સોશ્યલ મીડિયામાં ફણગાવેલી નાચણીના દૂધને ડેલિશ્યસ અને હેલ્ધી કહેવામાં આવી રહ્યું છે, શું એ સાચું છે? યસ, નિષ્ણાતોના મતે આ હેલ્ધી ડિશ જરૂર છે
રાગીનું દૂધ
સોશ્યલ મીડિયામાં ફણગાવેલી નાચણીના દૂધને ડેલિશ્યસ અને હેલ્ધી કહેવામાં આવી રહ્યું છે, શું એ સાચું છે? યસ, નિષ્ણાતોના મતે આ હેલ્ધી ડિશ જરૂર છે, પણ શું ખરેખર મૅક્સિમમ પોષણ માટે નાચણીને પલાળી, ફણગાવી, ગ્રાઇન્ડ કરી, ગાળીને પીવાની જરૂર છે ખરી? જાણી લો જવાબ
રાગીને નાચણી પણ કહે છે. એ ખૂબ પૌષ્ટિક છે એ વાતમાં બેમત નથી. સોશ્યલ મીડિયા પર આજકાલ એક રીલ વાઇરલ થઈ રહી છે કે સ્પ્રાઉટેડ રાગીને મિક્સરમાં પીસી લેવી અને પછી મલમલના કાપડમાં દબાવીને એનું દૂધ કાઢી લઈને એ દૂધમાં થોડુંક નારિયેળનું દૂધ અને ગોળ કે મધ ઉમેરીને પીવાથી એ અનેકગણું વધુ પૌષ્ટિક બની જાય છે. અમે આ વાઇરલ પીણા વિશે એક્સપર્ટ પાસેથી વધુ જાણવાનો પ્રયત્ન કર્યો.
ADVERTISEMENT
પોષણયુક્ત મિલેટ
રાગી એક્સ્ટ્રીમલી ન્યુટ્રિશ્યસ મિલેટ છે એમ જણાવતાં કાંદિવલી બેઝ્ડ ડાયટિશ્યન સ્મૃતિ મહેતા કહે છે, ‘રાગી ઇઝ એક્સ્ટ્રીમલી ન્યુટ્રિશ્યસ મિલેટ. મિલેટ શબ્દ તો હજી હમણાં જ ઇન્ટ્રોડ્યુસ થયો છે જ્યારે વડા પ્રધાને ૨૦૨૩ને મિલેટ યર તરીકે ડેડિકેટ કર્યું. પરંતુ આપણે તો જાતજાતના મિલેટ્સ કાયમથી ખાતા આવ્યા છીએ. રાગી કે નાચણી એમાંનું જ એક છે. એ કૅલ્શિયમનો એક્સ્ટ્રીમલી ગુડ સોર્સ છે. રાગી હોય કે કંઈ બીજું, એને સ્પ્રાઉટ કરીએ એટલે કે ફણગાવીએ તો એનાથી પાચન અને પોષક તત્ત્વોનું શોષણ સુધરે છે. ફણગાવવાથી મિલેટ્સમાં વિટામિન Cનું પ્રમાણ વધી જાય છે અને શરીરને એનાં મૅક્સિમમ પોષક તત્ત્વોનો ફાયદો મળે છે. હમણાં સોશ્યલ મીડિયામાં રાગીના દૂધની જે રીલ વાઇરલ થઈ રહી છે એની વાત કરીએ તો રાગીનું દૂધ પણ પૌષ્ટિક હોવાનું, પરંતુ ફણગાવેલી રાગીને મિક્સરમાં પીસીને એનું દૂધ કાઢ્યા પછી જે કૂચો વધે છે એ આપણે ફેંકી દેતા હોઈએ છીએ. એ ફેંકી દીધેલા પોર્શનમાં પોષણનો મોટો જથ્થો વેસ્ટ થઈ જાય છે. એમાં રહેલું ફાઇબર આપણે ગુમાવીએ છીએ. એટલે પર્સનલી હું એવી રીતે દૂધ કાઢવાના મતમાં નથી. સ્પ્રાઉટેડ રાગીને એમ જ જો ખવાય તો એનો ૧૦૦ ટકા ફાયદો આપણને મળશે, કારણ કે આપણે કશું જ વેસ્ટ કરતા નથી. બીજું, આપણે ફૂડને જેટલું પ્રોસેસ કરીએ એટલાં તત્ત્વો ગુમાવતા હોઈએ છીએ. મિક્સરમાં પીસીને દૂધ કાઢવું કે પછી રાંધવું, બન્ને પ્રોસેસનો જ એક ભાગ છે. જોકે કેટલાં તત્ત્વો લૂઝ થાય છે એ સબ્જેક્ટિવ છે. એવી રીતે પણ થોડુંઘણું નુકસાન અને દૂધ કાઢ્યા પછી વધેલો ભાગ ફેંકી દઈએ એ વધારાનું નુકસાન થાય છે. બીજું, દૂધ કાઢવું એ એક ટાસ્ક છે. પછી એવું પણ થાય કે કન્વીનિયન્સ માટે બેચાર દિવસનું દૂધ એકસાથે કાઢીને મૂકી દઈએ તો કોઈ અર્થ નથી. હા, તમને એ દૂધનો ઉપયોગ કરવો હોય તો રોજ તાજેતાજું બનાવવું અને યુઝ કરવું. આ બધાં પાસાં છે જે વિચારવાનાં રહે છે. કંઈ પણ પીવા કરતાં ખાવું એ બેટર ઑપ્શન છે. રાગી, કોકોનટ મિલ્ક ગોળ કે મધ નાખીને પીધું પરંતુ એક-દોઢ કપ પીધા પછી પણ પેટ ભરાવાની ફીલિંગ આવતી નથી અને થોડી વારમાં પાછી ભૂખ લાગી જવાની શક્યતા રહેલી છે. એના કરતાં તમે રાગીની એક રોટલી શાકની સાથે ખાશો તો જમ્યા જેવી ફીલિંગ આવશે. લિક્વિડ લેવામાં કૅલરી ઇન્ટેક વધી જાય છે. વેઇટ લૂઝ કરવાનો પ્રયત્ન કરતા લોકોએ આ બાબતે વિચારવું પડે. જેમને ડાયાબિટીઝ હોય તેમણે પણ વિચારવું. લિક્વિડ ફૉર્મમાં એનો ગ્લાઇસીમિક ઇન્ડેક્સ વધી જાય છે એટલે બ્લડમાં શુગર સડન્લી બૂસ્ટ થાય. આ જ રાગી ફાઇબર સાથે એટલે કે જો એની રોટલી, ખીચડી કે ઢોસા બનાવીને ખાઈએ તો શુગર ધીમે-ધીમે વધે છે. સીધી ભાષામાં સમજીએ તો જેમ ફ્રૂટ જૂસ પીવાથી બ્લડમાં શુગર ફટ દઈને વધે છે પરંતુ એની સામે તમે ફ્રૂટ્સ સમારીને ખાશો તો શુગર લેવલ તરત નહીં વધે એમ જ.’
નાનાં બાળકો માટે રાગી
નાનાં બાળકો માટે રાગી બેસ્ટ છે. એમ જણાવતાં સ્મૃતિ મહેતા કહે છે, ‘રાગીને પલાળી, ફણગાવીને પછી સન ડ્રાય કરીને રોસ્ટ કરી લેવી. ત્યાર પછી પીસી લેવી. એ લોટની રાબ બાળકો માટે ખૂબ પૌષ્ટિક હોય છે. બાળક છએક મહિનાનું થાય ત્યારે અમે રાગીથી સ્ટાર્ટ કરાવતાં હોઈએ છીએ. અન્ય અનાજ પિસાવીએ એમ રાગીનો લોટ પિસાવીને રોટલા કે રોટલી બનાવી શકાય, ખાખરા બનાવી શકાય, એમાં વેજિટેબલ્સ સ્ટફ કરીને પરાઠાં બનાવી શકાય. રાગીને ઓવરનાઇટ પલાળીને પછી પીસીને ખીરું બનાવીને એના ઢોસા પણ ઉતારી શકાય. સાઉથ ઇન્ડિયન લોકો ઢોસા તો બનાવે જ છે પણ સાથે રાગીની ઇડલી પણ બનાવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો જો રાગીના રોટલા કે રોટલી ન ખાતા હોય તો આ એક બેસ્ટ ઑપ્શન છે. રાગીનાં બિસ્કિટ અને કુકીઝ પણ બહુ જ સરસ બને છે પરંતુ ઇન જનરલ વાત કરીએ તો આપણે જે કંઈ ખાતા હોઈએ એમાં વરાઇટી ઍડ કરવી જોઈએ, તો જ એનો મૅક્સિમમ બેનિફિટ મળી શકે છે. પછી એ ફ્રૂટ્સ હોય, વેજિટેબલ્સ હોય કે પછી મિલેટ્સ હોય. તમને ભીંડાનું શાક ભાવે છે અને તમે અઠવાડિયાના સાતેસાત દિવસ એ જ ખાઓ છો કે પછી સફરજન તમારું ફેવરિટ છે અને તમે ફ્રૂટના નામે માત્ર એ જ ખાઓ છો તો ગુણકારી હોવા છતાં એના ગુણનો ભરપૂર લાભ તમને નહીં મળે. વારાફરતી બધાં જ ફ્રૂટ્સ અને વેજિટેબલ્સ કૉમ્બિનેશનમાં ખાવાં જોઈએ. એવી જ રીતે મિલેટ્સનું પણ છે. માત્ર રાગી જ ખાધા કરીએ એવું નહીં; અઠવાડિયાના એકાદ-બે દિવસ રાગી ખાધી, એકાદ દિવસ બાજરો ખાધો તો એકાદ દિવસ ઘઉં કે જુવાર. શરીરને ભરપૂર પોષણ મળી રહેશે. અને હા, સોશ્યલ મીડિયા પર આવતી કોઈ પણ વસ્તુને બ્લાઇન્ડ્લી ફૉલો કરતાં પહેલાં વ્યવસ્થિત સમજી અને વિચારી લેવું.’
આયુર્વેદ શું કહે છે આ બાબતે?
રાગીને સંસ્કૃતમાં મધુલિકા કહેવામાં કહેવાય છે કારણ કે એનો રસ મધુર છે એમ જણાવતાં મલાડનાં આયુર્વેદાચાર્ય રાજેશ્વરી બુચ કહે છે, ‘રાગીનો રસ આયુર્વેદની દૃષ્ટિએ તો કષાય (તૂરો) અને મધુર છે ને ગુણ રુક્ષ છે એટલે કે મેદ ઓછો કરનાર છે. આ ઉપરાંત એની અંદર ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે. એ ગ્લુટન-ફ્રી પણ છે જેથી ઘઉંને લીધે ઍલર્જી થતી હોય તેના માટે રાગી યોગ્ય છે. એનો ગ્લાઇસીમિક ઇન્ડેક્સ પણ લો છે અને એટલે જ એ ડાયાબિટીઝમાં પણ ઉપયોગી છે. રાગીમાં વધારે પ્રમાણમાં ફાઇબર હોવાથી અને રુક્ષ ગુણ હોવાથી એ વજન ઓછું કરવામાં મદદ કરે છે. વજનને લીધે ઉત્પન્ન થતા રોગો જેમ કે હૃદયના રોગો, પૉલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ (PCOD), કૅન્સર, ડાયાબિટીઝમાં રાગી ફાયદાકારક છે. આ ઉપરાંત એની અંદર ફાઇટેટ્સ અને પૉલિફિનૉલ્સ જેવાં ઍન્ટિઑક્સિડન્ટ્સ છે જે કૉલેસ્ટરોલ ઓછું કરે છે. રાગી કૅલ્શિયમ અને મૅન્ગેનીઝનો રિચ સોર્સ છે. ૧૦૦ ગ્રામ રાગીમાં ૩૦૦થી ૩૫૦ મિલીગ્રામ કૅલ્શિયમ મળે છે. કૅલ્શિયમની ડેફિશિયન્સી હોય તેમને રાગી ખાવાથી ઘણી રાહત રહે છે. એમાં ગાબા રિસેપ્ટર્સ હોય જે જ્ઞાનતંતુની નબળાઈ દૂર કરે છે. જેને ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશન રહેતાં હોય એ લોકો માટે પણ રાગી ઉપયોગી થાય છે.
કોણે ન લેવી જોઈએ?
‘જેમની વાયુ પ્રકૃતિ હોય અથવા ઉંમરને કારણે જેમને વાયુ વધતો હોય, ઑસ્ટિયોઆર્થ્રાઇટિસ હોય તેમણે તેમ જ વાર્ધક્યજન્ય રોગોમાં રાગી ન લેવી જોઈએ. એવું જણાવતાં ડૉ. રાજેશ્વરી બુચ કહે છે, ‘જેમને કબજિયાત રહેતી હોય, મળ સુકાઈ જતો હોય એ લોકોએ પણ ન ખાવી અને જો ખાવી જ હોય તો કોઈ પણ હેલ્ધી ફૅટ સાથે ખાવી. જેમ કે ગાયનું ઘી કે તલનું તેલ. રાગીનો ગુણધર્મ રુક્ષ છે એટલે એ શરીરની અંદર રુક્ષતા પેદા કરે છે. રાગીમાં ગોઇટ્રોજેનિક ફૅક્ટર છે જે થાઇરૉઇડના હૉર્મોન માટે અવરોધરૂપ છે. થાઇરૉઇડની સમસ્યા હોય તેમના માટે રાગી ખાવાનું સલાહભર્યું નથી. ખાવી જ હોય તો સાથે લીલી શાકભાજી કે પ્રચૂર પ્રમાણમાં દાળ અને યોગ્ય પ્રમાણમાં ઘી લઈ ઉપયોગ કરી શકાય છે.’
આ રીતે પણ ઉપયોગ કરી શકાયઃ ડૉ. રાજેશ્વરી બુચ
આ મિલેટ ઘણાને ભાવતું નથી તેમ જ રુક્ષ તાસીર હોવાને કારણે રાગીની રોટલી પણ શુષ્ક બને છે. એનો ઉપાય છે. ઊકળતા પાણીમાં જે રીતે પાપડનું ખીચું બનાવીએ એમ રાગીનું ખીચું બનાવવું અને પછી એ લોટની રોટલી બનાવવી. એની અંદર મસાલા અથવા શાકભાજી નાખીને પરાઠાં કે થેપલાં બનાવી શકાય. ત્રણ ભાગ રાગી અને એક ભાગ અડદની અથવા મગની દાળ લઈ એનું ખીરું કરી ઇડલી બનાવી શકાય. શાકભાજી નાખીને વેજિટેબલ ઇડલી બનાવી શકો. આ જ ખીરાના ઢોસા ઉતારી શકો. એ ઉપરાંત જો ડાયાબિટીઝ કે એવું ન હોય અને ફક્ત શક્તિ માટે ટૉનિક તરીકે લેવું હોય તો રાગીનો શીરો, રાબ કે દૂધપાક બનાવી શકાય. રાગીનું સત્ત્વ પણ ખૂબ પોષણયુક્ત હોય છે. જે બાળકોનું વજન કે હાઇટ ન વધતી હોય તેમને રાગીનો શીરો કરીને અથવા રાગી ઘીમાં શેકીને દૂધપાક બનાવીને આપી શકાય. આયુર્વેદ પ્રમાણે રાગીની તાસીર બહુ ગરમ પણ નથી ને બહુ ઠંડી પણ નથી. એટલે આ મૅજિક મિલેટનો ઉપયોગ બારેમાસ કરી શકાય છે, પણ ઘી અથવા તલના તેલ સાથે જ. ઘી અથવા તેલ લગાવવાથી એનાં ઍન્ટિન્યુટ્રિશનલ ફૅક્ટરથી બચી શકાય છે. સાચું પૂછો તો મિલેટ્સને સ્પ્રાઉટ કરીને લેવાથી એની અંદર હાઇડ્રોજન સાઇનાઇડ નામનું તત્ત્વ ઉત્પન્ન થાય છે જે ટૉક્સિક હોય છે. એટલે સ્પ્રાઉટ ન કરવા હિતાવહ છે.

