° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


ત્રિકોણ નહીં, ચોરસ સમોસાં અને બીજાં અઢળક ફરસાણોની સ્વાદ-યાત્રા

03 June, 2021 11:43 AM IST | Mumbai | Sanjay Goradia

ગરમાગરમ જલેબી, કેરીનો રસ, ખમણ અને ખાટાં ઢોકળાં સાથેનું બપોરનું ભોજન માણ્યા પછી થાય કે છોને લૉકડાઉન ચાલતું રહે, આપણે મસ્ત પેટપૂજા કરીને આરામથી સૂઈ જઈએ

પ્લેટમાં દેખાય છે એ એક પણ વરાઇટી ઘરની નથી અને એમ છતાં પણ એ એકેક વરાઇટીનો સ્વાદ ઘર જેવો છે.

પ્લેટમાં દેખાય છે એ એક પણ વરાઇટી ઘરની નથી અને એમ છતાં પણ એ એકેક વરાઇટીનો સ્વાદ ઘર જેવો છે.

જય મા ઑનલાઇન... 
મોબાઇલના સથવારે આપણી ઑનલાઇન ફૂડ ડ્રાઇવ ચાલુ જ છે. આ વખતે આપણો મોબાઇલ જઈને ઊભો રહ્યો સીધો અંધેરી (વેસ્ટ)ના તૃપ્તિ સ્વીટ ઍન્ડ ફરસાણ પર અને સાહેબ, જલસો-જલસો. જઠરાગ્નિમાં સાતેય કોઠે દીવા. તૃપ્તિનું આપણું કંઈ પ્લાનિંગ હતું નહીં પણ એમાં થયું એવું કે મારી બાને મન થયું કેરીનો રસ ખાવાનું. તેમણે મને કહ્યું અને આપણી તો તમને ખબર જ છે. ખાવાનું નામ આવે એટલે બંદા એવરગ્રીન. આપણે તો લીધો સીધો મોબાઇલ હાથમાં અને સ્વિગીમાં સર્ચ કરવાનું શરૂ કર્યું તો આંગળી જઈને ઊભી રહી આ તૃપ્તિ સ્વીટ ઍન્ડ ફરસાણ પર. કેરીનો રસ મગાવ્યો અને પછી જિજ્ઞાસાવશ મેનુ જોવા ગયો અને મેનુ જોઈને સાહેબ, હું તો આભો-આભો થઈ ગયો.
મેં તો ફટાફટ આઇટમ ઍડ કરવાનું શરૂ કર્યું. ખાંડવી ને ખમણ ને લીલી ફરાળી પૅટીસ ને લીલી કચોરી ને સફેદ ખાટાં ઢોકળાં ને સેવખમણી ને ચાઇનીઝ સમોસા ને જલેબી ને સાથે-સાથે બાએ મગાવ્યો હતો એ કેરીનો રસ. કરી દીધો ઑર્ડર અને પછી બંદા સીધા દરવાજે. આંટા ચાલુ આપણા તો. ક્યારે આવે સ્વિગી-બૉય ને ક્યારે પેટપૂજા કરું. મન તો ગરમાગરમ ફાફડાનું પણ હતું પણ બ્રેકફાસ્ટનો ટાઇમ નહોતો એટલે એ ટાળી દીધા હતા.
આવ્યું પાર્સલ એટલે ફટાફટ આઇટમો આપણે તો ખોલી. સૌથી પહેલાં હાથમાં લીધી લીલી કચોરી. આ લીલી કચોરી એટલે દોસ્તો, પેલી લીલવાની કચોરી નહીં પણ એમાં લીલો મસાલો હોય. રેગ્યુલર કચોરીમાં સૂકો મસાલો હોય એટલે એ ટકે વધારે. એ પછી આપણે ટ્રાય કર્યાં ચાઇનીઝ સમોસા. પહેલી વાર સમોસા ચોરસ જોયાં. હા, ચાઇનીઝ સમોસા ચોરસ હતાં અને એમાં નૂડલ્સ પણ હોય છે. જો તમને એમ હોય કે સમોસાના ગરમ મસાલા સાથે નૂડલ્સ ખોવાઈ જાય છે તો સાહેબ, ભૂલ છે તમારી. નૂડલ્સનો સ્વાદ પણ આવે અને તમને ખબર પણ પડે કે તમે ચાઇનીઝ સમોસા ખાઓ છો. સેવખમણી પણ અદ્ભુત. તમને સુરતની યાદ અપાવી જાય. જલેબી એકદમ ગરમાગરમ અને ક્રિસ્પી. દાંત બેસાડો એટલે કટક અવાજ સાથે ચણાના લોટની દીવાલ તૂટે અને અંદર રહેલી ચાસણી તમારા મોઢામાંથી વિસ્ફૂરે. એ ચાસણીમાંથી આવતી આછી સરખી કેસરની ખુશ્બૂ તમને બીજી જલેબી લેવા માટે મજબૂર કરે જ કરે.
કેરીના રસની ખાસિયત કહું તમને. આ કેરીના રસમાં પપૈયું ભેળવવામાં નથી આવતું અને સ્વાદ માટે કોઈ એક્સ્ટ્રા શુગર પણ નથી વપરાતી. કેરીનો રસ નૅચરલ છે કે નહીં એની ખાતરી તમને એમાં આવતી આછી સરખી ખટાશ પરથી થાય. એવો જ રસ જાણે તમે ઘરમાં જ કાઢ્યો હોય.
તૃપ્તિના મેનુનો મેં સ્ટડી કર્યો તો મારા ધ્યાનમાં આવ્યું કે ત્યાં ભાતભાતનાં સમોસા મળે છે. મિની જૈન ચાઇનીઝ સમોસા પણ છે અને પનીર સમોસાની સાથોસાથ પંજાબી સમોસા પણ મળે છે. મિત્રો, બધેબધી આઇટમ બિલકુલ ઘર જેવી. ગરમ મસાલાનો તોતિંગ ઉપયોગ નહીં અને કોઈ જાતનું વધારે તેલ નહીં. ઘરમાં બેઠા તમને ક્યારેય ઘર જેવી આઇટમ ખાવાનું મન થાય, સરસ તાજું ફરસાણ ખાવાની ઇચ્છા થાય કે કેરીનો તાજો રસ જોઈતો હોય તો તૃપ્તિ ટ્રાય કરજો, ગૅરન્ટી તમારી જિહ્વા તૃપ્ત થઈ જશે. પણ હા, તમે ઑનલાઇન ઑર્ડર કરવા માટે તૃપ્તિ સર્ચ કરશો તો ઘણીબધી તૃપ્તિ આવશે એટલે તમારે અંધેરી-વેસ્ટમાં લલ્લુભાઈ પાર્ક રોડ પર આવેલી આ ફરસાણની દુકાન પસંદ કરવાની. 

03 June, 2021 11:43 AM IST | Mumbai | Sanjay Goradia

અન્ય લેખો

ફૂડ એન્ડ રેસિપીઝ

સેંકડો એન્ટ્રીઝમાંથી તમારા સુધી ચુનંદા રેસિપીઓ લાવવાનું કામ કર્યું હતું આ જજીઝે

મેગા પ્રાઇઝ વિનર્સને યુનોવાની ઘરઘંટી આપવા સંબંધી જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

27 July, 2021 06:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફૂડ એન્ડ રેસિપીઝ

એક ચમચી પાઉડર = તમારું ભોજન?

યસ, આ મીલ રિપ્લેસમેન્ટ સપ્લિમેન્ટ્સ પાઉડર આજકાલ યુવાનોને બહુ આકર્ષી રહ્યા છે, કેમ કે ૨૦૧૮માં આ સપ્લિમેન્ટનું માર્કેટ ૧૬ અબજ ડૉલર જેટલું હતું જે હવે લગભગ દોઢગણું થવા જઈ રહ્યું છે.

23 July, 2021 12:53 IST | Mumbai | Jigisha Jain
ફૂડ એન્ડ રેસિપીઝ

જાણો કઇ રીતે દેશી ગાયના ઘીનો ઉપયોગ ડાયેટમાં કરવાથી કેટલો ફાયદો થાય છે

એ2 દેશી ગાયના દૂધમાંથી બનેલું ઘી બીજા કોઇ પણ ઘી કરતાં સ્વસ્થ પસંદ છે અને તેમાં ભેંસના દૂધના ઘી કરતાં ઓછી કેલરીઝ હોય છે.

22 July, 2021 04:58 IST | Mumbai | Partnered Content

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK