° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


માત્ર શરદપૂનમે જ નહીં, આખી શરદ ઋતુમાં દૂધ-પૌંઆ ખાજો

30 October, 2020 03:53 PM IST | Mumbai | Bhakti D Desai

માત્ર શરદપૂનમે જ નહીં, આખી શરદ ઋતુમાં દૂધ-પૌંઆ ખાજો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

દૂધ હોય કે અન્ય કોઈ પણ દ્રવ્ય , શરદપૂર્ણિમાની રાતે ખીલેલી ચાંદનીમાં મૂકેલું હોય તો એમાં શીતળતાના ગુણ બેવડાય છે. ઘણા ખડીસાકરને આ પૂનમની ચાંદનીમાં આખી રાત મૂકીને રાખે છે અને વર્ષ આખું એને પિત્તજન્ય સમસ્યામાં  વાપરે છે. આયુર્વેદ આ વિશે શું કહે છે અને  ચંદ્રના કિરણોની સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે આજે  જાણીએ

આસો સુદ પૂનમ એટલે કે શરદપૂનમના દિવસે ગુજરાત, મહારાષ્ટ્રમાં અને અન્ય ઠેકાણે ભગવાનને દૂધ-પૌંઆનો ભોગ ધરાવી એનો પ્રસાદ લેવાની પ્રથા ચાલતી આવી છે. આ એક દિવસ એવો છે જેમાં આ વ્યંજનને રાતના સમયે ચંદ્રની શીતળ છાયામાં મૂકી એના સેવનનું મહત્ત્વ છે. કહેવાય છે કે આખા વર્ષ દરમ્યાન ફક્ત આજના દિવસે જ ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે. આજે ખગોળશાસ્ત્રના આધારે જાણીએ કે ફક્ત શરદપૂનમનો ચાંદ જ કેમ આખા વર્ષ કરતાં વધારે મોટો અને સોળે કળાએ ખીલેલો હોય છે અને આયુર્વેદના દૃષ્ટિકોણથી શરદ ઋતુમાં મનાવાતી  શરદ પૂનમનું અને એની ચાંદનીનું આપણા સ્વાસ્થ્ય માટે શું વિશેષ મહત્ત્વ છે. 

ચંદ્રનાં કિરણોનું સ્વાસ્થ્ય માટે મહત્ત્વ

મુલુંડનાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. માનસી પુજારા આયુર્વેદમાં શરદપૂનમના ચંદ્રનું ઋતુની સાથે મહત્ત્વ સમજાવતાં કહે છે, ‘શરદપૂનમનું મહત્ત્વ સમજવા ઋતુચર્યા સમજવી જરૂરી છે. આયુર્વેદમાં સ્વાસ્થ્ય ન બગડે એનું ધ્યાન ખાસ રાખવામાં આવ્યું છે. આયુર્વેદનું એક લક્ષ્ય છે ‘સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ્’, જેમાં વ્યક્તિનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે તેણે આખા દિવસ દરમ્યાન શું ખાવું જોઈએ એની દિનચર્યા બતાવી છે અને પછી વર્ષમાં જે છ ઋતુ આવે છે એની ઋતુચર્યા સમજાવી છે; જેમાં વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ આમ છ ઋતુઓનો સમાવેશ છે. આપણે સામાન્ય રીતે માત્ર શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણ જ ઋતુ ગણતા હોઈએ છીએ, પણ હવામાનમાં દર બે મહિને ફેરફાર થાય છે અને એ દૃષ્ટિકોણથી આખા વર્ષનું વિભાજન દર બે મહિનાને અંતરે બદલાતી છ ઋતુઓમાં થયેલું છે. હમણાં આવનાર પૂનમ શરદ ઋતુની છે અને આ એક એવો સમયગાળો છે કે જે વર્ષાઋતુ પૂર્ણ થાય એ પહેલાં અને શિયાળાની શરૂઆતના પહેલાંના સમયમાં આવે છે. શરદ ઋતુ સામાન્ય રીતે સપ્ટેમ્બર ૨૨થી ૨૧ ડિસેમ્બર સુધી હોય છે. વર્ષાઋતુમાં બહાર ઠંડક હોવાથી આપણા ખાવા-પીવામાં ગરમ વસ્તુઓનું સેવન વધારે થતું હોય છે જેમ કે ચા, ઉકાળો, કૉફી, લીલી ચા, લીલું આદું, મસાલાવાળું ભોજન. આનાથી શરીરમાં પિત્તનો સંચય થાય છે અને ઠંડીને કારણે એ

બહાર નથી આવતું, પણ ઑક્ટોબર મહિનાની ગરમીમાં તડકા જેમ પડવાની શરૂઆત થઈ જાય છે કે આ પિત્તનો પ્રકોપ જણાવા લાગે છે અને તેથી જ આ સમયમાં પિત્તના અનેક વિકાર, સાથે જ પાઇલ્સ, ફિશર, ત્વચાની ઍલર્જી લોકોને થતી હોય છે. આને માટે એવું કંઈક એવું ખાવું જોઈએ જેનાથી પિત્તનું શરીરમાં શમન થાય અને તેથી જ શરદપૂર્ણિમાને દિવસે જ નહીં, પણ એ દિવસથી લઈને આખી શરદ ઋતુમાં દૂધ-મિસરી અને પૌંઆ જેવી અનેક શીતળતા અર્પનાર આહારનું  સેવન કરવું જોઈએ.’

દૂધ-પૌંઆ માત્ર એક પ્રતીક છે

શરીરને શીતળતા અર્પનાર વસ્તુનું સેવન કેવી રીતે કરવું જોઈએ એ સમજાવતાં ડૉ. માનસી કહે છે, ‘આમાં પૌંઆની જગ્યાએ ભાત, રવો અથવા ઘઉંની રાબ વગેરે કોઈ પણ વસ્તુ દૂધ સાથે લઈ શકાય છે. શરદ ઋતુમાં મૂળમાં આ બધી વસ્તુ તેલ અને મસાલો નાખીને ન બનાવતાં દૂધ, મિસરી અને થોડું ઘી નાખીને લેવી જોઈએ. આનાથી શીતળતા મળે છે. સાકરમાં કેમિકલ્સ હોય છે અને એ કફ કરે છે એટલે આમાં મિસરીનો ઉપયોગ કરવો જોઈએ જે પિત્ત મટાડે છે. પૌંઆ અથવા રવો કે કોઈ પણ દ્રવ્ય થોડા ઘીમાં શેકી લઈ શકાય.  તેલ પિત્ત વધારે છે, જ્યારે ઘી પિત્તનાશક છે. આમ ઋતુ પ્રમાણે શરીરની જરૂરત સમજીને શરદ ઋતુમાં દૂધ-પૌંઆનું સેવન વર્ષોથી કરવામાં આવે છે અને શરદપૂનમમાં આ પ્રથા એક પ્રતીક તરીકે શરૂ થઈ છે, પણ આનું સેવન શરદ ઋતુમાં દરરોજ કરવું જોઈએ. આને જ્યારે ભોગ માટે મૂકીએ તો સામાન્ય રીતે ચાંદીના વાસણમાં મુકાય છે અને આપણે એને પ્રસાદ તરીકે લઈએ છીએ. આની પાછળનું વિજ્ઞાન એ છે કે આનું સેવન ચાંદીમાં રાખીને કરવાથી વધુ ઠંડક અને લાભ થાય છે. આમાં સૂકો મેવો પણ નાખી શકાય છે, જે શરીરમાં બળ વધારે છે. શિશિર, વસંત અને ગ્રીષ્મમાં સૂર્ય ઉત્તરાયણ હોય છે અને શરીરમાં બળનો ક્ષય થાય છે અને જેવી વર્ષા ઋતુ શરૂ થાય છે કે છ મહિનામાં સૂર્ય દક્ષિણ તરફ જાય છે. તેથી આપણા શરીરનું બળ ઉત્તરોત્તર વધતું જાય છે. નૈસર્ગિક રીતે જોઈએ તો આપણી શારીરિક અને માનસિક શક્તિ આ ઋતુથી વધવા લાગે છે અને તેથી જ શક્તિનું પર્વ નવરાત્રિ આપણે ઊજવીએ છીએ.’

શરદપૂનમનો ચંદ્ર સોળ કળાએ ખીલેલો કેમ કહેવાય?

બોરીવલીમાં રહેતા ખગોળશાસ્ત્રનું ઊંડું જ્ઞાન ધરાવનાર પ્રતીક દવે કહે છે, ‘શરદપૂનમનો ચંદ્ર કેમ આટલો તેજસ્વી છે એનો જવાબ સમજવા નક્ષત્રો અને પંચાંગને સમજવાં જરૂરી છે. જ્યારે ધરતીની ઉત્પત્તિ થઈ ત્યારે નક્ષત્રો પણ અસ્તિત્વમાં આવ્યાં. આખા ભારત વર્ષમાં બે જાતના પંચાંગ છે; સૂર્ય અને ચંદ્ર પંચાંગ. ચંદ્ર પંચાંગ પૂનમને દિવસે બદલાય અને સૂર્ય પંચાંગ પ્રમાણે મહિનો અમાસ પછી બદલાય છે. પૂનમને દિવસે જે નક્ષત્ર હોય એ જ નામથી મહિનાનું નામ પડે છે જેમ કે કારતક, માગશર, પોષ, મહા આ બધાં નક્ષત્રોનાં આધારે પડેલાં મહિનાનાં નામ છે. આ જ રીતે આસો મહિનામાં આવતી પૂનમમાં ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં જાય છે અને તેથી એને અશ્વિન માસ પણ કહે છે. આ અશ્વિની નક્ષત્રની ખાસિયત એ છે કે આ એક પૂર્ણ નક્ષત્ર છે સાથે જ સર્વશ્રેષ્ઠ અને અન્ય નક્ષત્રો કરતાં વધુ તેજસ્વી નક્ષત્ર છે. તેથી જ શરદપૂનમના ચાંદનો પરિઘ વર્ષની અન્ય પૂનમના ચાંદ કરતાં ક્યાંય વધારે તેજસ્વી અને મોટો હોય છે અને એની કળા અન્ય પૂનમ કરતાં ત્રણ ટકાથી વધી જાય છે. આ પૂનમમાં ચંદ્ર સોળ કળા અથવા સોળ અંશનો પરિઘ ધરાવે છે, જ્યારે અન્ય પૂર્ણિમામાં એ ૧૩ જ અંશનો હોય છે. વિષ્ણુ અવતારમાં ભગવાન શ્રી કૃષ્ણએ આ અશ્વિની નક્ષત્રમાં શરદપૂનમના દિવસે મહા રાસલીલા કરી ત્યારે આ ચંદ્ર વિશેષ દિવ્યતા પામ્યો અને એનો મહિમા જગપ્રસિદ્ધ થયો. તેથી જ શરદપૂનમનો ઉત્સવ આખા ભારત વર્ષમાં આશરે પાંચ હજાર વર્ષોથી ઊજવાય છે.’

શરદ છે ચંદ્રના કિરણોનો લાભ લેવાની ઋતુ

ડૉ. માનસી શરદપૂનમના ચંદ્રમાની શક્તિ વિશે માહિતી આપતાં સમજાવે છે, ‘શરદ ઋતુની શરૂઆતથી ચંદ્રમા સ્પષ્ટ થઈ જાય છે અને આપણા સુધી એનાં કિરણો સીધાં પહોંચી શકે છે. આ આ સમયે એનાં કિરણો ખૂબ સકારાત્મક અસર આપનાર હોય છે. આ ચંદ્રનાં કિરણોમાં દૂધ-પૌંઆ ચાંદીમાં મૂકીને લેવાથી એની શીતળતા એમાં ભળે છે અને આ બધું જ પિત્તશમનનું કાર્ય કરે છે. શરદપૂનમની રાત્રે ચંદ્રનાં કિરણો શોષી શકે અને લાંબા સમય સુધી જેને  સાચવી શકાય એવી સૂકી વસ્તુ એટલે મિસરી છે. દૂધ-પૌંઆ સિવાય પાણી, રવાની ખીર, દૂધીનો હલવો, ભોપળાનો હલવો અથવા ભોપળાની ખીર, નાળિયેર, કોપરાપાક આમાંથી કોઈ પણ વસ્તુ ચંદ્રનાં કિરણોમાં મૂકી એનું સેવન બીજે દિવસે સવારે કરી શકાય છે. જે રીતે લોકો સન-બાથ લે છે અને એનાં સૂર્યનાં કિરણોની અસર તેમની પર થાય છે તેમ જ આ ચંદ્રનાં કિરણોનો લાભ લેવાની ઋતુ છે.’

શરદ ઋતુમાં ઠંડક માટે આટલું જરૂર કરવું જોઈએ

મોતી પહેરવા, મોતીની માળા, બુટ્ટી અથવા વીંટી પહેરી શકાય છે જેમાં મોતી ત્વચાને સ્પર્શે જેથી શરીરને ઠંડક મળી રહે છે

રેશમનાં અથવા સફેદ કપડાં પહેરવાં જોઈએ

માથામાં મોગરા અથવા કોઈ પણ ઋતુ પ્રમાણેનાં સફેદ અને સુગંધી સાચાં ફૂલના ગજરા નાખવા, જેનાથી માથાની ગરમી ખેંચાઈ જાય. પહેલાં લોકો નાખતા હતા, હવે નથી નાખતા, કારણ કે આનું કારણ લોકો નથી જાણતા.  

ચંદનનું તિલક કરવું અથવા લલાટે ચંદન ઘસવું   

કપૂર પ્રકૃત્તિમાં ઠંડું હોવાથી ઘરમાં એનું ધૂપ કરો

ખસખસના વાળાને માટલાના પાણીમાં નાખીને રાખવું અને એ પાણી પીવું

ખસખસને દૂધમાં નાખીને એનું સેવન કરવું

ખસખસ શરીર પર લગાડી શકાય

30 October, 2020 03:53 PM IST | Mumbai | Bhakti D Desai

અન્ય લેખો

હેલ્થ ટિપ્સ

ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરની દવા દરરોજ લેવી પડશે?

ઘણા લોકો ડૉક્ટરની સલાહ વિના જાતે જ દવાઓ બંધ કરી દે છે અને એને કારણે ઘણી તકલીફ ભોગવે છે

15 June, 2021 10:30 IST | Mumbai | Dr. Sushil Shah
હેલ્થ ટિપ્સ

હૉર્મોનલ અસંતુલન છે? તો સીડ સાઇક્લિંગ કરો

સ્ત્રીઓની અંતઃસ્રાવી ગ્રંથિઓને લગતી અનેક સમસ્યાઓ માટે હાલમાં બીજ પર આધારિત નેચરોપથી રેમેડી બહુ પૉપ્યુલર થઈ છે. આ નવી થેરપી કઈ રીતે હૉર્મોન્સને સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે અને કઈ રીતે કામ કરે છે એ જાણીએ

15 June, 2021 10:38 IST | Mumbai | Jigisha Jain
હેલ્થ ટિપ્સ

વાયુ અને સાંધાની તકલીફમાં શું કરવું?

શરીરમાં જ્યારે પાચનતંત્ર નબળું થાય ત્યારે આમ સર્જાય છે. આ આમ શરીરમાં જ્યાં રોકાય છે ત્યાં જુદાં-જુદાં લક્ષણો સર્જે છે. અપચો, ગૅસ, પેટની ગરબડ અને સાંધામાં દુખાવો આ બધું એને કારણે જ થાય છે.

14 June, 2021 02:18 IST | Mumbai | Dr. Sanajy Chhajed

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK