° °

આજનું ઇ-પેપર
Friday, 24 September, 2021


નવા વર્ષે સદા સ્વસ્થ રહેવું હોય તો અપનાવો આ 9 પરંપરા

01 January, 2020 02:57 PM IST | Mumbai

નવા વર્ષે સદા સ્વસ્થ રહેવું હોય તો અપનાવો આ 9 પરંપરા

ન્યૂ યર 2020

ન્યૂ યર 2020

આયુર્વેદમાં સ્વસ્થવૃત્ત નામે શાસ્ત્ર છે જે રોગોની સારવાર કરતાંય વધુ મહત્વ આપે છે સદા નિરોગી રહેવાને. રોગ જ ન આવે અને વ્યક્તિ તન અને મનને સ્વસ્થ રાખી શકે એ માટે કોઈ મોટા ખર્ચા કરવાની જરૂર કદી રહી જ નથી. જરૂર છે તો માત્ર જીવનમાં સાચી અને સાદી આદતો કેળવવાની. આયુર્વેદાચાર્ય ડૉ. સંજય છાજેડ અને ડૉ. મહેશ સંઘવી સાથે વાતચીત કરીને અમે એવી નાની નવ આદતો અલગ તારવી છે જેને પાળશો તો આજથી શરૂ થતું નવું વર્ષ સ્વસ્થતા પ્રદાન કરનારું રહેશે

સૂર્યોદય પહેલાં ઊઠવું

બ્રહ્મે મુહૂર્તે ઉત્તિષ્ઠેત સ્વસ્થો સર્વાર્થમાયુષઃ

હેલ્ધી રહેવા માટે આયુર્વેદમાં બ્રહ્મમૂહુર્તમાં ઊઠવાનું કહ્યું છે. આ મુહૂર્ત એટલે સૂર્યોદય થાય એની ૪૫ મિનિટ પહેલાંનો સમય. દરેક ઋતુ મુજબ સૂર્યોદયનો સમય થોડીક મિનિટો પ્લસ-માઇનસ થતો રહે છે એટલે મિનિટોની ગણતરી ન કરતાં જો ઍવરેજ ૫.૩૦ વાગ્યા સુધીમાં ઊઠી જવામાં આવે તો એ ઉત્તમ રહે. આ સમય દરમ્યાન વાત દોષ પ્રબળ હોય એટલે જો આ સમયે જાગી જવામાં આવે તો સ્વાભાવિક રીતે પેટનો કચરો બહાર ઠાલવવાની પ્રક્રિયા બહુ સરળ થઈ જાય. સૂરજ માથે ચડી જાય ત્યાં સુધી સૂતાં રહેવાથી ત્રણેય દોષોમાં અસંતુલન આવે છે અને લાંબા ગાળે રોગો ઘર કરી જાય છે.

રાતે તાંબાના લોટામાં ભરેલું પાણી સવારે પીવું

આ ખૂબ જ કૉમન આદત છે અને કદાચ હજીયે ઘણા વયસ્ક લોકો આ નિયમ માને પણ છે. રાતે સૂતાં પહેલાં શેર પાણી તાંબાના લોટામાં ભરી લેવું અને ઢાંકીને ખુલ્લી જગ્યામાં મૂકી દેવું. સવારે ઊઠીને આ પાણી પી જવું. તાંબાના લોટામાં ભરેલું પાણી અનેક રીતે ગુણકારી છે. એ શરીરમાં સૂક્ષ્મ ખનીજ તત્ત્વોની પૂર્તિ કરે છે. સવારે વાયુના દોષના આધિક્યને કારણે આવું પાણી પીવાથી શરીરમાંથી ટૉક્સિન્સ યુરિન અને મળ વાટે નીકળવાની પ્રક્રિયા સરળ બને છે. નિયમિત આ આદત પાળનારાનું શરીર આપમેળે ડીટૉક્સિફાય રોજેરોજ થતું રહે છે અને કદી પેટ સાફ થવામાં તકલીફ નથી પડતી અને ફાકી કે રેચ લેવાની જરૂર નથી રહેતી.

ઊઠીને સૂર્યને અર્ધ્ય ચડાવવું

આ આદત કદાચ કોઈકને બહુ ધાર્મિક લાગી શકે અને એનાથી વળી સ્વાસ્થ્યને શું લેવાદેવા એવું પણ લાગે. આ પરંપરા પાછળનો હેતુ હતો પૃથ્વી પર જેને કારણે જીવન સંભવ છે એવા સૂર્યદેવને નમન કરવાનો. બીજું, દિવસની શરૂઆત શાંત ચિત્તે, ઇષ્ટદેવનું નામ લઈને શરૂ કરવામાં આવે તો મન સ્વસ્થ અને સુવ્યવસ્થિત રીતે કામ કરી શકે છે. આજકાલ ઊઠતાંની સાથે હજી આંખ પણ ન ખૂલી હોય ને તરત જ વૉટ્સઍપ કે મોબાઇલ ચેક કરવાની આદતને કારણે જાગતાંની સાથે જ મગજ અસ્તવ્યસ્ત દિશામાં ભાગવા લાગે છે. સૂર્યને અર્ધ્ય ચડાવવા પાછળનો હેતુ એ પણ છે કે પાંચથી દસ મિ‌નિટ કૂમળા તડકામાં રહીને તમે શરીરને આપમેળે વિટામિન ડી પેદા કરવાની તક આપો.

ટૂથપેસ્ટને બદલે દાતણ અથવા દંતમંજન

પેટ સાફ તો હર દર્દ માફ એવી કહેવત છે. જોકે પેટની સ્વસ્થતાની કાળજી દાંત અને જીભની કાળજીથી શરૂ થતી હોય છે. દિવસમાં બે વાર બ્રશ કરવું જોઈએ એવું આજના ડેન્ટિસ્ટો કહે છે, પરંતુ આયુર્વેદ માને છે કે દિવસમાં સૌપ્રથમ મોંમાં તૂરો રસ નાખવો જોઈએ. એ જીભ અને મોંમાં રહેલી સ્વાદેન્દ્રિયો અને લાળગ્રંથિઓને સ્વસ્થ રાખે છે. ગળી ટૂથપેસ્ટને બદલે હળદર (૫૦ ગ્રામ), સિંધવ નમક (૫૦ ગ્રામ), કાથો (૧૦ ગ્રામ), એલચી (પાંચ ગ્રામ), કપૂર (૧૦ ગ્રામ), બદામ-અખરોટની છાલની રાખ (૧૦૦ ગ્રામ) મિક્સ કરીને રાખો. એમાંથી બનાવેલું દંતમંજન સવારે ઊઠીને અને રાતે સૂતાં પહેલાં કરવું. એનાથી દાંત અને પેઢાંની મજબૂતાઈ વધે છે.

અભ્યંગ અને વ્યાયામ

સવારે ઊઠીને ભગવાનનું નામ લીધા બાદ તનને સ્વસ્થ બનાવવાનું કામ કરવું. એ માટે મા‌લીશ અને કસરત બન્ને મહત્ત્વની બાબત છે. આયુર્વેદમાં તલના તેલનું અભ્યંગ કરવાનું કહેવાયું છે. તેલને સહેજ કોકરવરણું ગરમ કરીને આખા શરીરે જાતે જ માલીશ કરવી. ખાસ કરીને બન્ને હાથ, પગ, ગરદન, ખભાની ત્વચા પર તેલ સાથે ઘસીને હાથ ફેરવવો. હૃદય તરફ લોહીનું ભ્રમણ થાય એ રીતે સ્ટ્રોક મારવા. તલના તેલની માલીશ બારેમાસ કરી શકાય. જો ત્વચાને તેલ માફક ન આવતું હોય તો જૂનું ગાયનું ઘી પણ લઈ શકાય. માલીશ કરીને પછી પરસેવો પડે એવી કસરત કરવી. સૂર્યના કૂમળા તડકામાં યોગાસન કરો તો બેસ્ટ.

જમવાનો સમય ફિક્સ રાખવો

દિનચર્યાને બરાબર ગોઠવવી હોય તો સૂવા અને ઊઠવાનું ચક્ર નિયમિત કરવું જોઈએ, એ જ રીતે જો પાચનની વ્યવસ્થાને બરાબર ચાલતી રાખવી હોય તો ભોજનનો સમય નિયત હોવો જોઈએ. સવારે ઊઠીને તરત ખાવાને બદલે આઠથી નવની વચ્ચે નાસ્તો, બપોરે એકથી બેની વચ્ચે બપોરનું ભોજન અને રાતનું ડિનર સાડા સાતથી આઠ વાગ્યા પહેલાં લઈ લેવું. એમ કરવાથી શરીરની સર્કાડિયન રિધમ સેટ થશે. ખાવાનું સમયસર લેશો તો પાચન અને મળત્યાગની ક્રિયાઓ પણ  સેટ રહેશે. સ્વસ્થ રહેવા માટેની આ પ્રાથમિક જરૂરિયાત છે જે કોઈ પણ ભોગે પાળવી જરૂરી છે.

સીઝનલ અને લોકલ ફૂડ ખાવું

પહેલાંના જમાનામાં લોકો આસપાસના વિસ્તારમાં જે પાકે એનો જ મુખ્ય આહાર તરીકે ઉપયોગ કરતા હતા. કુદરતની પ્રક્રિયા ઋતુ અને કાળ મુજબ બદલાતી રહેતી હોય છે.  ગરમી-ઠંડી કે વરસાદના સમયમાં જે વનસ્પતિઓ, ફળો કે ધાન્યો ઊગતાં હોય એ જે-તે ‌સીઝન માટે જ આપણી પાચનક્રિયાને માફક આવે છે. ઠંડીની સીઝનમાં જે કુદરતી રીતે ઊગતું હોય એ જ ચીજો ઠંડીમાં ખાવી. ગરમીમાં ઊગતી ચીજો ગરમીમાં. દુનિયાના બીજા છેડે ઊગતાં એક્ઝોટિક ફળો ભલે ઍન્ટિ-ઑક્સિડન્ટ કે ન્યુટ્રિશનથી ભરપૂર હોય, પણ એ તમે જે વાતાવરણમાં રહો છો એ મુજબ તમારા શરીરને માફક ન આવતા હોય એવું પણ બની શકે છે. 

ભોજન પીવું અને પાણી ખાવું

શું ખાવું એ પછી કેવી રીતે ખાવું એ વિચારવાનો સમય છે. ભોજન શરીરને ટકાવી રાખવા માટે અને મનની સંતૃપ્તિ માટે જરૂરી છે. મોટા ભાગે આપણે ટીવી જોતાં-જોતાં અને મોબાઇલમાં ગેમ રમતાં-રમતાં ખાતા થઈ ગયા છીએ. કાં તો પરિવાર કે દોસ્તો સાથે ધમાલમસ્તી કરતાં-કરતાં ખાઈએ છીએ. જોકે આદર્શ રીતે ભોજન કરવું એ એક સ્વતંત્ર પ્રક્રિયા છે જેની સાથે બીજું કશું જ મિક્સ-અપ ન કરવું. બને તો જમતી વખતે બોલવું પણ નહીં. મોટા ભાગે ભારતીય ભોજન હાથેથી જ આરોગી શકાય એવું હોય છે, પરંતુ દાળ-ભાત, ખીચડી અને સેમી-લિક્વિડ વાનગીઓ પણ બને ત્યાં સુધી હાથેથી જ ખાવી જોઈએ. ભોજનનો એક કોળિયો એટલી વાર ચાવવો જોઈએ કે એ મોંમાં જ લિક્વિડ બની જાય, મતલબ કે તમે ખોરાક પી શકો એવો થઈ જાય. એવી જ રીતે પાણી એકધારું ગટગટાવવાને બદલે જાણે એક-એક સિપનો કોળિયો લેતા હો એ રીતે લેવું.

રાતે સૂતી વખતે નાક-કાનમાં તેલ 

રાતે પથારીમાં પડીએ ત્યારે દિવસની તમામ ઘટનાઓના ભારને બાજુએ મૂકીને સૂઈ જવું. જાણે કાલે સવારે પથારીમાંથી ન ઉઠાય તોય કોઈ વસવસો ન રહે એ રીતે મનને શાંત કરવું. મનને શાંત કરવાની પ્રક્રિયા માટે પગના તળિયે એક જૂનું ગાયનું ઘી ઘસવું. સાથે નાક-કાનમાં તેલપૂરણ કરવું. નાકમાં તેલવાળી આંગળી ફેરવી લેવી અને કાનમાં સહેજ કોકરવરણા તેલનાં બેથી ત્રણ ટીપાં નાખવાં. કર્ણપૂરણની આ પ્રક્રિયાથી ઊંઘમાં બિહામણાં સપનાં અને વિચારો આવતા હોય તો એનું શમન થાય છે. 

01 January, 2020 02:57 PM IST | Mumbai

અન્ય લેખો

હેલ્થ ટિપ્સ

ખુરશી પર બેસીને ફ્લેક્સિબિલિટી પણ વધે ને વજન પણ ઘટે

જેઓ જમીન પર નથી બેસી શકતા અથવા જેમણે લાંબા કલાકો સુધી પોતાના કામને કારણે ચૅર પર જ બેસવું પડે છે એવા તમામ લોકો માટે ચૅર પર બેસીને થતાં મૉડિફાઇડ આસનો અને પ્રાણાયામનો અભ્યાસ વરદાન બની શકે છે

22 September, 2021 04:22 IST | Mumbai | Ruchita Shah
હેલ્થ ટિપ્સ

પેઇન સહન કરી લેવું કે પછી દવા લઈ લેવી?

મને એની આદત પડી ગઈ છે એવું પણ નથી, પરંતુ પેઇન સહન કર્યા કરવાનું પણ મને ગમતું નથી. પેઇનકિલર ક્યારે લેવી અને ક્યારે નહીં?

22 September, 2021 03:47 IST | Mumbai | Dr. Sushil Shah
હેલ્થ ટિપ્સ

World Alzheimer Day : અલ્ઝાઇમરને દર્શાવતી આ પાંચ હિન્દી ફિલ્મો તમે જોઈ છે?

મહદ અંશે અંગ્રેજી ફિલ્મો અલ્ઝાઇમરની સ્થિતિ સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. સ્ટિલ એલિસ, ધ નોટબુક, ઓન ગોલ્ડન પોન્ડ જેવી ફિલ્મોએ અલ્ઝાઇમરની સ્થિતિને કુશળ રીતે સમજાવી છે.

21 September, 2021 03:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK