Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આ રીતે થાય સીઝનની પહેલવહેલી કેરીનું સ્વાગત

આ રીતે થાય સીઝનની પહેલવહેલી કેરીનું સ્વાગત

15 April, 2021 01:25 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

ઉનાળાની શરૂઆત સાથે મીઠીમધુરી કેરી બધાને પ્રિય છે. ગુજરાતીઓનાં ઘરોમાં સીઝનની ફર્સ્ટ મૅન્ગોને ખાસ રીતિરિવાજો સાથે જોડી દેવામાં આવે છે ત્યારે વાચક બિરાદરો પાસેથી જાણીએ તેઓ કેવી પ્રથાને અનુસરે છે

દર સીઝનમાં પહેલું મૅન્ગોનું બૉક્સ ઑર્ડર થાય ત્યારે તમામ સ્ટાફ મેમ્બર્સ માટે પણ આવે જ

દર સીઝનમાં પહેલું મૅન્ગોનું બૉક્સ ઑર્ડર થાય ત્યારે તમામ સ્ટાફ મેમ્બર્સ માટે પણ આવે જ


ગરમી શરૂ થાય એટલે નાના-મોટા સૌકોઈ બજારમાં કેરીના આવવાની રાહ જુએ છે. રસ-પૂરીના જમણવાર વગર ઉનાળાની ઋતુ વીતે નહીં. મુંબઈમાં આમ જુઓ તો બારેમાસ કેરી મળે છે, પરંતુ સામાન્ય રીતે હોલિકાદહન પછી અથવા ચૈત્ર સુદ એકમને ગુઢીપાડવાના દિવસે મધ્યમવર્ગના પરિવારમાં પણ કેરીનું આગમન થઈ જાય છે. કેરીનો પહેલો કરંડિયો ઘરમાં આવે એટલે સ્વાભાવિક છે બધાને ખાવાની ઉતાવળ હોય. જોકે કેરી સાથે આપણે ભાવનાત્મક રીતે જોડાયેલા હોવાથી એમ કંઈ તરત સમારીને ખાવાની છૂટ ન મળે. આ મોંઘેરા મહેમાનની બાકાયદા આગતાસ્વાગતા કરીને આરોગવામાં આવે છે ત્યારે વાચકો પાસેથી તેમના ઘરે આવતી પહેલવહેલી કેરીની કહાણી જાણીએ.

સ્ટાફ મેમ્બરનાં બૉક્સ



સાથે ઑર્ડર થાય


બિઝનેસમાં જે પણ પ્રગતિ કરી છે એમાં સ્ટાફ મેમ્બરોનો રોલ ઘણો મહત્ત્વનો છે તેથી કેરીનું પહેલું બૉક્સ તેમના પરિવાર માટે મોકલવું જોઈએ એવું દૃઢપણે માનતા અને અઢાર વર્ષથી પોતાના આ નિર્ણયને વળગી રહેલા પવઈના પ્રૉપર્ટી ડીલર અતુલ દવે કહે છે, ‘સામાન્ય રીતે દર વર્ષે ગુઢીપાડવાના દિવસે અમારે ત્યાં ફર્સ્ટ કેરી આવે. એ જ દિવસે ડ્રાઇવર સહિત ચાર મેમ્બરના સ્ટાફને બે ડઝન કેરીનાં બૉક્સ આપીએ છીએ. તહેવારના દિવસે ઘરમાં કેરી આવે તો તેમનો પરિવાર હૅપી થઈ જાય. બધા માટે કેરીનો ઑર્ડર સાથે આપવાનો. શરૂઆતમાં કેરી બહુ મોંઘી હોય છે. ઘણી વાર મારી વાઇફ દીપિકા અને સ્ટાફ મેમ્બર પોતે કહે કે પછી આપશો તો ચાલશે, પરંતુ મારું દિલ માને નહીં. અમે ખાઈએ અને ઘરના સભ્ય જેવા સ્ટાફનો પરિવાર કેરી સસ્તી થાય ત્યાં સુધી રાહ જુએ એમાં મજા ન આવે. કેરીવાળો પણ વર્ષોથી બાંધેલો છે. કેટલાં બૉક્સ તૈયાર કરવાનાં છે એની એનેય ખબર છે. આ વખતે બજારમાં કેરી વહેલી આવી જતાં સ્ટાફને અપાઈ ગઈ. મોંઘી મળે કે સસ્તી, ખાવાની સાથે એટલું નક્કી છે. સ્ટાફ મેમ્બર ઉપરાંત મારાં ભાઈ-બહેન અને વાઇફનાં ભાઈ-બહેનના ઘરે પણ કેરી મોકલાવીએ છીએ. આપણા ગુજરાતીઓમાં બહેન-દીકરીના ઘરે કેરી મોકલવાનો રિવાજ છે અને અમને શોખ છે. જોકે રિલેટિવ્સને ત્યાં આખી સીઝનમાં ગમે ત્યારે મોકલી શકાય, એમાં કોઈ નિયમની આવશ્યકતા નથી.’

પ્રથમ ફળ ભગવાનને અર્પણ


મલાડનાં ગૃહિણી યોગિની વર્મા (ક્ષત્રિય સમાજ)ના ઘરમાં જુદી-જુદી અનેક જાતની કેરીઓ ખવાય છે. ચીકુવાડીમાં બજાર ભરાય ત્યારે તેઓ મણ ભરીને કાચી કેરી લેતાં આવે અને ઘરમાં જ પકવે. જોકે રાજાપુરી અને કેસર જેવી અઢળક વરાઇટી આવવાને વાર હોય એ પહેલાં ચૈત્રી નોરતાંમાં આફૂસ કેરી આવી જાય. તેઓ કહે છે, ‘ઘરે કેરી લાવીએ તો પહેલાં ભગવાનને ધરીને પ્રાર્થના કરીએ કે આ મોસમનું પહેલું ફળ તમને અર્પણ કરીએ છીએ એને પ્રેમથી સ્વીકારજો. આ ફળની જેમ અમારા જીવનમાં પણ હંમેશાં મીઠાશ લાવજો. જેવી ઉષ્ણતા કેરીમાં છે એવી અમારા દરેકના અંતરમાં એકબીજા પ્રત્યે પ્રેમની તેમ જ પોતાપણાની ઉષ્ણતા ભરજો, કારણ કે કેરીને પાકવા માટે પણ ઉષ્ણતાની જરૂર હોય છે ત્યારે જ એ મીઠી અને રસાળ બને છે. પાકેલી કેરીને ભગવાનને ધરી ખાવાના ઉપયોગમાં લઈએ છીએ. ચીકુવાડીમાંથી કાચી કેરી ન આવે ત્યાં સુધી અમે તૈયાર આફૂસ જ ખાઈએ. ઘરમાં પકવેલી પ્રથમ કેરી ડોમેસ્ટિક હેલ્પર તેમ જ કચરો લેવા આવતા સ્વચ્છતા કર્મચારીને આપીએ. તેઓ પણ આપણી પાસેથી કેરી લેવાના હકદાર છે. એ પછી તો કેટલીય કેરી ખવાઈ જાય ને વહેંચાઈ પણ જાય. ગુજરાતમાં મુંબઈ જેવી આફૂસ મળતી નથી તો નણંદને પણ કુરિયર મારફત મોકલીએ. અને હા, સીઝનમાં રસ-પૂરીના બે-ત્રણ જમણવાર પણ થાય.’

દેરાસરમાં મૂક્યા પહેલાં કેરી ન ખાવાની બાધા: કિરણ શાહ, ઇન્શ્યૉરન્સ ઍડ્વાઇઝર

અમે લોકો ચુસ્તપણે જૈન ધર્મનું પાલન કરીએ છીએ. જૈનિઝમ પ્રમાણે કારતક સુદ પૂનમ પછી ગમે ત્યારે કેરી લાવી શકાય અને આર્દ્રા નક્ષત્ર બેસે એટલે કેરીનો ત્યાગ કરી દેવાનો હોય. અમારા ઘરમાં બધાને કેરી બહુ ભાવે છે તેથી ઘણી વહેલી આવી જાય. વિરારના ઇન્શ્યૉરન્સ ઍડ્વાઇઝર કિરણ શાહ ફર્સ્ટ કેરીના આગમન વિશે વાત કરતાં કહે છે, ‘જ્યારે પણ ઘરમાં કેરી આવે સૌથી પહેલાં દેરાસરમાં જઈને ભગવાનને ધરવાની. દેરાસરમાં કેરી મૂક્યા પહેલાં ન ખાવાની ઘરમાં ત્રણ જણની બાધા છે. ઘણી વાર એવું બને કે બજારમાંથી તૈયાર આમરસ લઈ આવ્યા હોઈએ અથવા કોઈને ત્યાં પ્રસંગમાં જમણવારમાં કેરીનો રસ હોય. એ સમયે ઘરના બીજા મેમ્બર ખાસ કરીને સંતાનો ખાઈ લે પરંતુ હું, મમ્મી અને બહેન નથી ખાતાં. આ વખતે જોકે પહેલું બૉક્સ મહા મહિનામાં જ આવી ગયું હતું. બારસો-તેરસો રૂપિયે ડઝન હોય તોય મારો ભાઈ લઈ આવે છે. ઘણી વાર લોકો પૂછે પણ ખરા કે તમારે ત્યાં આફૂસ આટલી જલદી આવી ગઈ? ઘરમાં બધા મૅન્ગો લવર્સ છે તેથી છેક સુધી કેરી ખવાય છે.’

Whatsapp-channel Whatsapp-channel

15 April, 2021 01:25 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK