આપણા પેટમાં અસંખ્ય માત્રામાં બૅક્ટેરિયા હોય છે જેને માઇક્રોઑર્ગેનિઝમ કે માઇક્રોબાયોટા કહેવામાં આવે છે
પ્રતીકાત્મક તસવીર
પેટ અને મગજ વચ્ચેનું કમ્યુનિકેશન ખૂબ જ સ્ટ્રૉન્ગ છે. મગજથી પેટ સુધી અને પેટથી મગજ સુધીની કમ્યુનિકેશન-ચૅનલ એવી છે કે જો એ ખૂબ જ સારી રીતે કામ કરે તો શરીરની બીજી વ્યવસ્થાઓ પણ સરસ રીતે ચાલે. અને જો બરાબર કામ ન કરે તો ન સમજાય એવી ગરબડો થાય. આપણે સાંભળ્યું છે કે વ્યક્તિના મૂડ અને ખોરાકને સીધો સંબંધ છે, એટલે જ કંઈક ખાવાથી તરત સારું લાગે છે અને ભૂખ્યા રહેવાથી ગુસ્સો આવે છે. શરીરને ખોરાકની જરૂર હોય ત્યારે મગજને ખબર પડે છે કે ભૂખ લાગી જાય છે અને ખાવાથી પેટ ભરાવાનો સંતોષ થાય છે.
આપણને ભૂખ લાગી છે, પાચન બરાબર થઈ રહ્યું છે કે નહીં, અપચો થયો છે કે પછી કોઈ બીજી સમસ્યા છે એ તમામ પરિસ્થિતિનો કન્ટ્રોલ વેગસ નામની નર્વ રાખે છે. આ નર્વ પેટ અને મગજ બન્ને વચ્ચેના કમ્યુનિકેશનનો મુખ્ય હાઇવે છે. શરીરમાં એક એન્ટ્રીક નર્વસ સિસ્ટમ પણ હોય છે જે બીજા મગજ તરીકે કામ કરે છે. એ પોતે અલગથી કામ કરે છે, પરંતુ મગજ સાથે કમ્યુનિકેશન કરવાનું પણ તેનું કામ છે. જ્યારે આપણે નર્વસ હોઈએ ત્યારે પેટમાં જે પતંગિયાં ઊડતાં હોય છે એ પતંગિયાં પાછળ આ સિસ્ટમ જવાબદાર હોય છે. જ્યારે તમે કઈ પણ ખાઓ ત્યારે એ ખોરાકમાં કોઈ નુકસાનકારક તત્ત્વ હોય કે ઝેર જેવું હોય તો તાત્કાલિક વેગસ નર્વ દ્વારા મગજને સંદેશો પહોંચે છે અને એને તાત્કાલિક બહાર ફેંકવા માટે તરત જ ઊલટી થાય કે ઝાડા થઈ જાય છે.
ADVERTISEMENT
આપણા પેટમાં અસંખ્ય માત્રામાં બૅક્ટેરિયા હોય છે જેને માઇક્રોઑર્ગેનિઝમ કે માઇક્રોબાયોટા કહેવામાં આવે છે. આ જીવો પણ એક કેમિકલ બનાવે છે જેને સેરોટોનિન કહેવાય છે જે આપણા મૂડને સારો રાખવામાં મદદરૂપ છે અને માનસિક સ્વાસ્થ્યને પણ સારું રાખે છે. જ્યારે આ માઇક્રોઑર્ગેનિઝમની સંખ્યામાં અસંતુલન થાય છે ત્યારે જે પરિસ્થિતિ ઊભી થાય એને મેડિકલ ભાષામાં ડિસબાયોસિસ કહે છે. એને કારણે ઍન્ગ્ઝાયટી, હતાશા અને પાચન સંબંધિત તકલીફો જન્મે છે. આ સિવાય સ્ટ્રેસ હૉર્મોન કોર્ટિસોલ અને ભૂખ લગાડવા માટે જવાબદાર ઘ્રેલીન જેવા હૉર્મોન્સ પણ આ પેટ અને મગજ બન્ને વચ્ચેની ક્મ્યુનિકેશનની ચૅનલ પર અસરકારક રહે છે જેની અસર ભૂખ, પાચન અને માનસિક સ્વસ્થતા પર રહે છે.
આપણું પેટ પણ રોગપ્રતિકારક શક્તિ માટે કામ કરતું હોવાથી મગજ અને પેટનું આ કનેક્શન ખોરવાય ત્યારે ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રૉમ, ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટી આવી શકે છે. હેલ્ધી ડાયટ, જમવામાં દહીં, છાસ જેવા પ્રોબાયોટિક્સ અને સ્ટ્રેસ મૅનેજમેન્ટ દ્વારા આપણે પેટ અને મગજ વચ્ચેના આ કનેક્શનને વધુ સ્ટ્રૉન્ગ કરી શકીએ છીએ.
- પાયલ કોઠારી (પાયલ કોઠારી અનુભવી ગટ હેલ્થ એક્સપર્ટ અને ન્યુટ્રિશનિસ્ટ છે. પ્રતિભાવ-માર્ગદર્શન માટે ઈ-મેઇલ કરી શકો છો.)

