્જરીના ૧૫ દિવસ સુધી તમારે ધ્યાન રાખવું જરૂરી હોય છે.’

