માસ્ટર શેફ ઇન્ડિયા સીઝન થ્રીમાં વેજિટેરિયન શેફ તરીકે ડંકો વગાડનારાં અને રનર-અપ રહી ચૂકેલાં શેફ નેહા શાહે ઑરેન્જ કફસિરપની આવી અળવીતરી રેસિપી ઉધરસ માટે શૅર કરી હતી
પ્રતીકાત્મક તસવીર
માસ્ટર શેફ ઇન્ડિયા સીઝન થ્રીમાં વેજિટેરિયન શેફ તરીકે ડંકો વગાડનારાં અને રનર-અપ રહી ચૂકેલાં શેફ નેહા શાહે ઑરેન્જ કફસિરપની આવી અળવીતરી રેસિપી ઉધરસ માટે શૅર કરી હતી. જોકે જોવામાં યુનિક લાગતી આ ચીજ ખરેખર ખાંસી-ઉધરસમાં ફાયદો કરશે કે નહીં એ વિશે નિષ્ણાતો જરાય સહમત નથી
શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ નબળી થવાથી શરદી-ઉધરસની સમસ્યા થવી બહુ કૉમન ગણાય છે, પણ જો સમયસર એનો ઉપચાર કરવામાં ન આવે તો એ હેરાનગતિ લંબાયા જ કરે છે. સામાન્યપણે આપણે ઉધરસ થાય તો ડૉક્ટર પાસે જતાં પહેલાં આપણે કેટલાક ઘરગથ્થુ નુસખાઓ જ અજમાવી જોતા હોઈએ છીએ. ઘણી વાર ઘરગથ્થુ કાઢાઓથી રાહત પણ થઈ જતી હોય છે.
ADVERTISEMENT
આવા જ એક કાઢાની રેસિપી ‘માસ્ટરશેફ ઇન્ડિયા સીઝન થ્રી’માં વેજિટેરિયન શેફ તરીકે ડંકો વગાડનારાં અને રનર-અપ રહી ચૂકેલાં શેફ નેહા શાહે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે. વિડિયોમાં તેમણે એક સંતરાને કાપીને વચ્ચેથી એનો થોડો પલ્પ કાઢી એમાં એક નાની ચમચી મીઠું, અડધી ચમની હળદર, એક-એક ચપટી કાળાં મરી અને તજ નાખીને ગૅસ પર ગરમ થવા દીધું અને પછી ઠંડું થયા બાદ એમાં મધ મિક્સ કરીને એને ખાધું હતું. આ સિરપથી કફની સમસ્યા દૂર થાય છે એવો દાવો પણ તેમણે કર્યો હતો. પોતે બનાવેલા સિરપનો અનુભવ શૅર કરતાં સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયાથી મારી તબિયત સારી નહોતી અને આ દરમિયાન મેં ઘરે એક સિરપ બનાવીને પીધું તો ઉધરસ ઠીક થવામાં મને રાહત મળી હતી. જોકે તેમના આ દાવાઓ વિશે ડાયટિશ્યન અને ડૉક્ટરોના પ્રતિસાદ સામે આવી રહ્યા છે.
શું કહે છે એક્સપર્ટ?
આ વાઇરલ ઑરેન્જ સિરપના કન્સેપ્ટને વખોડતાં ચેમ્બુરનાં ડાયટિશ્યન મેઘા જૈન કહે છે, ‘પહેલી વાત તો ગૅસની ફ્લેમના ડાયરેક્ટ કૉન્ટૅક્ટમાં કોઈ પણ ખાદ્ય પદાર્થને આવવા દેવા એ સ્વાસ્થ્ય માટે જોખમી છે. ગૅસમાં રહેલાં કેમિકલ્સ સીધાં એના સંપર્કમાં આવવાથી એ આરોગ્ય માટે નુકસાનકારક માનવામાં આવે છે. નવી-નવી ચીજો ટ્રાય કરવામાં વાંધો નથી, પણ સંતરાને ગૅસની ફ્લેમમાં રાખીને એમાં મસાલા નાખીને સિરપનું નામ આપી દો અને એનાથી ગમેતેવી ઉધરસ હોય એ ઠીક થઈ જશે એવું કહીને લોકોને ભ્રમિત કરો એ ખોટું છે. આ સિરપ પીવાથી માઇલ્ડ ઉધરસ હોય એ ઠીક થઈ શકે પણ એમાંય કોઈ ગૅરન્ટી નથી. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે સંતરામાં વિટામિન C ભરપૂર પ્રમાણમાં હોય છે. એને ડાયરેક્ટ ગૅસની ફ્લેમ પર રાખવાથી એમાં રહેલું વિટામિન બળી જાય છે. જો એ જ બળી જાય તો એમાં ઍડ કરવામાં આવેલા મસાલા એટલે કે મીઠું, હળદર અને તજના ગુણધર્મો પણ શરીરને ફાયદો આપતા નથી. જો આ સિરપ ખરેખર ઉધરસને ઠીક કરે છે તો એના કોઈ ઠોસ પુરાવા નથી તેથી ડૉક્ટર્સ પણ એનું સેવન કરવાની સલાહ આપતા નથી. કફ કે ઉધરસમાં સંતરાં ખાવાની જ મનાઈ કરવામાં આવે છે, કારણ કે એમાં ઍસિડિટીના પણ ગુણધર્મ હોવાથી ગળાના ઇન્ફેક્શનને કે કફને હીલ થવા દેતા નથી. આ ઉપરાંત એમાં નખાયેલા હળદર, કાળાં મરી અને તજ ગરમ મસાલા કહેવાય. ઍસિડની સાથે ગરમ મસાલાનું કૉમ્બિનેશન સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. તેથી ઇન્ટરનેટ પર વાઇરલ થયેલો કફ અને ઉધરસ માટેના આ નુસખાને ઘરે ટ્રાય કરવાની સલાહ હું આપતી નથી.’