એટલું સમજવું કે બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, પણ એ ડેવલપ થવા માટે સજ્જ હોય છે
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
સીઝન બદલાય એટલે નબળી ઇમ્યુનિટી ધરાવતાં બાળકોમાં તાવ, શરદી-ખાંસી, કફની જમાવટની તકલીફ થાય છે અને સીઝનલ તાવ એવી વસ્તુ છે કે એ કોઈ પણ ઉંમરનાં સંતાનોમાં જોવા મળે. જોકે પાંચ વર્ષથી નાની વયનાં બાળકોમાં સીઝન બદલાતાં ફ્લુનો ચેપ લાગવાનું પ્રમાણ વધુ હોય તો એનાથી બાળકના ગ્રોથ પર પણ અસર થાય છે, કારણ કે તાવ આવે એ દરમ્યાન તેનું ખાવાનું અને ઍક્ટિવિટી બન્ને અટકી જાય છે. એને કારણે બે-ત્રણ કિલો વજન ઘટી જાય. મોટેરાઓમાં થોડું વજન આમ-તેમ થાય તો એની એટલી અસર ન પડે, પણ બાળકના ગ્રોથના દિવસમાં આવું વારંવાર થાય તો એનાથી વિકાસ પર અસર પડે.
બાળકને શરદી, ઉધરસ થાય એ પછીના ૧૦ દિવસ મમ્મીના ખૂબ ખરાબ જાય છે. તાવ આવી જાય, આખો દિવસ તે રડે અને બરાબર જમે નહીં. માંડ તેનું વજન સારું થયું હોય અને જેવું માંદું પડે કે તરત જ ૨-૩ કિલો વજન ઊતરી જાય છે. બાળક માંદું પડે એટલે તેમની મમ્મીઓ ઊંચીનીચી થઈ જાય.
ADVERTISEMENT
આ સમસ્યાના ઉકેલ માટે પહેલાં એ સમજવું જરૂરી છે કે આવું થાય છે કેમ? પાંચ વર્ષથી નાની વયનાં બાળકોની ઇમ્યુનિટી ઘડાઈ રહી હોય છે એટલે તેમનામાં ઇન્ફેક્શન થવાની સંભાવના વધુ રહે છે. પૃથ્વી પરનાં વાઇરસ અને બૅક્ટેરિયા સામે તેમની રક્ષણાત્મક ક્ષમતા એ સમય દરમ્યાન ઘડાતી હોય છે. તેમના પર બદલાયેલી આબોહવાની, બદલાયેલા તાપમાનની, બદલાઈ રહેલા ખોરાકની અસર જલદી થાય છે. આવા સંજોગોમાં બે વાતનું ધ્યાન રાખવું, હેલ્ધી અને ઘરનો ખોરાક જ બાળકને આપવો. મોટા ભાગે પાંચ વર્ષ પછી દર બદલાયેલી સીઝનમાં ફ્લુ કે શરદી થઈ જવાનું પ્રમાણ આપમેળે ઘટી જતું હોય એવું જોવા મળ્યું છે. અલબત્ત, હવે આ માટે ઇન્ફ્લુએન્ઝાની રસી આવી છે. દર વર્ષે જો બાળકને આ રસી અપાવી હશે તો વારંવાર થતું વાઇરલ ઇન્ફેક્શન કાબૂમાં આવી જશે.
એટલું સમજવું કે બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, પણ એ ડેવલપ થવા માટે સજ્જ હોય છે. વાઇરલ ફીવરની આ રસી મોટેરાઓ પણ લઈ જ શકે છે. આ માંદગી બાળકને સ્ટ્રૉન્ગ કરવા માટે છે. એની ચિંતા ન કરો, આ એક પ્રોસેસ છે, એમાંથી એને પસાર થવું જ પડશે. ફ્લુની વૅક્સિન તમે બાળકને દર વર્ષે આપતા રહો તો ચોક્કસ ફાયદો થશે.