અમદાવાદની સાંકડી શેરીમાં સૌરાષ્ટ્ર ફરસાણ હાઉસમાં મળતાં લસણિયાં સેવમમરાની સાથે પપૈયાનો સંભારો આપવામાં આવે છે, જેને લીધે સેવમમરા ખાવામાં લુખ્ખાં ન લાગે. પણ એ ન આપે તો પણ ચાલે ને સેવમમરા સડસડાટ ગળા નીચે ઊતરે એવાં ટેસ્ટી એ સેવમમરા છે
ફૂડ ડ્રાઇવ
સંજય ગોરડિયા
મૂળ વિષય પર આવતાં પહેલાં હું કહી દઉં, હું મારી અમેરિકાની નાટકની ટૂર પૂરી કરીને ઇન્ડિયા પાછો આવી ગયો. મંગળવારે રાતે પાછો આવ્યો અને બુધવારે તો મારી નવી વેબ-સિરીઝનું થોડુંઘણું જે કામ બાકી હતું એમાં લાગ્યો અને પછી ગુરુવારે તો પહોંચી ગયો હું અમદાવાદ, મારી નવી વેબ-સિરીઝની વર્કશૉપ માટે. મને ઘણી વાર થાય કે મારા પગમાં સાલ્લી ભમરી છે કે હું એક જગ્યાએ બેસી જ નથી શકતો. પણ મિત્રો, સાચું કહું તો ફરવું મને પણ ગમે છે અને સૃષ્ટિનો એક નિયમ છે. તમને જે ગમતું હોય એ કામમાં તમને ન તો થાક લાગે, ન તો કંટાળો આવે.
આ વખતની ફૂડ-ડ્રાઇવ અમદાવાદની છે અને એ મને સાવ અનાયાસે મળી છે. બન્યું એમાં એવું કે વર્કશૉપ પતાવીને હું બપોરે ચાર વાગ્યે થોડી ખરીદી કરવા માણેક ચોક ગયો અને મને લાગી ભૂખ. મેં મારા સાથી કલાકાર આકાશ ઝાલાને ફોન કર્યો કે ભાઈ, રાતે તો તમારા માણેક ચોકમાં ઢગલાબંધ વરાઇટી મળે પણ બપોરે ચાર-પાંચ વાગ્યે કંઈ એવું મળે જે ખાઈને જલસો પડી જાય?
ADVERTISEMENT
આકાશે મને તરત નામ આપ્યું કે તમે સાંકડી શેરીમાં પહોંચી જાઓ, મસ્ત સેવમમરા ખાવા મળશે. મેં તો કહ્યું ભલે, પણ સાચું કહું? મને એમ કે શું આ સેવમમરાની વાતો કરે છે, પણ આકાશને ખોટો પાડવા ગણો તો ખોટો પાડવા અને કુદરતનો સંકેત ગણો તો સંકેત, હું તો સાંકડી શેરી શોધવામાં લાગી ગયો. સાંકડી શેરી માણેક ચોકથી નજીક જ છે. તમને પર્ફેક્ટ સમજાવું.
દેવજી સરૈયાની પોળથી સીધા જાઓ એટલે રુગનાથ બંબની પોળ આવે. આ જે રુગનાથ પોળ છે એની બાજુમાં જ સૌરાષ્ટ્ર ફરસાણ હાઉસ છે. આ સૌરાષ્ટ્ર ફરસાણ હાઉસનાં સેવમમરા બહુ વખણાય છે. સેવમમરા જોઈને જ મને ભોંઠા પડી ગયાની ફીલ આવી. શું ચટાકેદાર લાલ રંગ, શું એની સુગંધ! આ સેવમમરા લસણિયાં સેવમમરા છે. સામાન્ય રીતે સેવમમરા હળદરમાં વઘારાયાં હોય, પણ આ લસણિયાં સેવમમરા લાલ મરચામાં વઘાર્યાં હતાં. એમાં લસણ પણ ભરી-ભરીને નાખ્યું હતું. અરે, ખાતી વખતે રીતસર લસણની ફોતરી તમારા મોઢામાં આવે. અંદર નાખેલી સેવ પણ લાલ રંગની અને સહેજ તીખાશવાળી. આ સેવમમરા સાથે તમને પપૈયાનો સંભારો આપે છે, જે મેં સેવમમરા સાથે પહેલી વાર જોયો.
રાજકોટમાં અમુક જગ્યાએ સેવમમરા સાથે ત્યાંની પ્રખ્યાત લીલી ચટણી, જેને બધા ગોરધનની ચટણી કહે છે એ આપ્યાનું મેં જોયું છે પણ બાકી ક્યાંય મેં સેવમમરા સાથે સાઇડમાં કંઈ અપાતું જોયું નથી, પણ અહીં પપૈયાનો સંભારો આપે. સાચું કહું તો એ સંભારો ન આપ્યો હોય તો ચાલે. તમે લુખ્ખાં જ દોઢસો-બસો ગ્રામ સેવમમરા ખાઈ શકો એવાં ટેસ્ટી અને જો સાથે ચા હોય તો ચાનો કપ ખાલી થાય એ પહેલાં તમે બસો ગ્રામ સેવમમરા ઝાપટી ગયા હો એની મારી ગૅરન્ટી.
સેવમમરા સુરેન્દ્રનગરમાં પણ સારાં મળે છે પણ એની વાત ફરી ક્યારેક, અત્યારે વાત કરીએ સૌરાષ્ટ્ર ફરસાણ હાઉસનાં લસણિયાં સેવમમરાની. અહીં રોજેરોજનાં સેવમમરા બને છે, જેને લીધે એની ક્રન્ચીનેસ એકદમ જળવાયેલી છે. તીખાશ ખરી, પણ એટલી પણ નહીં કે તમારી જીભ તતડી જાય. જેતપુરમાં બસ-સ્ટૅન્ડની સામે મળતાં લસણિયાં સેવમમરા તો એટલાં તીખાં કે તમે બે બુકડા ખાઓ કે તરત તમારે એક ગ્લાસ પાણી પીવું પડે. એટલું તીખું પણ સારું નહીં. એ વાત જુદી છે કે કેટલાક લોકો ખાય છે, પણ બધું મર્યાદામાં સારું. જોકે લસણિયાં સેવમમરા ખાવામાં મર્યાદા નહોતી રાખી એ પણ એટલું સાચું.
પેટ ભરીને ત્યાં સેવમમરા ખાધાં અને પછી મારી સાથે પણ બંધાવી લીધાં જેથી ભૂખ લાગે ત્યારે હોટેલ પર હું ખાઈ શકું. તમને પણ કહું છું. અમદાવાદ જાઓ ત્યારે ભૂલ્યા વિના આ સાંકડી શેરીનાં સેવમમરા ટ્રાય કરજો. ગૅરન્ટી મારી, ખાધા પછી તમે એક પૅકેટ બંધાવીને સાથે લેતા આવશો. હા, અહીં બીજી વરાઇટી પણ મળે છે, પણ લસણિયાં સેવમમરા એક નંબર.