પેટ ભરવા માટે ખાઓ છો કે મૂડ સુધારવા માટે કે સમય સાચવી લેવા માટે? આ સવાલો જાતને પૂછવાનો સમય આવી ગયો છે હવે
પ્રતીકાત્મક તસવીર
ભૂખ લાગી એટલે ખાઈ લીધું પણ ખરેખર એ ભૂખ સાચી છે કે ખોટી એની ચકાસણી કરી છે ક્યારેય? છેલ્લા થોડાક અરસામાં ડાયટ ક્ષેત્રના નિષ્ણાતો વેઇટલૉસ પ્લાનમાં ભૂખને સમજવા પર વધુ ભાર આપી રહ્યા છે. પેટ ભરવા માટે ખાઓ છો કે મૂડ સુધારવા માટે કે સમય સાચવી લેવા માટે? આ સવાલો જાતને પૂછવાનો સમય આવી ગયો છે હવે
જે ભાવે એ ગમે ત્યારે, જોઈએ એટલી માત્રામાં આપણે ખાઈ લઈએ છીએ અને એક વાર પણ વિચારતા નથી કે શું મને ખરેખર ભૂખ લાગી હતી કે બસ મન થયું એટલે ખાઈ લીધું? હંગર એટલે કે ભૂખ ઘણા પ્રકારની હોય છે જેમાંથી કેટલીક ટ્રૂ એટલે કે ખરેખર શરીરની જરૂરિયાતને કારણે ઊભી થયેલી હોય અને કેટલીક ભૂખ ફૉલ્સ હોય છે એટલે કે માત્ર સ્વાદપૂરતી અથવા મૂડ સુધારવા પૂરતી હોય છે. જો એનો ફરક સમજીને એના પર તમે કામ કરવાનું શરૂ કરી દો તો ડાયટ-રિલેટેડ તમારી ઘણીખરી સમસ્યા ઉકેલાઈ જાય. પાચનથી લઈને વેઇટલૉસના પ્રૉબ્લેમ્સમાં ભૂખનો પ્રકાર સમજવાની તમારી આવડત પરિણામ આપી શકે છે.
ADVERTISEMENT
હંગરના પ્રકાર વિશે જાણતાં પહેલાં ભૂખ ખરેખર શું છે એ સમજવું જરૂરી છે. એ વિશે ડાયટિશ્યન અપેક્ષા ઠક્કર કહે છે, ‘આ એક નૅચરલ ફિઝિયોલૉજિકલ સેન્સેશન છે જેમાં તમારું બૉડી એ ઇન્ડિકેટ કરે કે મને ન્યુટ્રિશન જોઈએ છે, જે ફિઝિકલ સ્ટ્રેન્ગ્થ અને બ્રેઇનના પ્રૉપર ફંક્શન માટે જરૂરી છે. તમે તમારું દૈનિક કામ સરખી રીતે પાર પાડી શકો એ માટે સમયસર ભૂખ લાગવી ખૂબ જરૂરી છે. આ ટાઇમલી હંગર દર્શાવે છે કે તમારા શરીરના બધા જ અવયવો સરખી રીતે કામ કરી રહ્યા છે.’
પાંચ પ્રકારની ભૂખ
સાયન્ટિફિકલી હંગરનું કોઈ કૅટેગરાઇઝેશન નથી, પણ આપણે એને આપણી લાઇફસ્ટાઇલ સાથે રિલેટ કરીને સમજી શકીએ એ માટે ભૂખને કેટલાક પ્રકારમાં વહેંચવામાં આવી છે. આ વિશે ડાયટિશ્યન અપેક્ષા ઠક્કરે આપેલી વિસ્તૃત માહિતીને સ્ટેપ-બાય-સ્ટેપ સમજીએ.
૧- ફિઝિકલ હંગર ઃ આ એવી હંગર છે જેમાં તમારે ફરજિયાતપણે ખાવું જ પડે નહીંતર તમારું બૉડી સરખી રીતે કામ કરવાનું બંધ કરી દે. ફિઝિકલ હંગરમાં તમારું બૉડી તમને સિગ્નલ આપે કે મને કામ કરવા માટે એનર્જી જોઈએ છે અને એ માટે મને ન્યુટ્રિશનની જરૂર છે. તમે અનુભવ કર્યો હશે કે જ્યારે આપણે લાંબા કલાકો સુધી મોઢામાં અન્નનો દાણો ન મૂક્યો હોય કે કોઈ એવી પૌષ્ટિક વસ્તુ ખાધી ન હોય ત્યારે આપણને થાક લાગે, માથું દુખે, ચક્કર આવવા લાગે. આ શારીરિક લક્ષણો ફિઝિકલ હંગર સાથે સંકળાયેલાં છે.
૨- ઇમોશનલ હંગર ઃ વ્યક્તિ તેનાં ઇમોશનને ફૂડ સાથે કમ્પેર કરવાનું શરૂ કરી દે ત્યારે એ તેને ઇમોશનલ ઈટિંગ તરફ લઈ જાય છે. આમાં તમને ખરેખર ભૂખ લાગી છે એટલા માટે નહીં, પણ તમે ખૂબ ખુશ છો અથવા તો ખૂબ દુખી છો એટલા માટે ખાઈ રહ્યા છો. ઇમોશનલ હંગર ગમે ત્યારે આવી શકે, કારણ કે તમે એને તમારાં ઇમોશન સાથે અસોસિએટ કરો છો અને એના લીધે તમારી ખાવાની જે ઇચ્છા છે એ વધી જાય છે. જેમ કે તમે જોયું હશે કે જે લોકો ડિપ્રેશનમાં હોય તેમનું ખાવાનું અચાનકથી વધી જાય અથવા તો સાવ ઓછું થઈ જાય. આ હંગરનો શિકાર એ લોકો પહેલાં બને છે જેમને તેમનાં ઇમોશન પર કાબૂ રાખતાં ન આવડતું હોય એટલે પછી તેઓ ફૂડ તરફ ભાગે. એમાં પછી વ્યક્તિ કોઈ પણ માત્રા અને ગુણવત્તાનું ખાવાનું ગમે ત્યારે મનફાવે ત્યારે ખાતી હોય છે.
૩- ટેસ્ટ હંગર ઃ એક ભારતીય માટે સ્વાદ એક એવી વસ્તુ છે જે તે દર વખતે વાનગીઓમાં શોધે છે. આ ટેસ્ટ હંગર છે, જેમાં તમે ટેસ્ટને હંગર સાથે અસોસિએટ કરો છો. જેમ કે તમને જો સ્વીટ બહુ પસંદ હોય તો તમારું પહેલું ધ્યાન મીઠી વાનગીઓ તરફ વધુ જશે. મીઠાઈઓ જોતાં જ તમને એ ખાવાની ક્રેવિંગ થવા લાગશે. ઘણી વાર આપણે વેડિંગમાં જતા હોઈએ ત્યારે પેટ ભરીને મેઇન કોર્સ મીલ ખાધું હોય અને પેટમાં જગ્યા ન હોવા છતાં આપણે છેલ્લે આઇસક્રીમ ખાઈએ છીએ. તમે આઇસક્રીમ એટલા માટે નથી ખાતા કે તમને ભૂખ છે પણ એટલા માટે ખાઓ છો, કારણ કે તમને એ પસંદ છે.
૪- નેસેસિટી હંગર ઃ આ એવી ભૂખ છે જે બેત્રણ કલાક પછી લાગવાની છે, પણ તમે એ અગાઉ જ જમી લો. જેમ કે તમે કૉર્પોરેટ ઑફિસમાં કામ કરો છો અને તમારી બૅક-ટુ-બૅક મીટિંગ હોય. એટલે તમને ખબર છે કે પછી જમવાનો ટાઇમ નહીં મળે એટલે તમે ભૂખ લાગે એ પહેલાં જ એક કૉફી કે સૅન્ડવિચ ઑર્ડર કરીને ખાઈ લો, જેથી પછી વાંધો ન આવે. નેસેસિટી હંગરમાં નુકસાન એ થાય કે તમે તમારા બૉડી અને બ્રેઇનના સિગ્નલને અવૉઇડ કરીને તમારી જરૂરિયાતના હિસાબે જમો છો. એટલે ધીમે-ધીમે એવું થઈ જાય કે તમને બૉડી અને બ્રેઇન પાસેથી સિગ્નલ મળતાં જ બંધ થઈ જાય.
૫- ન્યુટ્રિઅન્ટ હંગર ઃ આપણું બૉડી સ્માર્ટ છે. એને ખબર છે કે એને કયાં ન્યુટ્રિઅન્ટ્સની એટલે કે પોષક તત્ત્વોની જરૂર છે. દરેક ન્યુટ્રિઅન્ટનું એક ફંક્શન હોય છે અને તમે એ બૉડીને ન આપો તો એ સિગ્નલ આપવાનું શરૂ કરી દે. જેમ કે તમે કીટો ડાયટ ફૉલો કરતા હો તો એમાં તમારે કાર્બોહાઇડ્રેટ ઇન્ટેક ઓછો કરવાનો હોય છે. એટલે તમારે એવી વસ્તુ જે કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર છે જેમ કે બ્રેડ, પાસ્તા, રાઇસ વગેરે ખાવા પર રિસ્ટ્રિક્શન્સ મૂકવાં પડે. હવે તમે જે રિસ્ટ્રિક્ટ કરી રહ્યા છો એ બૉડીને જોઈએ છે એટલે એ તમને સિગ્નલ મોકલવાનું શરૂ કરી દે. જેમ કે બૉડીમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઓછું હોય તો તમારી સ્વીટની ક્રેવિંગ વધી જાય અથવા તમને એનર્જેટિક ફીલ ન થાય. એટલે જે લોકો ક્રૅશ ડાયટ કરતા હોય તેમની ન્યુટ્રિઅન્ટ હંગર વધી જાય, કારણ કે તેમની ડાયટ બૅલૅન્સ્ડ નથી. ઘણા લોકોને માટી ખાવાની, ચૉક ખાવાની ક્રેવિંગ થાય તો એ દર્શાવે છે કે તેમની બૉડીમાં કૅલ્શિયમની કમી હોઈ શકે.
કેવી રીતે ઓળખશો તમારી ભૂખને?
ભૂખના પ્રકાર સાથે જોડાયેલા કન્ફ્યુઝનને સમજવાની રીત બહુ જ સરળ છે. એના ઉકેલ વિશે વાત કરતાં ડાયટિશ્યન અપેક્ષા ઠક્કર કહે છે, ‘સૌથી પહેલાં તો તમે બૉડી અને બ્રેઇનનાં સિગ્નલને શાંતિથી સમજવાનો પ્રયત્ન કરશો તો એ તમને ભૂખ અને તરસ બન્નેનો ઇશારો આપશે. બ્રેઇનનાં હંગર અને થર્સ્ટનાં જે સિગ્નલ હોય એ એકસરખાં હોય છે તો એમાં ઘણી વાર લોકો એ મિસ્ટેક કરે કે તરસ લાગી હોય તો ભૂખ સમજીને પાણી પીવાને બદલે ખાઈ લે છે. તો આવા કેસમાં તમે એમ કરી શકો કે પહેલાં એક ગ્લાસ પાણી પી જુઓ. એ પછી દસ મિનિટની રાહ જુઓ. જો તમારા બૉડીને ફૂડની જરૂર હશે તો એ ફરી સિગ્નલ મોકલશે. આ એક એક્સપરિમેન્ટ છે જેનાથી તમને આઇડિયા આવશે કે તમને ભૂખ લાગી છે કે તરસ. બીજું એ કે તમારે એ વસ્તુ સમજવાની જરૂર છે કે ફૂડ આવશ્યકતા છે, ઇમોશન નહીં. ફૂડને તમે કોઈ પણ ઇમોશન સાથે કનેક્ટ કરીને જોશો તો તમે ઓવરઈટિંગનો શિકાર બની જશો, જે બીજા અનેક સ્વાસ્થ્ય સંબંધિત પડકારો ઊભા કરશે. ત્રીજું એ કે હંમેશાં બૅલૅન્સ્ડ ડાયટ પર ફોકસ કરવું જોઈએ. જો તમે તમારા બૉડીને આવશ્યક બધાં જ ન્યુટ્રિઅન્ટ્સ જેમ કે પ્રોટીન, વિટામિન્સ, કાર્બોહાઇડ્રેટ્સ યોગ્ય માત્રામાં આપશો તો તમારી બધી જ હંગર સંબંધિત સમસ્યાઓ આપોઆપ ઉકેલાઈ જશે.’
તમને ખબર છે?
કંઈક સારું કામ કરવા બદલ બાળકને ચૉકલેટ આપવાની આદત હોય તો એનાથી બાળકમાં ઇમોશનલ ઈટિંગ પૅટર્ન વિકસે છે, જેે ભૂંસવી બહુ અઘરી હોય છે.

