Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ડેન્ચર સાચવવાની ૧૦ ટિપ્સ

ડેન્ચર સાચવવાની ૧૦ ટિપ્સ

07 December, 2022 03:17 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

મોટી ઉંમરે નકલી દાંતનું ચોકઠું પહેરવાનું આવે તો એની પણ કાળજી લેવી જરૂરી છે નહીંતર મોઢાના ઇન્ફેક્શનથી લઈને પોષક તત્ત્વોની કમી સુધીની ઘણી તકલીફો આવી શકે છે. ચાલો, જાણીએ ચોકઠું લાંબું ચાલે અને કનડે નહીં એ માટે કેવી કાળજી રાખવી જરૂરી છે એ

ડેન્ચર સાચવવાની ૧૦ ટિપ્સ

હેલ્થ ઈઝ વેલ્થ

ડેન્ચર સાચવવાની ૧૦ ટિપ્સ


બોખાં, દાંત વગરનાં દાદા-દાદીઓની કાલીઘેલી ભાષા બાળકો જેવી જ ક્યુટ લાગતી હોય છે પરંતુ વ્યવસ્થિત ખાઈ શકાય અને શરીરને મોટી ઉંમરે પણ સાચવી શકાય એ માટે દાંતની અવેજીમાં ચોકઠું તો જોઈએ. વૃદ્ધાવસ્થામાં જેમ નજર કમજોર થાય એટલે ચશ્માં આવે છે, કાન સાંભળતા બંધ થાય એટલે કાનનું મશીન આવે છે એમ દાંત ખરાબ થાય અને પડતા જાય ત્યારે ડેન્ચર, જેને આપણે નકલી દાંત કે ચોકઠું કહીએ છીએ એ આવે છે. ઘણા લોકોને આ ચોકઠું સરસ ફાવી જાય છે તો ઘણાને ઍડ્જસ્ટ થવામાં તકલીફ થાય છે. 
ચોકઠામાં મોટા ભાગે એવું થાય છે કે દાંત ધીમે-ધીમે પડવા લાગે છે. અમુક વર્ષોના ગૅપમાં મોઢું ખાલી થતું જાય છે. આદર્શ રીતે જે દાંત પડી ગયો એની જગ્યાએ નવો ખોટો દાંત બેસાડવો જોઈએ પણ ઘણા લોકો બીજા દાંતના પડવાની રાહ જોતા હોય છે. જો જડબાના એક ભાગમાં ત્રણ-ચાર દાંત સાથે પડી જાય તો એક પાર્શલ ચોકઠું પણ બનાવી શકાય છે અને જો દાંત સંપૂર્ણપણે જ જતા રહે તો આખું ચોકઠું બનાવવું પડે છે. બાંદરાના ડેન્ટિસ્ટ ડૉ. રાજેશ શેટ્ટી પાસેથી જાણીએ ચોકઠું આવ્યા પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
૧. સૌથી પહેલાં તો એ જરૂરી છે કે તમે જે માપ સાથે જે ડૉક્ટર પાસે ચોકઠું બનાવ્યું હોય એ વ્યવસ્થિત અને એકદમ માપસર બનીને આવે. એમાં કયું મટીરિયલ વાપરવું જોઈએ, તમારા બજેટમાં શું ફિટ થાય છે, નકલી દેખાશે કે એકદમ ઓરિજિનલ દાંત જેવા જ દેખાશે એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ચોકઠું બનાવડાવવું. 
૨. ચોકઠું આવ્યા પછી એને ધીમે-ધીમે મૅક્સિમમ સમય સુધી દિવસના ભાગમાં પહેરવું. ઘણા લોકો એવા હોય છે કે એ ફક્ત જમતી વખતે જ ચોકઠું પહેરે છે, બાકી દિવસ દરમિયાન પણ કાઢી નાખે છે. એને લીધે થાય છે એવું કે તેમને એની આદત પડતી જ નથી. ચોકઠું આવ્યા પછી તમારે એને સમય આપવાનો છે, જેનાથી તમારું શરીર અને મગજ એને સ્વીકારી લે. એ તમને અજુગતું ન લાગે અને એની આદત પડી જાય. 
૩. આ સમય જે લોકો નથી આપતા તેમની સાથે એ તકલીફ થાય છે કે ચોકઠું ન પહેરવાને લીધે પેઢાં પર વજન આવતું નથી અને પેઢાંનું હાડકું સમય જતાં સંકોચાય છે અને નાનું બનતું જાય છે. પેઢાંનું માપ બદલે એટલે ફરી ચોકઠું ફિટ આવતું નથી અને બીજું બનાવવું પડે છે. 
૪. તો શું ચોકઠું તમે પહેરો તો એ લાઇફટાઇમ ચાલે? આ પ્રશ્નનો જવાબ છે ના. ચોકઠું પહેર્યા પછી પણ પેઢાંનું હાડકું સંકોચાય છે, પણ એટલું ઝડપથી નહીં જેટલું એ વગર ચોકઠે સંકોચાય. 
૫. ચોકઠું હંમેશાં દિવસ દરમિયાન જ પહેરવું, રાત્રે નહીં. રાત્રે ચોકઠું પહેરીને સૂઈ ગયા તો ચોકઠાની નીચે ફંગલ ગ્રોથ થઈ શકે છે અને એને કારણે મોઢામાં ઇન્ફેક્શન ફેલાઈ જાય છે. એનાથી બચવા વગર ભૂલ્યે રાત્રે ચોકઠું કાઢી જ નાખવું. 
૬. એને રાત્રે કાઢીને રૂમ ટેમ્પરેચર ધરાવતા પાણીમાં બોળીને રાખવું. ડેન્ચર ક્લીનિંગ માટે ટૅબ્લેટ આવે છે એને આ પાણીમાં નાખી દેવાની. સવારે એને સરસ સાફ કરીને પહેરી લેવું.  
૭. દિવસે જેટલી વાર જમો એટલી વાર ચોકઠું કાઢીને બ્રશથી સાફ કરવું જરૂરી છે. એને વહેતા નળના પાણીમાં ધોઈ નાખવું. ખાસ ધ્યાન રાખો કે એકદમ ગરમ પાણીનો ઉપયોગ ન જ કરવો. એનાથી એ ડૅમેજ થઈ શકે છે. 
૮. જો તમે ચોકઠું હજી બનાવડાવ્યું જ છે અને એ થોડું લડખડાય છે કે વ્યવસ્થિત ફિટ નથી બેસતું, તમારાથી વ્યવસ્થિત ચવાતું નથી, એના પછી તમને મોઢામાં ચાંદાં પડી ગયાં તો તરત જ તમારા ડૉક્ટરને મળો અને તેમની પાસેથી ઉપાય જાણો.
૯. શરૂઆતમાં ફિટિંગ ઠીક રહે એ માટે જેલ કે પાઉડર પણ આવે છે, જેને ચોકઠાની નીચેના ભાગમાં લગાવવાની હોય છે, પરંતુ એ ફક્ત તમને ઇરિટેશન ન થાય એ માટેની છે. થોડા શરૂઆતના દિવસો એ ઘણી કામ લાગે છે. 
૧૦. ચોકઠું ધોતી વખતે ખાસ ધ્યાન રાખવું કે જો એ હાથમાંથી છટકીને પડી જાય અને એનું મટીરિયલ ખાસ મજબૂત ન હોય તો સીધા બે કટકા થઈ જઈ શકે છે. 

ફિક્સ ચોકઠું


દાંતની જરૂર તો દરેકને છે જ. એક ઉંમર પછી જ્યારે દાંત ખડી પડે ત્યારે ચોકઠાની જરૂર પડે જ છે. જોકે ચોકઠાં પહેરતાં ક્યુટ દાદા-દાદીઓ આજની તારીખે ઓછાં દેખાય છે. એનું શું કારણ એ વિશે જણાવતાં ડૉ. રાજેશ શેટ્ટી કહે છે, ‘પહેલાં કરતાં આજની તારીખે ડેન્ટલ કૅર ઘણી સારી થતી જાય છે. લોકો એ બાબતે જાગૃત છે એટલે દાંત સંપૂર્ણ ખરાબ થાય એટલી રાહ જોતા નથી. એક દાંત જાય તો એની જગ્યાએ નકલી દાંત બેસાડતા હોય છે. વધુ દાંત જાય તો પણ રિમૂવેબલ ડેન્ચરની જગ્યાએ લોકો કાયમી ફિક્સ દાંત બેસાડવા લાગ્યા છે. ફિક્સ ચોકઠું વધુ અનુકૂળ હોય એ તો સહજ છે, પરંતુ મોંઘું પણ પડતું હોય છે. એનો એક ફાયદો એ છે કે દાંત ત્યાં ફિક્સ કર્યો હોવાથી પેઢાં સંકોચાવાની પ્રક્રિયા ખૂબ ધીમી રહે છે અથવા તો કહીએ કે થતી જ નથી.’

દિવસમાં બને ત્યાં સુધી સતત ચોકઠું પહેરી રાખવું જરૂરી છે અને રાતે હંમેશાં કાઢીને સાફ કરીને પાણીમાં મૂકી રાખવું. 
ડૉ. રાજેશ શેટ્ટી


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2022 03:17 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK