Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

દૂધ કી શક્તિ બઢાઓ

Published : 11 August, 2025 02:32 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

સામાન્ય રીતે તમારી પ્રકૃતિ અનુસાર દૂધમાં જો ઉચિત વસ્તુઓ નાખીને એને પીવામાં આવે તો એ સ્વાસ્થ્ય માટે લાભકારી નીવડી શકે છે. આજે જાણી લો દૂધનો સર્વાધિક લાભ લેવો હોય તો કઈ રીતે એનું સેવન કરવું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણા જીવનનો સૌથી પહેલો આહાર દૂધ હતો અને આયુર્વેદ જીવનભર માટે દૂધને શરીરના પોષણ માટે અનિવાર્ય આહાર તરીકે મૂલવે છે. અફકોર્સ, આજે વીગન ડાયટ અને નૅચરોપથી ડાયટમાં દૂધ અને દૂધ સાથે સંકળાયેલો આહાર વર્જ્ય માનવામાં આવે છે અને એવી સ્ટ્રૉન્ગ દલીલ કરવામાં આવે છે કે એકમાત્ર માણસને બાદ કરતાં બીજા અન્ય કોઈ જીવ પુખ્ત થયા પછી દૂધ પર નિર્ભર નથી રહેતા એટલે માણસે પણ પુખ્ત વયમાં દૂધ ન જ પીવું જોઈએ. ભારતીય પરંપરામાં જોકે દૂધ અને દૂધજન્ય આહારસામગ્રીનો દબદબો રહ્યો છે. પશુપાલન સાથે વાછરડાની જરૂરિયાત પૂરી થયા પછી વધતું દૂધ એનું પાલન કરતા પરિવાર દ્વારા સેવનમાં લેવાતું અને એટલે ગાયને માતાતુલ્ય ગણાઈ છે, કારણ કે ગાયનું પાલન પરિવારના સભ્ય તરીકે થતું. દરેક ઘરમાં ગાયનું હોવું સહજ હતું. ક્યાંય એનું કમર્શિયલાઇઝેશન આજ જેવા વ્યાપક પ્રમાણમાં નહોતું. ત્યારે ડેરી એ કોઈ બિઝનેસ નહોતો અને ગાયને અપાતું ભોજન પણ પૂરતાં પોષક તત્ત્વો સાથેનું હતું અને એટલે જ એના દૂધમાં પણ પોષણ તત્ત્વોની ભરમાર હતી. આયુર્વેદમાં જે દૂધનાં ગુણગાન ગવાયાં છે એ આ દૂધ છે જે ઘરમાં જ અથવા આસપાસના પરિચિતોને ત્યાં નભતી ગાય માતા દ્વારા મળતું.

આજે દૂધની એ ગુણવત્તા મિસિંગ છે. ભરપૂર પ્રોસેસ અને કેમિકલ્સના ઉપયોગ થકી મળતા દૂધને પચાવવું અઘરું થયું છે. એમાં દૂધને સ્વાદિષ્ટ બનાવવા માતા-પિતા બાળકના દૂધમાં જાત-જાતના રેડીમેડ પાઉડર નાખે છે. જાહેરખબરો દ્વારા હેલ્ધી હોવાનો અને હાઇટ અને ગ્રોથ વધારવાનો દાવો કરતા મોટા ભાગના આવા પાઉડર સ્વાસ્થ્યપ્રદ નથી. દૂધની ક્ષમતા વધારવી હોય અને દૂધ ઔષધીય રીતે મદદરૂપ થાય એવું ઇચ્છતા હો તો એનું સેવન કઈ રીતે કરી શકાય એ આજે જાણીએ.




માધવી ભટ્ટ, વૈદ્ય

પ્રકૃતિને સમજો


દૂધના સેવનમાં ચોકસાઈની વાત કરતાં પહેલાં સમજીએ કે દૂધ વિશે આયુર્વેદમાં શું કહ્યું છે એમ જણાવીને વૈદ્ય માધવી ભટ્ટ કહે છે, ‘આયુર્વેદના મૂળભૂત ગ્રંથો જેમ કે ચરકસંહિતા, સુશ્રુતસંહિતા અને અષ્ટાંગ હૃદયમ્ વગેરેમાં દૂધના ગુણધર્મો અને એના મહત્ત્વ પર ભરપૂર ચર્ચા કરવામાં આવી છે. ચરકસંહિતામાં ૨૭મા અધ્યાયમાં ૨૧૮ નંબરનો દૂધ માટેનો એક પ્રચલિત શ્લોક છે જેમાં મહર્ષિ ચરક કહે છે કે ‘ક્ષીરં જીવનીયં વૃષ્યં સ્નિગ્ધં સારં, બલપ્રદમ્, મેધ્યં રસાયનં સ્તાન્યં વાતપિત્તહરં પરમ્.’ આ શ્લોક દૂધને માત્ર એક પોષક પીણું જ નહીં પણ એક સંપૂર્ણ ઔષધીય પદાર્થ તરીકે રજૂ કરે છે. આયુર્વેદમાં દૂધને ‘અમૃત’ સમાન ગણવામાં આવે છે જે શરીરના રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર એમ કુલ સાત ધાતુઓને પોષણ આપીને સંપૂર્ણ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય પ્રદાન કરે છે. એ શરીર અને મન બન્નેને શાંતિ, સ્થિરતા અને શક્તિ આપે છે. જો યોગ્ય રીતે અને પ્રકૃતિ અનુસાર સેવન કરવામાં આવે તો દૂધ અનેક રોગોથી બચાવવામાં અને શરીરની અસ્તવ્યસ્ત થયેલી સિસ્ટમને સુધારવામાં મદદરૂપ થાય છે.’

દૂધના સેવનમાં શું ધ્યાન રાખવું?

દૂધને જીવનભર લેવાની વાત છે; પરંતુ અવસ્થા, પ્રકૃતિ અને જરૂરિયાત પ્રમાણે એના સેવનમાં કૉમ્બિનેશન બદલવાની વાતો પણ છે. વૈદ્ય માધવી ઉમેરે છે, ‘જેમ કે બાલ્યાવસ્થામાં ગોલ્ડન મિલ્ક પ્રિફર કરવું જોઈએ, કારણ કે બાળકના ભોજનમાં ગળપણનું પ્રમાણ વધારે હોય અને કફનું પ્રાધાન્ય હોય ત્યારે હળદરવાળું દૂધ પીવું જોઈએ. પચ્ચીસ વર્ષ પછી ધીમે-ધીમે એજિંગ પ્રોસેસ ઝડપી બને એટલે પચ્ચીસથી ઘડપણના ગાળામાં ગાયનું દેશી ઘી નાખીને હૂંફાળું દૂધ પીઓ તો એ રસાયણનું કામ કરે એટલે કે ઘડપણને ધીમું પાડે, રિજુવનેશન કરે. ઉંમર વધે અને પાચન નબળું હોય ત્યારે સાંજે બીજું કંઈ ભોજન લેવાને બદલે માત્ર ઘી નાખીને દૂધ પી લો તો એ તમને ઊંઘ સારી આપે. આંતરડાં સેન્સિટિવ થયાં હોય, આંતરડાંમાં ચાંદાં પડ્યાં હોય, પાચન ખરાબ હોય ત્યારે આજે ઘણી ઉપચારપદ્ધતિમાં મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સ સંપૂર્ણ બંધ કરાવી દેવાય છે, પરંતુ આયુર્વેદ એવા સમયે દૂધના સેવનમાં મૉડિફિકેશન લાવવાની સલાહ આપે છે. મેડિકેટેડ ફૉર્મમાં દૂધ લો, પણ દૂધ તો લેવાનું જ. આઠ પ્રકારના દૂધની ચર્ચા આયુર્વેદમાં આવે છે. મેદસ્વિતા, ડાયાબિટીઝ, નબળું પાચન હોય ત્યારે ગાયનું દૂધ લો અને શરીરમાં ક્યાંય પણ બ્લીડિંગ થતું હોય તો બકરીનું દૂધ પીઓ. ઇન ફૅક્ટ, આજે પણ ગામડાંઓમાં જેમના મોઢામાં ચાંદાં પડતાં હોય તેમને સીધી મોઢામાં બકરીના દૂધની ધાર પડે એ રીતે દૂધ પીવડાવીને ટ્રીટમેન્ટ કરાય છે. બકરીના દૂધમાં ઘાને રુઝાવવાની પ્રૉપર્ટીઝ છે. ભણતા બાળકે ગાયનું દૂધ પીવું જોઈએ, ઊંઘ ઓછી હોય તેણે ભેંસનું દૂધ પીવું જોઈએ, વજન ન વધતું હોય તેણે ભેંસનું દૂધ પીવું, જેને દૂધથી ગૅસ થતો હોય તેણે સૂંઠ અને ગંઠોળા નાખીને ઉકાળેલું દૂધ પીવું, પિત્ત અને ઍસિડિટી હોય તેણે ખડી સાકર અથવા ઘી નાખીને દૂધ પીવું. આગળ કહ્યું એમ કફ હોય તો આદું અને હળદર નાખીને દૂધ પીવું. પ્રોટીનની જરૂરિયાત હોય એટલે કે બળ વધારવું હોય, હાડકાં મજબૂત કરવાં હોય કે ઊંઘ બહેતર કરવી હોય તો અશ્વગંધાયુક્ત દૂધ પીવું. જેમને કન્સીવ કરવામાં તકલીફ થતી હોય તેમને અમે શતાવરીવાળું મેડિકેટેડ મિલ્ક આપીએ છીએ. દૂધ હંમેશાં હૂંફાળું પીવું અને ભોજનના દોઢથી બે કલાક પછી પીવું જોઈએ.’

આ છે આયુર્વેદ મુજબના દૂધના ૮ પ્રકારો ગાયનું દૂધ 


શ્રેષ્ઠ અને સૌથી સત્ત્વગુણી દૂધ માનવામાં આવે છે. એ મીઠું એટલે કે મધુર, શીતળ, સ્નિગ્ધ, મૃદુ, બહલ એટલે કે ઘટ્ટ, ગુરુ એટલે કે ભારે પણ સહજ પાચ્ય, મંદ, પ્રસન્ન એટલે કે મનને શાંતિ આપનાર અને પિચ્છિલ એટલે કે લાળ જેવું ચીકણું હોય છે. ગાયનું દૂધ શરીરનાં તેજ અને રોગપ્રતિકારક શક્તિને વધારે છે, બુદ્ધિ અને યાદશક્તિમાં સુધારો કરે છે, શક્તિ પ્રદાન કરે છે, વાત અને પિત્તદોષને શાંત કરે છે. ગાયનું દૂધ કાયાકલ્પ કરનાર, વૃદ્ધત્વવિરોધી રસાયણ છે અને જીવનીય એટલે કે જીવનદાયક છે. શ્રમ, ચક્કર આવવાં, મેદસ્વિતા, અતિશય તરસ, અતિશય ભૂખ, જૂનો તાવ, મૂત્ર સંબંધિત સમસ્યાઓ અને રક્તસ્રાવ સંબંધિત રોગોમાં ફાયદાકારક છે.

ભેંસનું દૂધ 


ગાયના દૂધ કરતાં ભેંસનું દૂધ ભારે, શીતળ અને સ્નિગ્ધ એટલે કે વધુ ચરબીયુક્ત હોય છે. કફદોષને વધારે છે અને વાત-પિત્તને શાંત કરે છે. અનિદ્રા અને વધુ પાચનશક્તિ, વધુ ભૂખ ધરાવતા લોકો માટે ફાયદાકારક છે. વજન વધારવા અને સારી ઊંઘ માટે પણ ઉત્તમ માનવામાં આવે છે.

બકરીનું દૂધ 


બકરીનું દૂધ તૂરો અને મીઠો સ્વાદ ધરાવે છે. પચવામાં હલકું, શીતળ, શોષક, આંતરડાંને બાંધનાર ગુણ ધરાવે છે. ‍રક્તને લઈને વિકૃતિ, ઝાડા, ક્ષય, અસ્થમા, ઉધરસ, તાવમાં ફાયદાકારક છે. આંતરડાંના રોગોમાં મદદરૂપ થાય છે. બકરી ઓછું પાણી પીએ છે અને કડવાં-તીખાં પાંદડાં ખાય છે અને વધુ શારીરિક પ્રવૃત્તિ કરે છે તેથી એનું દૂધ અન્ય દૂધ કરતાં હલકું હોય છે.

ઊંટડીનું દૂધ 


સહેજ સૂકું, ગરમ અને હલકું હોય છે. સ્વાદમાં સહેજ ખારું હોય છે. વાત અને કફદોષને શાંત કરે છે. પેટમાં ગૅસ થવો, પાણી ભરાવું, કૃમિ થવા, પેટમાં સોજો થવો જેવા પેટના રોગો અને મસામાં ફાયદાકારક છે. પાચનશક્તિને પણ વધારે છે. ઊંટડીનું દૂધ અત્યારે પાંચ હજાર રૂપિયે લીટર મળે છે.

માનવમાતાનું દૂધ 


આયુર્વેદમાં એને બાળકના પોષણ માટે સર્વોત્તમ દૂધ માનવામાં આવે છે. એ મધુર, શીતળ, સ્નિગ્ધ, લઘુ અને સત્ત્વગુણી છે. એ બાળકોના સંપૂર્ણ વિકાસ માટે અનિવાર્ય છે. એ વયસ્કોમાં પણ અમુક રોગો જેમ કે નેત્ર રોગો, નસ્ય ચિકિત્સામાં નાકમાં નાખવા માટે અને મગજ સંબંધિત વિકારોમાં ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાય છે. એ વાત અને પિત્તદોષને શાંત કરે છે.

ઘેટીનું દૂધ 


ગાય કે બકરીના દૂધ કરતાં વધુ ઉષ્ણ, પચવામાં ભારે અને કફ વધારનાર હોય છે. આયુર્વેદમાં એનો ઉપયોગ સામાન્ય રીતે ઓછો સૂચવવામાં આવે છે કારણ કે એ પિત્ત અને કફ વધારી શકે છે. જોકે કેટલાક વાત સંબંધિત વિકારોમાં જ્યાં ગરમીની જરૂર હોય એનો ઉપયોગ થઈ શકે છે.

હાથીનું દૂધ 


એ ખૂબ જ ભારે અને શીતળ માનવામાં આવે છે. આયુર્વેદમાં એનો ઉપયોગ મુખ્યત્વે બળ વધારવા અને અમુક વિશિષ્ટ રોગોમાં ઔષધીય પ્રયોગો માટે થાય છે - ખાસ કરીને શારીરિક શક્તિના અભાવમાં. સામાન્ય વપરાશ માટે એ યોગ્ય નથી.

ઘોડીનું દૂધ 


ઉષ્ણ, સૂકું, હલકું વગેરે ગુણ ધરાવે છે. સ્વાદમાં સહેજ ખાટું અને ખારું હોય છે. એ મુખ્યત્વે વાતદોષ સંબંધિત રોગોમાં ફાયદાકારક છે. એ શક્તિ આપનાર અને સ્થિરતા આપનાર છે. આ દૂધનો ઉપયોગ પણ સામાન્ય રીતે ઔષધીય હેતુઓ માટે જ થાય છે. 

Whatsapp-channel Whatsapp-channel

11 August, 2025 02:32 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK