Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ડબલ આલ્ફાબેટ ડબલ બેનિફિટ

ડબલ આલ્ફાબેટ ડબલ બેનિફિટ

10 May, 2022 12:14 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

રોજિંદી લાઇફમાં મેકઅપ કરવાનું ટાળતી વર્કિંગ કે હોમમેકર સ્ત્રીઓ માટે બ્યુટી-ક્રીમ્સની આ એબીસીડીનો શું અર્થ છે, એ કેટલી કામની છે, અને એ ત્વચાની સંભાળમાં શું રોલ ભજવે છે એની વાત કરીએ

ડબલ આલ્ફાબેટ ડબલ બેનિફિટ સ્કિન કૅર

ડબલ આલ્ફાબેટ ડબલ બેનિફિટ


સ્કિનકૅરની વાત આવે એટલે મહિલાઓ માર્કેટમાં લૉન્ચ થતી મોટા ભાગની પ્રોડક્ટ ટ્રાય કરશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી બીબી અને સીસી ક્રીમ વાપરવાનો ક્રેઝ હતો. અનઈવન સ્કિન ટોનને છુપાવવામાં આ ક્રીમ ઉપયોગી હોવાથી અનેક મહિલાઓ પર્સમાં કૅરી કરતી. હવે એએ, ડીડી, ઈઈ, પીપી જેવાં અન્ય નામો પણ સાંભળવા મળી રહ્યાં છે ત્યારે ડબલ આલ્ફાબેટ ધરાવતી જુદી-જુદી ક્રીમનો અર્થ શું છે તેમ જ ત્વચાની માવજતમાં એના રોલ વિશે નિષ્ણાત પાસેથી જાણીએ. 
લેટર્સનો અર્થ
બજારમાં વિવિધ પ્રકારની પ્રોડક્ટ અવેલેબલ હોય ત્યારે કન્ફ્યુઝ થઈ જવાય એવી વાત કરતાં ધ એસ્થેટિક ક્લિનિક્સનાં ડર્મેટો સર્જ્યન ડૉ. રિન્કી કપૂર કહે છે, ‘બ્યુટી એવી ડિક્શનરી છે જેમાં દરરોજ નવા શબ્દો ઉમેરાતા જાય છે. બ્યુટી વર્લ્ડમાં ફાઉન્ડેશન અને ટિન્ટેડ મૉઇશ્ચરાઇઝર્સ આવ્યાં એવી જ રીતે સૌંદર્ય નિષ્ણાતોએ એ-ટુ-ઝેડ આલ્ફાબેટિકલ સ્કિનકૅર ક્રીમ ઇન્ટ્રોડ્યુસ કરી છે. તમારી ત્વચાની જરૂરિયાત મુજબ એનો ઉપયોગ કરવાથી મૅક્સિમમ બેનિફિટ મળે છે.’
એએ ક્રીમ : આ લેટર્સનો અર્થ છે ઍન્ટિ-એજિંગ ક્રીમ. ૩૦ વર્ષની ઉંમર પાર કર્યા બાદ ચહેરા પર કરચલીઓ અને ડાર્ક સ્પૉટ દેખાવાની ધીમી શરૂઆત થાય છે. એએ ક્રીમ વાપરવાનો આ શ્રેષ્ઠ સમય છે. ક્રીમમાં ઍડ કરવામાં આવેલા આલ્ફા હાઇડ્રોક્સી ઍસિડ્સ, પેપ્ટાઇડ્સ અને રેટિનૉઇડ્સ અને ઍન્ટિઑક્સિડન્ટ્સ જેવા ઘટકો વૃદ્ધત્વના સંકેતોને દૂર ધકેલવામાં મદદ કરે છે. તમારી ત્વચા ટાઇટનેસ ગુમાવી રહી હોય તો પેપ્ટાઇડ આધારિત અને ખીલ થવાની સંભાવનાવાળી ત્વચા માટે રેટિનૉઇડ આધારિત એએ ક્રીમ પર્ફેક્ટ ચૉઇસ છે. એને ચહેરા અને નેકલાઇન પર લગાવવી. 
બીબી ક્રીમ : આલ્ફાબેટિકલ સ્કિનકૅરમાં આ સૌથી લોકપ્રિય પ્રોડક્ટ છે. એનો અર્થ બ્યુટી બામ અથવા બ્લેમિશ બામ છે. મેકઅપ, સ્કિનકૅર અને એસપીએફ ત્રણેયનું કામ કરે છે. ક્રીમને ચહેરા પર સમાનરૂપે ફેલાવવા માટે મેકઅપ બ્રશનો ઉપયોગ કરવો. તૈલી ત્વચા ધરાવતી મહિલાઓએ બીબી ક્રીમનો ઉપયોગ ટાળવો.
સીસી ક્રીમ : એનો અર્થ થાય છે કલર કરેક્શન. ચહેરા પર ફાઉન્ડેશન લગાવતાં પહેલાં સીસી ક્રીમ લગાવવાથી ડાર્ક સર્કલ, સ્પૉટ અને હાઇપરપિગ્મેન્ટેશન દેખાતાં નથી. બીબી ક્રીમ કરતાં વધુ સારું કવરેજ આપે છે. એમાં વિવિધ કલર આવે છે. હાઇપરપિગમેન્ટેશનને ઢાંકવા માટે પીચ અને નિસ્તેજ ત્વચાને જીવંત બનાવવા માટે લૅવેન્ડર કલરની ક્રીમ વાપરવી. સીસી ક્રીમ ઑઇલ-ફ્રી હોવાથી શુષ્ક ત્વચા માટે નથી.
ડીડી ક્રીમ : ડેઇલી ડિફેન્સ અથવા ડબલ ડ્યુટી એટલે ડીડી ક્રીમ. એસપીએફ અને ઍન્ટિઑક્સિડન્ટ ક્રીમ ત્વચાને વધારાની સુરક્ષા પૂરી પાડવાનું કામ કરે છે. ચહેરા પરની કરચલીઓ, હવામાન પરિવર્તનથી થતા નુકસાનથી ત્વચાનું રક્ષણ કરે છે. બીબી અને સીસી ક્રીમનું હાઇબ્રિડ વર્ઝન છે. એનાથી ત્વચા મજબૂત અને ચમકદાર બનશે. ઍન્ટિએજિંગ અને ડ્રાય સ્કિન માટે બેસ્ટ છે.
ઈઈ ક્રીમ : એનો અર્થ થાય છે એક્સ્ટ્રા એક્સફોલિએશન. ચહેરા પરની મૃત ત્વચાને દૂર કરવાની સાથે મૉઇશ્ચરાઇઝિંગનું કામ પણ કરે છે. આ કવરેજ ક્રીમ નથી પરંતુ ક્લેન્ઝરમાં ઍડ કરીને વાપરી શકાય.
પીપી ક્રીમ : પિન્ક પર્ફેક્ટ ક્રીમનો ઉપયોગ મેકઅપના આધાર તરીકે થાય છે. એ સિલિકોન આધારિત ક્રીમ છે જે અનઈવન સ્કિનટોનને પર્ફેક્ટ બનાવે છે. દરેક પ્રકારની ત્વચા માટે ઉપયોગી છે.
બ્યુટિશ્યન શું કહે છે?
થોડાં વર્ષ પહેલાં બીબી અને સીસી ક્રીમ વાપરવાનો ટ્રેન્ડ હતો, પરંતુ હવે વપરાશ ઓછો થઈ ગયો છે એવી વાત કરતાં કાંદિવલીનાં બ્યુટિશ્યન સેજલ આશર કહે છે, ‘અગાઉ ઍક્ને, પિગમેન્ટેશન અને ડાર્ક સર્કલની સમસ્યા હોય એવી ગર્લ્સ અને વિમેન બીબી ક્રીમ વાપરતી. આ ક્રીમનો બેઝિક યુઝ ત્વચા પરના ડાઘ-ધબ્બા છુપાવવાનો છે. સીસી ક્રીમ એનું અપગ્રેડેડ વર્ઝન કહી શકો. બીબી ક્રીમથી ત્વચાના ડાઘ છુપાઈ જાય જ્યારે સીસી ક્રીમ કવરેજ વધારી ગ્લોઇંગ લુક આપે છે. જોકે હવે આ પ્રોડક્ટ હોમકૅરની કૅટેગરીમાં આવી ગઈ છે.’
આજે બધાને મેકઅપનું બેઝિક નૉલેજ હોય છે. વર્તમાન સમયમાં મોટા ભાગની વર્કિંગ મહિલાઓ ક્રીમની જગ્યાએ કન્સીલર અને ફાઉન્ડેશન અપ્લાય કરે છે એવી માહિતી શૅર કરતાં સેજલ કહે છે, ‘ન્યુડ મેકઅપ લેટેસ્ટ ટ્રેન્ડ છે. મૉડર્ન ટેક્નૉલૉજીથી બનેલી બ્યુટી પ્રોડક્ટ્સ ઑલ ઇન વન હોવાથી ડાઘ-ધબ્બા છુપાવી શકાય છે તેમ જ બ્યુટીને એન્હૅન્સ કરવામાં પણ ઉપયોગી છે. કન્સીલર અને ફાઉન્ડેશનના થિન લેયરથી ન્યુડ મેકઅપ જેવો લુક ક્રીએટ કરી શકાય. મેકઅપ માટેની બ્યુટી પ્રોડક્ટ્સ વાપરતી ન હોય એવી મિડલ એજની વર્કિંગ મહિલાઓ પર્સમાં સીસી ક્રીમ કૅરી કરતી જોવા મળે છે. ઑફિસમાંથી અચાનક બહાર જવું પડે અથવા પ્રેઝન્ટેશન આપવાનું હોય ત્યારે ફેસ પર અપ્લાય કરવાથી સ્કિનટોન સારો દેખાય છે. ત્વચાની સંભાળ રાખવામાં તેમ જ ખામીઓને છુપાવવા બીબી અને સીસી ક્રીમ કામની છે, પરંતુ આલ્ફાબેટિકલ સ્કિનકૅરની અન્ય નવી-નવી પ્રોડક્ટ્સ લૉન્ચ થઈ રહી છે એ માર્કેટિંગ ગિમિકથી વિશેષ કંઈ નથી.’


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2022 12:14 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK