° °

આજનું ઇ-પેપર
Tuesday, 15 June, 2021


આજકાલ બહુ જ કંટાળો આવે છે?

23 November, 2012 06:24 AM IST |

આજકાલ બહુ જ કંટાળો આવે છે?

આજકાલ બહુ જ કંટાળો આવે છે?શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીની આ મોસમમાં દિવસ મોડો ઊગે છે અને વહેલો આથમે છે એટલે સૂર્યપ્રકાશ જલદી ગાયબ થઈ જાય છે. આમ તો તબિયત બનાવવાની અને ખાઈ-પીને તાજા-માજા થવાની ઋતુ ગણાતો શિયાળો માનવના મૂડ પર ઘેરી અસર કરે છે. વિન્ટરમાં સતત થાક અને કંટાળાનો અનુભવ થતો રહે છે. મનુષ્યની બૉડી-ક્લૉક એની રફ્તાર ગુમાવે અને જે ગડમથલ ઊભી થાય એ વિન્ટર બ્લુઝ તરીકે ઓળખાય છે. વિન્ટર બ્લુઝને સીઝનલ અફેક્ટિવ ડિસઑર્ડર તરીકે પણ ઓળખાય છે જે ડિપ્રેશનનો જ એક પ્રકાર છે.

લક્ષણો કયાં?

દરેક વયનાં સ્ત્રી-પુરુષો અને બાળકોને વાતાવરણની અસર સાથે વિન્ટર બ્લુઝનાં થોડાંઘણાં ચિહ્નો વરતાય છે જ. વધુપડતી અને વહેલી કે ગમે ત્યારે ઊંઘ આવવી, ખૂબ અશક્તિ લાગવી, દરેક કામમાં કંટાળો આવવો, મીઠાઈ અને સ્ટાર્ચી ફૂડ ખાવાની લાલસા જાગવી, કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ કરવાને બદલે આખો દિવસ પલંગમાં કે સોફામાં પડ્યા રહેવાની ઇચ્છા થવી, અતિશય થાક લાગવો, કોઈ પણ વાતમાં નિરાશા અને નિસાસા નીકળવા, ચારે બાજુ અંધારું છે અને હવે શું થશે એવા નિરાશાભર્યા વિચારો આવવા તેમ જ વ્યગ્રતા, બેચેની અને અસ્વસ્થતા અનુભવવી જેવા લક્ષણો વિન્ટર ડિપ્રેશનમાં જોવા મળે છે.

આ બધાં કારણોસર રોજિંદા જીવનમાં અડચણ ઊભી થાય એને વિન્ટર બ્લુઝના વિક્ટિમ કહેવાય.

આવું શા માટે થાય?

આંખમાં જેટલો પ્રકાશ જાય એ પ્રમાણે આપણા મગજમાં રહેતું નર્વ સેન્ટર બૉડી રિધમને કન્ટ્રોલ કરે. અંધારું થતાં જ મસ્તકમાં રહેલી પાઇનિયલ ગ્રંથિ મેલાટોનિન પેદા કરે જે બૉડી ક્લૉકને રાતનો સંકેત આપે અને આપણું શરીર શાંત થઈ જાય. એટલે ઘડિયાળ સમી સાંજનો વખત બતાવતી હોય છતાં પ્રકાશની અછતને કારણે શારીરિક શક્તિઓ સુષુપ્ત થઈ જાય.

દૂર કરવા શું કરવું?

સૌપ્રથમ તો ઘરમાં હો કે ઑફિસ અથવા દુકાનમાં, બધી જ લાઇટો ચાલુ કરી દો. લાઇટ પર ધૂળ બાઝી ગઈ હોય તો સાફ કરો જેથી ટ્યુબલાઇટનો પ્રકાશ વધુ પ્રજ્વલિત લાગે. આ બ્રાઇટ લાઇટ થેરપી કહેવાય છે, જે તમારા મૂડને પચાસ ટકા ઠેકાણે લઈ આવશે.

તમે ઘરમાં હો ત્યારે શક્ય હોય તો મોટેથી મ્યુઝિક વગાડો. માઇન્ડ ઇટ કે અહીં મંદ અને શાંત સંગીત નહીં, કહેવાતું લાઉડ કે ઘોંઘાટિયું મ્યુઝિક. એ તમારા મૂડને મસ્ત કરી નાખશે. મ્યુઝિક પર ડાન્સ પણ કરી શકાય. અકસીર ઉપાય એ છે કે ટીવી પર એમટીવી, વીટીવી જેવી ચૅનલ જુઓ ઔર ખો જાઓ.

નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો ગયા. વેકેશન પૂરું થયું અને રજાઓમાં સાથે રહેતું કુટુંબ હવે રોજિંદી ઘટમાળમાં પરોવાઈ ગયું ત્યારે એકલા પડ્યાની લાગણી અનુભવો છો? તો કબાટ ખોલો. ના, તમારે એ સાફ નથી કરવાનું; પણ એમાં રહેલાં ભારે ડ્રેસ, સાડી કે તમને બહુ ગમતાં હોય પણ ફક્ત વાર-તહેવારે જ પહેરી શકાતાં હોય એવાં કપડાં અને દાગીના પહેરો અને તૈયાર થાઓ. તૈયાર થઈને ઘરમાં ડિજિટલ કૅમેરા કે મોબાઇલ કૅમેરાથી ફોટો પાડવાનું ન ભૂલતા.

ટીવી જોવું હોય તો એને મ્યુટ (શાંત) કરી દો. ન્યુઝચૅનલ ચાલુ કરીને સમાચારવાચકની જગ્યાએ તમે ન્યુઝરીડર બનીને સમાચાર આપો અથવા ટિપિકલ સિરિયલોમાં જેટલાં કૅરૅક્ટરો હોય તેમને બદલે તમે ડાયલૉગ્સ બોલો. પહેલી વખત થોડું અઘરુંં લાગશે અને શબ્દો નહીં સૂઝે, પણ પછી મજા આવશે  એની ગૅરન્ટી.

તમારા વાળમાં અવનવી હેરસ્ટાઇલ કરો, મેક-અપ કરો. જે જોઈને કરવાનું મન થતું હોય પણ હિંમત ન ચાલતી હોય એવી ફૅશન-શોમાં બતાવવામાં આવતી હેરસ્ટાઇલ અને મેક-અપ કરો તથા ફોટા પાડો. ખરેખર, આ કસરત મૂડ-લિફ્ટર બની રહેશે.

મૂડ સુધારવાનો શૉપિંગ એ મસ્ત ઉપાય છે, પણ શૉપિંગ સેન્ટર કે મૉલમાં જવાનું ટાળો. નહીં તો કેટલીયે નકામી વસ્તુઓ ખરીદીને તમે બજેટને તો ઊથલપાથલ કરી જ મૂકશો અને ઘરને પણ વખાર બનાવી દેશો. એટલે ખરીદી કરવા શાકભાજી અને ફળોની હોલસેલ માર્કેટમાં જાઓ. ધારો કે તમે આડેધડ શૉપિંગ કરશો તો પણ હેલ્ધી ફ્રૂટ અને શાકભાજી જ ઘરમાં આવશે. જો સંતુલિત પ્રમાણમાં શૉપિંગ કરવું છે તો તમે ખરીદી કરવા જતા હો ત્યારે કલ્પના કરો કે તમે સર્વેયર છો અને કયા ભૈયાજી પાસે સારાં સફરજન છે અને કઈ દુકાનમાં સસ્તાં છે એ સર્વે કરીને પછી ખરીદી કરવાની છે. અહીં બે ફાયદા થશે. વસ્તુ સસ્તી અને સારી આવશે એનો આનંદ થશે તેમ જ સમય વધુ પસાર થશે.

ગૅજેટ્સની બોલબાલા

વિન્ટર બ્લુઝ દૂર કરતાં કેટલાંય એવાં સાધનો મળે છે જે તમારી માનસિક સ્થિતિ વ્યવસ્થિત રાખે. આ સાધનોમાં એક લાઇટ બૉક્સ છે, જે બ્રાઇટ લાઇટ થેરપીમાં પણ ઉપયોગી છે. એમાં હાઈ વોલ્ટેજની આંખોને નુકસાન ન કરે એવી લાઇટ્સ હોય છે અને જેમાંથી નીકળતો પ્રકાશ દિવસ હોય એવો ભાસ કરાવે છે. ટેનિસ રમતી વખતે પહેરાતી ટોપી જેવું સાધન છે. એમાં આગળના ફ્લૅપમાં એલઈડી લાઇટ લગાવેલી હોય છે. આ સાધન પહેરવાથી મૂડ સારો રહે છે અને કામ કરવાનું મન થાય છે. તો વળી બૉડી-ક્લૉકમાં ઘડિયાળ, અલાર્મ, રેડિયો લાઇટ અને એમપી-થ્રી પ્લેયર હોય છે જે તમને ઊંઘમાંથી ઉઠાડે છે, મૂડ લિફ્ટ કરવા મ્યુઝિક વગાડે છે અને એની લાઇટ-લાઇટ થેરપી આપે છે.

23 November, 2012 06:24 AM IST |

અન્ય લેખો

હેલ્થ ટિપ્સ

ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરની દવા દરરોજ લેવી પડશે?

ઘણા લોકો ડૉક્ટરની સલાહ વિના જાતે જ દવાઓ બંધ કરી દે છે અને એને કારણે ઘણી તકલીફ ભોગવે છે

15 June, 2021 10:30 IST | Mumbai | Dr. Sushil Shah
હેલ્થ ટિપ્સ

હૉર્મોનલ અસંતુલન છે? તો સીડ સાઇક્લિંગ કરો

સ્ત્રીઓની અંતઃસ્રાવી ગ્રંથિઓને લગતી અનેક સમસ્યાઓ માટે હાલમાં બીજ પર આધારિત નેચરોપથી રેમેડી બહુ પૉપ્યુલર થઈ છે. આ નવી થેરપી કઈ રીતે હૉર્મોન્સને સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે અને કઈ રીતે કામ કરે છે એ જાણીએ

15 June, 2021 10:38 IST | Mumbai | Jigisha Jain
હેલ્થ ટિપ્સ

વાયુ અને સાંધાની તકલીફમાં શું કરવું?

શરીરમાં જ્યારે પાચનતંત્ર નબળું થાય ત્યારે આમ સર્જાય છે. આ આમ શરીરમાં જ્યાં રોકાય છે ત્યાં જુદાં-જુદાં લક્ષણો સર્જે છે. અપચો, ગૅસ, પેટની ગરબડ અને સાંધામાં દુખાવો આ બધું એને કારણે જ થાય છે.

14 June, 2021 02:18 IST | Mumbai | Dr. Sanajy Chhajed

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK