પ્રી-ફેસ્ટિવલ બ્લુઝ તરીકે ઓળખાતી આ સમસ્યા કેમ પેદા થાય છે અને એ માટે શું થઈ શકે એ નિષ્ણાત પાસેથી જાણીએ
પ્રતીકાત્મક તસવીર
આમ તો દીપાવલિ અને નવું વર્ષ ઉલ્લાસ, ઉત્સાહ, ઝગમગાટનો ઉત્સવ છે; પરંતુ આજકાલ આપણી લાઇફસ્ટાઇલ એવી બદલાઈ ગઈ છે કે તહેવારના સેલિબ્રેશનનું પણ સ્ટ્રેસ અનુભવાય છે. ઘરની સાફસફાઈથી લઈને શૉપિંગ કરવાની ચિંતા, કોને ગિફ્ટમાં શું આપીશું તો સારું લાગશે એની ચિંતા, દિવાળી પાર્ટીમાં જવાનું હોય તો એની ચિંતા અને ધારો કે પાર્ટી યોજવાની હોય તો કોને બોલાવીશું, શું યુનિક ફૂડ-આઇટમો રાખીશું એ બધાનું સ્ટ્રેસ. એને કારણે થાય છે એવું કે દિવાળી આવે ત્યારે એ પર્વને માણવાની ઊર્જા જ મરી પરવારે છે. પ્રી-ફેસ્ટિવલ બ્લુઝ તરીકે ઓળખાતી આ સમસ્યા કેમ પેદા થાય છે અને એ માટે શું થઈ શકે એ નિષ્ણાત પાસેથી જાણીએ
એક સમય હતો જ્યારે આબાલવૃદ્ધ સૌ દિવાળીની કાગડોળે રાહ જોતા હતા. એક એવો સમય હતો જ્યારે વર્ષમાં એક જ વખત આ તહેવારમાં અમુક વાનગી બનતી હતી. વર્ષમાં એક જ વખત કપડાંની શૉપિંગ થતી હતી. ટીવી, ફ્રિજ, વૉશિંગ મશીન કે કોઈ પણ નવી ઇલેક્ટ્રૉનિક્સ આઇટમ લેવાની હોય તો દિવાળી પર લઈશું એમ રાહ જોવાતી હતી. બાળકો પણ હોંશે-હોંશે ઘરની સફાઈમાં લાગી જતા અને પરિવારજનો વચ્ચે જાણે ટીમવર્ક શરૂ થઈ જતું. રાતના ૩ વાગ્યા સુધી જાગીને રંગોળી કરવાની મજા હતી. આ બધી જ વાતો કરીએ ત્યારે એવું લાગે કે ઓહો... કેટલાય દાયકાઓ પહેલાંની વાતો થઈ રહી છે, કેમ કે એ સમયે દિવાળીનો તહેવાર લોકોની ચિંતા ભુલાવવા માટે આવતો હતો.
ADVERTISEMENT
આજે આ જ બધી વાતોને કારણે લોકોને એટલું સ્ટ્રેસ થાય છે જેના કારણે તેઓ તહેવારની મજા નથી લઈ શકતા. ઘરની સફાઈનો વિચાર, તહેવારની ભીડભાડમાં શૉપિંગના વિચાર એટલે કે ક્યાંથી લેવું, કેટલું લેવું જેવા નિર્ણયો માનસિક રીતે થકવી દે છે. એ સિવાય વાનગીઓ તો ભરપૂર બનશે, પરંતુ વજન વધી જવાનો ભય ઘર કરી જાય છે એટલે ખાઈ નથી શકતા. એ સિવાય વર્ષમાં એક જ વખત મળતા મહેમાનોનો સામનો કરવો પડશે અને તેમના જજમેન્ટની ચિંતા થઈ જાય છે. તો આટલાબધા ડર વખતે મન બોલી ઊઠે છે કે આ દિવાળી કેમ આવતી હશે? આ બધા વિચારોને કેવી રીતે તહેવારની ઉજવણીમાં બદલવા એના પર વાત કરીએ. આ દિવાળી રોજ આવવી જોઈએ એ વિચાર તરફ કેવી રીતે જવું એ નિષ્ણાતો પાસેથી જાણીએ.
સમસ્યાનું મૂળ અપેક્ષામાં છે
તહેવારના વિચારોનો થાક લાગતો હોય તો એની પાછળ માનસિક ઍટિટ્યુડ અને અમુક બાયોલૉજિકલ કારણો પણ જવાબદાર હોઈ શકે છે. લોકોને વિટામિન D3 અને B12ની કમી પણ શારીરિક થાકમાં વધારો કરે છે, જેની અસર મન પર થાય છે. ૧૬ વર્ષથી બોરીવલી અને દહિસરમાં લાઇફકોચ અને સાઇકોલૉજિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરતાં ડૉ. મયૂરિકા દાસ કહે છે, ‘અમુક વખત ફિઝિયોલૉજીને કારણે એટલે કે સેરોટોનિન હૉર્મોન (હૅપી હૉર્મોન) ઓછું હોય કે અન્ય હૉર્મોનલ બદલાવ આવી રહ્યા હોય તો પણ લોકો તહેવારો દરમિયાન ઉત્સાહિત નથી હોતા. ક્યારેક મૂડ ન હોવાનું કારણ મનમાં દબાયેલી સમસ્યા પણ હોઈ શકે જે સૌથી વધારે તહેવાર દરમ્યાન ધ્યાનમાં આવતી હોય છે. આવી પરિસ્થિતિમાં તમારે પ્રોફેશનલ હેલ્પ લેવી જ જોઈએ. આવી પરિસ્થિતિમાં CBT એટલે કૉગ્નિટિવ બિહેવિયરલ થેરપી મદદરૂપ થતી હોય છે. આ થેરપી લોકોને પોતાના નેગેટિવ વિચારોનું મૂળ જાણવામાં મદદ કરે છે. તહેવારના સમયમાં ડૉક્ટર્સના ક્લિનિકમાં સૌથી વધારે ભીડ પણ થઈ જતી હોય છે કારણ કે એમાં સામાજિક પરિબળો પણ ભાગ ભજવતાં હોય છે. જેમ કે તહેવારોમાં સામાજિક અપેક્ષા હોય કે લોકોએ અમુક પ્રકારની વર્તણૂક તો કરવી જ જોઈએ, તમારા ચહેરા પર સ્માઇલ હોવું જ જોઈએ, જે બોજ બની જતી હોય છે. ક્યારેક પરિવાર તરફથી તો ક્યારેક પોતે જ એટલીબધી વધારે જવાબદારી લાદી હોય છે કે વ્યક્તિ શારીરિક અને માનસિક થાક વચ્ચે સમતુલા નથી જાળવી શકતી. દાખલા તરીકે મોટા ભાગના લોકોનો માથાનો દુખાવો ઘરની સફાઈ હોય છે. દિવાળીના દરેક દિવસમાં અલગ-અલગ કપડાં પહેરવાં પડશે એટલે પાંચ આઉટફિટ તો લેવા જ પડશે. ઘરે મહેમાન આવશે તો પૂછશે કે દર વર્ષની જેમ આ વખતે પાંચ પ્રકારના જુદા-જુદા લાડુ કેમ નથી બનાવ્યા? આ બધી જાતે ઊભી કરેલી ચિંતા છે. આજે સમય એટલોબધો બદલાઈ ગયો છે કે દિવાળીના એક મહિના પહેલાં ઘરની સફાઈ ન થઈ હોય તો તમારો તહેવાર ખરાબ નથી જવાનો. આખા વર્ષ દરમ્યાન લોકો થોડા-થોડા સમયે ઘરના જરૂરી ખૂણા સાફ કરતા જ હોય છે.’
તહેવારમાં કેવું વર્તન કરવું?
તહેવારના દિવસોમાં લોકો શું વિચારશે એનો ભય તમારી એનર્જીનું શોષણ કરતો હોય છે. આ વાતની પ્રૅક્ટિકાલિટી સમજાવતાં ડૉ. મયૂરિકા કહે છે, આજે તમારે વિક્ટિમ બનવાની જરૂર નથી. ઘણા લોકોની માનસિકતા એવી હોય છે કે ‘દિવાળીમાં આખું ઘર એકલાએ સાફ કર્યું અને પરિવારમાંથી કોઈએ મદદ ન કરી તો પણ કોઈએ જ વાતને ધ્યાનમાં ન લીધી. વૅલિડેશન મેળવવાની વૃત્તિ વિક્ટિમ મેન્ટાલિટી તરફ દોરે છે. એના કરતાં સેલ્ફ-કૅર અને મિનિમલિસ્ટિક અપ્રોચ તહેવારની ઉજવણીમાં વધારે મદદરૂપ થશે. ‘લોકોએ મારા કામ પર ધ્યાન આપ્યું તો શું થઈ ગયું પણ મને મારી કામ કરવાની ક્ષમતા પર ગર્વ છે’ આટલું પોતાની જાતને કહેશો તો પણ તમારામાં એનર્જીનો સ્રોત વહેવા લાગશે. જો તમને કામનો થાક લાગતો હોય તો બને એટલું ઓછું કામ કરો જેથી દિવાળીના દિવસોમાં મહેમાન ઘરે આવે તો તેમની સાથે સંવાદ કરવાની ઊર્જા હોય. વાત કરવાથી પણ સ્ટ્રેસ રિલીઝ થઈ જતું હોય છે. બીજું કે બારેમાસ તમે શૉપિંગ કરતા હો છો તો પછી દિવાળીમાં પાંચ સારાં ચમકતાં કપડાં પહેરશો તો કોઈ કંઈ જ નથી બોલવાનું. એ વાતને પણ સ્વીકારવી કે અમુક લોકો ઇન્ટ્રોવર્ટ હોય છે તો તેમનું સેલિબ્રેશન અલગ હોય છે, જ્યારે અમુક લોકો એક્સ્ટ્રોવર્ટ હોય છે તો તેમને લાઉડ મ્યુઝિક, બધા જ લોકોની સાથે વાત કરવાનું ગમતું હોય છે. હવે જ્યારે આ બન્ને પર્સનાલિટી ભેગી થાય ત્યારે સમજદારી રાખવામાં આવે તો તહેવારની મજા આવે.’
ફેસ્ટિવલ બ્લુઝને દૂર કરવા ધ્યાનમાં રાખવા જેવી બાબતો
મન્ડે બ્લુઝની જેમ જ ફેસ્ટિવલ બ્લુઝને વ્યાખ્યાયિત કરી શકાય. શનિ-રવિની રજા પછી જેમ સોમવાર ઑફિસમાં સ્ટ્રેસફુલ લાગે એવી જ રીતે દિવાળી આવતા પહેલાં માનસિક અને શારિરિક થાક તહેવારની મજામાં અડચણો ઊભી કરે એને ફેસ્ટિવલ બ્લુઝ કહેવાય છે. પશ્ચિમના દેશોમાં ફેસ્ટિવલ બ્લુઝનો કન્સેપ્ટ વધારે પ્રચલિત છે, જેમાં લોકો એકલતા અને ડિપ્રેશનનો અનુભવ કરતા હોય છે. આપણે દિવાળી દરમ્યાન સ્ટ્રેસ સાથે ડીલ કરવા માટે શું કાળજી લેવી જોઈએ એ જાણો.
પરિવાર પાસેથી વૅલિડેશન મેળવવાના ચક્કરમાં ઘરના બધાં જ કામ એકલા કરતા હો તો અટકી જાઓ અને પરિવારના સભ્યોને પણ અમુક કામની જવાબદારી સોંપી દો.
નવાં કપડાં ન લીધાં હોય તો કોઈ જજ કરશે એ ડર કાઢી નાખો. જૂનાં સારાં કપડાં હોય તો એ પણ તમારો તહેવાર સાચવી લેશે.
તમારે દિવાળીમાં બિન્જ ઈટિંગ કરવું હોય તો તમારા નિયમિત આહાર અને સમયને જાળવી રાખો. તેમ જ તમારી ઊંઘ પૂરી થાય એની કાળજી રાખો જેથી બીજા દિવસે ખાવા માટે અને ફુડને પચાવવા માટે એનર્જી રહે.
કોઈની પણ દિવાળી પાર્ટીમાં જાઓ તો ઘરેથી થોડું હેલ્ધી ખાઈને જાઓ જેથી ડાઇજેસ્ટિવ સિસ્ટમને ડાયરેક્ટ હેવી ફૂડનો સામનો નહીં કરવો પડે.