Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > શ્રીલંકા, કોલંબો અને ‘ષણમુગાસ’નું ટેસ્ટી સાઉથ ઇન્ડિયન ફૂડ

શ્રીલંકા, કોલંબો અને ‘ષણમુગાસ’નું ટેસ્ટી સાઉથ ઇન્ડિયન ફૂડ

23 December, 2021 02:13 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

નાટક માટે શ્રીલંકા જવાનું બન્યું અને આવી તક આવે ત્યારે હું તમને કઈ રીતે ભૂલું? જરાય નહીં. લો તમારા માટે આવી ગઈ શ્રીલંકન ફૂડ-ડ્રાઇવ

શ્રીલંકા, કોલંબો અને ‘ષણમુગાસ’નું ટેસ્ટી સાઉથ ઇન્ડિયન ફૂડ

શ્રીલંકા, કોલંબો અને ‘ષણમુગાસ’નું ટેસ્ટી સાઉથ ઇન્ડિયન ફૂડ


શ્રીલંકામાં કોઈ ગુજરાતી નાટક ભજવાયું હોય એવું અગાઉ ક્યારેય બન્યું નથી, પણ આ વખતે બની ગયું. ગયા વીકમાં શ્રીલંકામાં મારા નાટકનો શો ગોઠવાયો અને ટીમ સાથે હું શ્રીલંકા રવાના થયો. ત્યાં ગૉલ નામનું ડિસ્ટ્રિક્ટ છે, જ્યાં હમ્બનટોટા નામના શહેરમાં અમારો શો હતો. આ હમ્બનટોટા શ્રીલંકાનું ગોવા છે અને હવાફેર કરવાની જગ્યા છે. આપણે જેમ ગોવા કે અલીબાગ ફરવા જઈએ એમ શ્રીલંકન અને બીજા ટૂરિસ્ટો આ હમ્બનટોટા ફરવા જાય.
હું તો આ આખા શ્રીલંકાને હવાફેર કરવાનું સ્થળ ગણું છું અને ગણાય પણ શું કામ નહીં. આખા દેશની ચારે બાજુએ દરિયો જ દરિયો અને એકેક વ્યુ જુઓ તમે સાહેબ. તમને કમ્પ્યુટરનાં વૉલપેપર ફિક્કાં લાગે. ઍનીવે, મુંબઈથી ફ્લાઇટ પકડીને પહેલાં કોલંબો અને ત્યાંથી ત્રણ કલાકની ડ્રાઇવ કરી અમે હમ્બનટોટા પહોંચ્યા. શો કરીને અમારે બીજા દિવસે નીકળી જવાનું હતું, પણ મેં એમાં ચેન્જ કર્યો અને એક દિવસનું રોકાણ વધારી હું અને મારો સાથી કલાકાર કરણ ભાનુશાળી કોલંબો રોકાયા. ઇરાદો એવો કે નવા દેશમાં આવ્યા છીએ તો એકાદ દિવસ રોકાઈએ અને શહેર જોઈએ. મિત્રો, મને અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, દુબઈ કે આફ્રિકાનો બહુ મોહ નથી. સેંકડો વાર હું ત્યાં જઈ આવ્યો છું. જોકે શ્રીલંકાની મારી આ પહેલી ટૂર હતી એટલે સહેજે દેશ જોવાની ઇચ્છા થઈ આવે. તમને થશે કે એ બધું બરાબર, પણ આમાં અમારી ફૂડ-ડ્રાઇવ ક્યાં? 
સાહેબ, એના જ માટે તો રોકાવું હતું મારે શ્રીલંકામાં. નવા દેશની ફૂડ-ડ્રાઇવ લઈ આવવાનું મારું એક્સાઇટમેન્ટ ચરમસીમા પર હતું. મનમાં હતું કે મિનિમમ ત્રણ-ચાર વરાઇટી તો હું તમારા માટે લાવીશ જ. જોકે હું નિરાશ થયો, કારણ કે લગભગ આખા શ્રીલંકામાં સાઉથ ઇન્ડિયન ફૂડ જ ખવાય છે. ઇડલી, ઢોસા, મેંદુવડાં અને એવી જ વરાઇટી લોકોના ફૂડમાં હોય. આપણે જેને સાઉથ ઇન્ડિયન વરાઇટી કહીએ છીએ એને એક બન્ચમાં ન ગણવી જોઈએ, કારણ કે આ જે સાઉથ ઇન્ડિયન ફૂડ છે એ તમે તામિલનાડુમાં ખાઓ તો એનો ટેસ્ટ અલગ છે તો આંધ્રમાં પણ એ ટેસ્ટ બદલાઈ જાય. કર્ણાટકમાં પણ એ ટેસ્ટમાં ફરક જોવા મળે અને કેરલા જાઓ તો ત્યાં પણ સ્વાદ બદલાઈ જાય. ઇન્ગ્રેડિયન્ટ્સ અને બનાવવાની રીત તો કારણભૂત ખરાં જ, સાથોસાથ પાણીને લીધે બદલાતો સ્વાદ પણ રીતસર ખબર પડે. હા, પાણીનો સ્વાદ અને પાણીની કમાલ. પાણીની કમાલ કેવી હોય એનો એક દાખલો આપું. પેંડામાં શું-શું વપરાય? દૂધ અને ખાંડ. આ બે જ વરાઇટી વપરાતી હોય તો પણ રાજકોટમાં પેંડા બને એનો સ્વાદ અલગ અને મુંબઈમાં પેંડા બને એનો સ્વાદ જુદો. બધી વરાઇટીમાં એવું છે. ચણાનો લોટ અને મીઠું એમ બે જ આઇટમથી ખમણ બને, પણ સુરતનાં ખમણ જુદાં હોય અને મુંબઈનાં ખમણ જુદાં હોય. આ જે ચેન્જ આવે છે એ પાણીની કમાલ છે. પાણીને કારણે બદલાતા સ્વાદ પર મારે વિગતવાર આર્ટિકલ કરવો છે, પણ એ ફરી ક્યારેક. અત્યારે કોલંબોમાં ફૂડ-ડ્રાઇવ કરી લઈએ.
આખું કોલંબો કુલ પંદર ઝોનમાં વહેચાયેલું છે. શહેરમાં ફરતાં-ફરતાં અમને ભૂખ લાગી એટલે અમે ડ્રાઇવર ગામિનીને કહ્યું કે હવે અમને કોઈ સારી અને સ્થાનિક વેજિટેરિયન રેસ્ટોરાંમાં લઈ જા. ડ્રાઇવર અમને ઝોન સિક્સમાં આવેલી ષણમુગાસ નામની રેસ્ટોરાંમાં લઈ ગયો. એકદમ સાદી અને બાપદાદાના જમાનાથી ચાલી આવતી ટ્રેડિશનલ રેસ્ટોરાં. ઇડલી-ઢોસાથી માંડીને ત્યાં સાઉથ ઇન્ડિયન અને નૉર્થ ઇન્ડિયન થાળી પણ હતી. મને થયું કે શ્રીલંકા આવીને પંજાબી ખાણું થોડું ખાવાનું હોય. રોમમાં રસ-પાતરાં જમતાં કે ઇટલીમાં ઇડલીનો સ્વાદ લેતા લોકો મને નથી ગમતા. મેં તો નજર નાખી મેનુમાં દેખાડેલી લોકલ સાઉથ ઇન્ડિયન વરાઇટી પર.
ઇડલી હોય, પણ કુટલી. આ કુટલી શું છે? આપણે તો ઑર્ડર કરી દીધો કુટલીનો. આઇટમ આવી ત્યારે ખબર પડી કે નાની-નાની પેલી મિની ઇડલી હોય એના જેવી જ આ કુટલી હોય. આ કુટલી સાંભારમાં નાખીને આપે. સરસ આઇટમ હતી. કુટલી તો આપણી ઇડલી જેવી જ એટલે એના વિશે વધારે વાત નથી કરતો; પણ હા, શ્રીલંકન સાંભાર ખૂબ જ જાડો હોય. એમાં બધાં શાકભાજી નાખવામાં આવે. મેં પહેલી વાર નાની રીંગણી જોઈ. રીંગણા જેવી જ, પણ એની સાઇઝ લીલી દ્રાક્ષ જેવડી. કહો કે એકાદ વેઢા જેટલી. આપણે ત્યાં સાંભારમાં સરગવાની સિંગ હોય, પણ શ્રીલંકામાં એ નથી નાખતા. કુટલી જેવી જ સ્ટફ્ડ કુટલી હોય છે, જેમાં ઇડલીની અંદર સમારેલાં વેજિટેબલ્સનું સ્ટફિંગ હોય છે. આ સ્ટફ્ડ કુટલીને સાંભારને બદલે ચટણી સાથે આપે, પણ કુટલી સાથે ચટણી ન આપે.
કુટલી પછી મેં મગાવ્યો ઘી-મસાલા ઢોસો. ડિટ્ટો આપણા મસાલા ઢોસા જેવો જ. ઢોસા સાથે ટમેટાંની ચટણી અને કોપરાની ચટણી પણ આપે. અહીંનાં ટમેટાંની એક ખાસિયત કહું તમને. એ ટમેટાં તમને ખાટાં નથી લાગતાં. એમાં મીઠાશ હોય અને એનો રંગ લાલાશ પડતો સહેજ કાળો કહેવાય એવો. બટાટાની ભાજીની અરોમા આપણા કરતાં જરાક જુદી. મને લાગે છે કે એનું કારણ શ્રીલંકામાં થતાં તજ અને મરી હશે. શ્રીલંકન ફૂડમાં તજ અને મરીનો ઉપયોગ છૂટથી થાય અને ખાસ તો સી-ફૂડમાં.
ઘી-મસાલા ઢોસા પછી મગાવી ફિલ્ટર કૉફી. પહેલી ચૂસકી લીધી અને મિત્રો, એવું જ લાગે જાણે કે તમે માટુંગાની એકાદ ઓરિજિનલ ઉડિપી રેસ્ટોરાંમાં બેઠા છો. આ બધી વાતો કરતી વખતે તમારા મનમાં બિલ જાણવાની તાલાવેલી હશે. રેસ્ટોરાંમાં હું, કરણ અને અમારો ડ્રાઇવર અમે ત્રણ જણ જમ્યા અને બિલ આવ્યું ૨૬૦૦ શ્રીલંકન રૂપિયા. ઇન્ડિયન સો રૂપિયા બરાબર શ્રીલંકન બસ્સો સિત્તેર રૂપિયા એટલે ઇન્ડિયન કરન્સી મુજબ અંદાજે ૯૯૦ રૂપિયા જેટલું બિલ આવ્યું. પ્રમાણમાં સસ્તું જ કહેવાય આ ફૂડ અને એની સામે સ્વાદ આલા દરજ્જાનો. ચોખ્ખાઈ પણ એટલી જ સરસ અને એમ્બિયન્સ ટ્રેડિશનલ. જો ક્યારેય શ્રીલંકા જવાનું થાય તો કોલંબોના વાલા વટ્ટે વિસ્તારમાં રામક્રિષ્ન રોડ પર આવેલી ષણમુગાસ રેસ્ટોરાંમાં સાઉથ ઇન્ડિયન ટેસ્ટ કરવાનું ચૂકતા નહીં અને હા, જો જાન્યુઆરી પછી શ્રીલંકા જાઓ અને શ્રીલંકન ગવર્નમેન્ટે એલિફન્ટ મિલ્કના ટેટ્રાપૅક વેચવાનું શરૂ કરી દીધું હોય તો એનો પણ ટેસ્ટ અચૂક કરજો. મારે પણ એ મિલ્ક ટેસ્ટ કરવું હતું, પણ તપાસ કરી તો ખબર પડી કે જાન્યુઆરીમાં ઑફિશ્યલ માર્કેટિંગ શરૂ થશે.


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2021 02:13 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK