Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > હેલ્ધી રહેવા માટેનો મંત્ર ૨+૨+૨+૨

હેલ્ધી રહેવા માટેનો મંત્ર ૨+૨+૨+૨

Published : 09 July, 2024 07:45 AM | IST | Mumbai
Heta Bhushan | feedbackgmd@mid-day.com

રોજ દિવસમાં બે શાક, બે ફળ, બે લીટર પાણી અને દિવસમાં બે ટાઇમ ૩૦ મિનિટનો વૉક ઉમેરી દો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લાઇફસ્ટાઇલ સુધારવી છે એવું નક્કી કર્યા પછી શું કરવું એ ન સમજાતું હોય તો મોટા-મોટા દાવા કરતી ટ્રેન્ડી ડાયટના રવાડે ચડવાને બદલે રોજ દિવસમાં બે શાક, બે ફળ, બે લીટર પાણી અને દિવસમાં બે ટાઇમ ૩૦ મિનિટનો વૉક ઉમેરી દો. સ્વાસ્થ્ય જાળવવાનો આ સિમ્પલ અને સરળ ફંડા તમને કઈ રીતે ઉપયોગી થઈ શકે છે એ નિષ્ણાત પાસેથી જાણીએ...


પેટ ફરતે ચરબીનાં ટાયર જામવાની શરૂઆત થઈ ગઈ હોય, બેઠાડુ જીવનશૈલીને કારણે કૉલેસ્ટરોલ અને ડાયાબિટીઝ બૉર્ડર લાઇન પર દસ્તક દઈ રહ્યાં હોય અને ફૅમિલી-ડૉક્ટરે અલ્ટિમેટમ આપી દીધું હોય કે હવે જાગી જાઓ, લાઇફમાં હેલ્ધી બદલાવ નહીં કરો તો મુસીબત થશે. જો આવા સમયે અનહેલ્ધી ઈટિંગ હૅબિટ છોડવાનું અઘરું પડતું હોય તો આજકાલ ટ્રેન્ડમાં છે એ ૨+૨+૨+૨ ડાયટ-મંત્ર ફૉલો કરવા જેવો ખરો. આ મેથડ બહુ લોકપ્રિય થઈ છે એનું મુખ્ય કારણ છે એની સિમ્પ્લિસિટી. કશું જ કૉમ્પ્લિકેટેડ વિચારવાની કડાકૂટ કરવાની જરૂર નથી.



શું છે એ મેથડ?


આ એક સિમ્પલ ડાયટરી ઇક્વેશન છે. ચાર વખત જે બેનો આંકડો છે એ દરેક બેનો આંકડો અલગ-અલગ ચીજને રેપ્રિઝેન્ટ કરે છે જે તમારે રોજિંદા જીવનમાં રોજેરોજ ઉમેરવાની છે. એમાં છે ૨ પ્રકારનાં શાક, ૨ પ્રકારનાં ફળ, ૨ લીટર પાણી અને રોજ ૨ વાર મિની એક્સરસાઇઝના ડોઝ. આજકાલ હેલ્થ-કૉન્શિયસ બનતા જતા લોકો આ મેથડ ફૉલો કરીને પોતાની લાઇફસ્ટાઇલ હેલ્ધી બનાવી રહ્યા છે અને વજનને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છો. દરેક ભોજનની થાળીમાં ઓછામાં ઓછા બે પ્રકારનાં શાક હોવાં જોઈએ. દિવસમાં બે પ્રકારનાં સીઝનલ ફળ મિની બ્રેકફાસ્ટમાં લેવાં જ જોઈએ. રોજ ઓછામાં ઓછું બે લીટર પાણી પીવું અને ૩૦ મિનિટનો વૉક દિવસમાં બે વાર. આ ઇક્વેશનથી હેલ્થમાં શું ફાયદો થાય એ વિશે નિષ્ણાત પાસેથી સમજીએ.

બે શાક શા માટે?


શાકમાં ફાઇબર ભરપૂર હોય છે અને એમાં શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પણ ભરપૂર મળી રહે છે. લીલી શાકભાજી તો હંમેશાં ખાવી જ જોઈએ. કઈ રીતે એ ભોજનમાં સમાવી શકાય એ વિશે ન્યુટ્રિશનિસ્ટ દર્શના જોશી કહે છે, ‘બે શાક ખાવા માટે સૅલડ, લીલાં શાક અને સૂપ સૌથી સારા ઑપ્શન છે. શાકમાં તમે તમારાં ભાવતાં શાક ખાઈ શકો છો. કાચા સૅલડમાં કાકડી, ટમેટાં, ગાજર, કોબી, કૅપ્સિકમ વગેરે મરજી મુજબ અને અન્ય કોઈ પણ શાક ઓછા તેલમાં બનાવીને કે બાફીને લઈ શકાય છે. શાક ઓછાં ભાવતાં હોય તો સૂપ સારો ઑપ્શન છે. શાકની સાથે દાળ પણ લેવી જરૂરી છે. દૂધી-ચણાની દાળ, મગની દાળ અને તૂરિયાં કે પાલક બનાવીને ખાવાથી શાકનાં ન્યુટ્રિશન્સ અને ફાઇબર અને દાળના પ્રોટીનનો ફાયદો મળે છે.’

બે ફળ શા માટે?

આ મેથડમાં રોજ બે ફળ ખાવાનું સૂચન કરવામાં આવ્યું છે. ૨૫૦થી ૩૦૦ ગ્રામ ફ્રૂટ દરરોજ ખાવું જરૂરી છે એમ સમજાવતાં દર્શના જોશી કહે છે, ‘ફળમાંથી જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ, ફાઇબર અને ઍન્ટિ-ઑક્સિડન્ટ મળે છે જે તમારી હેલ્થ સારી કરે છે અને વેઇટ ગેઇન કરવામાં થોડો કન્ટ્રોલ કરવામાં હેલ્પ કરે છે. રોજ તમે તમને ભાવતાં કોઈ પણ બે મોસમી ફળો લઈ શકો છો. જો ધ્યાન રાખી શકો તો જોવું કે આયર્ન રિચ ફ્રૂટ સાથે વિટામિન C રિચ ફ્રૂટનું કૉમ્બિનેશન હેલ્ધી કૉમ્બિનેશન બને. જેમ કે કલિંગર અને અનાનસ અથવા સ્ટ્રૉબેરી સાથે સંતરું કે મોસંબીનું કૉમ્બિનેશન કરવું સારું છે. બને તો રોજ એકનાં એક બે ફ્રૂટ ખાવાને બદલે એમાં પણ વરાયટી ઉમેરવી.’

૨ લીટર પાણી શા માટે?

આપણા શરીરમાં ૬૦ ટકા પાણી છે એટલે પાણી શરીર માટે ખૂબ જ જરૂરી છે એમ જણાવતાં દર્શના જોશી કહે છે, ‘દરેકે શરીરને હાઇડ્રેટેડ રાખવું જરૂરી છે અને આ મેથડમાં બે લીટર પાણી પીવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. બે લીટર પાણી પીવાના ફાયદા એ છે કે તમારામાં એનર્જી લેવલ બરાબર રહે છે, શરીરમાંથી ટૉક્સિક વેસ્ટ ભાર નીકળી જાય છે, શરીરનું તાપમાન જળવાય છે, ખોરાક દ્વારા મળેલાં ન્યુટ્રિઅન્ટ્સ આખા શરીરમાં બરાબર ટ્રાવેલ કરી શકે છે અને ખોટી ભૂખ પણ કાબૂમાં રહે છે.’

બે ટાઇમ વૉક શા માટે?

હેલ્ધી લાઇફસ્ટાઇલમાં જેટલું મહત્ત્વ ડાયટનું છે એટલું જ મહત્ત્વ એક્સરસાઇઝનું પણ છે એમ સમજાવતાં દર્શના જોશી કહે છે, ‘હેલ્થ સારી રાખવા માટે કોઈ પણ પ્રકારની ફિઝિકલ ઍક્ટિવિટી કરવી જરૂરી છે, જેનાથી શરીરમાં લચીલાપણું રહે છે અને હાડકાં અને સાંધાનું રક્ષણ થાય છે. બધા જ કરી શકે એવી સહેલી ઍક્ટિવિટી છે વૉક એટલે આ સિમ્પલ મેથડમાં બે વાર ૩૦ મિનિટ ચાલવા પર ભાર મૂકવામાં આવ્યો છે. એનાથી હાર્ટ ફંક્શન સારું થાય છે અને મૉર્નિંગ, ઈવનિંગ કે નાઇટ વૉક કરવાથી કૅલરી બર્ન થાય છે અને મૂડ પણ સારો રહે છે. બ્રિસ્ક વૉક કરો. જૉગિંગ કરો તો ખાલી પેટે કરવું વધુ હિતાવહ છે અને બપોરે અને રાત્રે જમ્યા બાદ તમે લટાર મારવા જેવો સ્લો વૉક કરી શકો છો. એનાથી બ્લડ-શુગર લેવલ જળવાઈ રહે છે. હંમેશાં વહેલી સવારની ફ્રેશ ઍરમાં કરેલો મૉર્નિંગ વૉક વધુ સારો ગણાય છે, પણ સમયનો અભાવ હોય તો ગમે ત્યારે તમે બે વાર ૩૦-૩૦ મિનિટ ચાલો એ જરૂરી છે.’

ફૂલપ્રૂફ વેઇટલૉસ નથી

આ મેથડ હેલ્ધી લાઇફસ્ટાઇલની શરૂઆત કરવા માટે સારી છે, પણ જો તમારે વધુ વજન ઘટાડવાનું હોય કે પછી હેલ્થ-રિલેટેડ બીજા પ્રૉબ્લેમ્સ પણ હોય અને એ દૂર કરવા માટે ડાયટિંગ કરવાનું તમને કહેવામાં આવ્યું હોય તો આ મેથડ પૂરતી નથી એવું જણાવતાં દર્શના જોશી કહે છે, ‘વેઇટલૉસ માટે ફ્રૂટ અને વેજિટેબલ સાથે ઓવરઑલ ડાયટ, કૅલરી ઇન્ટેક, પોર્શન સાઇઝ, પર્સનલ હેલ્થ, મેટાબોલિઝમ રેટ વગેરે પર પણ ધ્યાન આપવું જરૂરી છે.’

લાઇફસ્ટાઇલ બનાવવાની ટિપ્સ : દર્શના જોશી

હંમેશાં જ્યાં જાઓ ત્યાં પાણીની બૉટલ સાથે રાખો. દિવસમાં સવારે બ્રેકફાસ્ટમાં એક ફ્રૂટ અચૂક લો અને બીજું ફ્રૂટ સાથે રાખો અને જ્યારે ભૂખ લાગે ત્યારે કોઈ અનહેલ્ધી સ્નૅક્સની જગ્યાએ ફ્રૂટ ખાઓ અથવા રૉ વેજિટેબલ્સ કાકડી, ટમેટાં, ગાજરની સ્ટિક્સ ખાઓ.

સમયનો અભાવ હોય તો એકસાથે નહીં પણ ૧૦ મિનિટ કે ૧૫ મિનિટ ફોન પર વાત કરતાં કે કોઈ નાનું-મોટું કામ કરતાં કે ઘરમાં જ ટીવી જોતાં ચાલો.

આ મંત્રમાં બીજી બે વસ્તુ પણ ઉમેરવી જરૂરી છે. એ છે મુઠ્ઠીભર ડ્રાયફ્રૂટ્સ અને હેલ્ધી સીડ્સ.

૬થી ૮ કલાકની ઊંઘ અને સ્ટ્રેસ-ફ્રી લાઇફ પણ મહત્ત્વની છે. શું ખાઓ છો અને કેટલું ખાઓ છો એ પ્રત્યે સજાગ રહો અને જે મળ્યું છે એ માટે ગ્રેટફુલ રહો તો બૉડી અને માઇન્ડ હેલ્ધી રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

09 July, 2024 07:45 AM IST | Mumbai | Heta Bhushan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK