ભાગ્યે જ કોઈએ અનુભવ ન કર્યો એવી આ ઇઅરવર્મિંગ પરિસ્થિતિ શું છે? આમ તો બહુ જ રસપ્રદ છે અને જાતે આવે અને જાતે જ જતી રહે છે, પરંતુ ક્યારેક ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. નિષ્ણાત પાસેથી જાણીએ કે કાનમાં વાગતા આ મ્યુઝિકને કેવી રીતે બંધ કરી શકાય
પ્રતીકાત્મક તસવીર
ઇઅરવર્મનું ભાષાંતર કરીએ તો કાનનો કીડો એવો થાય, પરંતુ આ બહુ જ રસપ્રદ ડિસફંક્શન છે જેનો અનુભવ લગભગ બધાએ જ કર્યો હશે. આ ઇઅરવર્મ શું છે? ઇઅરવર્મ એટલે મ્યુઝિક સિસ્ટમ બંધ હોય, મોબાઇલ પણ બંધ હોય તો પણ તમને તમારું મનગમતું ગીત મનમાં ગૂંજ્યા કરે. આવો અનુભવ તમને પણ થયો જ છે બરાબરને? તો જાણીએ કે આ પરિસ્થિતિ શું છે અને શું આપણે ચિંતા કરવાની જરૂર છે?
વિચારોનું ડિસફંક્શન છે ઇઅરવર્મ
ADVERTISEMENT
ચર્ની રોડના ઑપેરા હાઉસ પંચરત્ન પર પ્રૅક્ટિસ કરતાં કન્સલ્ટન્ટ સાઇકિયાટ્રિસ્ટ, REBT (રૅશનલ ઇમોટિવ બિહેવિયર થેરપી) થેરપિસ્ટ, સાયકોસેક્સ્યુઅલ ડિસઑર્ડર અને ડીઍડિક્શન સ્પેશ્યલિસ્ટ ડૉ. દર્પણ શાહ કહે છે, ‘ઘણાબધા પ્રકારના વિચારોનાં ડિસ્ટર્બન્સ હોય છે જેમાં મુખ્યત્વે ત્રણ પ્રકારનાં હોય છે. એક છે રુમિનેશન વિચારો એટલે એમાં નેગેટિવ વિચાર વારંવાર આવ્યા કરે, પરંતુ મૂળ સમસ્યા શું છે એનો ખ્યાલ ન આવે. બીજા ઑબ્સેસિવ વિચારો, જેને કહી શકાય કે એક જ વિચારનું વળગણ થયું છે. ત્રીજા છે ઇન્ટ્રુસિવ વિચારો એટલે કે શાંત પ્રકૃતિમાં ખલેલ પાડનારા. તો ઇઅરવર્મ પણ આ પ્રકારના વિચારોનું ટેમ્પરરી ડિસફંક્શન છે. વિચારોનું ડિસ્ટર્બન્સ પણ કહી શકાય જે રિવર્સિબલ હોય એટલે કે એ ડિસ્ટર્બન્સને દૂર કરી શકાય છે. ઇઅરવર્મને ‘સ્ટક સૉન્ગ સિન્ડ્રૉમ’ પણ કહેવાય છે.’
વિકાસ કેવી રીતે થાય?
શરૂઆતમાં જ્યારે ઇઅરવર્મિંગ ન થયું હોય પરંતુ એ ગીત મનમાં ઘૂસી જ ગયું હોય એટલે આપણે એને ગ્રસિત મન કહીએ એમ સમજાવતાં ડૉ. દર્પણ કહે છે, ‘એમાં આ ગીત તમારા મનની ઇચ્છા પ્રમાણે કે તમારા ધ્યેય સાથે બંધ બેસતું હોય એટલે શરૂઆતમાં તમને ગમે. દાખલા તરીકે કોઈ ઍથ્લીટ રોજ દોડતો હોય તો તેના મનમાં વિચારો ચાલતા હોય એમાં આ ગીત બંધબેસતું હોય તો શરૂઆતના ઇઅરવર્મિંગમાં તમને સાંભળવાનું ગમે પણ ખરું. વિચારોની આ બહુ જ કૉમ્પ્લેક્સ પ્રક્રિયા છે અને જ્યારે ઇઅરવર્મિંગ તમારા મનના વિચારોની વિપરીત જાય ત્યાર પછી ધીરે-ધીરે એ ઇરિટેશન બનતું જાય છે. તમારા શાંત મનમાં ખલેલ પાડે. સામાન્ય લોકોને આ પરિસ્થિતિમાં વાંધો નથી આવતો એટલે તમારા કામમાં કે નિર્ણયશક્તિ પર એની અસર નથી પડતી પરંતુ જે લોકો વલ્નરેબલ હોય તેમનામાં કદાચ સમસ્યા પેદા કરી શકે છે.’
ઇરિટેટ થવાને બદલે મનને પ્રેમથી બીજા ગીત તરફ વાળવું
તીવ્ર ઇઅરવર્મિંગ લોકોમાં ઍન્ગ્ઝાયટી ડિસઑર્ડર, ફોબિયા, ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડર એટલે કે OCD, પોસ્ટ-ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર( PTSD), ઍડ્જસ્ટમેન્ટ ડિસઑર્ડર થવાની શક્યતા રહે છે એમ જણાવતાં ડૉ. દર્પણ કહે છે, ‘હું એ વાત પર ભાર મૂકીશ કે આ કોઈ ડિસઑર્ડર નથી પરંતુ વિચારોમાં થયેલું ડિસફંક્શન છે જેમાં કોઈ દવાની જરૂર નથી હોતી પરંતુ બિહેવિયરલ મૉડિફિકેશનથી બહાર આવી શકો છો. સૌથી પહેલાં તો જો ગીત સંભળાય અને લાંબા સમયથી સંભળાઈ રહ્યું છે તો ચિડાઈ ન જવું. એના બદલે એને સ્વીકારી લેવું અને એકનો એક સ્ટૅન્ઝા વારંવાર સંભળાતો હોય તો આખું ગીત સાંભળો. બીજું એમ કરી શકો કે જેવી રીતે CD પર બીજું ગીત ઓવરરાઇટ કરતા એવી રીતે કોઈ બીજું ગીત સાંભળો. એટલે કે ગીતને રિપ્લેસ કરવાની કોશિશ કરો. ત્રીજું કે ચ્યુઇંગ ગમ ખાઈ શકો. એનાથી પણ ડિસ્ટ્રૅક્શન થશે. આ પરિસ્થિતિને સ્વીકારીને શાંતિથી બદલવાની કોશિશ કરવી. જો બહુ જ ગંભીર રીતે કાનને હાનિ પહોંચાડવાની કોશિશ કરી તો પછી ડિસફંક્શન ડિસઑર્ડરમાં બદલાઈ શકે છે. આ બિહેવિયરને પછી દવા અને સાઇકિયાટ્રિક સારવારની જરૂર પડે. મારી કારકિર્દીમાં મેં એક જ કેસ જોયો છે જેમાં ઇઅરવર્મિંગ ડિસઑર્ડરમાં બદલાયો હોય. બાકી આ એટલી સામાન્ય પરિસ્થિતિ છે કે લોકો રિપોર્ટ પણ ન કરે. જો અમારી પાસે આવે તો એ શરૂઆતમાં કહ્યા એ બધા ઍન્ગ્ઝાયટીને લગતા ડિસઑર્ડર માટે આવે. હવે એમાં ખ્યાલ પણ ન આવે કે ઇઅરવર્મિંગ આ ડિસઑર્ડરનું કારણ બન્યો હોઈ શકે.’
સૌથી પહેલાં તો જો ગીત સંભળાય અને લાંબા સમયથી સંભળાઈ રહ્યું છે તો ચિડાઈ ન જવું. એના બદલે એને સ્વીકારી લેવું અને એકનો એક સ્ટૅન્ઝા વારંવાર સંભળાતો હોય તો આખું ગીત સાંભળવું. બીજું, કોઈ અલગ જ ટ્યુનનું ગીત સાંભળો. ત્રીજું ચ્યુઇંગ ગમ ખાઈ શકો. એનાથી પણ ડિસ્ટ્રૅક્શન થશે. - ડૉ. દર્પણ શાહ
અમેરિકાની એક જર્નલમાં પ્રકાશિત રસપ્રદ અહેવાલ પ્રમાણે ૯૮ ટકા લોકોએ ઇઅરવર્મનો અનુભવ કર્યો જ હોય છે. એમાં સ્ત્રીઓ અને પુરુષો બન્નેને લગભગ સમાન જ અનુભવ થાય છે પરંતુ મહિલાઓમાં ઇઅરવર્મ લાંબા સમય સુધી રહે છે અને તેમને પજવે છે.

